વર્તન-જનીનવિજ્ઞાન (Human Behavioural Genetics)
January, 2005
વર્તન-જનીનવિજ્ઞાન (Human Behavioural Genetics) : માનસિક વલણો તથા વર્તણૂક અંગેની સમજૂતી આપતું જનીનવિજ્ઞાન. આ વિજ્ઞાન સૌપ્રથમ ‘સુપ્રજનનવાદ’ની ચળવળ સાથે સંકળાયેલું ગણાતું, જેનો પાયો ઓગણીસમી સદીમાં ફ્રાન્સિસ ગાલ્ટને નાંખેલો. સુપ્રજનનવાદ માનવીની સુધારેલી ઉત્તમ પ્રકારની નસ્લ(સંતતિ)ના પ્રજનન માટેની આવદૃશ્યકતા ઉપર ભાર મૂકતો. શારીરિક-માનસિક અસાધ્ય રોગ કે ખોડખાંપણવાળી વ્યક્તિઓને સંતતિનિર્માણ કરતાં રોકવી તથા સ્વસ્થ અને સારી આનુવંશિક ગુણવત્તાવાળી વ્યક્તિઓને વધુ સંતાનો પેદા કરવા પ્રોત્સાહિત કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવાનો સુપ્રજનનવાદીઓ આગ્રહ રાખતા.
આ સુપ્રજનનવાદની ચળવળ કેટલીક ખૂબ જ પૂર્વગ્રહવાળી વ્યક્તિઓ દ્વારા (દા.ત. હિટલર) નિષ્ઠુર કાર્યોમાં પરિણમી. હજી સુધી ચર્ચાસ્પદ આ ચળવળમાં માનવીય વર્તનનો જનીનીય અભિગમ આજે પણ લોકપ્રિય થતો રહ્યો છે.
માનવીય વર્તનના અભ્યાસ માટેની નવી અને સુધારેલી અનેક રીતો હવે પ્રાપ્ય બની છે. વર્તણૂક અંગેના જવાબદાર મનાતાં કેટલાંક પરિમાણાત્મક ગુણ-લક્ષણોનાં સ્થાનની (quantitative trait loci) શોધ થતાંની સાથે જ કેટલાક પ્રખર ટીકાકારોને તેમનો અભિપ્રાય બદલવાની ફરજ પડી છે.
સમલિંગતા (homosexuality), માનસિક બીમારી વગેરે વિવિધ પ્રકારનાં માનવીય વર્તનો ઉપરથી એવો અભિપ્રાય બંધાવા લાગ્યો કે જો આ ગુણ-લક્ષણો(traits)નું મૂળ જનીનીય છે તો તેનાથી અસર પામેલી વ્યક્તિઓનો સામાજિક બહિષ્કાર કરવાને બદલે તેમની ચિકિત્સા કરાવવી જરૂરી બને છે.
આજે હેતુલક્ષી માનસિક ચિકિત્સકો (psychiatrists) તથા વધુ સારી પદ્ધતિઓ ઉપલબ્ધ હોવા છતાં માનવીય વર્તન અંગેના જનીનવિજ્ઞાનનો અભ્યાસ મુશ્કેલભરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. કેટલાંક ગુણ-લક્ષણો અંગેની વ્યાખ્યાઓ ખૂબ જ અપૂરતી છે અને સંભવ છે કે તે વધુ સંકીર્ણ વ્યક્તપ્રરૂપી (phenotype) પ્રકારનાં ગુણ-લક્ષણો પણ હોઈ શકે. (દા.ત., ખંડિત મનસ્કતા, વિચ્છિન્ન ચિત્તવિકાર-schizophrenia). આ ઉપરાંત કેટલાંક લક્ષણોની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. દા.ત., દારૂ પીવાની લત, ગુનાખોર માનસ, આક્રમક વૃત્તિ. આથી વધુ મુશ્કેલી તો એ છે કે વિવિધ આધુનિક અભ્યાસો દ્વારા ચોક્કસ લક્ષણ માટે જવાબદાર જનીનોને અલગ પાડવા અંગેની ખાતરી નથી અને જે અહેવાલો પ્રસિદ્ધ થયેલા તેનું તુષ્ટીકરણ ન થવાથી તે અંગેના દાવાઓ પાછા ખેંચી લેવાયા હતા. એક ઉદાહરણમાં mania-depression-ઉન્માદ-ખિન્નતાની વર્તણૂક માટે જવાબદાર જનીન અમિશ (Amish) જાતિસમૂહની વ્યક્તિઓમાંથી અલગ પડાયાનો દાવો કરવામાં આવેલો; પરંતુ જ્યારે આ અભ્યાસ વધુ ગહનતાથી તપાસાયો ત્યારે એવા નવા કેસો શોધાયા જે કોઈ એક ચોક્કસ સ્થિતિસૂચક સ્થાનબિંદુ (marker locus) સાથે સંકળાયેલા નહોતા. પરિણામ-સ્વરૂપે જે જનીનીય સ્થાનબિંદુ શોધાયેલું તેની કોઈ નિશ્ચિત અગત્ય જ ન રહી.
હાલમાં કેટલાંક કુતૂહલપ્રેરક પરિણામો સૂચવે છે કે છૂટાછેડા લેવાની મનોવૃત્તિ, શબ્દોના અર્થ ન સમજી શકાય તેવો મનોવિકાર (dyslexia) (અપપઠન, વાક્વિકાર) જનીનીય કારકોની અસરને લીધે ઉદભવે છે; દા.ત., હાલમાંના એક અભ્યાસમાં સંશોધકોએ છૂટાછેડા લેવાની મનોવૃત્તિ માટે જવાબદાર જનીનનાં વારસાગત લક્ષણોનો અભ્યાસ કર્યો છે. આનો અર્થ એ નથી કે ‘છૂટાછેડા માટેનાં જનીનો’નું અસ્તિત્વ હોય છે; પરંતુ એમ કહી શકાય કે ચોક્કસ વ્યક્તિ માટે અમુક જનીનો માનવીને છૂટાછેડા લેવા માટે ઉન્મુખ કરે છે. અહીં એ પણ સ્પષ્ટ થવું જોઈએ કે જનીનીય નિયંત્રણ પરત્વે પર્યાવરણ પણ અસરકારક તથા અર્થપૂર્ણ ભાગ ભજવતું જણાયું છે.
એ આશ્ર્ચર્યજનક નથી કે જનીનો મનુષ્યની મોટાભાગની વર્તણૂક ઉપર અસર કરે છે. અનેક પ્રાણીઓ ઉપર કરેલા અભ્યાસ દ્વારા સાબિત થયું છે કે વર્તણૂક ઉપર જનીન-નિયમન હોય છે. માનવીમાં પણ આવું થવું શક્ય છે. માનવીય વર્તન જનીનીય અભ્યાસનો એક મહત્વનો ભાગ છે.
માનવપ્રકૃતિ, ઉછેર તથા બુદ્ધિમત્તા :
ફીનાઇલકીટોન્યુરિયા (ફિ-કીટોનમેટ), ટે-સાક્સ (Tay-Sachs) રોગ, ગૅલેક્ટૉસેમિયા (galactosemia, ગૅલેક્ટો સરક્તતા) અને અન્ય રોગોને કારણે માનસિક ક્ષતિ ઉદભવે છે, જે જનીનોને કારણે થાય છે. આમ છતાં આજ સુધી કોઈ ચોક્કસ જનીનો માનવીની સામાન્ય બુદ્ધિમત્તાના વ્યાપમાં કોઈ ફેરફારો કરે છે કેમ તે અંગે ખાસ કંઈ જાણકારી નથી. આને કારણે બુદ્ધિમત્તા માટેના જનીનીય ઘટકો માત્ર આંકડાકીય (statistical) રીતોથી જ દર્શાવી શકાય છે અને તે પણ જનીનોના પ્રકાર કે સંખ્યાના ચોક્કસ જ્ઞાન વિના.
બુદ્ધિમત્તા કસોટી (I. Q. performance) માટેના પર્યાવરણીય ઘટકો પ્રમાણમાં સહેલાઈથી શોધી શકાય છે અને આમાંના ઘણા જાણીતા પણ છે.
(1) કુટુંબનું કદ : અભ્યાસ સૂચવે છે કે જેમ કુટુંબના સભ્યોમાં બાળકોની સંખ્યા વધુ તેમ પ્રતિ બાળક IQ ઓછો હોય છે. IQની પ્રગતિ બાળકના વિકાસ માટે તેની વ્યક્તિગત સારસંભાળ તથા બાળક ઉપર આપવામાં આવતા ધ્યાન ઉપર અવલંબે છે. એવું જાણવા મળે છે કે જોડિયાં બાળકોનો IQ બિનજોડિયા બાળક કરતાં 5 point ઓછો હોય છે.
(2) સંસ્કૃતિની અસર : IQમાં ફેરફારો દેશના વિવિધ ભાગ ઉપર, જુદી જુદી પ્રજાતિઓ તેમજ કોઈ વાર જુદા જુદા ધાર્મિક સંપ્રદાયો ઉપર અવલંબે છે. સાંસ્કૃતિક ફેરફાર(cultural modification)થી બાળકોનો IQ વધારી શકાયો છે.
(3) પ્રારંભિક વાતાવરણ તથા માતા : જનાવરોના પ્રાયોગિક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે જે પ્રાણીઓ નાની ઉંમરમાં પ્રોત્સાહનથી વિમુખ રખાયાં હોય તેમનામાં બૌદ્ધિક તેમજ સંવેદી અવરુદ્ધતા (મંદતા) જોવા મળે છે. આવાં પ્રોત્સાહનનો આધાર મુખ્યત્વે માતા ઉપર અવલંબે છે.
