વનમાલા (જ. 23 મે 1915, ઉજ્જૈન, મધ્યપ્રદેશ) : મરાઠી અને હિંદી ચલચિત્ર જગતની વિખ્યાત અભિનેત્રી (1940-54). મૂળ નામ સુશીલાદેવી. પિતા રાવ બહાદુર કર્નલ બાપુરાવ આનંદરાવ પવાર તત્કાલીન માળવા પ્રાંતના કલેક્ટર તથા શિવપુરી વહીવટી વિભાગના કમિશનર હતા. ત્યાંથી નિવૃત્ત થયા પછી તેઓ થોડાક સમય માટે ગ્વાલિયર રિયાસતના ગૃહપ્રધાન પણ હતા. તેઓ ગ્વાલિયર મહારાજાના નિકટના વર્તુળના ગણાતા. વનમાલાનો ઉછેર પણ ગ્વાલિયર રિયાસતમાં રાજવી ઢબે થયો હતો. તેમણે બાળપણથી તલવારબાજી અને ઘોડેસવારી સહિતની વિવિધ પ્રકારની તાલીમ લીધી હતી. સાથોસાથ ઇતિહાસના મુખ્ય વિષય સાથે ગ્વાલિયરની જીવાજીરાવ કૉલેજમાંથી આગ્રા યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ સમાજશાસ્ત્ર વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરવાના હેતુથી તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં જોડાયાં હતાં, પરંતુ માતાના આકસ્મિક નિધનને કારણે તેમને અધવચ્ચે ભણતર છોડવું પડ્યું. ત્યારબાદ તેમણે પુણે ખાતેથી બી. ટી.ની પદવી પ્રાપ્ત કરી. પુણેમાં તેમનાં માસી આગરકર હાઇસ્કૂલનાં આચાર્યા હતાં, જેમણે વનમાલાને પોતાની સંસ્થામાં શિક્ષિકાની નોકરી અપાવી દીધી. રૂઢિચુસ્ત પિતાને આ મુદ્દલ ગમ્યું નહિ. પછી વનમાલા જ્યારે ચલચિત્રો સાથે સંકળાયાં ત્યારે તો પિતાએ તેમની સાથેના બધા જ સંબંધો કાપી નાંખ્યા હતા. આ પારિવારિક સંબંધો પંદર વર્ષ સુધી વિચ્છેદની અવસ્થામાં રહ્યા પછી એક મધ્યસ્થીની દરમિયાનગીરીને કારણે ફરી પ્રસ્થાપિત થયા હતા.

1936-37ના અરસામાં વનમાલાની મુલાકાત વિખ્યાત ચલચિત્ર-નિર્માતા વી. શાંતારામ (1901-90) સાથે થઈ. તેમણે વનમાલામાં રહેલી કલા પ્રત્યેની રુચિ પારખીને પોતાનાં ચલચિત્રોનાં નિર્માણ અને દિગ્દર્શનમાં સહાય કરવાનું તેમને આમંત્રણ આપ્યું, જે વનમાલાએ સ્વીકારી લીધું. તે જ અરસામાં મરાઠી ચલચિત્રજગતના દિગ્દર્શકો માસ્ટર વિનાયક (1906-47) અને બાબુરાવ પેંઢારકર (1896-1967) આચાર્ય અત્રે(1898-1969)ની એક વાર્તા પરથી ‘લપંડાવ’ નામનું મરાઠી ચલચિત્ર નિર્માણ કરી રહ્યા હતા, જેમાં અભિનય કરવા માટે તેમણે વનમાલા સમક્ષ દરખાસ્ત મૂકી અને આ રીતે એક મરાઠી ચલચિત્રથી વનમાલાની અભિનેત્રી તરીકેની કારકિર્દીનો આરંભ થયો. તે જ અરસામાં વિખ્યાત ચલચિત્ર-નિર્માતા સોહરાબ મોદી (1897-1984) પોતાના એક મહત્વાકાંક્ષી ચલચિત્ર ‘સિકંદર’ માટે એક એવી અભિનેત્રીની શોધમાં હતા, જે જન્મથી ભલે ભારતીય હોય છતાં વિદેશી નારી લાગે. વનમાલાને મરાઠી ચલચિત્રના પડદા પર જોતાં જ સોહરાબ મોદીએ તેમને ‘સિકંદર’માં નાયિકાનું કામ કરવા રાજી કરી લીધાં. આ ચલચિત્ર રૂપેરી પડદા પર ખૂબ સફળ નીવડ્યું અને તેની સાથોસાથ વનમાલા પણ ખૂબ લોકપ્રિય થઈ ગયાં. અત્રે પિક્ચર્સમાં તેઓ ભાગીદાર પણ બન્યાં. જેના પછી તેમણે આ કંપનીના નેજા હેઠળ 14 ચલચિત્રોનું નિર્માણ કર્યું. તેમાં ‘ચરણોં કી દાસી’, ‘વસંતસેના’, ‘તસવીર’, ‘રાજારાની’ જેવાં હિંદી ચલચિત્રો ઉપરાંત ‘શ્યામચી આઈ’ મરાઠી ચલચિત્ર મુખ્ય હતાં. ‘શ્યામચી આઈ’ મરાઠી ચલચિત્ર વિખ્યાત રાષ્ટ્રીય નેતા અને ચિંતક સાનેગુરુજી (1899-1950) દ્વારા તેમના જેલવાસ દરમિયાન લખેલી, તે જ શીર્ષક ધરાવતી લોકપ્રિય નવલકથા પરથી ઉતારવામાં આવ્યું હતું. ભારતમાં ચલચિત્ર ક્ષેત્રે સરકારી રાહે જુદા જુદા પ્રકારની સિદ્ધિઓ માટે ભારતભરના ચલચિત્રવિદોને રાષ્ટ્રપતિ ચંદ્રકો આપવાનો પ્રારંભ 1954માં થયો અને તેના પ્રથમ વર્ષે જ (1954) સર્વોત્કૃષ્ટ કથાચિત્રની શ્રેણીમાં ‘શ્યામચી આઈ’ને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. આ ચલચિત્રમાં મુખ્ય ભૂમિકા વનમાલાએ ભજવી હતી. વનમાલાની અંગત શૈક્ષણિક લાયકાતને લીધે તેમના અભિનયવાળાં ચલચિત્રોના પ્રચારમાં તેમના નામ સાથે તેમની શૈક્ષણિક લાયકાતો ‘બી.એ., બી.ટી.’નો પણ ઉલ્લેખ કરવામાં આવતો. ચલચિત્ર જગતની તેમની કારકિર્દીના ગાળામાં તેઓ રૂપસુંદરી ગણાતાં હતાં; એટલું જ નહિ પરંતુ તેમની આંખોમાં એક વિશિષ્ટ પ્રકારની ચમક હતી, જેને કારણે સોહરાબ મોદી અને વી. શાંતારામ જેવા નિર્માતાઓએ વનમાલાને તેમનાં ચલચિત્રોમાં નાયિકાની ભૂમિકા આપી હતી.

