વન્ય જીવો : સંરક્ષણ અને વ્યવસ્થાપન : વન કે અન્ય પ્રાકૃતિક પર્યાવરણમાં ઊછરતા, પાંગરતા અને વિચરતા પ્રાણીજીવો (wild life). સામાન્ય રીતે મનુષ્યના સહવાસમાં રહેતાં પાળેલાં પશુપંખીઓ સિવાયનાં જંગલી પ્રાણીઓને વન્ય પ્રાણી કે જીવો ગણવામાં આવે છે. પ્રાગ્-ઐતિહાસિક કાળમાં મનુષ્યજાતિ પણ એક વન્યજીવ હતો. આજે પણ ઍમેઝોન અને કૉંગોનાં ગાઢ જંગલોમાં લગભગ પશુવત્ જીવતી માનવજાતિ છે. ‘વન્ય જીવ’ શબ્દપ્રયોગ મુખ્યત્વે જંગલી પ્રાણીઓ વાઘ, સિંહ જેવાં હિંસક પ્રાણીઓ, પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવીઓ વગેરે માટે વપરાય છે. જ્યાં સુધી મનુષ્ય નિસર્ગમાં વિશાળ નિવસનતંત્રના ભાગ રૂપે રહેતો હતો ત્યાં સુધી બધા જ જીવો એક સમતુલિત નિવસનતંત્રના ભાગ હતા.
ઉત્ક્રાંતિના એક ભાગ રૂપે માનવજાતિનો વિકાસ શારીરિક કરતાં બૌદ્ધિક વિકાસ તરફ વધારે વળ્યો. પરિણામસ્વરૂપ મનુષ્યજાતિ ‘હોમો સૅપિયન્સ’ (બુદ્ધિશાળી નૃવંશી પ્રાણી) બની. આ બુદ્ધિશાળી પ્રાણીએ કાળક્રમે અન્ય પ્રાણીઓ અને જીવોથી અલગ થવાનું પસંદ કર્યું. આજે મનુષ્ય પોતાની જાતને જેટલો સંસ્કારી અને વિકસિત માને છે તેટલા પ્રમાણમાં અન્ય પ્રાણીજીવોથી દૂર થતો જાય છે. પોતાનાં સુરક્ષા અને હિતની ખાતર અન્ય જીવોની માત્ર ઉપેક્ષા જ નહિ, પરંતુ તેમને નામશેષ કરવા તરફ જઈ રહ્યો છે.
નામશેષ થઈ રહેલાં વન્ય પ્રાણીઓ : (1) લગભગ 8,000 વર્ષ પહેલાં આદિ પાષાણયુગના મનુષ્ય દ્વારા શિકારથી રુવાંટીવાળા મેમથ હાથી (મેમ્મુથસ પ્રિમિજિનિયસ) નામશેષ થયા.
(2) ઈ. સ. 900થી 1600ના અરસામાં શાહમૃગને મળતું આવતું, પરંતુ તેનાથી મોટું 3 મી. ઊંચાઈવાળું રાક્ષસીકાય મોઆ પક્ષી (ડાયઑર્નિસ મૅક્સિમસ) ન્યૂઝીલૅન્ડમાં ત્યાંના આદિવાસી માઓરીઓ દ્વારા શિકાર થતાં નામશેષ થયું.
(3) 1601 સુધી મૉરિશિયસ બેટમાં ડોડો પક્ષી (રેફસ કુકુલેટસ) મળી આવતાં હતાં, પરંતુ 1681 સુધીમાં ડચ વસાહતીઓ દ્વારા થતા શિકારને કારણે અને તેમણે પાળેલાં ડુક્કર અને કૂતરાંને કારણે આ પક્ષી નામશેષ બન્યું.
(4) તસ્માનિયન વુલ્ફ (થાયલેસિનસ સિગ્નોસિફેલર) તરીકે ઓળખાતું માંસાહારી ઈંડાં મૂકનાર સસ્તન પ્રાણી ઑસ્ટ્રેલિયામાં 3000 વર્ષ પહેલાં મળી આવતું હતું, પરંતુ તેનો છેલ્લો નમૂનો 1936માં પ્રાણીસંગ્રહાલય હોબાર્ટમાં મૃત્યુ પામ્યો.
