વર્તન અને વ્યવહાર (પ્રાણીશાસ્ત્ર)

January, 2005

વર્તન અને વ્યવહાર (પ્રાણીશાસ્ત્ર) : પ્રાણીઓ દ્વારા આદરવામાં આવતી કોઈ પણ પ્રકારની સક્રિયતા. બધાં પ્રાણીઓ એક યા બીજી રીતે સતત સક્રિય રહે છે. તેમનું આ વર્તન ફરજિયાત, મરજિયાત અથવા સ્વયંસ્ફુરિત હોઈ શકે છે. ભક્ષકોથી સાવધ રહેવું તે એક ફરજિયાત પ્રક્રિયા રહે છે; જ્યારે કોઈ એકાદ ઘટના કે વ્યક્તિ પ્રત્યે અણગમો કે આકર્ષણ મરજિયાત હોઈ શકે છે અને તે જે તે વ્યક્તિનું માનસિક વલણ દર્શાવે છે, પછી ભલે તે તર્કશુદ્ધ હોય કે ન હોય. શરમથી મોં લાલ થઈ જવું (blushing)  આ ઘટના સ્વયંસ્ફુરિત હોય છે.

પ્રાણીઓનાં વર્તન અને વ્યવહાર તેમની આનુવંશિકતા, પરંપરા અને પર્યાવરણ વગેરેના આધારે નિશ્ચિત થાય છે; આમ છતાં વખતોવખત જે તે પ્રાણીઓના અનુભવ આદિના આધારે તેમાં પરિવર્તન થયા કરે છે.

પ્રકૃતિજન્ય (instinctive) વર્તણૂક : બધાં પ્રાણીઓ માટે ખોરાક-ગ્રહણ એક અત્યંત અગત્યની સક્રિયતા છે અને તે માટે મુખ્યત્વે પોતાના પરિસરમાં ઉપલબ્ધ એવાં સજીવો પર તે આધાર રાખે છે; દાખલા તરીકે, ઘણાં પક્ષીઓ કીટાહાર કરતાં હોય છે. લક્કડખોદ (woodpecker), ઢોર બગલો (cattle egret) અને ટીલવો (green bea eater)  આ ત્રણેય પક્ષીઓ ખોરાક તરીકે જીવાત(કીટક)ને આરોગે છે; પરંતુ આ ત્રણેય પક્ષીઓની જીવાત પકડવાની પ્રક્રિયા સાવ જુદી હોય છે. તે જીવાતને પકડવામાં પોતાના પૂર્વજોને અનુસરે છે. લક્કડખોદ ઝાડ પર ચડ-ઊતર કરી, તેની છાલ પાછળ ભરાઈ રહેલી જીવાતને પકડીને ખાય છે; જ્યારે ઢોર બગલો ઢોરોની પાછળ ફરીને તેમના હલન-ચલનને લીધે ઘાસ પર બેઠેલી જીવાતો આઘીપાછી થતી ઊડવા માંડે ત્યારે તેમની પાછળ દોડી તેમને પકડે છે. ટીલવો સામાન્યપણે લટકતા તાર કે દોરી પર સમૂહમાં વિસામો લે છે. દરમિયાન પોતાના દૃદૃષ્ટિપથમાં આવેલા કીટકોને, ચાંચ પહોળી કરી અધ્ધર પકડી સીધા પેટમાં પધરાવે છે.

યુગ્મવિકલ્પી લક્ષણો(allelomorphic characters) : સજીવોમાં રંગસૂત્રો જોડમાં આવેલાં હોય છે. પરંતુ તેમના વિશિષ્ટ બિંદુપથમાં આવેલાં જનીનો એકસરખાં હોય કે ન પણ હોય. જૂજ વ્યક્તિઓમાં કંઠ મધુર અવાજ, ગણિત વિશે તીવ્ર ગ્રહણશક્તિ કે લલિતકલા (fine arts) પ્રત્યે અભિરુચિ માટે કારણભૂત જનીનો આવેલાં હોય છે. તેને લીધે લતા મંગેશકર, રામાનુજમ્ કે રવિ વર્મા જેવા કલાકારોએ પોતપોતાના ક્ષેત્રમાં અજોડ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

