વનસ્પતિજન્ય ઔષધો : વનસ્પતિમાંથી પ્રાપ્ત થતાં ઔષધો. ભારતના પ્રાચીન ગ્રંથ રામાયણમાં લંકાના સુષેણ વૈદે લક્ષ્મણની મૂર્ચ્છાવસ્થા હનુમાન દ્વારા હિમાલય પર થતી ‘સંજીવની’ છોડની ઔષધિ દ્વારા મટાડ્યાનો ઉલ્લેખ છે. અમેરિકાનાં મૂળ વતની ઇન્ડિયનો વિલો વૃક્ષની છાલનો ઉકાળો પિવડાવીને તાવ ઓછો કરી યા મટાડી શકતા હતા. ફ્રેન્ચ લોકો એ જાણીને આશ્ર્ચર્ય પામ્યા હતા કે વહાણવટી વીર કાર્ટિયર તથા તેના સાથી મુસાફરો બ્લૅક સ્પ્રુસ વૃક્ષનાં લીલાં પાનનો ઉકાળો પીતા હતા, જેને લઈને તેમનો ‘સ્કર્વી’ (Scurvy) નામક રોગ મટી ગયો હતો.

ઓગણીસમી સદી અને વીસમી સદીની શરૂઆતમાં વનસ્પતિજન્ય ઔષધો વિશે પૂરતું જ્ઞાન મળી ચૂક્યું હતું. ભારતમાં પ્રાચીનકાળથી આયુર્વેદનો વિકાસ થયો હતો. શ્રેષ્ઠ વૈદો ચરક તથા સુશ્રુતે રચેલા ગ્રંથો જે ‘ચરકસંહિતા’ અને ‘સુશ્રુતસંહિતા’ તરીકે જાણીતા છે; તેમાં વિવિધ વનસ્પતિનાં વર્ણન, ચિકિત્સા માટેની માત્રાઓ, શલ્યવિદ્યાનાં સાધનો વગેરેનું સંપૂર્ણ વર્ણન મળે છે. જોકે આજે તો સંશ્લેષિત ઔષધોના વિકાસનો યુગ છે અને તેના સ્રોત પણ બિનવાનસ્પતિક હોય છે.

ફૂગજન્ય ઔષધ : પેનિસિલીન : પેનિસિલીન રોગના સૂક્ષ્મ જીવાણુનો નાશ કરવા વપરાય છે, તેની શોધ આકસ્મિક જ થઈ હતી અને તેના શોધક હતા સર ઍલેક્ઝાંડર ફલેમિંગ. તેઓ ફોલ્લા પેદા કરતા ‘સ્ટેફિલોકોકસ’ નામના બૅક્ટેરિયા પેટ્રીડિશમાં ઉછેરી રહ્યા હતા. થોડા દિવસ બાદ પેટ્રીડિશમાં કેટલીક જગ્યાએ ભૂરા રંગની ફૂગ જામી ગઈ હતી. પેટ્રીડિશના જેટલા ભાગમાં ફૂગ ઊગી નીકળી હતી તેટલા ભાગમાં બૅક્ટેરિયાનો નાશ થયો હતો.

તેમણે પેટ્રીડિશમાં ઊગી નીકળેલી ફૂગનું પેનિસિલીન નોટેટમ (Penicilin notatum) એવું નામ આપ્યું.

આ ફૂગમાંથી સર્વપ્રથમ જીવાણુપ્રતિરોધક તથા જીવાણુનાશક ઔષધ પેનિસિલીન પ્રાપ્ત થયું. તે લોહીમાં રહેલ શ્ર્વેતકણોને હાનિ પહોંચાડ્યા સિવાય રોગના જીવાણુનો નાશ કરવાની શક્તિ ધરાવતું હતું.

ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાં કામ કરતા બે બ્રિટિશ રસાયણશાસ્ત્રીઓ ફ્લોરી તથા ચેઇન (1941) પેનિસિલીનને શુદ્ધ સ્વરૂપે બનાવવામાં સફળ નીવડ્યા. ગંધકયુક્ત ઔષધની જેમ જ પેનિસિલીન પણ રોગના બૅક્ટેરિયાની વૃદ્ધિ અટકાવી દે છે અને તેનો નાશ કરે છે. તેથી આ ઔષધને ચમત્કારિક ઔષધ (miracle drug or wonder drug) એવું નામ મળ્યું.

