વર્ણક-સમુચ્ચય : સાંસ્કૃતિક અને સાહિત્યિક ઇતિહાસ માટે મહત્વનાં પદ્યાનુકારી ગદ્ય-વર્ણકોનો સંગ્રહ. રચના 15માથી 18મા શતકમાં. હસ્તપ્રતો અમદાવાદ-વડોદરાના વિવિધ સંગ્રહોમાં છે. ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા સંપાદિત મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા દ્વારા પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલાના ગ્રન્થ 4 રૂપે પ્રકાશિત, 1956. ડૉ. સાંડેસરા તથા ડૉ. રમણલાલ ના. મહેતાએ કરેલ સાંસ્કૃતિક અધ્યયન ભાગ 2 રૂપે 1959માં પ્રકાશિત.
વર્ણક જૂના ગુજરાતી ગદ્ય સાહિત્યનો વિશિષ્ટ પ્રકાર છે. આ વર્ણકો ‘બોલી’માં રચાયા છે. વચ્ચે ‘જૈન સંસ્કૃત’માં પણ લખાણ છે. ભોજનસામગ્રીથી નૌયાન સુધીનું વિષયવૈવિધ્ય છે. ઈડરી કે ઈડલી 500 વર્ષ પહેલાં પણ ગુજરાતમાં બનતી તે આથી જાણવા મળે છે. વસ્ત્રોમાં ફારસી-અરબી નામો પણ છે. પાટણ-અમદાવાદનાં સરસ વર્ણનો તેમાં છે. 18 લિપિઓની તથા 18 કરવેરાની સૂચિઓ તેમાં આપી છે. પૂર્વમાં ચીનથી પશ્ચિમે અરબસ્તાન સુધીનાં અને ઉત્તરે મધ્ય એશિયાથી દક્ષિણે શ્રીલંકા પર્યન્તનાં નામો સચવાયાં છે. 10માથી 18મા શતક સુધીની પશ્ચિમ ભારતની સંસ્કૃતિના અભ્યાસ અર્થે અતિમહત્વપૂર્ણ સામગ્રી આ ગ્રંથ પૂરી પાડે છે.
જયન્ત પ્રે. ઠાકર