વનમાલા

કુલ પંદર વર્ષ સુધી તે ચલચિત્ર જગત સાથે સંકળાયેલાં રહ્યાં તે દરમિયાન વનમાલાને ભૌતિક વૈભવમાં આળોટવાનો સારો એવો મોકો મળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમને અહેસાસ થયો કે ફિલ્મી દુનિયા તેમને જીવનમાં ખરેખર જે જોઈતું હતું તે આપી શકતી ન હતી. તેઓ સાચા અર્થમાં વિશુદ્ધ કલાનાં ઉપાસક હતાં, જ્યારે ફિલ્મી દુનિયા સમગ્ર રીતે વ્યાવસાયિક અને બનાવટી હતી. છેવટે તેમણે તેમાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો અને વૃંદાવનના આંટાફેરા શરૂ કર્યા. સમય જતાં તેમને વૃંદાવનની મોહિની લાગી અને એક દિવસ બધાં ભૌતિક સુખોને તિલાંજલિ આપી કાયમ માટે તેઓ વૃંદાવન જતાં રહ્યાં. ત્યાં તેમણે ‘સ્વામી હરિદાસ કલા સંસ્થાન’ની સ્થાપના કરી, જે પ્રતિભાશાળી યુવક-યુવતીઓને સંગીતની તાલીમ આપે છે.

તેમનાં નોંધપાત્ર ચલચિત્રો : ‘લપંડાવ’ (મરાઠી) (1940), ‘સિકંદર’ અને ‘ચરણોં કી દાસી’ (1941), ‘વસંતસેના’ અને ‘રાજારાની’ (1942), ‘મુસ્કરાહટ’ અને ‘શહનશાહ અકબર’ (1943), ‘કાદંબરી’, ‘મહાકવિ કાલીદાસ’ તથા ‘પરબત પે અપના ડેરા’ (1944), ‘શરબતી આંખેં’, ‘પરિંદે’ તથા ‘આરતી’ (1945), ‘ખાનદાની’, ‘ચંદ્રહાસ’ તથા ‘બીતે દિન’ (1947), ‘આઝાદી કી રાહ પર’ (1948) અને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક વિજેતા ચલચિત્ર ‘શ્યામચી આઈ’ (મરાઠી) (1954).

વર્ષ 2004માં ‘શ્યામચી આઈ’ ચલચિત્રના નિર્માણની સુવર્ણ જયંતી ઊજવવા માટે મહારાષ્ટ્ર સરકારે વનમાલા પર એક દસ્તાવેજી ચલચિત્ર નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. દાદાસાહેબ ફાળકે અકાદમીએ ચલચિત્ર ક્ષેત્રે વનમાલાના પ્રદાન બદલ તેમનું તાજેતરમાં (2004) જાહેર સન્માન કર્યું હતું.

હરસુખ થાનકી