વનિયાલ, પ્રેમાનંદ (જ. 1693; અ. 1788) : રાજસ્થાનના પ્રખ્યાત બિશ્નોઈ સંત. તેઓ બીકાનેરમાં રસિસર ગામના સુરતાનના પુત્ર હતા. તેમણે એક મકનોજી અને બીજા રાસોજી એમ બે ગુરુ કર્યા હતા. તેમણે ઉચ્ચ કોટિના સાહિત્યની રચના કરી છે. વળી સંખ્યાબંધ હસ્તપ્રતોનો તેમણે પુનરુદ્ધાર કર્યો છે. તેમના સમર્પિત પ્રયાસોને કારણે મૂલ્યવાન હસ્તપ્રતસાહિત્ય હંમેશને માટે લુપ્ત થતું રહી ગયું છે.
તેમના ઉપલભ્ય અને ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘પ્રસંગ’, ‘હરિજસ સાખી’, ‘વિસન સ્તોત્ર’, ‘છમછરી’ તથા પરચૂરણ કાવ્યોનો સમાવેશ થાય છે. ‘પ્રસંગ’ 836 દોહા અને 30 કવિતનો બનેલો છે. તેમાંના દોહા નિર્ગુણ ભક્તિને લગતા 104 વિષયોને આવરી લે છે. ‘પ્રસંગ’ અને ‘હરિજસ સાખી’ અત્યંત નોંધપાત્ર કૃતિઓ છે. ‘હરિજસ’માં ભક્તિગીતો-ભજનો છે. ‘છમછરી’ (સંવત્સરી)માં ગદ્ય-પદ્યનું મિશ્રણ છે.
એક તો ઈશ્વરની સ્તુતિ કરવાની અને બીજું આત્માભિવ્યક્તિની ઉત્કટ ઇચ્છાથી તેઓ લખવા પ્રેરાયા, તેથી રાજસ્થાનના સંતકવિઓમાં તેઓ માનવંતું સ્થાન પામ્યા છે. તેઓ તીવ્રપણે આધ્યાત્મિક જીવન જીવ્યા. સામાન્ય માણસ માટે તેમણે દયા અને સહાનુભૂતિવાળું જીવન જીવવાની હિમાયત કરીને સુખચેન-વ્યસનથી દૂર રહેવા પર ભાર મૂક્યો છે. બૂરી વાસનાઓનો ત્યાગ કરવા તથા વિચાર અને કર્મમાં સુસંગતતા લાવવાનો તેમણે આગ્રહ રાખ્યો હતો.
તેમનાં સૂત્રો અને ઉપમાઓ લોકજીવનને અનુલક્ષે છે. દોહા, સોરઠા, છપ્પા, ડિંગળ-ગીતો, પદો વગેરે દ્વારા તેમણે તેમની આત્માભિવ્યક્તિ સિદ્ધ કરી છે. તેમની કૃતિઓ અંગત અનુભવની સાદાઈ અને પારદર્શકતાની પ્રતીતિ કરાવે છે.
બળદેવભાઈ કનીજિયા