વનસ્પતિ-વર્ગીકરણ : સમાનતાઓ અને ભિન્નતાઓને આધારે વનસ્પતિઓને નાનામોટા સમૂહમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ. વનસ્પતિઓના વર્ગીકરણ સાથે સંકળાયેલા વિજ્ઞાનને વર્ગીકરણવિજ્ઞાન (taxonomy) કહે છે. (ગ્રીક, Taxis – ગોઠવણી; nomous – કાયદા અનુસાર).
વનસ્પતિ-વર્ગીકરણવિજ્ઞાન અત્યંત પ્રાચીન છે. રૂઢ (orthodox) વર્ગીકરણવિજ્ઞાનને કેટલીક વાર આલ્ફા-વર્ગીકરણવિજ્ઞાન(a-taxonomy) કહે છે; જેમાં વનસ્પતિની ઓળખ (identifi-cation), વૈજ્ઞાનિક વર્ણન, નામકરણ (nomenclature) અને એકત્રીકરણ (collection) જેવા મુદ્દાઓ પર ભાર આપવામાં આવે છે.
પ્રાચીનકાળમાં વનસ્પતિ-વર્ગીકરણ કૃત્રિમ પદ્ધતિને અનુસરતું હતું. કૃત્રિમ વર્ગીકરણ-પદ્ધતિમાં એકાદ બાહ્યાકારવિદ્યાકીય (morphological) લક્ષણને આધારે વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવે છે; દા.ત., પહેલાં ઊંચાઈને અનુલક્ષીને વનસ્પતિઓને છોડ (herb), ક્ષુપ (shrub) અને વૃક્ષ(tree)માં વર્ગીકૃત કરવામાં આવતી હતી. કાર્લ લિનિયસે સપુષ્પ વનસ્પતિઓનું પુંકેસરોની સંખ્યાને આધારે વર્ગીકરણ કર્યું હતું. આ પ્રકારનું કૃત્રિમ વર્ગીકરણ મુખ્યત્વે ઔષધજ્ઞો (herbalits) વનસ્પતિ-ઓળખ માટે કરતા હતા; તેથી આવા વર્ગીકરણને વર્ણનાત્મક (descriptive) કે રૂઢ વર્ગીકરણ કહે છે. તેનો પ્રભાવ ઓગણીસમી સદીના અંત સુધી રહ્યો.
ઓગણીસમી અને વીસમી સદીમાં વનસ્પતિશાસ્ત્રીઓએ પૃથ્વીના વિવિધ ભાગોનો પ્રવાસ ખેડ્યો. વનસ્પતિઓનું સર્વેક્ષણ થયું; હજારોની સંખ્યામાં નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા. આ સમયને ભ્રમણાવસ્થા (exploratory phase) કહે છે. વનસ્પતિઓનાં સમાન અને ભિન્નતાદર્શી બાહ્યાકારવિદ્યાકીય લક્ષણોના સમન્વયવાળી નૈસર્ગિક વર્ગીકરણ-પદ્ધતિ(natural system of classification)નો પાયો નંખાયો. ડીકૅન્ડોલ અને બેંથામ તથા હૂકર આ વર્ગીકરણ-પદ્ધતિના પ્રણેતા હતા.
બેંથામ અને હૂકરની નૈસર્ગિક વર્ગીકરણ–પદ્ધતિ : જ્યૉર્જ બેંથામ (1800-1884) અને જોસેફ ડાલ્ટન હૂકર (1817-1911) બ્રિટનના જાણીતા વર્ગીકરણવિજ્ઞાનીઓ હતા. તેઓ રૉયલ બૉટેનિકલ ગાર્ડન, ક્યૂ, લંડનમાં સહકાર્યકરો હતા. તેમણે 97,205 જેટલી વનસ્પતિ-જાતિઓનો અભ્યાસ કર્યો. તમામ વનસ્પતિઓનાં સ્વરૂપ અને બાહ્યાકારવિદ્યાકીય અવલોકનો ‘જનરા પ્લેન્ટેરમ’ (Genera Plantarum) નામના ગ્રંથમાં પ્રસિદ્ધ કર્યાં. તેમની વર્ગીકરણ-પદ્ધતિમાં વનસ્પતિ-અંગોની સમાનતા અને વિભિન્નતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું. તેમનાં અવલોકનો અને વનસ્પતિઓનાં વર્ણન અત્યંત સચોટ હતાં, કારણ કે તમામ જાતિઓનો અભ્યાસ તેમણે સ્વયં કર્યો હતો. તેમનું વર્ગીકરણ આલ્ફા ટૅક્સોનૉમીની ચરમ સીમા ગણવામાં આવે છે. મોટાભાગનાં કૉમનવેલ્થનાં રાષ્ટ્રોએ તે સ્વીકાર્યું છે. ભારત અને અન્ય રાષ્ટ્રોનાં વનસ્પતિ-સંગ્રહાલયો (herbaria) આ વર્ગીકરણ-પદ્ધતિ અનુસાર ગોઠવવામાં આવ્યાં છે. વનસ્પતિ-ઓળખ (plant indentification) અને વનસ્પતિસમૂહ(flora)ની પ્રસિદ્ધિમાં આ વર્ગીકરણ ઉપયોગી નીવડ્યું છે.
તેમની વર્ગીકરણ-પદ્ધતિ મૂળભૂત રીતે ડીકૅન્ડોલના વર્ગીકરણ પર આધારિત છે. તેમણે સપુષ્પી (Phanerogamous) વનસ્પતિઓને અનાવૃત બીજધારીઓ (Gymnosperms) અને આવૃતબીજ-ધારીઓ(Angiosperms)માં વર્ગીકૃત કરી. આવૃતબીજધારીઓને દવિદળી (Dicotyledons) અને એકદળી (Monocotyledons) એમ બે વર્ગમાં વિભાજિત કર્યા. દવિદળી વર્ગને તેમણે શરૂઆતમાં મૂક્યો છે. આ વર્ગ ત્રણ ઉપવર્ગ (subclass) ધરાવે છે : (1) મુક્તદલા (Polypetalae), (2) યુક્તદલા (Gamopetalae) અને (3) અદલા (Apetalae અથવા Monochlamydae). મુક્તદલામાં દલપત્રો મુક્ત હોય છે. યુક્તદલામાં દલપત્રો જોડાયેલાં હોય છે. અદલામાં વજ્ર અને દલપુંજને સ્થાને એકચક્રીય પરિદલપુંજ (perianth) આવેલો હોય છે. તેમણે અનાવૃતબીજધારી-વનસ્પતિઓને દવિદળી અને એકદળીની વચ્ચે મૂકી મોટી ખામી રાખી છે. એકદળી વર્ગને સાત શ્રેણીઓમાં વર્ગીકૃત કર્યો. તેમની વર્ગીકરણ-પદ્ધતિમાં લગભગ 200 જેટલાં કુળ આપવામાં આવ્યાં છે. તેમની વર્ગીકરણ-પદ્ધતિમાં રેનેલીસ (Ranales) ગોત્રને પ્રથમ મૂકવામાં આવ્યું છે; જે જાતિવિકાસ-(phylogenetic)ની દૃષ્ટિએ સુસંગત છે. રેનેલીસમાંથી એકદળીઓની ઉત્પત્તિની તેમની માન્યતાને પણ સર્વેએ સ્વીકારી છે. થોડાંક બાહ્યાકારવિદ્યાકીય લક્ષણોને આધારે થયેલા વર્ગીકરણને કારણે જાતિવિકાસની દૃષ્ટિએ અત્યંત નજીક ગણાતાં કુળ એકબીજાંથી ઘણાં દૂર મુકાયાં છે.
ચાર્લ્સ ડાર્વિનના જૈવ-ઉત્ક્રાંતિવાદ(Theory of Organic Evolution)થી બાહ્યાકારવિદ્યા પર આધારિત રૂઢ વર્ગીકરણમાં ફેરફારો શરૂ થયા. વર્ગીકરણમાં હવે કોષવિદ્યા (Cytology), અંત:સ્થરચનાશાસ્ત્ર (Anatomy), દેહધર્મવિદ્યા (Physiology), ગર્ભવિદ્યા (Embryology), જીવરસાયણવિજ્ઞાન (Biochemistry) વગેરે જીવવિજ્ઞાનની શાખાઓનું સંકલન શરૂ થયું અને જાતિવિકાસી વર્ગીકરણ (phylogenetic classification) અસ્તિત્વમાં આવ્યું. આદિ કે પ્રાથમિક પ્રકારની જાતિ, ઉન્નત જાતિ, ઉદવિકાસનો પથ, જુદા જુદા સમૂહોની વનસ્પતિઓના પારસ્પરિક જાતિવિકાસી સંબંધો વગેરે આ વર્ગીકરણનાં પાયાનાં તત્વો ગણાય છે. અહીંથી ઓમેગા-વર્ગીકરણવિજ્ઞાનનો પ્રારંભ થયો. આઇક્લર, ઍંગ્લર અને પ્રેન્ટલ, રેંડલ, હચિન્સન, બેસે, ક્રૉન્ક્વિસ્ટ, તખ્તાજાન વગેરે વર્ગીકરણવિજ્ઞાનીઓ જાતિવિકાસી વર્ગીકરણ-પદ્ધતિના ટેકેદાર છે.
