વર્તન-ચિકિત્સા (behaviour therapy)
January, 2005
વર્તન-ચિકિત્સા (behaviour therapy) : વ્યક્તિના કુસમાયોજિત વર્તનને ઓળખીને, શિક્ષણ-સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એ વર્તનને બદલનારી ચિકિત્સા. અભિસંધિત પ્રતિક્રિયા તેમજ વર્તનવાદના બીજા ખ્યાલો ઉપર આધાર રાખતી, માનસિક સમસ્યાઓ અને રોગીની એવી ચિકિત્સા, જેનું મુખ્ય ધ્યેય વ્યક્તિની અનિષ્ટ ટેવોને બદલવાનું છે.
આ ચિકિત્સાનો ઉદભવ પાવલૉવના પ્રશિષ્ટ અભિસંધાનનાં અને સ્કિનરના કારક અભિસંધાનનાં સંશોધનોનાં પરિણામોમાંથી થયો છે. સારવાર માટેની આ પદ્ધતિ વ્યક્તિના વર્તનને યોગ્ય રીતે ઘડવાનો અને એમાં ઇચ્છનીય પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે.
વર્તન-ચિકિત્સક મનોવિશ્લેષકની જેમ વ્યક્તિના મનના ઊંડાણમાં રહેલાં અજ્ઞાત કારણો શોધવામાં સમય કે શ્રમનો ‘બગાડ’ કરતો નથી પણ સંપૂર્ણ ધ્યાન અત્યારના પ્રગટ સમસ્યારૂપ વર્તન ઉપર કેન્દ્રિત કરે છે. તે શરૂઆતમાં વ્યક્તિની, વિશિષ્ટ ઉદ્દીપકો સામે વિશિષ્ટ પ્રતિક્રિયા આપવાની જે ટેવો સમસ્યારૂપ બને છે તેમને ઓળખી કાઢે છે. તેમના આધારે ચિકિત્સક દર્દીની સાથે મળીને સારવારનાં લક્ષ્યો નક્કી કરે છે. પછી એ લક્ષ્યોના આધારે વ્યક્તિના વર્તનને બદલવા માટેનો કાર્યક્રમ વિકસાવે છે અને વ્યક્તિની સંમતિ અને સહકાર મેળવીને તેનો ઝડપી અમલ કરે છે. એ રીતે વ્યક્તિના અત્યારના પ્રગટ ખામી ભરેલા વર્તનને દૂર કરે છે અને એની જગ્યાએ વ્યક્તિને નવું ઇચ્છનીય વર્તન શીખવે છે. જૂની ટેવો ભૂલીને નવી ટેવોનો અમલ કરવામાં અવરોધો પણ આવે. તેથી શરૂઆતમાં સરળ, અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરીને તેમાં દર્દીને નવી ટેવનો મહાવરો કરવામાં ચિકિત્સક મદદ કરે છે. એક વાર નવી ટેવ સ્થિર બને, ત્યારપછી વધારે મુશ્કેલ, પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી કરીને તેમાં પણ વ્યક્તિને નવા શીખેલા વર્તનનો અમલ કરવામાં મદદ કરે છે.
વર્તન-ચિકિત્સા કુટેવો ઉપરાંત વ્યક્તિનાં અયોગ્ય મનોવલણો અને આવેગો, ખોટાં પ્રત્યક્ષીકરણો અને અન્ય લોકો સાથેની આંતરક્રિયા કરવાની અયોગ્ય રીતોને સુધારવામાં પણ ઉપયોગી નીવડે છે. મુશ્કેલી ઉપજાવનાર પરિસ્થિતિ પ્રત્યે વધારે અસરકારક અને વધારે સમાયોજક પ્રતિભાવ આપવાનું વ્યક્તિને શીખવાય છે.
વર્તન-ચિકિત્સાના પાયામાં નીચેના શિક્ષણ-સિદ્ધાંતો રહેલા છે :
(1) વર્તન વાતાવરણમાં રહેલાં ઉદ્દીપકો પ્રત્યેની પ્રતિક્રિયા રૂપે હોય છે. (2) પુનરાવર્તન કરવાથી ટેવ મજબૂત બને છે; પુનરાવર્તન બંધ કરવાથી ટેવ નબળી બને છે. (3) પહેલાં નવું ઉદ્દીપક, પછી તરત કુદરતી ઉદ્દીપક. એમ બેને જોડીમાં વારંવાર રજૂ કરવાથી નવા ઉદ્દીપક સાથે પ્રતિક્રિયા જોડાઈ જાય છે. (4) ક્રિયા કર્યા પછી વ્યક્તિને તરત પુરસ્કાર આપવાથી યોગ્ય ક્રિયાનું પુનરાવર્તન થવાની શક્યતા વધે છે. જ્યારે તરત શિક્ષા કરવાથી ખોટી ક્રિયા બંધ થવાની શક્યતા વધે છે. (5) પુરસ્કાર આપવાનું બંધ કરવાથી પહેલાં શીખેલી ક્રિયાનો લોપ થાય છે. શિક્ષા કરવાનું બંધ કરવાથી, રોકી રાખેલી ક્રિયા ફરીથી પ્રગટ થાય છે. (6) મૂળ શીખેલી ક્રિયામાં તબક્કાવાર નાના નાના ફેરફારો કરવામાં આવે તો વ્યક્તિ નવી, વધારે અઘરી ક્રિયા પણ શીખી જાય છે.