રંગસૂત્રીય અસાધારણ વિલક્ષણતા (chromosomal abnormalities) : સામાન્ય માનવીના પ્રત્યેક કોષમાં રંગસૂત્રોની 23 જોડ હોય છે. જોકે કેટલીક વ્યક્તિઓમાં આ સંખ્યામાં વધઘટ જોવા મળે છે; દાખલા તરીકે, જૂજ વ્યક્તિઓમાં 21 ક્રમાંકનાં રંગસૂત્રો 2ને બદલે 3 હોય છે. આવી વ્યક્તિઓ ડાઉન-સંલક્ષણ(down syndrome)થી પીડાતી હોય છે. તેમના અસ્થિકંકાલમાં ખામીઓ જોવા મળે છે. નાક ચપટું, બહાર પડતી જીભ અને મંદબુદ્ધિવાળી આ  વ્યક્તિઓ માંડ 16થી 20 વર્ષ સુધી જીવતી હોય છે.

માનસિક વિકૃતિ : અસાધારણ (abnormal) પ્રકારનાં કેટલાંક જનીનોના અસ્તિત્વને લીધે કેટલીક વ્યક્તિઓ યોગ્ય માનસિક વિકાસના અભાવમાં, માનસિક વિકૃતિથી પીડાતી હોય છે. મોટેભાગે એકલ ખામીયુક્ત (single gene defect) જનીનો આ માનસિક વિકૃતિ ઉપજાવતાં હોય છે. એક સામાન્ય વિશિષ્ટ જનીનને અધીન શરીરમાં ફેનાઇલઍલેનિન હાઇડ્રૉક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન થાય છે; પરંતુ આ જનીનના અભાવમાં શરીરમાં ફેનાઇલપાયરૂવિક ઍસિડનું પ્રમાણ વધે છે; જે શરીર માટે ઝેરી નીવડે છે. પરિણામે આવી વ્યક્તિ શીઘ્રકોપી બને છે. નાનપણમાં ખોરાકમાં ઍલેનિન એમીનો ઍસિડનું પ્રમાણ ઘટાડવાથી, તેમનું આ માનસિક વલણ સામાન્ય (normal) બને છે.

બદલાતા પર્યાવરણિક પરિબળોને લીધે ઉદભવતા મોસમિક તફાવતની અસર : વિપરીત આબોહવાની અસર ટાળવા ઘણાં પ્રાણીઓ સામૂહિક સ્થળાંતર કરતાં હોય છે. ઉડ્ડયન માટે જાણીતાં કેટલાંક પક્ષીઓ દર વર્ષે હજારો કિલોમીટરોનો પ્રવાસ ખેડે છે. સાઇબીરિયા જેવા પ્રદેશમાં વસતાં ઘણાં પક્ષીઓ શિયાળામાં ગુજરાતમાં મહેમાન બને છે. સુરખાબ (flamingo) પક્ષીઓ તો વસંત ઋતુ દરમિયાન કચ્છના અખાતમાં વસવાટ કરે છે અને બચ્ચાંને જન્મ આપે છે. ટર્ન જેવાં પક્ષીઓ તો વિપરીત ઠંડીની અસર ટાળવા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચે ફરતાં હોય છે.

પ્રશિષ્ટ અભિસંધાન (classical conditioning) : નવાં ઉદ્દીપનો વડે ચેતાંગોને ઉત્તેજિત કરવાથી નવી માહિતી પ્રાપ્ત કરી શકાય છે. ઈ.સ. 1900ના અરસામાં વિજ્ઞાની પાવલૉવે તેનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. ખોરાકના દર્શનથી મોંમાં લાળરસ વહે એ એક સામાન્ય પ્રક્રિયા છે. પાવલૉવે ખોરાક સાથે ઘંટના અવાજનું સંકલન કરી કૂતરાને ખોરાકના અસ્તિત્વથી પરિચિત કર્યો. તેથી ઘંટના અવાજથી કૂતરામાં લાળરસના ઝમવાનો વેગ વધવા માંડ્યો. અવાજથી ઉદભવતા ઉદ્દીપનને અભિસંધિત પરાવર્તન (conditioned reflex) તરીકે વર્ણવી શકાય.