ઍંગ્લર અને પ્રેન્ટલે ‘ડાઇનેચરલીશેન ફ્લાન્ઝેન ફેમિલિયેન’ (Die Naturalichen Pflanzen Familien) નામના 23 ખંડોમાં પ્રસિદ્ધ થયેલા ગ્રંથમાં જાતિવિકાસી વર્ગીકરણ રજૂ કર્યું. તેમણે વનસ્પતિસૃદૃષ્ટિને 14 વિભાગો(Divisions)માં વર્ગીકૃત કરી. આ વર્ગીકરણ લીલથી માંડી આવૃતબીજધારી વનસ્પતિઓને આવરી લે છે. બેંથામ અને હૂકરે માત્ર સપુષ્પ વનસ્પતિઓનું વર્ગીકરણ કર્યું હતું. ઍંગ્લર અને પ્રેન્ટલે વર્ગીકૃત કરેલા 14 વિભાગોમાંથી 12 વિભાગો અપુષ્પ (cryptogams) ઉપસૃદૃષ્ટિના હતા; જેમાં સાઇઝોફાઇટા (Schizophyta), મિક્સોથેલોફાઇટા (Myxothallophyta), ફ્લેજલેટી (Flagellatae), ડિનોફ્લેજલેટી (Dinoflagellatae), બેસિલારિયોફાઇટા (Bacillariophyta), કૉન્જ્યુગેટી (Conju-gatae), હીટરોકૉનેટી (Heteroconatae), ક્લૉરોફાઇટા (Chlorophyta), ફિયોફાઇટા (Phaeophyta), કારૉફાઇટા (Charophyta), રૉડૉફાઇટા (Rhodophyta), ફૂગ માટે યુમાયસેટિસ(Eumycetes)માં અને સપુષ્પ વનસ્પતિઓને આર્ચિગોનિયેટી (Archigoniatae) અથવા ઍમ્બ્રિયૉફાઇટા સાઇફૉનૉગૅમી(Embryophyta Siphonogamae)માં મૂકી, જેમાં અનાવૃતબીજધારી અને આવૃતબીજધારીનો સમાવેશ થાય છે. ઍમ્બ્રિયૉફાઇટા એસાઇફૉનોગૅમી(Embryophyta Asiphono-gamae)માં દવિઅંગી (Bryophyta) અને ત્રિઅંગી (Pterido-phyta)નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે આવૃતબીજધારી વનસ્પતિઓને બે વર્ગમાં વર્ગીકૃત કરી : (1) એકદળી અને (2) દવિદળી. દવિદળીને બે ઉપવર્ગોમાં વિભાજિત કરી : (1) આર્ચિક્લેમિડી (Archichlamydeae) અને (2) મેટાક્લેમિડી (Metachlamydeae). મુક્તદલપુંજ ધરાવતી વનસ્પતિઓ અને અદલા વનસ્પતિઓનો તેમણે આર્ચિક્લેમિડીમાં સમાવેશ કર્યો; જ્યારે યુક્તદલપુંજ ધરાવતી વનસ્પતિઓને તેમણે મેટાક્લેમિડીમાં સ્થાન આપ્યું. તેમણે એકદળી વનસ્પતિઓને પ્રાથમિક પ્રકારની ગણી અને વર્ગીકરણમાં તેનું દવિદળી પહેલાં સ્થાન આપ્યું. ઑર્કિડેસીને ઉચ્ચ કક્ષાનું કુળ ગણ્યું. દવિદળીની ઉત્પત્તિ એકદળીમાંથી થઈ છે તેવી ધારણાને લીધે પવન-પરાગિત, સરળ, અદલા પુષ્પ ધરાવતા વનસ્પતિસમૂહને અમેન્ટિફેરી(Amentiferae)ના આદિસમૂહ તરીકે અને તેના કુળ કૅશ્યુએરીનેસી, પાઇપરેસી, સેલિકેસી, બિટ્યુલેસી અને ફેગેસીને આદિકુળ તરીકે ગણાવ્યાં. બેંથામ અને હૂકરે મૅગ્નોલિયેસી અને રેનન્ક્યુલેસી જેવાં કુળને આદિકુળ તરીકે ગણાવ્યાં હતાં. આમ, ઍંગ્લર અને પ્રેન્ટલે આદિ અને ઉન્નત વનસ્પતિઓની રજૂઆતમાં ગંભીર ભૂલ કરી છે. આધુનિક વર્ગીકરણવિજ્ઞાનીઓના મત મુજબ અશ્મીભૂત બેનિટાઇટેલિસ જેવી અનાવૃતબીજધારીઓમાંથી આવૃતબીજધારીની ઉત્પત્તિ થઈ છે. તેનો સાર્વત્રિક સ્વીકાર થયો હોવાથી એકદળી વનસ્પતિઓને આદિ ગણી શકાય નહિ.