વર્તન-ચિકિત્સાની વિશિષ્ટ પ્રવિધિઓ (techniques) નીચે પ્રમાણે છે :
(1) પ્રશિષ્ટ અભિસંધાન આધારિત પ્રવિધિઓ : (ક) ઉપગમનની તાલીમ, (ખ) અસંવેદનીકરણ, (ગ) અસંગત વર્તનની તાલીમ.
(2) કારક અભિસંધાન આધારિત પ્રવિધિઓ : (ક) પ્રતીક વડે તાલીમ, (ખ) નિદર્શન (modeling), (ગ) આકારપ્રદાન, (ઘ) વિલોપન.
ઉપગમનની તાલીમ : જ્યારે માણસ ઇચ્છનીય વર્તન કરવા માંગતો હોય પણ તેમ કરતાં અચકાતો કે ગભરાતો હોય, ત્યારે તેને ઇષ્ટ વર્તન તરફ દોરવા માટે આ પદ્ધતિ વપરાય છે, દા.ત., શરૂઆતમાં ચિકિત્સકની હાજરીમાં પોતાના વિચારો નિખાલસ રીતે વ્યક્ત કરવા વ્યક્તિને પ્રોત્સાહન અપાય છે, પછી કુટુંબના કે વ્યવસાયના બીજા લોકો હોય ત્યાં ચિકિત્સકની હાજરીમાં વ્યક્તિ નિખાલસપણે બોલવા માંડે છે. આમ તેને નિર્ભય રીતે કહેવાની ટેવ પડે છે.
અસંવેદનીકરણ : પોતે વધારે પડતો સંવેદનશીલ હોવાને લીધે ચિંતા કરનારા માણસની ચિકિત્સા કરવા માટે તેની સંવેદનશીલતા દૂર કરાય છે. શરૂઆતમાં, પગથી શરૂ કરીને માથા સુધીના સ્નાયુઓને ઢીલા કરીને પ્રગામી વિશ્રાંતિનો અનુભવ તેને આપવામાં આવે છે. પછી તેને એવી યાદી બનાવવાનું કહેવાય છે, જેમાં ઉદ્દીપકો ક્રમશ: વધારે ને વધારે ચિંતા ઉપજાવનારાં હોય. પછી વ્યક્તિને એમાંથી સૌથી મંદ ઉદ્દીપકની કલ્પના કરવાનું કહેવાય છે. તે વખતે તે શારીરિક-માનસિક રીતે શાંત સ્થિતિમાં હોવાથી ચિંતા થતી નથી. ક્રમિક રીતે તેણે વધારે તીવ્ર ઉદ્દીપકની કલ્પના કરવાની હોય છે. છતાં તેને ચિંતા થતી નથી. આમ, વિશ્રાંતિ દ્વારા સંવેદનશીલતા ઘટાડવામાં આવે છે.
અસંગત વર્તનની તાલીમ (પ્રતિઅભિસંધાન) : વોલ્પે વિકસાવેલી આ પદ્ધતિમાં વ્યક્તિને એવી પ્રતિક્રિયા કરવાનું શીખવાય છે, જે તેની હાલની અયોગ્ય પ્રતિક્રિયા સાથે બંધબેસતી ન હોય. દા.ત., બાળકનો કૂતરા અંગેનો ભય દૂર કરવા માટે તેને કૂતરાની પાસે બેસાડીને મનગમતી વાનગી ખાવા માટે આપવામાં આવે છે. આનું પુનરાવર્તન કરવાથી બાળક ધીરે ધીરે કૂતરાની નજીક બેસીને ભય અનુભવ્યા વગર ખાય છે. અહીં ખાવાની ક્રિયા સાથે બીવાની ક્રિયા અસંગત હોવાથી આખરે તેનો ભય દૂર થાય છે.
પ્રતીક વડે તાલીમ : યોગ્ય વર્તનની ટેવ પાડવા માટે આ રીત વપરાય છે. જ્યારે જ્યારે વ્યક્તિ યોગ્ય વર્તન કરે ત્યારે ત્યારે નિયમિત રીતે એને કાર્ડ, કૂપન કે ધાતુની ચકતી પ્રતીક રૂપે ઇનામમાં અપાય છે. તેની પાસે અમુક સંખ્યામાં (દા.ત., 20) પ્રતીકો ભેગાં થાય ત્યારે તેના બદલામાં તે મોટો પુરસ્કાર મેળવે છે.