(5) ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં શિકાગો વિસ્તારમાં લાખોની સંખ્યામાં મળી આવતાં શાંતિના દૂત – મેસેન્જર કબૂતર (ઍકટોપિક્ટિસ માઇગ્રેટોરિયસ) સ્થાનિક શિકારીઓના હાથે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ ભાગમાં લગભગ નામશેષ બની ગયાં. ઇંગ્લૅન્ડના પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલો એકમાત્ર નમૂનો 1914 પહેલાં નાશ થતાં આ જાતના કબૂતરની આખી જાતિ નામશેષ બની.
(6) ભારતમાંથી થોડા સમય પહેલાં જ શિકારી ચિત્તો (એસિનોનિક્સ જુબેટસ) નાશ પામ્યો. હવે ચિત્તા માત્ર આફ્રિકામાં જ જોવા મળે છે.
છેલ્લાં 400 વર્ષમાં 490 જાતિનાં પ્રાણીઓ લુપ્ત થયાં છે. વન્ય પ્રાણીઓ તરીકે જેમનો વારંવાર ઉલ્લેખ થાય છે, તેમાં 9,672 જાતિનાં પક્ષીઓ, 6,900 સરીસૃપો, 4,629 સસ્તનો અને 4,522 જાતિનાં ઉભયજીવી પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ સિવાય 23,000 જાતિની માછલીઓ અને 1.00 મિલિયન ઉપરાંત કીટક અને અન્ય અપૃષ્ઠવંશી પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. કુદરતમાં દર વર્ષે, દર મિલિયન જાતિઓમાંથી એક જાતિ નામશેષ (extinct) થાય છે; પરંતુ માનવસર્જિત કારણોથી દર વર્ષે, દર મિલિયન જાતિઓમાંથી 1,000થી 10,000 જાતિઓ લુપ્ત થઈ રહી છે.
મનુષ્ય દ્વારા શિકાર માટે પ્રાણીઓના રહેઠાણ ઉપર આક્રમણ થવાથી તે પ્રાણીઓને વિનાશનો ભય, અસ્તિત્વ માટેનું જોખમ અનુભવવાં પડે છે. બદલાતી પર્યાવરણીય પરિસ્થિતિને અનુકૂળ ન થઈ શકનારાં પ્રાણીઓ લુપ્ત થવાના આરે પહોંચે છે. પ્રાણીઓ ઉપરના ઝઝૂમતા ભયને લક્ષમાં રાખી વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડે (WWF) પ્રાણીઓની યાદી બહાર પાડી છે. અવારનવાર આ યાદીમાં ઉમેરો કે ફેરફારો થતા રહે છે. પ્રાણીસંરક્ષણની યોજનામાં આ યાદી મુજબ પ્રાથમિકતા અને કાર્યપદ્ધતિ અપનાવવા સૂચના અપાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ધોરણે તેમના રક્ષણ અને વિકાસ માટે વિવિધ પ્રકલ્પો (projects) હાથ ધરવામાં આવે છે. વિવિધ પ્રાણીજાતિઓનું આર્થિક અને પરિસ્થિતિકીય દૃષ્ટિથી મૂલ્યાંકન કરવામાં આવે છે. જે તે જાતિની મહત્તા ધ્યાનમાં લઈ તેના સંરક્ષણનાં પગલાં ભરવામાં આવે છે. ઈ. સ. 1600થી નામશેષ થયેલા કે અસ્તિત્વ જેમનું જોખમમાં મુકાયેલું હોય તેવા વિવિધ પ્રાણીસમૂહોના આંકડા બાજુની સારણીમાં આપ્યા મુજબ છે :
પ્રાણી– | 1600થી | જેમનું | લુપ્ત | જાતિઓની |
સમુદાય/વર્ગ | નામશેષ | અસ્તિત્વ | થવાના | સંખ્યા |
થયેલાંની | જોખમમાં | આરે હોય | કુલ | |
સંખ્યા | હોય તેવાંની | તેવાંની | ||
(extinct) | સંખ્યા | સંખ્યા | ||
(threatened) | (endangered) | |||
વર્ગ સસ્તન | 60 | 507 | 140 | 4,327 |
વર્ગ વિહગ | 122 | 1,029 | 132 | 9,672 |