(4) પોષણજન્ય અસરો (dietary effects) : ભ્રૂણ ઉપર કે તાજા જન્મેલા બાળકના શરૂઆતના વિકાસ તથા વર્તણૂક ઉપર અપપોષણ(malnutrition)ની બહુ મોટી અસર થાય છે.
સમાજ–જૈવિકી (sociobiology) : ઈ. ઓ. વિલ્સન (Wilson) દ્વારા 1975માં ‘Sociobiology – the New Synthesis’ પુસ્તક પ્રગટ થયું. આ પુસ્તકમાં સમાજ-જૈવિકીના મુખ્ય વિવાદોનું વિવરણ કરવામાં આવ્યું છે અને આ વિવાદો અન્ય ક્ષેત્રો – સમાજશાસ્ત્ર (sociology), માનસવિજ્ઞાન (psychology), માનવશાસ્ત્ર (નૃવંશશાસ્ત્ર, anthropology), પ્રાણીવર્તનવિજ્ઞાન (ethology) તથા રાજ્યશાસ્ત્ર (political science) સુધી વિસ્તરે છે. પુસ્તકની મૂળ ભૂમિકા છે કે સામાજિક વર્તન જનીનીય નિયંત્રણ હેઠળ થાય છે. આ પુસ્તકમાંનાં 26 પ્રકરણો પ્રાણીજગતના અભ્યાસ ઉપર આધારિત છે; પરંતુ એક પ્રકરણ ‘માનવ-અસ્તિત્વનો સિદ્ધાંત’ (Theory of human being) વિવાદાસ્પદ બન્યું છે.
વેઇન-એડવર્ડ્સ (Wynne-Edwards) દ્વારા 1962માં લખાયેલું આવું જ એક પુસ્તક ‘‘સામાજિક વર્તન આધારિત પ્રાણી વિસ્તરણ’’ (‘Animal Dispersion in relation to Social Behaviour’) પ્રગટ થયું છે, જેમાં લેખક સૂચવે છે કે પ્રાણીઓ તેમની વસ્તીની બહુલતા(population-density)નું નિયમન પરમાર્થવાદના વર્તન (altruistic behaviour) દ્વારા કરે છે. (પરમાર્થવાદ એટલે પોતાની યોગ્યતાની હાનિનું જોખમ લઈને એવું વર્તન કરવું, જે અન્ય વ્યક્તિની યોગ્યતા સુધારી શકે.); ઉદા., પોતાની જાતિની ખૂબ ભીડભાડવાળી પરિસ્થિતિમાં કેટલાંયે પક્ષીઓ પ્રજનન બંધ કરી દે છે. આ અંગે આ પક્ષીઓ નિ:સ્વાર્થી હતાં એવું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેમની પ્રજનન કરવાની નિષ્ફળતા તેમની જાતિ માટે આવદૃશ્યક હતી. વેઇન- એડવર્ડ્સ આ અંગે એક સિદ્ધાંત (mechanism) રજૂ કરે છે, જેને સમૂહપસંદગી (group selection) કહે છે.
જી. વિલિયમ્સ (Williams) 1966માં તેના પુસ્તક ‘અનુરૂપતા અને કુદરતી પસંદગી’(‘Adaptation and Natural Selection : A critique of some current educationary thought’)માં પરમાર્થવાદ/પરહિતવાદનો અસ્વીકાર કરે છે. તેની દલીલ એવી છે કે જે જીવો પરહિતવાદી વર્તન કરતા નથી તેઓમાં વધુ પ્રમાણમાં કાર્યદક્ષતા રહેશે. આ પુસ્તક પ્રસિદ્ધ થવાથી પોતાની જાતિ માટે સારું કરવાનો પરમાર્થવાદનો વિચાર અસ્વીકૃત બની ગયો છે. જો ખરેખર આમ જ હોત તો દેખીતી પરોપકારવૃત્તિને કેવી રીતે સમજાવી શકાય ? કેવી રીતે સમજાવાય કે ખિસકોલીઓ મોટા અવાજો કરીને તેમના ભક્ષકોને આકર્ષીને પોતાને જોખમમાં મૂકે છે ? શા માટે કીડીઓ, ભમરીઓ અને મધમાખીની વસાહતોમાંનાં માદા કાર્યકરો વસાહત માટે કામ કરવા પોતાનાં પ્રજનનનો પરિત્યાગ કરે છે ? સમાજ-જૈવિકી-સામાજિક વર્તન અંગેની ઉત્ક્રાંતિ-આવા પ્રશ્ર્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન કરે છે.
જ. પો. ત્રિવેદી