નિદર્શન : આ પદ્ધતિમાં વ્યક્તિને યોગ્ય વર્તન શીખવવા માટે એવા વર્તનનો નમૂનો રજૂ કરવામાં આવે છે. નમૂનો જોઈને વ્યક્તિ એનું અનુકરણ કરે છે. નમૂના તરીકે વાસ્તવિક પરિસ્થિતિમાં ખરેખરા સારા વર્તન અથવા અભિનેતા દ્વારા યોગ્ય વર્તનનો કરેલો અભિનય, અથવા સારું વર્તન દર્શાવતું કાર્ટૂન રજૂ કરાય છે.
આકારપ્રદાન : જ્યારે વ્યક્તિ ઇષ્ટ વર્તનથી દૂર ને દૂર રહેતી હોય ત્યારે તેને ઇષ્ટ વર્તનની ટેવ પાડવા માટે આ રીત વપરાય છે. આ પદ્ધતિમાં વ્યક્તિના હાલના વર્તનમાં બહુ જ ધીમે ધીમે ફેરફાર કરવામાં આવે છે, જેથી વ્યક્તિ એનો વિરોધ ન કરે. દા.ત., બીજાની હાજરીમાં મૂંગા રહેતા બાળકને બોલતું કરવા માટે, શરૂઆતમાં તે દસ મિનિટમાં માત્ર એક શબ્દ બોલે તોપણ તેને ઇનામ અપાય છે. પછી બીજે દિવસે બે-ત્રણ શબ્દ બોલે ત્યારે ઇનામ અપાય છે. આમ, દિવસે દિવસે વધારે ને વધારે બોલે ત્યારે પુરસ્કાર આપવામાં આવે છે. આખરે તે બીજાં બાળકોની જેમ પૂરતા પ્રમાણમાં બોલવા માંડે છે.
વિલોપન : અનિષ્ટ વર્તનનો લોપ કરવા માટે બે રીતો છે : (1) એ વર્તનને અંતે મળતા પુરસ્કારને અટકાવી દેવો અને (2) એ વર્તન થાય ત્યારે તરત સખત અણગમો ઉપજાવે એવી પરિસ્થિતિ ઊભી કરવી; દા.ત., પાંચથી દસ વર્ષનાં બાળકો જાતીય ઉત્તેજક નૃત્ય કરવાનું ટીવી કે ચલચિત્રોમાંથી શીખે છે. જ્યાં સુધી તેનાં માતાપિતા તેને એ કહેવાતી ‘હોશિયારી’ માટે શાબાશી આપતાં રહે ત્યાં સુધી તેઓ એને રોકતાં નથી. પણ જો આસપાસની બધી જ વ્યક્તિઓ તેને વખાણવાનું બંધ કરી દે તો આખરે બાળક એવું નૃત્ય કરવાનું છોડી દે છે.
સિગારેટ, મદ્યપાન કે નશીલા પદાર્થોના સેવન જેવાં વ્યસનો છોડાવવા માટે બેન્ડુરાએ પ્રચલિત કરેલી અણગમો ઉપજાવવાની પદ્ધતિ અસરકારક બની છે. એમાં વ્યક્તિ સિગારેટ સળગાવે ત્યારે તુરત જ સખત દુર્ગંધવાળો ધુમાડો વ્યક્તિની પાસે જ કરવામાં આવે છે. દુર્ગંધવાળા ઓરડામાં ગંદકીથી ખરડાયેલા ટેબલ ઉપર દારૂની પ્યાલી મૂકીને વ્યક્તિને ઇચ્છા હોય તો તેમાંથી દારૂ પીવાનું કહેવામાં આવે છે. પણ આખું વાતાવરણ ચીતરી ચડે એવું હોવાથી તેને દારૂ પીવાની ઇચ્છા થતી નથી. પુનરાવર્તન કરવાથી આખરે એ વ્યસન છોડી દે છે.
મૂલ્યાંકન : આ ચિકિત્સાપદ્ધતિ અયોગ્ય વર્તન પાછળનાં માનસિક કારણો શોધવાની ઝંઝટમાં પડ્યા વિના વર્તનને સુધારવામાં ધ્યાન આપે છે. તેથી તે પ્રમાણમાં સરળ અને ઝડપી રીત છે. તેના ઉપયોગને લીધે વર્તન સુધારવા માટે વ્યક્તિને ઔષધો આપવાની જરૂર પડતી નથી, પણ તે ઘણા કિસ્સામાં માત્ર બાહ્ય ચિહ્નોને દૂર કરે છે પણ મૂળભૂત સમસ્યા હલ કરતી નથી, જે નવાં ચિહ્નો રૂપે પ્રગટે છે. ઘણા દાખલામાં ઉદ્દીપક-પ્રતિક્રિયાને છૂટાં પાડવાનું મુશ્કેલ હોય છે.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે