વર્જિન ટાપુઓ : કૅરિબિયન સમુદ્રમાં પથરાયેલાં વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓનાં બે જૂથ – બૃહદ્ ઍન્ટિલ્સ અને લઘુ ઍન્ટિલ્સ – વચ્ચે આશરે 18° 30´ ઉ. અ. અને 65° 00´ પ. રે.ની આજુબાજુ વિસ્તરેલું લગભગ 100 જેટલા નાના નાના ટાપુઓનું જૂથ. આ જૂથ ‘વર્જિન ટાપુઓ’ તરીકે ઓળખાય છે. આ ટાપુઓ પ્યુર્ટોરિકોથી પૂર્વ દિશામાં નજીક નજીક આવેલા છે. આ પૈકીના નૈર્ઋત્ય તરફી જૂથના ટાપુઓ યુ.એસ.ના આધિપત્ય હેઠળ, જ્યારે ઈશાન દિશા તરફી જૂથના ટાપુઓ બ્રિટિશ તાબા હેઠળ છે.

આ ટાપુઓની ઉત્પત્તિ જ્વાળામુખી-પ્રક્રિયાથી થયેલી છે. તે પછીથી તેમના પર સમુદ્રસપાટીના ફેરફારોને કારણે પરવાળાંના ખરાબાની રચનાઓ અસ્તિત્વમાં આવેલી છે. અહીંની ઉષ્ણકટિબંધીય ગરમ આબોહવા દરિયાઈ અસરને કારણે નરમ બનેલી છે, તેથી અહીંનું વાતાવરણ ખુશનુમા રહે છે. આખુંય વર્ષ અહીં વ્યાપારી પવનો વાય છે. આબોહવાની કોઈ વિષમતા જોવા મળતી નથી. અહીંનું સરેરાશ તાપમાન 21° થી 32° સે. (સરેરાશ 26° સે.) વચ્ચેનું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1,000થી 1,500 મિમી. જેટલો પડે છે. શિયાળા હૂંફાળા અને સૂર્યપ્રકાશિત રહે છે. અહીંનાં સુંદર પ્રાકૃતિક ભૂમિદૃશ્યો તથા સંસ્થાન-સમયનાં સ્થાપત્યોથી આકર્ષાઈને પર્યટકોનો અહીં ભારે ધસારો રહે છે, એટલે પ્રવાસન-પ્રવૃત્તિ દ્વારા આ ટાપુઓને સારી આવક થાય છે.

વર્જિન ટાપુઓ (યુ.એસ.) : વેસ્ટ ઇન્ડિઝમાં પ્યુર્ટોરિકોથી પૂર્વમાં આશરે 65 કિમી. અંતરે આવેલો ટાપુસમૂહ. તે લઘુ ઍન્ટિલ્સ જૂથની વિશાળ શૃંખલાનો એક ભાગ છે. તે નેરોઝ નામની ખાડી દ્વારા બ્રિટિશ વર્જિન ટાપુઓથી અલગ પડે છે. તેમનો વિસ્તાર 352 ચોકિમી. જેટલો છે તથા તેમની વસ્તી 1,01,809 (ઈ. સ. 2000) જેટલી છે. આ ટાપુસમૂહમાં મુખ્ય ત્રણ ટાપુઓ આવેલા છે : સેન્ટ ક્રોઇક્સ, સેન્ટ જૉન અને સેન્ટ ટૉમસ. આ ઉપરાંત બીજા ઘણા નાના નાના ટાપુઓ પણ છે.

અહીંના ટાપુવાસીઓ થોડા પ્રમાણમાં અનેનાસની ખેતી, પશુપાલન અને મત્સ્યપ્રવૃત્તિ કરે છે. વળી અહીં મુખ્યત્વે ખનિજતેલશોધન (આયાતી ખનિજ તેલ), ઍલ્યુમિનિયમ (આયાતી બૉક્સાઇટ), ઘડિયાળ ઍસેમ્બ્લિંગ, માંસ-પૅકિંગ અને રમ બનાવવાને લગતા ઉદ્યોગોનો તથા પ્રવાસનનો વિકાસ થયેલો છે. આ ટાપુઓ પર્યટકો માટેનાં સુંદર વિહારધામો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને બીજી સુવિધાઓ ધરાવે છે. સેન્ટ ટૉમસ ટાપુ પરનું શાર્લોટ અમાલ્યી (Charlotte Amalie) (વસ્તી 12,372) આ ટાપુસમૂહનું વહીવટી મથક છે. તે બંદર તથા અગત્યનું વિહારધામ પણ છે.

વર્જિન ટાપુઓ : લઘુ ઍન્ટિલ્સ પ્રદેશના લીવર્ડ ટાપુજૂથમાં વર્જિન ટાપુજૂથ એક અંશ છે. ટાપુના સાતદશાંશ ભાગ ઉપર યુનાઇટેડ સ્ટેટ્સનો અને ત્રણ દશાંશ ભાગ ઉપર બ્રિટનનો અંકુશ છે.

સેન્ટ ક્રોઇક્સ સિવાય બધા જ ટાપુઓનું ભૂપૃષ્ઠ અસમતળ અને ટેકરાળ છે. અહીં ટેકરીઓની ઊંચાઈ 300થી 470 મીટર જેટલી છે. વસ્તી માત્ર આ ત્રણ ટાપુઓ પર જ જોવા મળે છે.