વર્ગ સરીસૃપ | 23 | 169 | 38 | 6,547 |
વર્ગ ઉભયજીવી | 2 | 57 | 8 | 4,014 |
વર્ગ મત્સ્યાદિ | 29 | 713 | 368 | 23,000 |
સમુદાય મૃદુશરીર | 191 | 409 | 85 | 70,000 |
વર્ગ કીટક | 59 | 1,083 | 56 | 9,50,000 |
વર્ગ અષ્ટપાદી | 0 | 18 | 1 | 75,000 |
વર્ગ સ્તરકવચી | 4 | 126 | 3 | 40,000 |
કુલ પ્રાણીજાતિઓ | 491 | 4,452 | 835 | 13,00,000 |
વન્ય પ્રાણીઓની ઉપયોગિતા : વન્ય પ્રાણીઓ જેટલાં હાનિકારક છે તેનાથી અનેક ગણાં ઉપયોગી છે. કુદરતમાં દરેક પ્રાણી-પંખીની ઉપયોગિતા છે. તેમની માત્ર આર્થિક ઉપયોગિતા ઉપરથી મૂલ્યાંકન થવું જોઈએ નહિ. વન્ય પ્રાણીઓની ઉપયોગિતા મુખ્યત્વે ચાર દૃષ્ટિકોણથી જોવામાં આવે છે :
(i) કલાદર્શક સૌન્દર્ય (aesthetic beauty), (ii) આર્થિક મૂલ્યાંકન, (iii) વૈજ્ઞાનિક કિંમત, (iv) અસ્તિત્વની કિંમત.
(i) કલાદર્શક સૌન્દર્ય : નિર્જન વગડો શુષ્ક કે વેરાન હોય તો તેમાં બધું ભેંકાર લાગે, પરંતુ તે જ પ્રદેશમાં તરેહ તરેહનાં પુષ્પો, પર્ણો, વેલા, વૃક્ષો વગેરે હોય તો તે આખો પ્રદેશ સજીવ અને સુંદર પ્રેક્ષણીય સ્થળ બને છે. તેમાં જો વળી રંગબેરંગી પતંગિયાં કે કલરવ કરતાં પક્ષીઓ હોય, થનગનતાં મોરલા કે હરણાં વગેરે હોય તો આખું પ્રાકૃતિક શ્ય પૃથ્વી ઉપર સ્વર્ગ સમાન બને છે. દૈનિક કે સામાન્ય કામકાજથી થાકેલા મનુષ્યને આવાં સ્થળો આહ્લાદક અને મનોરંજક લાગે છે. વન્ય જીવો વગરનું વન્ય જીવન અસહ્ય બને છે, માટે જ જૈવિક વૈવિધ્યથી ભરપૂર સ્થળ જ પ્રવાસીઓને સહેલાણીઓને આકર્ષે છે.
(ii) આર્થિક મૂલ્યાંકન : વન્ય પ્રાણીઓની આર્થિક ઉપયોગિતાનો અંદાજ વન્ય જીવો અને તેમના વિવિધ ભાગોની દુનિયાભરમાં જે ‘તસ્કરી’ થાય છે તેના ઉપરથી સમજાય છે. દુર્લભ પ્રાણી-આધારિત ઉત્પાદનોનો વેપાર દર વર્ષે 100 મિલિયન ડૉલર જેટલો થાય છે. કેફી પદાર્થોના આંતરરાષ્ટ્રીય વેપાર પછીના ક્રમે આ તસ્કરીનો વ્યવસાય આવે છે. આ તસ્કરી રોકવા કડક કાયદાઓ છે, પરંતુ કાયદાની છટકબારીઓ અને તેમનો અમલ કરનાર વહીવટી તંત્રની નબળાઈને કારણે માત્ર 10 ટકા જેટલી જ તસ્કરી રોકી શકાય છે. ભારત સહિત દુનિયાના બધા જ દેશોમાં આ પ્રાણીઓનું વેચાણ થાય છે. ઉદાહરણ રૂપે પ્રખ્યાત બૅંગાલ ટાઇગર (Panthera Tigris) જીવતો હોય તેના કરતાં મરેલો હોય તો તેની કિંમત અનેકગણી વધારે થાય છે. તેના પ્રત્યેક ભાગ (વ્યાઘ્ર) ચર્મ, નખ, દાંત, લોહી, માંસ વગેરેની બજારમાં ખૂબ માંગ છે. એક મરેલા વાઘની કિંમત આશરે 50,000 ડૉલર થાય છે. દંતૂશળ માટે નરહાથી અને કસ્તૂરી માટે હજારોની સંખ્યામાં કસ્તૂરીમૃગોનો શિકાર થાય છે. તેવી જ રીતે કાશ્મીરમાં પશ્મ કે ચિરુ નામે ઓળખાતી ઘેટાની જાતમાંથી ઉત્તમ પ્રકારનું ઊન મેળવવામાં આવે છે. ચિરુ શાલની કિંમત એકના રૂપિયા 1,00,000 જેટલી થાય છે. ભારતમાંથી કીટકોની પણ દાણચોરી થાય છે.
