વનિતા (ડૉ.) (જ. 7 ઑક્ટોબર 1954, અમૃતસર, પંજાબ) : પંજાબી કવયિત્રી અને વિવેચક. તેમણે ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાંથી સંગીતમાં એમ.એ.; દિલ્હી યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ.; એમ. ફિલ. અને 1998માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી.

તેમણે અત્યાર સુધીમાં પંજાબીમાં 6 ગ્રંથો આપ્યા છે. ‘સુફનિઆન દી પગદંડી’ (1985); ‘હરિઆન ચાવન દી કબર’ (1989); ‘બોલ-આલાપ’ (1993) અને ‘મન્દાર સપ્તક’ (1997) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘નારીવાદ તે સાહિત’ તેમનો વિવેચનગ્રંથ છે.

તેમને 1994માં પંજાબી અકાદમી, દિલ્હી તરફથી ‘પોએટ્રી ઍવૉર્ડ’; શિવશંકર પોએટ્રી ઍવૉર્ડ  યુ. કે., 1995માં દિલ્હી યુનિવર્સિટી તરફથી ભાઈ વીરસિંગ સુવર્ણચંદ્રક મળ્યા છે.

બળદેવભાઈ કનીજિયા