વર્તક, ચંદ્રકાન્ત રામચંદ્ર (ડૉ.)
January, 2005
વર્તક, ચંદ્રકાન્ત રામચંદ્ર (ડૉ.) (જ. 27 જુલાઈ 1930, મહાડ, જિ. રાયગઢ, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. 1959થી 1990 દરમિયાન તેમણે કૉલેજો તથા યુનિવર્સિટીઓમાં મરાઠીનું અધ્યાપનકાર્ય કર્યું. નિવૃત્તિ પછી તેમણે કે. એસ. વાણી સંશોધન સંસ્થા, ધૂળેમાં મુલાકાતી પ્રાધ્યાપક (માનાર્હ) તરીકે સેવાઓ આપી. સાથોસાથ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટીની સંશોધન સમિતિના સભ્યપદે પણ રહ્યા.
તેમણે અત્યાર સુધીમાં મરાઠીમાં 9 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ફૂલપંખી દિવસ’ (1968); ‘પારંબ્યા’ (1968); ‘મનમોર’ (1974); ‘ધુન’ (1987); ‘કેટલીક વાર્તાઓ’ (1992); ‘શદ્જા’ (1992) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘અંકુર’ (1971) તેમની નવલિકા છે. જ્યારે ‘મરાઠીતીલ લલિત ગદ્ય’ (1991) અને ‘માવન્ડે’ (1993) તેમના જાણીતા વિવેચનગ્રંથો છે.
તેમના વાર્તાસંગ્રહો માટે તેમને એન. સી. કેળકર પારિતોષિક; કિર્લોસ્કર પારિતોષિક અને કેપ્ટન લિમયે પારિતોષિક ઉપરાંત વિદ્યાધર પુંડલિક ઍવૉર્ડ એનાયત થયાં છે.
બળદેવભાઈ કનીજિયા