વપરાશ (consumption) : વ્યક્તિઓ, સંસ્થાઓ તથા સરકારે તેમની વર્તમાન જરૂરિયાતો સંતોષવા માટે કરેલો ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ. સમગ્ર અર્થતંત્રમાં વપરાશની ચીજવસ્તુઓ તથા સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચને વપરાશી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્થતંત્રમાં ઉત્પાદન તથા રોજગારીની સપાટી નક્કી કરવાની દૃષ્ટિએ વપરાશ પાછળ થતું ખર્ચ અગત્યનું છે. લોકો જ્યારે તેમની વપરાશ માટે ખર્ચ કરે છે ત્યારે તેઓ ચીજવસ્તુઓ અને સેવાઓની માંગ કરે છે. એ રીતે એ ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન માટે રોજગારીની તકો સર્જાય છે અને એ ઉત્પાદનમાં રોકાયેલાં સાધનોના માલિકોને આવક મળે છે. અર્થતંત્રમાં વપરાશનું ખર્ચ શાના આધારે નક્કી થાય છે તેનો સર્વપ્રથમ વિચાર પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી કેઇન્સે કરેલો. આ માટે તેમણે વપરાશવૃત્તિ(propensity to consume)નો ખ્યાલ રજૂ કરેલો. લોકો તેમની આવકનો જે ભાગ વપરાશ પાછળ ખર્ચે છે તે તેમની વપરાશવૃત્તિ દર્શાવે છે. લોકો સરેરાશના ધોરણે જો તેમની રૂ. 100ની આવકમાંથી રૂ. 90 વપરાશ પાછળ ખર્ચતા હોય તો તેમની વપરાશવૃત્તિ 0.9 ગણાય. કેઇન્સે એવો મત રજૂ કર્યો હતો કે લોકોની વપરાશ તેમની વર્તમાન આવક પર આધાર રાખે છે. લોકોની વર્તમાન આવક વધે તો તેમના વપરાશના ખર્ચમાં વધારો થાય, જોકે લોકોની આવકમાં જેટલો વધારો થશે તેની તુલનામાં તેમના વપરાશના ખર્ચમાં ઓછો વધારો થશે. લોકોની વપરાશવૃત્તિ વિશે કેઇન્સે બે અનુમાનો કર્યાં હતાં : (1) એક વર્ષ જેવા ટૂંકા ગાળામાં લોકોની વપરાશવૃત્તિનું મૂલ્ય સ્થિર રહે છે. દા.ત., લોકો તેમની આવકમાં થતા વધારાનો જો 0.8 હિસ્સો વપરાશની પાછળ ખર્ચતા હોય તો તે પ્રમાણે સ્થિર રહેશે. (2) ઇંગ્લૅન્ડ, અમેરિકા જેવા શ્રીમંત દેશોમાં લાંબા ગાળામાં લોકોની વપરાશવૃત્તિ ઘટતી હોવી જોઈએ.
1950 પછીનાં વર્ષોમાં અમેરિકા અને અન્ય કેટલાક દેશોમાં લોકોની આવક અને વપરાશ અંગે જે માહિતી મેળવવામાં આવી તેના આધારે વપરાશવૃત્તિ અંગેની કેઇન્સની ધારણાઓ સાચી નથી એવું માલૂમ પડ્યું. એ અનુભવમૂલક સંશોધનોમાંથી એવું જાણવા મળ્યું કે લોકોની વપરાશવૃત્તિ ટૂંકા ગાળામાં અસ્થિર છે, જ્યારે લાંબા ગાળામાં સ્થિર છે. આ હકીકતનો ખુલાસો શોધવાના પ્રયાસો રૂપે અર્થશાસ્ત્રીઓએ વપરાશ અંગે જુદા જુદા સિદ્ધાંતો રજૂ કર્યા.
જે. એસ. ડોસેનબરીએ ‘ઇન્કમ, સેવિંગ ઍન્ડ ધ થિયરી ઑવ્ કન્ઝ્યુમર બિહેવિયર’ નામક ગ્રંથમાં (1949) પ્રતિપાદિત કર્યું છે કે કુટુંબના વપરાશનો આધાર તેની નિરપેક્ષ આવક (absolute income) પર નહિ પણ સાપેક્ષ આવક (relative income) પર છે. સમાનતાવાળા સમાજ કરતાં અસમાનતાવાળા સમાજમાં કુટુંબ આપેલી આવકમાંથી વધુ વપરાશ કરશે, કેમ કે તે વધુ આવક ધરાવતા ઉપલા વર્ગના જીવનધોરણ અનુસાર જીવવાનું વલણ ધરાવે છે. વિકાસશીલ દેશોમાં બચત ઓછી થાય છે તે પાછળનું એક કારણ આ દેખાદેખીથી થતા વપરાશખર્ચમાં રહેલું છે એમ નર્સ્કેએ તારવ્યું હતું.