સેન્ટ ક્રોઇક્સ : વર્જિન ટાપુસમૂહ પૈકી 212 ચોકિમી. જેટલો (આશરે 2/3) ભૂમિભાગ આવરી લેતો આ ટાપુ અહીંનો મોટો ટાપુ છે. વસ્તી : 50,000 જેટલી છે.

સેન્ટ જૉન : આ ટાપુનો વિસ્તાર માત્ર 49 ચોકિમી. જેટલો જ છે, તે પૈકી 3/4 ભાગ તો વર્જિન આઇલૅન્ડ નૅશનલ પાર્ક આવરી લે છે. વસ્તી આશરે 2,500 જેટલી છે.

સેન્ટ ટૉમસ : આ ટાપુનો વિસ્તાર 70 ચો.કિમી. છે. 474 મીટર ઊંચાઈ ધરાવતો ક્રાઉન માઉન્ટન મધ્યની હારમાળામાં આવેલો છે. ટાપુસમૂહનું તે ઊંચામાં ઊંચું સ્થળ છે. શાર્લોટ અમાલ્યી અહીંનું એકમાત્ર શહેર છે, તેની વસ્તી આશરે 12,000 જેટલી છે, જ્યારે ટાપુની વસ્તી આશરે 45,000 જેટલી છે.

અર્થતંત્ર : પ્રવાસન અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. દર વર્ષે આશરે 10 લાખ પ્રવાસીઓની અહીં અવરજવર રહે છે. ત્રણે ટાપુઓના બધા મળીને 50 % જેટલા લોકો આ ઉદ્યોગમાં રોકાયેલા છે. રમનું ઉત્પાદન કરતા બે એકમો છે. અહીં એક તેલ રિફાઇનરી અને એક ગૂંથણની મિલ છે. તે સિવાય સુગંધી દ્રવ્યો, ઉષ્ણતામાપકો અને ઘડિયાળો બનાવતાં કારખાનાં પણ છે. ટાપુવાસીઓ માટે ખોરાકી માલસામાનની આયાત કરવામાં આવે છે. થોડાંક ખેતરો છે, ત્યાં ઢોરઉછેર થાય છે; માંસ, દૂધ અને દૂધની પેદાશોનું ઉત્પાદન લેવાય છે. મરઘાંપાલનમાંથી ઈંડાં મળી રહે છે.

અહીંની કુલ વસ્તીના 70 % લોકો અશ્ર્વેત અને 18 % શ્ર્વેત છે, બાકીના મિશ્રવંશીય છે. તેઓ અંગ્રેજી વાંચી-બોલી જાણે છે.

ઇતિહાસ : 1493માં ક્રિસ્ટોફર કોલંબસે આ વર્જિન ટાપુઓ તેની સફર દરમિયાન જોયેલા. ત્યારે યુદ્ધવીરો જેવા દેખાતા કૅનિબાલિસ્ટિક કૅરિબ ઇન્ડિયનો અહીં વસતા હતા. તેઓ કોલંબસની ટુકડી સાથે લડેલા, તેમાં મોટાભાગના મૃત્યુ પામેલા, અથવા સત્તરમી સદીમાં સેન્ટ ક્રોઇક્સ ખાતે વસાહતો શરૂ થઈ ત્યારે અહીંથી જતા રહેલા. થોડો થોડો વખત માટે આ ટાપુઓ સ્પેન અને ફ્રાન્સને હસ્તક રહેલા. 1773માં ફ્રાન્સે સેન્ટ ક્રોઇક્સ ટાપુ ડેનિશ લોકોને વેચી દીધેલો. ડેનિશ શાસન બાદ 1916માં ટાપુઓનો કબજો યુ.એસ. હસ્તક ગયો. 1927માં ટાપુવાસીઓ યુ.એસ.ના નાગરિકો બન્યા. 1968માં ટાપુવાસીઓને પોતાનો ગવર્નર ચૂંટવાનો અધિકાર મળ્યો.

વર્જિન ટાપુઓ (બ્રિટિશ) : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલી ગ્રેટ બ્રિટનની જાગીર. તે લઘુ ઍન્ટિલ્સના પશ્ચિમ છેડા પાસે આવેલા છે. નેરોઝ ખાડી આ ટાપુઓને યુ.એસ.ના વર્જિન ટાપુઓથી અલગ પાડે છે. તેમનો ભૂમિવિસ્તાર 153 ચોકિમી. જેટલો છે, તેમની વસ્તી 19,156 (ઈ.સ. 2000) જેટલી છે. આ ટાપુસમૂહ નાનામોટા મળીને એકંદરે 60 ટાપુઓથી બનેલો છે. આ પૈકીના 16 ટાપુઓ જ વસવાટવાળા છે. આ પૈકી ટોર્ટોલા અને વર્જિન ગોર્ડા તથા અનેગડા, જોસ્ત વાન ડાઇક મોટા ટાપુઓ છે. ટોર્ટોલા પર આવેલું રોડટાઉન આ ટાપુસમૂહનું પાટનગર છે, તેની વસ્તી આશરે 5,000 જેટલી છે અને તે એકમાત્ર શહેરી વિસ્તાર છે. ટાપુઓની મુખ્ય પેદાશો ઢોર-માંસ, માછલી, ફળો, શાકભાજી અને રમ છે. અહીં થોડીઘણી ખેતી, પશુપાલન અને મચ્છીમારી જેવી પ્રવૃત્તિઓ થાય છે. આજુબાજુના ટાપુઓમાંથી અહીં પ્રવાસીઓની અવર-જવર રહે છે.

બીજલ શં. પરમાર, ગિરીશભાઈ પંડ્યા