વરલક્ષમ્મા, કનુપાર્તી (જ. 1896, બપત્લા, જિ. ગંટુર, આંધ્રપ્રદેશ; અ. 1978) : લેખનકાર્યની જૂની અને નવી પદ્ધતિના સેતુ સમાન એક અગ્રેસર તેલુગુ લેખિકા. સ્ત્રીઓ માટેના માસિક ‘ગૃહલક્ષ્મી’માં પ્રસિદ્ધ થયેલ તેમની કૃતિ ‘શરદ લેખલુ’(‘લેટર્સ ઑવ્ શરદ’)થી તેઓ આંધ્રની મહિલાઓમાં જાગૃતિ લાવ્યાં. તે પત્રો દ્વારા તેમણે શારદા બિલ, છૂટાછેડા અધિનિયમ, બહુપતિત્વ કે બહુપત્નીત્વ, મિલકતમાં સ્ત્રીઓનો હક અને મતાધિકાર જેવી ઘણી સમકાલીન સમસ્યાઓ વણી લીધી છે. ભાષા ઓજસ્વી છે.
તેમના નિબંધોમાં અદ્યતન વિચારસરણી અને શિસ્તબદ્ધ નિરૂપણ છે. એક સુધારક તરીકે તેમણે આંધ્રની મહિલાઓનું ઘડતર કર્યું છે. તેમની ગણના ઍડિસન અને સ્ટીલ સાથે કરવામાં આવે છે. તેઓ વફાદાર દેશભક્ત હતાં અને સરોજિની નાયડુ તથા કમલાદેવી ચટ્ટોપાધ્યાય સાથે ગાઢ સંબંધ ધરાવતાં હતાં.
તેમણે આશરે 16 વાર્તાસંગ્રહો; 2 નવલકથાઓ ‘વસુમતી’ અને ‘અપરાધી’; ‘પદ્મા’, ‘પુન:પ્રતિષ્ઠા’ અને ‘જીવનરાગમ્’ જેવાં કેટલાંક નાટકો ‘મા ચેતુનિડા મુચ્છત્લુ’, ‘ડિસ્કૉર્સિસ અન્ડર અ ટ્રી’ નામક નિબંધસંગ્રહો અને ‘નડુ માતા’ (‘માઈ એડવાઇઝ’) જેવું 316 કડીઓનું કાવ્ય આપેલ છે.
તેમને ગૃહલક્ષ્મી ગોલ્ડ બૅન્ગલ ઍવૉર્ડ તથા આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી તરફથી શ્રેષ્ઠ મહિલા લેખક ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા.
બળદેવભાઈ કનીજિયા