પરિદલપુંજવિહીન સ્થિતિ અને પવનપરાગનયનને આદિ લક્ષણો ન ગણી શકાય. તેમની બહુજાતિવિકાસી (Polyphelatic) ઉદવિકાસની સંકલ્પનાને અનુમોદન મળ્યું નહિ; તેમની વર્ગીકરણ-પદ્ધતિ જર્મની અને ફ્રાન્સમાં જ સ્વીકાર્ય બની. પરંતુ તેમણે તેમની વર્ગીકરણ-પદ્ધતિમાં જીવવિજ્ઞાનની અન્ય શાખાઓનું સંકલન કરી ઉદવિકાસી વલણનો નવો ચીલો પાડ્યો.
જૉન હચિન્સનની વર્ગીકરણ-પદ્ધતિ : તે બ્રિટિશ વનસ્પતિ-વર્ગીકરણવિજ્ઞાની અને જાતિવિકાસવિદ્ (phylogenetist) હતા. તે રૉયલ બૉટેનિકલ ગાર્ડન, ક્યૂ સાથે સંકળાયેલા હતા. તેમણે ‘જનરા પ્લેન્ટેરમ’ (1964-67), અને ‘સપુષ્પ વનસ્પતિઓનાં કુળ’(Fmilies of flowering plants)માં તેમની વર્ગીકરણ-પદ્ધતિ પ્રસિદ્ધ કરી. તેમનું વર્ગીકરણ બેંથામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ સાથે વધારે સામ્ય દર્શાવે છે. તેમણે આદિ અને વિકસિત લક્ષણોની યાદી બનાવી અને જાતિવિકાસી સિદ્ધાંતો આપ્યા. જોકે સમકાલીન અમેરિકન વનસ્પતિ-વર્ગીકરણવિજ્ઞાની બેસે દ્વારા પણ આવી યાદી પ્રસિદ્ધ થઈ. તેમના મત મુજબ આવૃતબીજધારીઓની ઉત્પત્તિ અને વિકાસ એકજાતિવિકાસી (monophyletic) છે. આવૃતબીજધારી વનસ્પતિઓની ઉત્પત્તિ સાયકેડિયૉઇડિયામાંથી થઈ. પ્રારંભમાં આ વનસ્પતિને પરિકાલ્પનિક (hypothetical) આદિ આવૃતબીજધારી (proangiosperm) તરીકે ઓળખાવવામાં આવી; જેમાંથી દવિદળીની ઉત્પત્તિ થઈ. તેની એક પાર્શ્ર્વીય શાખા તરીકે એકદળી ઉત્પન્ન થઈ. દવિદળીનો ઉદવિકાસ બે રેખાઓમાં અને એકદળીનો ઉદવિકાસ એક રેખામાં દર્શાવાયો. દવિદળીની વૃક્ષજાતિઓને લિગ્નોઝી અને શાકીય જાતિઓને હર્બેસી તરીકે ઓળખાવાઈ. લિગ્નોઝી આદિ વનસ્પતિઓ અને હર્બેસી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ ગણવામાં આવી.
