વરવુર્ડ, હેન્ડ્રિક ફ્રેન્શ (જ. 8 સપ્ટેમ્બર 1901, ઍમસ્ટરડેમ, નેધરલૅન્ડ; અ. 6 સપ્ટેમ્બર 1966, કેપટાઉન, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન અને રાજનીતિજ્ઞ. તેઓ ડચ મિશનરીના પુત્ર હતા. જન્મ બાદ તેમનાં માતાપિતા દક્ષિણ આફ્રિકા આવી સ્થિર થયાં હતાં.
અભ્યાસની કારકિર્દી પૂરી કર્યા બાદ પ્રારંભે તેમણે શિક્ષણક્ષેત્રની કામગીરી પસંદ કરી અને સ્ટેલેનબૉશ યુનિવર્સિટીમાં જોડાયા. 1927થી મનોવિજ્ઞાનના અને 1933થી સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તેમણે ફરજ બજાવી. 1937માં પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રવેશી ‘ડાય ટ્રાન્સવાલર’ અખબારના સંપાદક તરીકે તેમણે કામગીરી કરી. આ સમાચારપત્ર યુરોપમાંના નાઝીઓના હેતુઓને સમર્થન આપતું હતું. રંગભેદ માટે જાણીતા આફ્રિકાનેર રાષ્ટ્રવાદના પ્રખર સમર્થક બની તેઓ રાજકારણમાં પ્રવેશ્યા. નૅશનલ પક્ષના ઉમેદવાર તરીકે ત્યાંની સેનેટના તેઓ સભ્ય ચૂંટાયા. 1950થી 1954 સુધી ગૃહમંત્રી હતા તે દરમિયાન પક્ષના નેતા અને 1958માં તેઓ વડાપ્રધાન ચૂંટાયા અને 1966 સુધી આ હોદ્દા પર રહ્યા.
આ હોદ્દા દરમિયાન દેશના પ્રમુખ સ્ટરીજ્ડામના ટેકાથી મોટાભાગના રંગભેદના કાયદાઓનો અમલ કરાવ્યો અને પછીથી પ્રમુખ બન્યા. 1961માં ત્યાંના ગોરાઓની માગને વશ થઈ દક્ષિણ આફ્રિકાને પ્રજાસત્તાક જાહેર કરી ગોરી લઘુમતીને ખુશ કરી. કૉમનવેલ્થ ઑવ્ નેશન્સે જ્યારે આ પગલાંનો સખ્ત વિરોધ કર્યો ત્યારે તેમણે પોતાના દેશનું સભ્યપદ પાછું ખેંચી લીધું. તે પછી રંગભેદની નીતિને વેગ આપ્યો અને ‘અલગ વિકાસ’ની નીતિના ઓઠા હેઠળ ગોરાઓની સવલતો અને વિકાસ માટેનું માળખું તૈયાર કરી તેમના માટે અલગ કાનૂની ધોરણો ઊભાં કર્યાં. પ્રત્યેક જાતિને તેના પોતીકા વાતાવરણમાં વિકસવાની તક આપવી જોઈએ એવી દલીલ હેઠળ મૂળ આફ્રિકી બાન્ટુ જાતિના અલાયદા શિક્ષણ અને અલાયદા ‘બાન્ટુલૅન્ડ’ના વિચારને જન્મ આપ્યો. વાસ્તવમાં શ્યામ અને મૂળ આફ્રિકી બાન્ટુઓની રાજકીય લડતને દબાવી દઈ, અલગ બાન્ટુલૅન્ડમાં તેમને ધકેલી દેવાનો આ પ્રયાસ હતો. એથી સમૃદ્ધ દક્ષિણ આફ્રિકાના વિવિધ વિસ્તારો ગોરી પ્રજા માટે સલામત બનાવવાની શયતાની ચાલ હતી. પછી આફ્રિકન નૅશનલ કૉંગ્રેસ અને અન્ય રંગભેદ વિરોધી સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો. સાથીઓ સાથેનું તેમનું વર્તન મનસ્વી અને આપખુદ બનવા લાગ્યું. તેમના વિચારો અને વ્યવહાર ધર્માંધ અને ઝનૂની લાગે તેટલા જિદ્દી બન્યા.
1960માં તેમની હત્યાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. ફરી 1966માં એક ચિત્તભ્રમ થયેલા ગોરા દ્વારા દક્ષિણ આફ્રિકાની સંસદમાં તેમની હત્યા કરવામાં આવી.
રક્ષા મ. વ્યાસ