મિલ્ટન ફ્રિડમૅનના મત અનુસાર કાયમી વપરાશ (permanent consumption) કાયમી આવક(permanent income)ના પ્રમાણમાં જ હોય છે. કોઈ પણ સમયગાળામાં મળતી ખરેખર, અવલોકનક્ષમ આવક બે ભાગની બનેલી હોય છે : કાયમી આવક અને અસ્થાયી આવક. નોકરિયાત માણસને મહિને પગાર મળે છે એ પહેલા પ્રકારની આવક છે; જ્યારે પસ્તી વેચવાથી મળતી રકમ કે બચતપત્રોની ખરીદી પર મળતું કમિશન બીજા પ્રકારની આવક છે. વપરાશને પણ સ્થાયી વપરાશ ને અસ્થાયી વપરાશ – એમ બે ભાગમાં વહેંચી શકાય. મહત્વની વાત સ્થાયી આવક ને સ્થાયી વપરાશ વચ્ચેના સંબંધની છે એમ ફ્રિડમૅન કહે છે.
મોડિગ્લિઆની ને રિચાર્ડ બ્રમબર્ગ પણ આને મળતી વાત કરે છે. તેઓના મત પ્રમાણે માણસ આવકમાંથી કેટલા ભાગનો વપરાશ કરશે ને કેટલો ભાગ બચાવશે તેનો આધાર દીર્ઘકાલીન દૃષ્ટિએ જોઈએ તો સમગ્ર જીવન દરમિયાન મળેલી સરેરાશ આવક પર છે. બચત પર ચાલુ આવકની પ્રમાણમાં ઓછી અસર પડે છે.
વપરાશ પાછળ થતા એકંદર ખર્ચમાં ટૂંકા સમયગાળામાં આવતા ફેરફાર પાછળ કારણ રૂપે પાછલા વર્ષની આવકમાં થયેલી વધઘટ રહેલી છે, એવી પણ એક સિદ્ધાંત-કલ્પના છે.
સમજૂતીની આ વિવિધતા દર્શાવે છે કે વપરાશ અંગેના સિદ્ધાંત વિશે વૈચારિક અસંમતિ પ્રવર્તે છે. એકંદર વપરાશ નક્કી કરનાર પરિબળો વિશે જાણવા જેવું બધું જાણવા મળતું હોય છે, એવો આરંભના કેઇન્સવાદીઓનો આશાવાદ ટકી શક્યો નથી. એટલું તો ચોક્કસ કે મધ્યમ સમયગાળામાં થતા વપરાશ પરના એકંદર ખર્ચને માત્ર ચાલુ આવકના કે ગ્રાહકના હાથમાં રહેતી વપરાશક્ષમ આવક(disposable income)ના આધારે પૂર્ણ રીતે સમજાવી શકાય એમ નથી. ભૂતકાળમાં આપણે કેટલી આવક મેળવતા આવ્યા છીએ ને ભવિષ્યમાં કેટલી આવક મળનાર છે એ પરથી નિર્ધારિત થતી આવકની સપાટી પર કોઈ પણ સમયે કેટલો વપરાશ પાછળ ખર્ચ કરાશે તેનો આધાર છે. આજની ચાલુ આવક નહિ પણ દીર્ઘતર ગાળાની આવક અહીં મહત્વની બને છે. આવકનો ઇતિહાસ, વર્તમાન આવક ને તેમાં આવેલ પરિવર્તનો, તેમજ ભવિષ્યમાં મળનાર આવક અંગેની ધારણાઓ આ સર્વના કોઈક સંયોજન દ્વારા વર્તમાન વપરાશ પાછળના ખર્ચની (ને બચતની) પર્યાપ્ત સમજૂતી કદાચ મળી રહેશે.