તેમણે અનાવૃતબીજધારી અને આવૃતબીજધારીને સમુદાય(phylum)નો દરજ્જો આપ્યો અને આવૃતબીજધારી વનસ્પતિઓને દવિદળી અને એકદળી – એમ બે ઉપસમુદાયમાં વર્ગીકૃત કરી. દવિદળીના લિગ્નોસી વિભાગની વનસ્પતિઓ વૃક્ષ-સ્વરૂપ હોય છે. તેઓ પુષ્પાસન પર સર્પિલાકારે ગોઠવાયેલાં મુક્ત વજ્રપત્રો, દલપત્રો અને અસંખ્ય પુંકેસરો ધરાવે છે. તેમણે લિગ્નોસી વિભાગને 54 ગોત્ર અને 246 કુળમાં વર્ગીકૃત કર્યો અને મેગ્નોલિયેલિસ ગોત્રને આદિ કક્ષાનું ગણ્યું. હર્બેસી વિભાગની વનસ્પતિઓ શાકીય અને ઉન્નત ગણવામાં આવી; જેમાં 28 ગોત્ર અને 96 કુળ આપવામાં આવ્યાં છે. તેનું આદિગોત્ર રેનેલીસ છે. એકદળી ઉપસમુદાયને કેલિસીફલોરી (12 ગોત્ર અને 29 કુળ), કોરોલીફેરી (14 ગોત્ર અને 34 કુળ) અને ગ્લુમિફલોરી (3 ગોત્ર અને 6 કુળ)માં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. આમ આવૃતબીજધારી વનસ્પતિઓને તેમણે કુલ 111 ગોત્ર અને 411 કુળમાં વર્ગીકૃત કરી છે. આ વર્ગીકરણ-પદ્ધતિમાં અનેક ગુણદોષો હોવા છતાં તેમાં આધુનિક આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થયું છે. તેમણે રંગસૂત્રની સંખ્યા અને કદ, પરાગરજની વિશિષ્ટતા, પર્ણરંધ્રની રચના જેવાં લક્ષણોનો તલસ્પર્શી અભ્યાસ કરી તે સમયની શ્રેષ્ઠ જાતિવિકાસી વર્ગીકરણ-પદ્ધતિ આપી છે.
ચાર્લ્સ એડ્વિન બેસે નામના અમેરિકન વર્ગીકરણવિજ્ઞાનીએ ‘સમુદાયોની રૂપરેખા’(Outline of phyla)માં જાતિવિકાસી વર્ગીકરણ પ્રસિદ્ધ કર્યું. તેમના વર્ગીકરણમાં બેંથામ અને હૂકરના વર્ગીકરણની ઝલક જોવા મળે છે. તેમણે આપેલી આદિ અને ઉન્નત લક્ષણોની યાદીને બેસિયન સિદ્ધાંતો (Besseyean principles) કે સૂત્રો (dicta) કહે છે. તેમણે વિવિધ વિભાગો, ગોત્રો વગેરેને જાતિવિકાસ અનુસાર કદ પ્રમાણે ગોઠવી કૅક્ટસ જેવી રચના બનાવી છે, જેને બેસે કૅક્ટસ કહે છે. તેમણે આવૃતબીજધારી વનસ્પતિઓને એન્થોફાઇટા (Anthophyta), દવિદળીને ઓપોઝીટીફોલી (Oppositaefolae) અને એકદળીને ઑલ્ટનેટીફોલી (alternataefolae) તરીકે ઓળખાવી. અશ્મીભૂત પ્રમાણોને ધ્યાનમાં લઈ શંકુસદૃશ (strobiloid) સિદ્ધાંત આપ્યો અને આદિ કક્ષાની વનસ્પતિઓને ઉપવર્ગ-સ્ટ્રોબીલોઇડિયા (Strobiloidea) અને ઉન્નત વનસ્પતિઓને કોટીલોઇડી(cotyloideae)માં વહેંચી. સ્ટ્રોબીલોઇડિયામાં આદિગોત્ર તરીકે રેનેલીસ અને આદિકુળ તરીકે રેનન્ક્યુલેસી તરીકે વર્ણવ્યાં; જ્યારે ઍસ્ટરેલીસ અને ઍસ્ટરેસી કુળને ઉન્નત ગણાવ્યાં. એકદળીમાં એલિસ્મેટેલીસ ગોત્ર અને એલિસ્મેટેસી કુળ આદિ કક્ષાનાં અને ઑર્કિડેલીસ ગોત્ર અને ઑર્કિડેસી કુળ ઉન્નત ગણાવ્યાં. આ પદ્ધતિમાં કુલ 32 ગોત્ર અને 300 કુળનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે પર્ણવિન્યાસ અને પુષ્પમાં બીજાશયના સ્થાનને પ્રાધાન્ય આપ્યું હોવાથી એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી વનસ્પતિઓ ખૂબ દૂર મુકાઈ છે. બૅસિયન સૂત્રો અને બૅસિયન કૅક્ટસ તેમના વર્ગીકરણની વિશિષ્ટતા છે.