જોકે આ પેનિસિલીન ઔષધની આડઅસરો ઘણી હોવાથી વિજ્ઞાનીઓએ તેનાં વ્યુત્પન્નો સંશ્લેષિત કરવા કમર કસી. પ્રયોગશાળામાં સંશ્લેષિત થયેલાં આ વ્યુત્પન્નોને અર્ધસંશ્લેષિત પેનિસિલીન (semisynthetic penicilins) વ્યુત્પન્નો કહે છે. આ બધાં સૂક્ષ્મ જીવાણુ દ્વારા થતા વિવિધ રોગો સામે અસરકારક ઔષધો સિદ્ધ થયાં છે. આમાંથી કેટલાકનું રાસાયણિક બંધારણ આકૃતિ 1 મુજબ છે.

સ્ટીરૉઇડ ઔષધો : વનસ્પતિજન્ય સ્ટીરૉઇડ ઔષધોમાંથી ગર્ભનિરોધક ગોળીઓ, સ્ત્રીજાતિ-વિષયક અંત:સ્રાવો (hormones) તથા કૉર્ટિસોન વગેરે બનાવવામાં આવે છે. મેક્સિકો ખાતે ઊગતા જંગલી કંદ (yam) જેને ડાયાસ્કોરિયા કહે છે, તેમાંથી તે પ્રાપ્ત કરવામાં આવે છે.

જાતીય અંત:સ્રાવો પહેલાં પ્રાણીજ ગ્રંથિઓમાંથી બનાવાતા. સને 1940માં તેનો ભાવ 1 ગ્રામનો 200 ડૉલર જેટલો હતો. પ્રાણીઓની ગ્રંથિઓમાંથી બનાવાતા અંત:સ્રાવો ખર્ચાળ હોવાથી રસાયણવિદોએ અન્ય ક્ષેત્રે નજર દોડાવી. તેઓએ શોધી કાઢ્યું કે વનસ્પતિની સામાન્ય જાતોમાં રહેલ તેવા જ પ્રકારના પ્રાથમિક અંત:સ્રાવો સસ્તા દરે બનાવી શકાય છે. આ પ્રાથમિક પદાર્થો સેપોજેનિન હતા.

આકૃતિ 1 : અર્ધસંશ્લેષિત પેનિસિલીન વ્યુત્પન્નો

રસાયણશાસ્ત્રી રસેલ ઇ. માર્કર ડાયોસ્કોરિયા આવા સેપોજેનિનયુક્ત સ્ટીરૉઇડ શોધવામાં સફળ નીવડ્યા. તેમાંથી તેમણે પ્રોજેસ્ટેરોનનું ઉત્પાદન કર્યું; જે ગર્ભાધાન-અંત:સ્રાવ તરીકે જાણીતો છે. આજે ડાયાસ્કોરિયા ફ્લોરીબન્દા નામની જાતિમાંથી બનાવાતી ગર્ભનિરોધક ગોળીઓનું બજાર લગભગ 600 કરોડ ડૉલરનું છે.

કૉર્ટિસોન (cortisone) એ આવું બીજું સ્ટીરૉઇડ પ્રકારનું વનસ્પતિજન્ય ઔષધ છે, જે મેક્સિકોના જંગલી કંદમાંથી પ્રાપ્ત કરાય છે. તે ઘણા બધા રોગોમાં દર્દશામક તરીકે વપરાય છે; દા.ત., વા, સંધિવા તથા દમ, મગજની બીમારી અને કેટલાંક ચામડીનાં દર્દોમાં પણ તે વપરાય છે.