(iii) વૈજ્ઞાનિક કિંમત : વૈજ્ઞાનિક પ્રયોગો માટે હજારોની સંખ્યામાં વન્ય પ્રાણીઓ વપરાય છે. તબીબી ક્ષેત્રે ઔષધિઓની ચકાસણી માટે વિવિધ પ્રકારનાં પ્રાણીઓ ઉપર અખતરા થાય છે. ઉદાહરણ રૂપે સાપના ઝેર સામેની રસી ઘોડાના સિરમમાંથી (એન્ટિવેનમ) તૈયાર થાય છે. મસ્તિષ્કના વિવિધ ભાગો અને વર્તનકેન્દ્રોના અભ્યાસ માટે વાનરોનો મોટી સંખ્યામાં ઉપયોગ થાય છે. મનુષ્યનું હૃદય અને મગજ વચ્ચેનું અંતર 45થી 50 સેમી. જેટલું છે. જિરાફમાં હૃદય અને તેના મગજ વચ્ચેનું અંતર તેનાથી 12 ગણું છે. વૈજ્ઞાનિકોને આમાંથી એક પ્રશ્ર્ન થયો છે કે જિરાફનું હૃદય મનુષ્યના હૃદય કરતાં કેટલું સશક્ત હશે ? આવા અનેક પ્રયોગો વિજ્ઞાનજગતમાં વન્ય પ્રાણીઓ ઉપર ચાલે છે.
(iv) અસ્તિત્વની કિંમત : પ્રાણીઓ પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ હોય તો તેનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થતો નથી, પરંતુ મનુષ્ય દ્વારા ખોરાક અર્થે કે વેપાર અર્થે વન્ય પ્રાણીઓનો નાશ કરવાનો જે ઝપાટો ચાલે છે તેના કારણે મોટાભાગનાં વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે. જો તાત્કાલિક સંરક્ષણના ઉપાયો હાથ ઉપર નહિ લેવાય તો દુર્લભ વન્ય પ્રાણીઓ નામશેષ બનશે.
વન્ય પ્રાણીસંરક્ષણ અને વ્યવસ્થાપન : જૈવસૃદૃષ્ટિ ઉપર માનવવસ્તી-વધારો અને તેના પ્રભુત્વને કારણે નૈસર્ગિક રીતે ઉત્ક્રાંતિ પામતી વન્ય પ્રાણીસૃદૃષ્ટિ ઉપર અસ્તિત્વ માટેનાં જોખમો વધી રહ્યાં છે. જમીન ઉપર, નદીનાળાં કે કોઈ જળપ્રદેશમાં, પર્વતોની ખીણમાં કે મહાસાગરની ખંડીય છાજલીમાં નૈસર્ગિક પ્રાણીજીવોનાં નિવાસસ્થાનો ઝડપથી નાશ પામી રહ્યાં છે. ખોરાક શૃંખલામાં દરેક વનસ્પતિ કે પ્રાણીજીવનું વિશિષ્ટ સ્થાન હોય છે. આજે આ શૃંખલા તૂટી રહી છે. તેનાં માઠાં પરિણામ મનુષ્ય સહિત તમામ જીવોને ભોગવવાં પડે છે. મનુષ્યને આ શૃંખલા તોડી પાડવાનો કોઈ હક્ક નથી. આ ભાવનાથી પ્રાણીસંરક્ષણ અને સાથે સાથે નૈસર્ગિક પર્યાવરણ ટકાવી રાખવા કે તેનું હેતુપૂર્વક જતન કરવાનાં ચક્રો ગતિમાન થયાં છે. 1971-72 પછી સ્ટૉકહોમ પરિષદ અને રામસર પરિષદ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને તેમનાં નિવાસસ્થાનોના બચાવ અંગે સમજૂતી સધાઈ. W.W.F. (વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ) અને IUCN (ઇન્ટરનૅશનલ યુનિયન ફૉર કૉન્ઝર્વેશન ઑવ્ નેચર) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વન્ય પ્રાણીઓ અને તેના પર્યાવરણ-રક્ષણ અંગેની કામગીરીઓ હાથ ધરે છે.