આમૅન તખ્તાજાન (1910-1997) રશિયાની લેનિનગ્રેડમાં આવેલી બૉટેનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એકૅડેમી ઑવ્ સાયન્સિઝ સાથે સંકળાયેલા વર્ગીકરણવિજ્ઞાની હતા. તેમણે (1966) ‘સિસ્ટેમેટ ફાઇલૉજેનિયા મૅગ્નોલિયોફાઇટોરમ’ નામના ગ્રંથમાં સુધારાધારા સાથેનું વર્ગીકરણ આપ્યું. 1969માં ચાર્લ્સ જેફરીએ તેનો ‘સપુષ્પ વનસ્પતિઓ અને પ્રકીર્ણન’ (Flowering Plants and Dispersal) નામ હેઠળ અંગ્રેજીમાં અનુવાદ કર્યો. ફરીથી તેમણે 1980માં ‘બૉટેનિકલ રિવ્યૂ’માં ‘Outline of the classification of flowering plants-Magnoliophyta’ – સુધારાવધારા સાથેનું વર્ગીકરણ પ્રસિદ્ધ થયું. તેમણે આવૃતબીજધારીઓની પ્રગતિશીલતાનું મૂલ્યાંકન કરવા માટેની આચારસંહિતા ઘડી કાઢી. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ અને હેલિયરના વર્ગીકરણનો તેમના પર પ્રભાવ હતો. તેમની વર્ગીકરણ-પદ્ધતિ અનેક વર્ગીકરણવિજ્ઞાનીઓ માટે પથદર્શક ગણાય છે. તેમણે આવૃતબીજધારીઓ મૅગ્નોલિયોફાઇટાને બે વર્ગ દવિદળી (મૅગ્નોલિયોપ્સીડા) અને એકદળી(લીલિયોપ્સીડા)માં વર્ગીકૃત કર્યા. મૅગ્નોલિયોપ્સીડામાં 7 ઉપવર્ગ, 20 શ્રેણીઓ, 71 ગોત્ર અને 342 કુળનો; જ્યારે લીલિયોપ્સીડામાં 3 ઉપવર્ગ, 7 શ્રેણીઓ, 21 ગોત્ર અને 77 કુળનો સમાવેશ કર્યો છે. આમ, તેમની વર્ગીકરણ-પદ્ધતિમાં આવૃતબીજધારીઓને 419 જેટલાં કુળોમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. મૅગ્નોલિયેલીસ દવિદળીમાં અને એલિસ્મેટેલીસ એકદળીમાં પાયાનાં ગોત્ર ગણી પ્રારંભમાં મૂકવામાં આવ્યાં છે. તેમણે બધાં કુળોને ઉત્ક્રાંતિ અને પારસ્પરિક સંબંધોને અનુરૂપ ગોઠવ્યાં છે. પ્રત્યેક ગોત્રના પારસ્પરિક સંબંધો અંગે વિવેચનાત્મક ટિપ્પણી આપી છે, જે તેમના વર્ગીકરણની સબળતા પુરવાર કરે છે.
આમ, ઓમેગા-વર્ગીકરણવિજ્ઞાનમાં જાતિવિકાસ, વિવિધ વર્ગકો (taxa) સાથેના પારસ્પરિક સંબંધો, ઉદવિકાસનો પથ, આદિ અને ઉન્નતકુળોનું ક્રમશ: નિર્ધારણ થતું ગયું. આ દરમિયાનમાં વર્ગીકરણના સિદ્ધાંતો અને નામકરણની આચારસંહિતામાં ફેરફારો થતા રહ્યા. વનસ્પતિ-સંગ્રહાલયો અને વનસ્પતિ-ઉદ્યાનોની સ્થાપના અને વિકાસ થયાં, લુપ્ત થતી જાતિઓના સંરક્ષણ માટેના ઉપાયો શોધાતા રહ્યા. રાષ્ટ્રકક્ષાએ વિવિધ પ્રદેશોના વનસ્પતિસમૂહો પ્રસિદ્ધ થયા છે. તેમાં પણ અનેક સુધારાઓ સમયાંતરે થતા રહ્યા છે. આર્થિક રીતે ઉપયોગી વનસ્પતિઓની ગુણવત્તા સુધારવા બાબત હાલમાં વિસ્તૃત માહિતી ઉપલબ્ધ છે. છતાં તેમની સુધારણા પરનાં સંશોધનો સમગ્ર વિશ્વકક્ષાએ અવિરતપણે ચાલુ રહ્યાં છે.