માનવીના ઘણા વ્યવહારો વિશિષ્ટ સમયે થતા હોય છે. સવારે નિશ્ચિત સમયે ઊઠી જવું, કોઠો સાફ કરવો, ખોરાક ગ્રહણ કરવો, વામકુક્ષી કરવી, નિદ્રાને અધીન થવું જેવા દૈનંદિનીય વ્યવહાર પણ અભિસંધિત પરાવર્તની પ્રક્રિયાઓના પ્રકાર છે.

સાધનભૂત અભિસંધાન (instrumental conditioning) : વળતરની અપેક્ષાએ યોજવામાં આવતી પ્રક્રિયાને સાધનભૂત અભિસંધાન તરીકે વર્ણવવામાં આવે છે; દા.ત., ભીખ માગવી, રમકડું, નાણું, ચૉકલેટી જેવી વસ્તુઓની અપેક્ષાએ બાળક દ્વારા કરવામાં આવતી યાચના જેવી પ્રક્રિયાઓ સાધનભૂત અભિસંધાનના પ્રકાર છે.

હેતુપ્રેરિત કૃત્યો (motivated actions) : કેટલાંક કૃત્યો વિશિષ્ટ હેતુસર કરવામાં આવે છે; દા.ત., ગાયકો દરરોજ રિયાઝ કરવામાં ઘણો સમય વિતાવે છે. વિદ્યાર્થીઓ નિષ્ણાતોને અનુસરતા હોય છે. શારીરિક તંદુરસ્તી જાળવવા લોકો કસરત કરતા હોય છે. વિદ્યાર્થીઓ મહત્વની માહિતી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા વિશિષ્ટ વાક્યો કે ફકરાને લીટી વડે અંકિત કરતા હોય છે.

વંશસાતત્યની જાળવણી (maintenance of the continuity of the race) : બધાં સજીવો માટે મૃત્યુ એક અનિવાર્ય ઘટના છે. તેથી સજીવસૃદૃષ્ટિનું સાતત્ય જાળવવા નવાં સજીવો ઉત્પન્ન થાય તે આવદૃશ્યક છે. એક જ જાતનાં નર અને માદા સજીવો સમાગમ દ્વારા નવી પ્રજાને જન્મ આપતાં હોય છે. લૈંગિક આકર્ષણના પરિણામે નર અને માદા એકત્ર થાય છે. આ આકર્ષણ તીવ્ર બનતાં તેના ફલ સ્વરૂપે નવું સંતાન પેદા થાય છે.

ગર્ભના વિકાસને અંતે સંતાન જન્મે છે. આ ગર્ભનો વિકાસ શરીરની અંદર અથવા તો બહાર – એમ બે રીતે થતો હોય છે. ઘણાં પ્રાણીઓ (પક્ષી, કીટક વગેરે) ગર્ભનું વિમોચન ઈંડાના સ્વરૂપે શરીરની બહાર કરતા હોય છે. ઈંડું સુરક્ષિત રહે તે માટે પક્ષી જેવાં પ્રાણીઓ માળા બાંધતા હોય છે; સ્ટિકલ-બૅક જેવી માછલીઓ પણ માળા બાંધતી હોય છે. પુખ્ત વયે નર માછલી માળા બાંધીને તેમાં ઈંડાં મૂકવા માદાને પ્રેરે છે; એટલું જ નહિ પરંતુ જન્મેલાં બાળકોની કાળજી પણ રાખે છે. મોટા ભાગનાં સસ્તનોમાં માતાના ગર્ભાશયના ભ્રૂણનો વિકાસ થતાં બાળક જન્મે છે. વળી બાળસંભાળની પ્રવૃત્તિ પણ સસ્તન પ્રાણીઓમાં સારી રીતે વિકસેલી છે. હાથી પોતાના બચ્ચા ઉપરાંત અન્ય મદનિયાંને પણ રક્ષણ આપતા હોય છે. માનવીમાં તો બાળસંભાળની પ્રવૃત્તિ 20થી 25 વર્ષો સુધી ચાલે છે.

મહાદેવ શિ. દુબળે