અહીં સુધીની ચર્ચામાં વપરાશનો વિચાર કેવળ આવકના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. ટૂંકા અને મધ્યમ ગાળામાં અન્ય કેટલાંક પરિબળો પણ વપરાશને પ્રભાવિત કરે છે, એ પરિબળો નીચે પ્રમાણે છે :
આવક ઉપરાંત એકંદર વપરાશ પરના અર્થતંત્રમાં થતા ખર્ચને સમજાવવા માટે બીજાં કેટલાંક પરિબળોનો અર્થશાસ્ત્રીઓ નિર્દેશ કરે છે. વપરાશખર્ચની ટૂંકા ગાળામાં થતી વધઘટને તેમજ તેના દીર્ઘકાલીન વલણને સમજાવવામાં આ પરિબળ મદદરૂપ બને એમ છે. આમાંનાં ઘણાંનો તો કેઇન્સે વપરાશ કરાવનાર આત્મલક્ષી ને વસ્તુલક્ષી પરિબળોની પોતાની યાદીમાં સમાવેશ કરેલો જ છે. આ પરિબળો સંક્ષેપમાં નીચે પ્રમાણે છે :
(1) વ્યાજનો દર : વધુ વ્યાજના દરે માણસ પોતાની આવકમાંથી વધુ બચત કરવા પ્રેરાશે ને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ તેના પર ભાર મૂક્યો હતો. આંકડાકીય માહિતી ને અનુભવનો આ વાતને ટેકો નથી. અર્થશાસ્ત્રીઓ આજે એના પર ભાર મૂકતા નથી.
(2) જાહેરખબર ને વેચાણપ્રયત્ન : એને કારણે આ કે તે ચીજનું વેચાણ તો વધે છે, પણ આપેલ આવકમાંથી એકંદર વધુ વપરાશ કરવા તેને કારણે માણસ પ્રેરાય છે કે નહિ તે અનિશ્ચિત છે. અસરકારક માંગના સિદ્ધાંતમાં આ પરિબળને ખાસ મહત્વ અપાયું નથી.
(3) સાપેક્ષ ભાવો : ભાવ ઘટે તે ચીજની માંગ તો વધે પણ એકંદર ઘરાકી કે માંગ એને કારણે વધશે ? ભાવઘટાડાની આવકઅસરને કારણે આમ બનવું શક્ય છે, પણ આવી કોઈ સિદ્ધાંતકલ્પના સાહિત્યમાં મળતી નથી.
(4) મૂડીલાભ : શેરના ભાવ વધે ત્યારે શેરહોલ્ડરને લાભ થાય તે તેની તેના વપરાશ પાછળના ખર્ચ પર અસર થઈ શકે છે.
(5) સંપત્તિનું પ્રમાણ : માણસ પાસે જેમ સંપત્તિ વધુ તેમ તેની સીમાવર્તી ઉપયોગિતા (તુદૃષ્ટિગુણ) ઓછી ને ચાલુ વપરાશ ઓછો કરી સંપત્તિમાં વધારો કરવાની ઇચ્છા પણ ઓછી તીવ્ર. જેમ માણસની પાસે બચત વધુ એકત્રિત થઈ હોય તેમ તેની બચતસંચય કરવાની ઇચ્છા મંદ પડે છે. ભાવોની સપાટી ઘટે છે ત્યારે પણ પ્રજા પાસેની સંપત્તિનું એકંદર વાસ્તવિક મૂલ્ય વધે છે. જે મિલકતનું નાણાકીય મૂલ્ય સ્થિર છે તેના માટે આ વાત સવિશેષ સાચી છે. નાણાં, બૉન્ડ, ડિબેન્ચર આ પ્રકારની મિલકત છે. ભાવઘટાડો આમ મિલકતનું સાચું મૂલ્ય વધારે છે ને એ રીતે વધુ વપરાશને પ્રેરે છે, એમ પિગુએ સૌપ્રથમ દર્શાવ્યું હતું. ભાવઘટાડાની આ અસરને પિગુ-અસર કહેવામાં આવે છે. ભાવઘટાડા દ્વારા આ અસર અનુસાર એકંદર સમાજના વપરાશ-ખર્ચમાં વધારો કરીને પૂર્ણ રોજગારી હાંસલ કરવાની નીતિની ભલામણ મોટાભાગના અર્થશાસ્ત્રીઓ કરતા નથી.