એલ્કેલૉઇડ પ્રકારનાં ઔષધો : રિસર્પિન : રક્તચાપ (blood pressure) માટે પ્રાચીનકાળથી ભારતમાં આ ઔષધ વપરાતું આવ્યું છે. તે રાઓલ્ફિયા સર્પેન્ટિના(સર્પગંધા)માંથી પ્રાપ્ત કરવામાં આવે છે. તે ભારત તથા દક્ષિણ પૂર્વ એશિયામાં ઉગાડાય છે. તેનાં મૂળને સૂકવીને તેનું ચૂર્ણ રક્તચાપ, અનિદ્રા તથા માનસિક રોગોના ઇલાજ માટે વાપરવામાં આવે છે. સાપના ઝેરની અસર ઘટાડવા માટે પણ તેનો અવારનવાર ઉપયોગ થાય છે. આ ઔષધનો ઉપયોગ સને 1950થી પાશ્ર્ચાત્ય દેશોમાં શરૂ થયો હતો અને ઉન્માદી દર્દીઓને શાંત પાડવા માટે હવે આધુનિક ચિકિત્સાક્ષેત્રે રિસર્પિન નામના એલ્કેલૉઇડનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે. તે સર્પગંધામાંથી પ્રાપ્ત થતું અગત્યનું અને મુખ્ય ક્રિયાશીલ ઔષધ છે. તેની આડઅસરોમાં નાકનું જકડાવું, નપુંસકતા, ઊબકા વગેરે મુખ્ય છે.

ડિજિટાલીસ : ડિજિટાલીસ તરીકે ઓળખાતું આ ઔષધ હૃદયરોગ માટે અવારનવાર વપરાય છે. તે યુરોપના અત્યંત જંગલી છતાં આકર્ષક ફૂલો ધરાવનાર ફૉક્સગ્લોવ (foxglove) છોડમાંથી પ્રાપ્ત થાય છે. તેનું વાનસ્પતિક નામ ડિજિટાલીસ પુરપુરિયા છે.

આ છોડનાં પર્ણોમાંથી ડિજિટાલીસ અર્ક-પદ્ધતિથી કાઢવામાં આવે છે. તેમાં ચાર અગત્યનાં ગ્લુકોસાઇડ આવેલાં છે : ડિજિટૉક્સિન, ડિજિટાલિન, ડિજિટાલેઇન અને ડિજિટોનીન. તેઓ હૃદયની ઉત્તેજના વધારે છે; હૃદયના સ્નાયુઓને મજબૂત કરે છે અને રુધિરાભિસરણ વધારે છે. તે હૃદય તથા ધમનીઓનું સંકોચન કરે છે, જેને લઈને લોહીનું દબાણ વધે છે. તે નાડીના અનિયમિત ધબકારા નિયમિત કરે છે. હૃદયના સ્નાયુઓ પર આ ઔષધ લીધા પછી અસર થતાં બારેક કલાક લાગે છે. આ ઔષધ અલ્પ માત્રામાં ખૂબ શક્તિશાળી મૂત્રલ (diuretic) છે. તેનો જલશોફ(dropsy)ના રોગમાં પણ ઉપયોગ થાય છે. તે આંતરિક રક્તસ્રાવ, સોજા ચડ્યા હોય, વાઈ આવતી હોય તેવા ઘણા રોગોમાં વાપરવામાં આવે છે. આ ઔષધના ઉપયોગ સમયે ચિકિત્સકનું નિરીક્ષણ ખાસ જરૂરી છે.

બેલાડોના : તે એલ્કેલૉઇડ વર્ગનું વનસ્પતિજન્ય ઔષધ છે. તેનું વૈજ્ઞાનિક નામ એટ્રોપા બેલાડોના છે. તેનાં બોર જેવાં ફળ ખાવાથી માણસો મરી ગયાના દાખલા છે. આ ઔષધના મારણ તરીકે વિનેગારનો ઉપયોગ કરાય છે.

બેલાડોના ઔષધ છોડના મૂળમાંથી મેળવવામાં આવે છે, પણ તે છોડના બધા ભાગો બેલાડોના ધરાવે છે. આ ઔષધનો દમ, શ્વસનીશોથ (bronchitis), ઉટાંટિયું (whooping cough) તથા આંતરડાની વિવિધ તકલીફોમાં ઉપયોગ કરવામાં આવે છે. ક્વચિત્ આંખના સ્નાયુઓને શિથિલ કરવા માટે નેત્રચિકિત્સકો બેલાડોનાનો ઉપયોગ કરતા હોય છે. આમ કરવાથી કીકી (pupil) પહોળી થાય છે. અફીણના ઝેરના મારણ તરીકે તે વપરાય છે અને સ્નાયુઓને શિથિલ કરવા માટે પણ તે ઉપયોગી છે.

