વન ફ્લૂ ઓવર ધ કકૂઝ નેસ્ટ : લોકપ્રિય બનેલું અંગ્રેજી ચલચિત્ર. રંગીન. નિર્માણવર્ષ : 1975. નિર્માતા : સોલ ઝેન્ટ્ઝ, માઇકલ ડગલાસ. દિગ્દર્શક : મિલોસ ફૉરમૅન. પટકથા : લૉરેન્સ હોબેન, બો ગોલ્ડમેન. કથા : કેન કેસીની નવલકથા અને ડેલ વૉશરમૅનના નાટક પર આધારિત. છબિકલા : હૉસ્કેલ વૅક્સલર, વિલિયમ એ. ફ્રેકર, બિલ બટલર. સંગીત : જૅક નિત્સે. મુખ્ય કલાકારો : જૅક નિકોલસન, લૂઈઝ ફ્લેચર, વિલિયમ રેડફીલ્ડ, માઇકલ બેરિમૅન, બ્રેડ ડૉરિફ, પીટર બ્રોક્કો, ડેની દ વિટો, વિલિયમ ડ્યુએલ.

વ્યાવસાયિક રીતે પણ ખૂબ સફળ થયેલું આ ચલચિત્ર પ્રશિષ્ટ ચલચિત્રોમાં સ્થાન પામી ચૂક્યું છે. ઑસ્કાર ઍવૉર્ડના ઇતિહાસમાં માત્ર જે બે ચલચિત્રોને પાંચેપાંચ મુખ્ય શ્રેણી(શ્રેષ્ઠ ચલચિત્ર, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ સહદિગ્દર્શક અને શ્રેષ્ઠ પટકથા)માં ઍવૉર્ડ મળ્યા છે તેમાંનું એક આ ચલચિત્ર છે. બીજું છે ‘ઇટ હૅપન્ડ વન નાઇટ’ (1934).

‘વન ફ્લૂ ઓવર ધ કકૂઝ નેસ્ટ’ ચલચિત્રમાં મુખ્ય અભિનેતા જૅક નિકોલસન  અભિનય-મુદ્રામાં

એક પાગલખાનામાં મુખ્ય નર્સની જોહુકમી સામે એક દર્દીની લડત આ ચિત્રના કેન્દ્રમાં છે. દિગ્દર્શક મિલોસ ફૉરમૅને તેને દમન અને શોષણ સામેના સંઘર્ષના પ્રતીક તરીકે રજૂ કરી છે. પાગલખાનામાં જાતજાતની માનસિક સમસ્યાઓથી પીડાતા માણસો છે. મુખ્ય નર્સ રેટચેડ તેમના પર જોહુકમી કરતી રહે છે. આ પાગલખાનામાં એક નવો દર્દી રૅન્ડેલ પૅટ્રિક મૅકમર્ફી દાખલ થાય છે. મૂળ તો તે બળાત્કારનો આરોપી છે. પણ આ ગુનો તેણે મગજની અસ્થિર હાલતમાં કર્યો હોવાના તેના બચાવને કારણે તેને આ પાગલખાનામાં મોકલી અપાયો હતો. હકીકતમાં તે પાગલ છે જ નહિ. રેન્ડલ નર્સ રેટચેડનો સામનો કરે છે. નર્સ પણ સમજી જાય છે કે આના પર જરા વધારે ધ્યાન આપવું પડશે. એ પછી એકબીજાને પરાસ્ત કરવાના પેંતરા શરૂ થાય છે. જેમાં મોટાભાગે નર્સનો જ હાથ ઉપર રહે છે. કારણ કે તેની પાસે સત્તા છે અને સામે રેન્ડલે પાગલ બની રહેવું પડે છે. રેન્ડલ બીજા દર્દીઓને પણ ધીમે ધીમે પોતાની સાથે કરે છે; એટલું જ નહિ, અત્યાર સુધી તેમને જે કેટલીક મળવાપાત્ર સુવિધાઓ નહોતી મળતી તે પણ અપાવે છે. જોકે અંતે નર્સ પોતાનું ધાર્યું કરતી રહે છે અને એક સમય એવો આવે છે કે તે રેન્ડલ પર પાગલોને કાબૂમાં રાખવા તેમના મગજ પર જે શસ્ત્રક્રિયા કરાતી હોય છે તે કરાવીને તેને સાવ ગરીબડો બનાવી દે છે. એ ન જોઈ શકતાં ચીફ બ્રૂમ (જે આખી કથાનો સૂત્રધાર છે.) નામનો પાગલ રેન્ડલને ઓશીકા વડે ગૂંગળાવીને મારી નાંખે છે અને નર્સની ઑફિસમાં જઈ જે સાધનો વડે તે પાગલોને અંકુશમાં રાખતી તે બધાં સાધનો બારીની બહાર ફેંકી દે છે અને પોતે ભાગી જાય છે. મરીને પણ રેન્ડલ પાગલખાનામાંથી મુક્ત થયો તે ઘટના એક પ્રતીક તરીકે રજૂ કરાઈ છે. ચલચિત્રને ઑસ્કાર ઍવૉર્ડનાં કુલ નવ નામાંકન મળ્યાં હતાં, જેમાંથી મુખ્ય પાંચ શ્રેણીઓમાં તેને ઍવૉર્ડ મળ્યા હતા.

હરસુખ થાનકી