(6) નાણાંનું ને રોકડ સંપત્તિનું પ્રમાણ : રોકડ રૂપની સંપત્તિ વધુ હોય તો માણસ સરળતાથી એને કાઢી નાખી શકે છે ને ચાલુ આવકની મર્યાદા વપરાશ કરતી વખતે એને નડતી નથી. યુદ્ધના ગાળામાં પ્રજા પાસે રોકડ અસ્કામતો એકત્રિત થઈ હતી અને વપરાશની ચીજો માટેની તેની ઇચ્છા પણ માપબંધીને કારણે અતૃપ્ત રહી હતી. બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રજા આ રોકડ અસ્કામતોને લઈને બજારમાં વપરાશનો માલસામાન ખરીદવા નીકળી પડી હતી. યુદ્ધના સમયમાં ખાસ તો ટકાઉ વપરાશની ચીજો પ્રાપ્ય નહોતી ને તેની માગ અણસંતોષાયેલી રહી હતી. યુદ્ધ બાદ આ ચીજો પાછળનો વપરાશખર્ચ સવિશેષ વધ્યો હતો.
(7) આવકના પ્રમાણમાં વપરાશખર્ચ ટૂંકા સમયગાળામાં અસ્થિર જોવા મળે છે તેની પાછળ આ ટકાઉ વપરાશની ચીજોની ઘરાકીની અસ્થિરતા રહેલી છે. આવી ચીજો અનેક વર્ષ સુધી સેવાઓ આપે છે. એમની ચાલુ સેવાઓની ગ્રાહકોની ઇચ્છા થોડી વધી હોય તોય એમની ખરીદીમાં તીવ્ર દરે વધારો થાય છે. આવકની સરખામણીમાં આ ચીજોની સેવાઓના ઉપભોગમાં ઝાઝી અનિયમિતતા નથી હોતી તોપણ આ ચીજો ક્યારે ખરીદાય છે તેની એકંદર વપરાશ પાછળના ખર્ચ પર ગણનાપાત્ર અસર પડે છે.
(8) ગ્રાહકોને બૅંકો દ્વારા અપાતી શાખ કે લોનની શરતો : આ શરતો ઉદાર હોય તો ટકાઉ વપરાશી ચીજોની ખરીદી વધુ રહેશે.
આ થયાં વસ્તુલક્ષી પરિબળો. હવે આત્મલક્ષી પરિબળોનો વિચાર કરવો પણ જરૂરી છે : સાવચેતી, અગમચેતી, ગણતરી, સુધારણા, સ્વતંત્રતા, સાહસ, અભિમાન અને લોભ આ સર્વ બચત માટેના હેતુ છે એમ કેઇન્સે કહ્યું હતું. વપરાશના હેતુઓ તરીકે તેણે આનંદપ્રાપ્તિ, ટૂંકી દૃષ્ટિ, ઉદારતા, ખોટી ગણતરી, દેખાડો કરવાની વૃત્તિ અને ઉડાઉપણાને ગણાવ્યાં હતાં. ટૂંકા ગાળામાં આ સર્વ ખાસ બદલાતાં નથી એમ પણ તેણે કહ્યું હતું. વપરાશ-વિધેયના આકાર (shape) અને સ્થાન (level) પર એની અસર પડે છે.
(9) આવક અને ભાવ અંગેની ધારણાઓની વપરાશ પર કેવી અસર થાય છે ? કેઇન્સ તો કહે છે કે કેટલાક માણસો આવક વધવાની તો કેટલાક તે ઘટવાની ધારણા રાખતા હોય છે. પરિણામે વપરાશ પરની સાનુકૂળ ને પ્રતિકૂળ અસરો એકંદર સરવાળે એકમેકનો છેદ ઉડાવી દે છે. ભાવો અંગેની ધારણાઓની અસર અંગેય આમ જ બને છે; પરંતુ સંશોધનો દર્શાવે છે કે ચાલુ આવકથી સ્વતંત્ર રીતે આવક અંગેની ધારણાઓ બદલાય છે ને તેની ગ્રાહકના વપરાશ કરવાના વર્તન પર અસર પડે છે. ભાવો અંગેની ધારણાની બચત ને વપરાશ વચ્ચેનો સંબંધ આટલો સ્પષ્ટ નથી.