વીસમી સદીના અંતમાં અને એકવીસમી સદીના પ્રારંભે બીટા-વર્ગીકરણવિજ્ઞાનના જ્ઞાન પર ભાર મુકાયો છે. ઘણી પ્રજાતિઓ કે કુળના અભ્યાસ પરના મૉનોગ્રાફ (monographs) પ્રસિદ્ધ થયા. વિશ્વભરની વનસ્પતિઓનાં સર્વેક્ષણોને સંચિત કરવા અને અન્ય સંશોધનો માટે કમ્પ્યૂટર જેવાં અત્યંત સંવેદી ઇલેક્ટ્રૉનિક સાધનોનો ઉપયોગ વધારે ને વધારે પ્રચલિત થયો.
આર્થર ક્રૉન્ક્વિસ્ટે 2,19,300 જેટલી વનસ્પતિઓને આધુનિક ઉપકરણો અને પદ્ધતિઓની મદદ વડે આવૃતબીજધારી વનસ્પતિઓને ઉદવિકાસ અને પારસ્પરિક સંબંધો અનુસાર ગોઠવી 354 કુળોમાં વર્ગીકૃત કરી. તેમની પદ્ધતિને સાંશ્લેષિક (synthetic) પદ્ધતિ કહે છે. ક્રોન્ક્વિસ્ટ ઉપરાંત, રૉબર્ટ થૉર્નનું વર્ગીકરણ પણ આધુનિક અને જાતિવિકાસ પર અવલંબિત છે. તેમણે ઉત્ક્રાંતિનાં વલણોનો સમન્વય કરી જાતિવિકાસી ક્ષુપ (phyletic shrub) તૈયાર કર્યું છે. તેમણે આવૃતબીજધારી વનસ્પતિઓને 297 કુળમાં વર્ગીકૃત કરી છે.
રોર્લ્ફ ડહાલગ્રેને 1983માં ‘આવૃતબીજધારીઓનું વર્ગીકરણ અને ઉદવિકાસનાં સામાન્ય પાસાંઓ’ (General aspects of Angiospermic classification and evolution) નામના સંશોધન-લેખમાં પરાગરજવિજ્ઞાન (Palynology) અને વનસ્પતિરસાયણ(Phytochemistry)નાં અવલોકનોને વધારે મહત્વ આપ્યું છે. તેમના મત પ્રમાણે દલપુંજ ધરાવતા પુષ્પમાંથી અદલીય પુષ્પોનો ઉદવિકાસ થયો છે. આવૃતબીજધારીઓમાં હાલમાં કોઈ પણ પ્રાચીન સમૂહ અસ્તિત્વમાં નથી; છતાં અર્વાચીન સમૂહમાં પૂર્વજનાં લક્ષણો જળવાયેલાં જોવા મળે છે. તેથી મૅગ્નૉલિયેલીસ ગોત્ર અન્ય આવૃતબીજધારી વનસ્પતિસમૂહનું પૂર્વજ નથી. આમ, જાતિવિકાસ વિશેના ડહાલગ્રેનના વિચારો અન્ય વર્ગીકરણ-વિજ્ઞાનીઓથી જુદા પડે છે. તેમણે દવિદળી વનસ્પતિઓ(મૅગ્નોલિડી)ને 80 ગોત્ર અને 346 કુળમાં, જ્યારે એકદળી(લીલીડી)ને 26 ગોત્ર અને 92 કુળમાં વર્ગીકૃત કરી છે. ડહાલગ્રેનની વર્ગીકરણ-પદ્ધતિ તખ્તાજાન અને ક્રૉન્ક્વિસ્ટને અનુસરે છે.
જૈમિન વિ. જોશી