સંરક્ષણ–કામગીરીનાં પાસાંઓ : નિસર્ગ અને વન્ય પ્રાણીઓ માનવજાતની મહામૂલી સંપત્તિ છે. તેના સર્વાંગી વિકાસ માટે વિવિધ પાસાંઓનો અભ્યાસ આવશ્યક છે. ભૂતકાળમાં નૈસર્ગિક આફતોનો સામનો કરવાની ક્ષમતા ઓછી હતી, પરિણામે કેટલીક સંસ્કૃતિઓનો નાશ થયો. ઉદાહરણ રૂપે માત્ર ‘શિકાર અને આહાર’ જીવનનિર્વાહ માટેનો સંસ્કાર બની રહે તો તે સંસ્કૃતિ કેટલો સમય ટકી રહે ? જ્યાં શિકાર અને માંસાહાર એકમાત્ર જીવનનિર્વાહનું સાધન છે, તે પ્રદેશમાં નિસર્ગ અને વન્ય પ્રાણીઓની વિવિધતા ઘણી ઓછી થઈ છે. ચીન કરતાં ભારતમાં વન્ય જીવોનું સંરક્ષણ સારું થયું તેની પાછળ ભારતની ઉચ્ચ કક્ષાની ધાર્મિક પરંપરા છે.
2,500 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીએ અહિંસા અને જીવદયાનો જે મંત્ર આપ્યો તે પરંપરા આજે પણ ભારતીયોના હૃદયમાં છે. સમ્રાટ અશોકના શિલાલેખોમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટેનો અને જીવદયાનો આદેશ આપવામાં આવ્યો છે. શહેનશાહ અકબરે પણ જૈન ધર્મની ભાવનાને માન આપીને અમુક પ્રસંગે પ્રાણીઓની કતલ અને વન્ય પ્રાણીઓના શિકાર ઉપર મનાઈ ફરમાવી હતી.
આજના યુગમાં વન્ય પ્રાણી અને નિસર્ગના સંરક્ષણ અર્થે નીચે મુજબનાં પાસાંઓ દ્વારા પગલાં લેવામાં આવે છે :
(i) પર્યાવરણીય શિક્ષણ : વિવિધ સ્તરે પર્યાવરણ અંગેના અભ્યાસક્રમો ઘડાયા છે. વનપર્યટનો કે વનશિબિરો યોજી વન્ય પશુપંખીઓનો પ્રત્યક્ષ પરિચય કરાવી નિસર્ગ સાથે એકરૂપતા કેળવવામાં આવે છે. સામાન્ય જનતામાં જાગૃતિ લાવી પ્રાણીબચાવની ભાવના તેમાંથી જાગે છે. સ્થાનિક સ્તરે નાનીમોટી સંસ્થાઓ આ ક્ષેત્રમાં સારી કામગીરી બજાવે છે. તેના દ્વારા ઉચ્ચ સંસ્કારોનું મનુષ્યમાં સિંચન થતું જાય છે.
(ii) કાનૂની પગલાં : નિસર્ગ અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને તેમનાં નિવાસસ્થાનોના પુનર્વસવાટ માટે કાનૂની પરિબળ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. દુર્લભ પ્રાણીઓ કે નામશેષ થવાના આરે આવેલાં પ્રાણીઓના બચાવ માટે અભયારણ્યો, પાર્ક કે ફાજલ/અનામત જગ્યાઓને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે. ભારતમાં વન્ય હાથીના સંરક્ષણ માટે 1873થી કાયદાઓ અમલમાં છે. પક્ષીઓ, ગેંડા, સિંહ, વાઘ વગેરેના સંરક્ષણ માટે અનેક કાયદાઓ ઘડાયા છે. ‘ઇન્ડિયન વાઇલ્ડ લાઇફ (પ્રૉટેક્શન) ઍક્ટ 1972’ વન્ય પ્રાણીઓ અને તેમના નિવસનતંત્ર(eco-system)ના સંરક્ષણ માટે કડક રીતે અમલમાં છે.