(10) માણસનાં મનોવલણો (attitudes), સલામતી કે અસલામતીની લાગણી, વર્તમાન આર્થિક ને રાજકીય પ્રવાહો અંગેનો તેનો સંતોષ કે અસંતોષ, બજારના પ્રવાહો વિશેની દીર્ઘકાલીન ધારણાઓ – આ સર્વની પણ આવક, વપરાશ ને બચત પર અસર પડે છે. વપરાશ ને બચત નિષ્ક્રિય રીતે આવક ને અન્ય આર્થિક ગણાતાં પરિબળો સાથે જ સંકળાયેલાં નથી. ગ્રાહકની સમજણ, મનોવલણ ને ધારણા અનુસાર એકંદર વપરાશમાં સ્વત: ફેરફાર આવી શકે છે. મનોવલણ કઈ રીતે ઘડાય છે, મનોવલણ ને ધારણાઓ તથા પ્રજાના વપરાશ અંગેના વર્તન વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે, તે અંગે સંશોધન ચાલી રહ્યાં છે.
વપરાશ-ખર્ચ પર પ્રભાવ પાડનાર માળખાગત (structural) પરિબળોનો ટૂંકમાં નિર્દેશ કરીએ.
(11) વ્યક્તિગત ને કાર્યાનુસારી આવક–વહેંચણી : ઓછી સીમાવર્તી વપરાશવૃત્તિ ધરાવતાં ઉચ્ચ આવક ધરાવતાં કુટુંબોની આવક ઓછી કરી વધુ સીમાવર્તી વપરાશવૃત્તિ ધરાવતાં ઓછી આવક ધરાવતાં કુટુંબોની આવક વધારવાની નીતિને સરકાર અનુસરે તો અર્થતંત્રમાં વપરાશખર્ચ વધે ને બચત ઘટે. એ જ રીતે રોજી, પગાર, ભાડું, વ્યાજ, નફો ને ખેતીક્ષેત્રની વચ્ચે રાષ્ટ્રીય આવક કઈ રીતે વહેંચાય છે તેની પણ વપરાશ પર થતા ખર્ચના પ્રમાણ પર અસર પડે છે.
(12) વસ્તીને લગતાં પરિબળ : વપરાશ અંગેના તફાવત, કુટુંબનું કદ, જીવનનો તબક્કો, રહેઠાણનું સ્થળ, વ્યવસાય, મકાનમાલિકી, જાતિ (race) જેવાં વસ્તીને લગતાં પરિબળ દ્વારા સમજાવી શકાય છે. સમગ્ર દેશની દૃષ્ટિએ આ સર્વ ધીમેથી બદલાય છે. ટૂંકા ગાળાની વિચારણામાં તેમને અવગણી શકાય.
(13) રાજકોષીય નીતિ : આ નીતિમાં કર ઘટાડીને ને ઉદાર સહાય માટે જોગવાઈ કરીને મંદીના સમયમાં નાગરિકની કરશેષ આવક (disposable income) વધારી શકાય છે ને વપરાશ પરના ખર્ચમાં વધારો કરી શકાય છે. નાગરિકના હાથમાં રહેતી આવક પર આ રીતે પ્રભાવ પાડી શકાય છે ને એ રીતે વપરાશખર્ચ પર પણ અસર પાડી શકાય છે.
આમ કેઇન્સના વપરાશ-વિધેયમાં અભિપ્રેત છે તેના કરતાં એકંદર વપરાશ પાછળના ખર્ચનું ને બચતનું નિર્ધારણ વધુ સંકુલ પ્રક્રિયા છે. ચાલુ આવક પરથી ચાલુ વપરાશ-ખર્ચ તારવવા જેટલી સરળ બાબત તે નથી. ભૂતકાળના ને ભવિષ્યના આવક ને વપરાશના કોઈક એક સરેરાશ વચ્ચેના સંબંધ વિશે અહીં આપણે વિચારવું પડે છે. આ ઉપરાંત આવક સિવાયનાં પરિબળોનેય લક્ષમાં લેવાં પડે છે. છતાં કેઇન્સે વપરાશખર્ચના એક નિર્ણાયક પરિબળ તરીકે આવક પર ભાર મૂક્યો છે તેની ના કહી શકાય નહિ. આવક ઠીક ઠીક સમય સુધી વધતી રહે તો વપરાશ પાછળનો ખર્ચ પણ વધશે અને આવક વધશે તેના કરતાં ઓછી માત્રામાં વધશે એ વાત સ્વીકારવાની રહે છે.
બદરીપ્રસાદ મ. ભટ્ટ