વરાળ (steam) : પાણીનું વાયુસ્વરૂપ. આ વરાળ, અન્ય વાયુની સરખામણીએ ભેજયુક્ત હોય છે. આ કારણથી તેનો દેખાવ સફેદ લાગે છે. પાણીને ગરમ કરી વરાળ ઉત્પન્ન કરાય છે. બૉઇલરની અંદર, ઈંધણની મદદથી પાણીને તેના ઉત્કલનબિંદુ સુધી ગરમ કરી વરાળ બનાવાય છે. આ માટે બૉઇલરમાં જુદા જુદા પ્રકારનાં ઈંધણો વપરાય છે. આધુનિક સોસાયટીમાં, વરાળની મદદથી ઉત્પન્ન થતી શક્તિ એક ઘણું જ અગત્યનું પરિબળ છે. વરાળ ઉત્પન્ન કરતા પ્લાન્ટ પાવર-પ્લાન્ટ તરીકે ઓળખાય છે. પાવર-પ્લાન્ટમાં રહેલા બૉઇલરમાંથી ઊંચા દબાણવાળી વરાળ ઉત્પન્ન કરવામાં આવે છે. આ વરાળ સૂકી કે અધિતપ્ત હોતી નથી. બૉઇલરમાંથી ઉત્પન્ન થતી વરાળ વડે ચાલતા સ્ટીમ-ટર્બાઇનમાં અધિતપ્ત વરાળની જરૂર પડે છે. આવી અધિતપ્ત વરાળ ઉત્પન્ન કરવા દરેક બૉઇલરમાં અધિતાપક (super heater) વાપરવામાં આવે છે. વરાળમાં ઉષ્માશક્તિ દર કિ.ગ્રામે કેટલી હોય તેનો આધાર વરાળના દબાણ તેમજ તાપમાન ઉપર હોય છે. જેમ દબાણ અને તાપમાન વધુ તેમ તેમાં રહેલ ઉષ્માશક્તિ પણ વધુ. આ કારણસર જ્યાં શક્ય હોય ત્યાં, ખાસ કરીને મોટા બૉઇલરોમાં ઉચ્ચ દાબવાળી અને ઉચ્ચ તાપમાનવાળી વરાળ ઉત્પન્ન કરાય છે. આમ કરવાથી વરાળથી ચાલતા ટર્બાઇન અને ટર્બાઇન સાથે જોડાયેલ વિદ્યુત જનરેટરની સમગ્રતયા કાર્યદક્ષતા વધે છે. આ અધિતપ્ત વરાળનું ટર્બાઇનમાં પ્રસરણ કરવાથી ઉષ્માશક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર થાય છે. આ ટર્બાઇન જનરેટર સાથે જોડીને, યાંત્રિક શક્તિનું વિદ્યુત્-શક્તિમાં રૂપાંતર થાય છે. દુનિયાની ઘણા મોટા પ્રમાણની વીજશક્તિ વરાળની મદદથી ચાલતા ટર્બોજનરેટરની મદદથી મેળવવામાં આવે છે. ટર્બાઇનમાં બહાર આવતી વરાળને કંડેન્સરમાં ઠારીને તેનું પાણીમાં રૂપાંતર કરવામાં આવે છે. આ પાણી ત્યારબાદ ફરી બૉઇલરમાં, વરાળ ઉત્પન્ન કરવા લઈ જવામાં આવે છે. આમ વરાળ બૉઇલર, ટર્બાઇન અને કંડેન્સરમાં કાર્યરત માધ્યમ (working medium) બની રહે છે. વ્યવહારમાં જુદા જુદા પ્રકારનાં બૉઇલરો, કંડેન્સરો અને ટર્બાઇનો ઉપલબ્ધ છે. જરૂરિયાત મુજબ તેઓની પસંદગી કરવામાં આવે છે. જૂના જમાનામાં રેલવે-એન્જિનો વરાળની મદદથી ચાલતાં, પણ તેની ઓછી કાર્યદક્ષતાને લઈને તેનું સ્થાન હવે ડિઝલ અને વિદ્યુત્-એન્જિનોએ લઈ લીધું છે. સ્ટીલ, ઍૅલ્યુમિનિયમ, કૉપર અને નિકલના ઉત્પાદન માટે વરાળ વપરાય છે. કેમિકલ અને પેટ્રોરિફાઇનરીમાં પણ વરાળનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. રેફ્રિજરેશનની અવશોષણ (absorption) પદ્ધતિમાં જોઈતી જરૂરી ગરમી વરાળની મદદથી મેળવાય છે. કેમિકલ અને દવા-ઉદ્યોગો જ્યાં ખૂબ જ મોટી શક્તિના વાતાનુકૂલન પ્લાન્ટની જરૂર હોય છે ત્યાં આ પદ્ધતિ વ્યાપકપણે હાલ ઉપયોગમાં છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