અફીણ તથા તેનાં વ્યુત્પન્નો : દર્દશામક તરીકે મૉર્ફીનનો સૌથી વધારે ઉપયોગ થાય છે. આ ઔષધને ઓપિયમમાંથી અર્કપદ્ધતિ દ્વારા મેળવાય છે. તેનું વૈજ્ઞાનિક નામ પેપાવર સોમ્નિફેરમ છે. ગુજરાતમાં તેને ખસખસ કહે છે. આ માદક ઔષધ ખૂબ જ બંધાણ લાવનારું છે. મૉર્ફિન અને હેરોઇન બંને ગંભીર પ્રકારનાં બંધાણી (addict) ઔષધો છે અને વિશ્વમાં બધે જ બિનકાયદેસર રીતે વધુ ભાવ લઈ વેચવામાં આવે છે. તેનાં નાનાં બીજ નિર્દોષ છે અને અફીણના કોઈ જ ગુણધર્મ ધરાવતા નથી. તે લાડુ પર ભભરાવવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે મજૂરો બીજમાં તિરાડ પાડે છે; તેમાંથી સફેદ રસ ઝરે છે જે સુકાઈને સખત થઈ અફીણ (opium) બને છે. સુકાયેલા રસના ગોળા વાળી લેવાય છે જે અશુદ્ધ અફીણ હોય છે, જેમાંથી પછી મોર્ફિન તથા કોડેઇન (codeine) બને છે. આ બંને ઔષધો દર્દશામક છે.

કેનાબીસ સટાઇવા(ભાંગ)નાં પર્ણો અને પુષ્પો સૂકવી તેમાંથી ઔષધ બનાવાય છે. તે કેનાબિયોલ તરીકે જાણીતું છે. આ છોડના પાનને સિગારેટમાં પીવામાં આવે છે; જેથી ઘેન ચઢે છે. તેને હશીશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છોડ પર વિશ્વભરમાં સંશોધન ચાલી રહ્યું છે.

ક્વિનાઇન : મલેરિયા ખૂબ જ પ્રચલિત અને જાણીતો રોગ છે. એનોફિલસ મચ્છરની માદા દ્વારા આ રોગ પ્રસરે છે. પ્લાસ્મોડિયમની જાતિઓ આ રોગ માટે કારણભૂત છે. આ તાવ માટે સંશ્લેષિત ઔષધોનો વ્યાપક ઉપયોગ થાય છે; પણ એ બધા ક્વિનાઇન કરતાં ઓછાં અસરકારક છે. આ ક્વિનાઇન સિંકોના વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. વર્ષોથી ઍન્ડી પર્વતના આદિવાસીઓ મલેરિયાનો તાવ સિંકોના વૃક્ષની છાલનો ઉકાળો પિવડાવી મટાડતા હતા.

સિંકોનાના વૃક્ષને કાપી તેનાં થડ, મૂળ તથા ડાળીઓમાંથી છાલ ભેગી કરી તેને સૂર્યના તડકામાં સૂકવાય છે. પછી ફૅક્ટરીઓમાં વિવિધ દ્રાવકો દ્વારા અર્ક પદ્ધતિથી ક્વિનાઇન એકત્રિત કરાય છે. જોકે હાલમાં મલેરિયા સિવાય તેનો ઉપયોગ પોષક પીણાંઓમાં સુગંધી મેળવવા પણ કરવામાં આવે છે. હાલમાં ક્વિનાઇનને બદલે સંશ્લેષિત ક્વિનાક્રિન એટાબ્રીન, ક્લોરોક્વિન, પ્રિમાક્વિન જે ક્વિનાઇન કરતાં અણુ-સંરચનામાં થોડોક ફેરફાર ધરાવે છે તે બધાં ઔષધો મલેરિયા મટાડવા વાપરવામાં આવે છે.

ગિન્સેંગ (ginseng) : તે એક બીજું પ્રચલિત વનસ્પતિજન્ય ઔષધ છે. તેને જિહનસેંગ (jihnesehng) પણ કહેવાય છે. તેના મૂળનો આકાર માનવશરીરને મળતો આવે છે. ‘ગિન્સેંગ’ ચાઇનીઝ શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ‘માનવ-સમ’.