(iii) સંરક્ષિત સ્થળોમાં વન્ય પ્રાણીઓનું જતન : વન્ય પ્રાણીઓનાં મૂળ નૈસર્ગિક નિવાસસ્થાનો મનુષ્યની દખલગીરીથી નાશ પામ્યાં છે, ત્યારે ત્યાંનાં પ્રાણીઓને બચાવ માટે અન્ય કુદરતી સ્થળોએ કે ઝૂનાં આરક્ષિત સ્થળોએ ખસેડવાં જરૂરી બને છે. કુદરતી પર્યાવરણની બહાર, પરંતુ મનુષ્યની દેખભાળ નીચે સંભાળવામાં આવતાં પ્રાણીઓની સંરક્ષણવ્યવસ્થાને એક્સ-સિટુ કૉન્ઝર્વેશન કહે છે. આ પદ્ધતિનો લાભ એ છે કે નામશેષ થવાની તૈયારી ઉપરનાં પ્રાણીઓ અને તેમનાં જનીન-બીજને સાચવવાની તક રહે છે. નિસર્ગમાં લુપ્ત થવાની તૈયારીવાળા જીવોને નવું જીવન-દાન આમાં મળે છે. આમાં કેટલાક ગેરલાભ પણ છે. મનુષ્યની જાતદેખરેખ હેઠળ અતિ નજીવી સંખ્યામાં કેટલીક જાતિઓને (species) રક્ષણ આપી શકાય, બાકીની પ્રાણીસૃદૃષ્ટિ તો માત્ર રામભરોસે જ રહેવા પામે છે.
ઇન–સિટુ કૉન્ઝર્વેશન : વન્ય જીવોને કોઈ પણ ઉપાયે તેમના મૂળ અગર તેના જેવા જ અગર અર્ધનૈસર્ગિક પર્યાવરણમાં છૂટા મૂકવામાં આવે તો તેમનો નૈસર્ગિક વિકાસ સામાન્ય બની જાય છે. જનીન-લક્ષણોની આપ-લે અને પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાને વેગ મળે છે. ઇન-સિટુ કૉન્ઝર્વેશન નિસર્ગનો ઊંડો અભ્યાસ અને સંશોધન માગી લે છે. ટૂંકમાં, નિસર્ગનો બચાવ એ જ વન્ય પ્રાણીનો બચાવ છે.
(iv) વૈજ્ઞાનિક અભિગમ અને સંશોધન : કૃષિપાકોમાં સંકરિત જાતો ઉત્પન્ન થતાં ઇચ્છિત લક્ષણોને ઉત્તેજન મળ્યું, પણ તે પાકની જાતિની મૂળભૂત પ્રતિકારક શક્તિ લુપ્ત થવા માંડી છે. હવે એવો ભય સેવાય છે કે જો યોગ્ય વૈજ્ઞાનિક ઉકેલ ન મળે તો આવી આખી જાતિ ટૂંક સમયમાં લુપ્ત થઈ જશે. એક ઉપાય તરીકે અનાજ/ખેતીપાકોની વન્ય જાતિઓ એકઠી કરી તેમાંથી સીડ-બૅંક કે જીન-બૅંકમાં તે સાચવી રાખવી. બીજા ઉપાયમાં મૂળ વન્ય જાતિના જર્મ-પ્લાઝ્મમાંથી વાનસ્પતિક પ્રજનન (tissue culture) કરવાથી મૂળ લક્ષણો સચવાતાં તે જાતિ(species)નો બચાવ થઈ શકે છે. આ જ સિદ્ધાંત અનુસાર પ્રાણીજગતમાં ‘ક્લોનિંગ’ કરી મૂળ પ્રાણીનાં જનીનિક લક્ષણો બચાવી શકાય છે. ડાયનોસૉરના એક લોહીના ટીપામાંથી ‘ક્લોનિંગ’ કરી આખો ડાયનોસૉર જીવંત સ્વરૂપે પેદા થતો ડાયનોસૉરની ફિલ્મમાં દર્શાવવામાં આવે છે. આ એક વૈજ્ઞાનિક કલ્પના છે. પરંતુ સૈદ્ધાંતિક દૃષ્ટિએ નામશેષ થવાની તૈયારીવાળા સિંહ જેવાં પ્રાણીઓના ‘જર્મ-પ્લાઝ્મ’ જો સચવાશે તો ભવિષ્યમાં ક્યારેક તે જ જનીનલક્ષણોવાળો સિંહ પ્રયોગશાળામાં પેદા કરી શકાશે. આ સંશોધનનો દુરુપયોગ થવાની શક્યતાઓ પણ ઘણી છે.
