વનસ્થલી (વંથલી) : જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢથી પશ્ચિમે 12 કિમી. ઉપર ઉબેણ નદીના પૂર્વ કિનારે આવેલું નગર. તે ‘સ્કંદપુરાણ’માં ‘વામન નગર’ તરીકે નોંધાયેલું છે. ત્યાં નોંધાયેલી અનુશ્રુતિ મુજબ વામન ભગવાન બલિને બાંધી, નગર સ્થાપી રૈવતક ગિરિ ઉપર આવીને રહ્યા હતા. આ ગામમાં કેટલાક પ્રાચીન અવશેષો જળવાઈ રહ્યા છે. ત્યાં વામન ભગવાનનું મંદિર પણ છે. જૂનાગઢના ચૂડાસમા વંશના રાજાઓની તે લાંબો સમય રાજધાની હતી. ઈ. સ. 1146ના માંગરોળ-સોરઠની સોઢળી વાવમાં મૂકેલા એક અભિલેખમાં ‘વામનસ્થલી’ તરીકે તેનો ઉલ્લેખ થયો છે. ભીમદેવ 2જાના સુરાષ્ટ્રમંડલના વામનસ્થલીમાં ઈ. સ. 1210માં સોમરાજદેવ શાસક હતો. ઈ. સ. 1290માં ત્યાં સારંગદેવ વાઘેલાની સત્તા હતી. તેને ‘વામનપુર’ નામ પણ આપવામાં આવ્યું છે. એ ‘વામનસ્થલી’ ઉપર વાઘેલા રાજા વીરધવલે તેના રાજ્યારોહણ બાદ ચડાઈ કરી હતી.

‘વિવિધતીર્થકલ્પ’માં જણાવ્યા પ્રમાણે, અલાઉદ્દીનના ભાઈ ઉલૂઘખાનની ગુજરાત-સૌરાષ્ટ્રની ચડાઈમાં તેણે વામણથલી-(વામનસ્થલી)માં જઈ માંડલિક રાણાને દંડ કરી, સોરઠમાં પોતાની આણ પ્રવર્તાવી હતી. ‘પુરાતનપ્રબંધસંગ્રહ’માં વસ્તુપાલના એક પ્રશંસક યશોધરને વામનસ્થલીનો વાસ્તવ્ય (રહેવાસી) કહ્યો છે. વીરધવલે જયતલદેવીના ભાઈઓ સાંગણ તથા ચામુંડરાજની વામનસ્થલીમાં હત્યા કરી હતી. અમરચંદ્ર કવિના ‘પ્રબંધકોશ’માં ‘વામનસ્થલી’માં સોમાદિત્ય નામનો કવિ હોવાનું, વસ્તુપાલ તથા વીરધવલ સૌરાષ્ટ્રના વિજયમાં વામનસ્થલી ગયા હોવાનું તથા જયતલદેવીના બે ભાઈઓ સાથે યુદ્ધ થતાં વીરધવલે તે બંનેને માર્યા હોવાનું નોંધ્યું છે. તેને અંતે વીરધવલે વંથળીમાં પ્રવેશ કર્યો હતો. ‘સ્કન્દપુરાણ’માંના વસ્ત્રાપથ-માહાત્મ્યમાં વામનસ્થલી-વંથળીનું માહાત્મ્ય આપવામાં આવ્યું છે.

મૂલરાજ સોલંકી(ઈ. સ. 942-997)એ વામનસ્થલી(વંથળી)ના રાજા ગ્રાહરિપુ પર ચડાઈ કરી. મૂલરાજે ગ્રાહરિપુને હરાવી કેદ કર્યો. પછી ગ્રાહરિપુની રાણીઓની વિનંતીથી મૂલરાજે તેને છોડી મૂક્યો. વાઘેલા-સોલંકી વંશના સારંગદેવના મહામંડલેશ્વર વંથળીમાં વિજયાનંદ (ઈ. સ. 1290) હતો, એવું એક અભિલેખના આધારે જાણવા મળે છે.

વામનસ્થલીના જાણીતા કવિ યશોધર અને કવિ સોમાદિત્ય વસ્તુપાલના આશ્રિત હતા. ઈ. સ. 1413-14થી વંથળી પર ગુજરાતના અહમદશાહની સત્તા સ્થપાઈ હતી.

વંથળીમાં ગંગનાથ મહાદેવનું મંદિર, વિજયેશ્વર મહાદેવનો અભિલેખ, સૂર્યકુંડ, જુમા મસ્જિદમાંનો શિલાલેખ અને ખેંગારવાવ પ્રાચીન રક્ષિત સ્મારકો જાહેર કરવામાં આવ્યાં છે. ત્યાં કપિલ મુનિનો આશ્રમ અને જૈન દેરાસરો પણ આવેલાં છે.

જયકુમાર ર. શુક્લ