ગિન્સેંગનાં મૂળ ઘણા દેશોમાં ઔષધ તરીકે વપરાય છે. મૂળને સૂકવીને તેને ચૂર્ણ યા ગોળી(tablets)ના રૂપમાં વેચવામાં આવે છે. જંગલી ગિન્સેંગ લગભગ અદૃશ્ય થઈ ગયું છે. હાલમાં આ છોડ મુખ્યત્વે ચીન, કોરિયા તથા અમેરિકામાં ઉગાડાય છે. મોટાભાગના અમેરિકન ગિન્સેંગની ચીનમાં નિકાસ થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ પાનેક્સ ગિન્સેંગ છે. તેની બીજી જાત પાનેક્સ ક્વિન્ક્વેફૉલિસ તરીકે ઓળખાય છે.

ગિન્સેંગ માનસિક તાણ (stress) દૂર કરવા વપરાય છે. તે બંને પ્રકારના મધુપ્રમેહમાં લોહીની શર્કરા ઓછી કરવા વપરાય છે. તેની ઔષધીય ક્રિયાશીલતા તેમાં રહેલ સ્ટીરૉઇડલ સેપોનિન ગિન્સેનોસાઇડ્સને આભારી છે.

લસણ (garlic) : કોલેસ્ટેરોલ ઘટાડવાનું અને તેનો જરૂરી જથ્થો શરીરમાં જાળવી રાખવા માટેનું આ એક આડઅસર વિનાનું વનસ્પતિજન્ય ઔષધ છે. તે લોહીનું ઊંચું દબાણ ઘટાડી થ્રૉમ્બસ થતું અટકાવે છે અને સિરમ લિપિડ તથા કોલેસ્ટેરોલની માત્રા ઘટાડીને વધતા જતા ઍથેરોસ્કેલેરોસિસમાંથી બચાવે છે. આ ક્રિયાશીલતા લસણની કળીઓમાં રહેલ ગંધકયુક્ત એલિસીન તથા એલિઇન જેવાં રસાયણોને આભારી છે. બજારનાં આ ઔષધોમાં આ બંને રસાયણોની માત્રા નિશ્ચિત રાખવામાં આવે છે. તે ત્રાકકણો(platelets)ની વૃદ્ધિ રોકે છે. આ છોડનું વૈજ્ઞાનિક નામ એલિયમ સટાઇવમ છે. તેનામાં રહેલી દુર્ગંધને લઈને તેનો વ્યાપક ઉપયોગ થતો નથી.

સેંટ જૉન્સ વાર્ટ (St. John’s Wart) : સેંટ જૉન્સ વાર્ટનું વૈજ્ઞાનિક નામ હાયપેરિકમ પરફૉરેટમ છે. તેની બીજી જાતિમાં હાયપરિકમ મોસેરિયેનમનો સમાવેશ થાય છે. આ વનસ્પતિ થોડાક યા વધુ પડતા એવા અવસાદ (depression) માટે મોટા પ્રમાણમાં વપરાય છે. આ ઔષધની ક્રિયાશીલતા તેમાં રહેલ બે પદાર્થો-હાયપેરિસીન તથા હાયપરફોરિન-ને આભારી છે. તેની ઔષધીય માત્રામાં હાયપેરિસીન 0.3 % હોય છે. આ ઔષધના ઉપયોગથી અન્ય ઔષધોની ક્રિયાશીલતા વધી જાય છે. જોકે તેના તાજેતરના ચિકિત્સાપ્રયોગો દર્શાવે છે કે આ ઔષધ એટલું બધું સફળ નથી.

જેઠીમધ : તેનું વૈજ્ઞાનિક નામ ગ્લિસરહાઇઝા ગ્લેબ્રા છે. તેનું પોચું લાકડું ઉધરસ, કફમાં બાળકોને ચૂસવા અપાય છે. તે ગળ્યું હોય છે. તેના સૂકવેલ મૂળને લિકોરીસ (licorice) અથવા ગ્લિસરહાઇઝા કહે છે. તેમાંથી કાઢેલ અર્કને ગ્લિસરિઝીન કહે છે. તે સુક્રોઝ પ્રકારની ખાંડ કરતાં પચાસ ગણું ગળ્યું હોય છે. અર્કમાંથી ગળ્યા સ્ફટિકો મળે છે. તેનું ગલનબિંદુ 220o સે. હોય છે અને સ્ફટિકીકરણ એસેટિક ઍસિડમાંથી થાય છે. તે મદ્યાર્ક તથા ગરમ પાણીમાં દ્રાવ્ય, જ્યારે ઈથરમાં અદ્રાવ્ય છે. તેનો ઉપયોગ ઠારેલી વાનગી, ચૉકલેટ, કેક તથા વિવિધ કફનાશક ઔષધોમાં કરવામાં આવે છે.