(v) વન્ય જીવો અને હરિત આચ્છાદનની પુન: સ્થાપના : વન્ય જીવો ઝૂમાં (પ્રાણીસંગ્રહાલયમાં) રક્ષિત અભયારણ્યો અને નિર્જન ખુલ્લા પ્રદેશો કે જંગલોમાં વસે છે. તે મહાસાગરો અને ખંડીય છાજલીના વિસ્તારોમાં પણ રહે છે. ઘણા જીવો સ્થળાંતર કરતા રહે છે. આ બધાં જ વન્ય પ્રાણીઓનું વ્યવસ્થાપન કરવું એ પણ સંરક્ષણ-યોજનાનો ભાગ છે. નિસર્ગમાં મનુષ્યની અતિ-દખલગીરીને કારણે વન-પર્યાવરણ સંપૂર્ણ નાશ ન પામ્યું હોય તો પણ વનો ટુકડાઓમાં વહેંચાઈ ગયાં છે. વન્ય જાતિ-સમાજો એકબીજાથી વિખૂટા પડી ગયા છે. નાના ટુકડાઓમાં વિખૂટા પડેલા વન્ય જીવો પૂરતા પ્રમાણમાં ખોરાક-પાણી મેળવી શકતા નથી. પ્રજનન અને સુરક્ષા માટે દરેક વન્ય પ્રાણીને આવશ્યક વિસ્તાર-હક્ક (ટેરિટૉરિયલ રાઇટ્સ) ઉપલબ્ધ થતા નથી. વિશિષ્ટ પ્રકારનું પરિસ્થિતિકીય કે નિવસનતંત્ર તૂટી પડતાં વન્ય પ્રાણીઓ લુપ્ત થવાને આરે આવી જાય છે. ઉદા., સાસણગીરમાં અભયારણ્યનો વિસ્તાર કોઈ પણ કારણથી ઘટતાં સિંહના નિભાવ માટેનો આવશ્યક વનવિસ્તાર રહ્યો નથી. એટલું જ નહિ, પણ શુષ્ક પાનખર જંગલને સ્થાને ગાંડા બાવળના પ્રભુત્વવાળું કાંટાવાળું જંગલ વધી રહ્યું છે, જે સિંહનો વિનાશ નોંતરશે. વન્ય પ્રાણીઓની પુન:સ્થાપના માટે ઘણી સામાજિક-રાજકીય સમસ્યાઓ આડી આવતી જ હોય છે. આ સમસ્યાઓ વિશ્વવ્યાપી છે. વિકસિત રાષ્ટ્રોની જરૂરિયાતો પૂરી કરવા વિકાસશીલ રાષ્ટ્રોને તેમની મહામૂલી નૈસર્ગિક સંપત્તિ વેચી નાંખવાની ફરજ પડે છે. વન્ય પ્રાણીઓના વિનાશ માટે આ આર્થિક-રાજકીય શોષણ મોટો ભાગ ભજવે છે.
દરેક રાષ્ટ્રે પોતાની વનસંપત્તિ અને વન્ય પ્રાણીઓના બચાવ માટે પોતાની સ્વતંત્ર યોજનાઓ ઘડી કાઢવી જરૂરી છે અને તે પણ શક્ય હોય ત્યાં સુધી પોતાના જ આર્થિક સ્રોતમાંથી ‘ધી ઇન્ટરનૅશનલ યુનિયન ફોર ધ કૉન્ઝર્વેશન ઑવ્ નેચર ઍન્ડ નૅચરલ રિસોર્સિસ’ અને ‘વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ’ જેવી સંસ્થાઓ વિવિધ યોજનાઓ માટે આર્થિક મદદ અને માર્ગદર્શન પૂરાં પાડે છે. સ્થાનિક રીતે વન્ય પ્રાણીઓ અને વનસંપત્તિનું જેટલું રક્ષણ-સંરક્ષણ થાય તેટલા પ્રમાણમાં નૈસર્ગિક પર્યાવરણની ઉન્નતિ થાય. ભારતની પ્રાણીપૂજા અને છોડમાં રણછોડ(ભગવાન)નાં દર્શન કરવાની ભાવના વન્ય જીવોની રક્ષા માટેનો ગૂઢ સંદેશો આપે છે.
રા. ય. ગુપ્તે