ઇફેડ્રા (Ephedra) : ઇફેડ્રા જે એક અગત્યનું ઔષધ છે તેને મા હુઆંગ (ma huang) તરીકે ચીની ચિકિત્સકો ઓળખે છે. તે મધ્ય એશિયાનો વતની છોડ છે. તે વજનમાં ઘટાડા માટે, શક્તિ વધારવા તથા શ્વસનરોગ દા.ત., શ્વસનીશોથ (bronchitis) તથા દમમાં વપરાય છે. ઇફેડ્રામાં વિવિધ ઍલ્કેલૉઇડ્ઝ જેવા કે ઇફેડ્રીન, સ્યૂડોઇફેડ્રીન, નોરઇફેડ્રીન, મિથાઇલ ઇફેડ્રીન તથા નોરસ્યૂડોઇફેડ્રીન આવેલા છે.

સ્ટ્રોફેન્થસ નામના છોડમાંથી નવા જ પ્રકારનું સ્ટીરૉઇડ ગ્લાયકોસાઇડ ઔષધ મળ્યું તે સ્ટ્રોફેન્થીડીન તરીકે જાણીતું બન્યું.

આકૃતિ 2 : સ્ટ્રોફેન્થીડીન

આ વિષ પહેલાં કોમ્બે તરીકે ઓળખાતું હતું.

આફ્રિકામાં મળતી અને કાલાબારબિન્સ તરીકે જાણીતી વનસ્પતિમાંથી ફાયસોસ્ટીગ્મીન નામનું ઔષધ વિકસાવ્યું હતું. આ માટે માડાગાસ્કરમાંથી મળતાં વિવિધ ઝેરનો અભ્યાસ કરાયો હતો. આ કાલાબારબિન્સ ક્યોરેર વિષના પ્રતિરોધક (Antidot) તરીકે વર્તે છે. તે સ્નાયુઓને સખત કરે છે અને માયોસ્થેસિયા ગ્રેવિસ રોગની ચિકિત્સામાં વપરાય છે. આ રોગમાં ગળું, પગ તથા જડબાના સ્નાયુઓ થાકી જઈ તેમાં ખૂબ જ દુખાવો થાય છે.

સંશોધન : હાલમાં કૅન્સરવિરોધી (anticancer) ઔષધો પર ખૂબ સંશોધન ચાલી રહ્યું છે, જેમાં બે વનસ્પતિઓ મુખ્ય છે : (1) બારમાસી અને (2) હિમાલયમાં થતું યુ (yew). બારમાસીનું વૈજ્ઞાનિક નામ વિન્કા રોઝિયા અથવા કેથેરેન્થસ રોઝિયસ છે. તેનાં પર્ણોમાંથી વિન્ક્રીસ્ટીન તથા વિન્બ્લાસ્ટીન જેવા કૅન્સરવિરોધી ઍલ્કેલૉઇડ મળે છે, જે કૅન્સર માટેનાં ઔષધોમાં પ્રયોજાય છે. તેનો મધુપ્રમેહમાં પણ ઉપયોગ થાય છે.

ભારતમાં હિમાલય પર્વત પર થતા યુ (yew) વૃક્ષની છાલમાંથી ટૅક્સૉલ (Taxol) નામક કૅન્સરવિરોધી ઔષધ પ્રાપ્ત થાય છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ ટૅક્સસ બ્યુકાટા તથા ટેક્સસ બ્રેવિફોલિયા છે.

વિશ્વમાં સેંકડો વનસ્પતિઓ ઔષધ તરીકે વપરાય છે. ઘણી વનસ્પતિઓના ઔષધીય ગુણધર્મોથી માનવ હજુ અજાણ છે. પૃથ્વીનો આ વનસ્પતિઓનો વારસો જાળવી રાખવો અનિવાર્ય છે.

યોગેન્દ્ર કૃષ્ણલાલ જાની