વનવિદ્યા (Forestry)

વનવાવેતર, વનસંરક્ષણ, વનવિકાસ અને વનપ્રબંધ અંગેનું પ્રયુક્ત વિજ્ઞાન. વન સૌથી વિશાળ, જટિલ અને સૌથી મહામૂલી નૈસર્ગિક સંપત્તિ ધરાવતો પ્રદેશ છે. તે મુખ્યત્વે વૃક્ષ-જાતિઓ દ્વારા આચ્છાદિત હોય છે. વિશ્વના વિવિધ ભાગોમાં વનોનાં કદ અને જૈવ વિભિન્નતાઓ (biodiversities) જુદાં જુદાં હોય છે. પૃથ્વીના કુલ ભૂમિવિસ્તારના 2 જેટલા ભાગમાં વન પથરાયેલાં છે અને કુલ વનવિસ્તારનો આશરે 50 % ભાગ ઉષ્ણકટિબંધીય વન દ્વારા રોકાયેલો છે.

બ્રૂબેકર(1984)ના મંતવ્ય પ્રમાણે, 1900માં આ વિશ્વમાં કુલ વનવિસ્તાર લગભગ 7 કરોડ કિમી.2 હતો, જે 1975માં ઘટીને 2.89 કરોડ કિમી.2 થયો અને 2000માં તે માત્ર 2.37 કરોડ કિમી.2 રહ્યો છે. ભારતનો કુલ ભૌગોલિક વિસ્તાર 32.88 લાખ કિમી.2 છે, જે પૈકી સ્વતંત્રતા મેળવી ત્યારે 7.478 લાખ કિમી.2 વિસ્તાર વન દ્વારા રોકાયેલો હતો અને વિશ્વના કુલ વનવિસ્તારના લગભગ 2.0 % જેટલો જ થાય છે.

ભારતનો રાજ્યવાર વનવિસ્તાર (ચોકિમી.માં)

રાજ્ય ભૌગોલિક

વિસ્તાર

1989નું

મૂલ્યાંકન

1987નું

મૂલ્યાંકન

વનાવરણમાં

ફેરફાર

આંધ્રપ્રદેશ 2,76,820 47,911 50,194 (-) 2,283
અરુણાચલ પ્રદેશ 83,850 68,763 60,500 (+) 8,263
આસામ 78,520 26,058 20,386 (-) 328
બિહાર 1,73,880 26,934 28,748 (-) 1,814
ગોવા 3,698 1,300 1,285 (+) 15
ગુજરાત 1,45,980 11,670 13,570 (-) 1,900
હરિયાણા 44,220 563 644 (-) 81
હિમાચલ પ્રદેશ 55,670 13,377 12,882 (+) 495
જમ્મુ અને કાશ્મીર 2,22,240 20,424 20,880 (-) 456
કર્ણાટક 1,91,770 32,100 32,264 (-) 164
કેરળ 38,870 10,149 10,402 (-) 253
મધ્યપ્રદેશ 4,42,840 1,33,191 1,27,749 (+) 5,442
મહારાષ્ટ્ર 3,07,760 44,058 47,416 (-) 3,358
મણિપુર 22,360 17,885 17,679 (+) 206
મેઘાલય 22,490 15,690 16,511 (-) 821
મિઝોરમ 21,090 18,178 19,092 (-) 914
નાગાલૅન્ડ 16,530 14,358 14,351 (+)   5
ઓરિસા 1,55,780 47,137 53,163 (-) 6,026
પંજાબ 50,360 1,161 766 (+) 395
રાજસ્થાન 3,42,210 12,966 12,478 (+) 488
સિક્કિમ 7,300 3,124 2,839 (+) 285
તામિલનાડુ 1,30,070 17,715 18,380 (-) 665
ત્રિપુરા 10,480 5,325 5,743 (-) 418
ઉત્તરપ્રદેશ 2,94,411 33,844 31,443 (+) 2,401
પશ્ચિમ બંગાળ 87,850 8,394 8,811 (-) 417
આંદામાન અને નિકોબાર 8,290 7,624 7,603 (+)  21
ચંડીગઢ 114 8 2 (+)   6
દાદર અને નગર હવેલી 490 205 237 (-)  32
દમણ અને દીવ 112 2
દિલ્હી 1,490 22 15 (+) 7
લક્ષદ્વીપ 30
પુદુડિચેરી 492 8
કુલ 32,88,067 6,40,134 6,42,041 1901

1989માં ભારતની રાજ્યવાર વનવિસ્તારની સ્થિતિ સૂચવે છે. આ અંદાજ પ્રમાણે કુલ વનવિસ્તાર લગભગ 6,40,134 કિમી.2 પૈકી 3,78,470 કિમી.2 ગાઢ વનો દ્વારા; 2,57,409 કિમી. 2 ખુલ્લાં વનો દ્વારા અને 4,255 કિમી2 મૅન્ગ્રોવ વનો દ્વારા રોકાયેલાં છે. આમ, સ્વતંત્રતાના સમયથી 1989 સુધીનાં વર્ષોમાં વનવિસ્તારમાં 14.39 % જેટલો ઘટાડો થયો છે. ભારતની લગભગ 17.5 લાખ કિમી.2 ભૂમિ મૃદાના અવઘટનને કારણે ઊસરભૂમિ(wasteland)માં ફેરવાઈ છે.

મનુષ્ય માટે વનો સ્વાસ્થ્ય, માનસિક શાંતિ, આનંદ અને તેની સંસ્કૃતિના વિકાસના સ્રોત ગણવામાં આવે છે. તેનો આહાર, ચારો અને ઈંધણ માટેના કાષ્ઠના પુરવઠા ઉપરાંત કાગળ, ગર (pulp), મિશ્રકાષ્ઠ (composite wood), રૅયૉન અને અન્ય માનવસર્જિત રેસાઓ, દીવાસળીની પેટીઓ, રાચરચીલાના ઘટકો, બૉબિનો, ગરગડીઓ અને રમતગમતનાં સાધનો જેવા કાષ્ઠ-આધારિત ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે. વનની ગૌણ પેદાશોમાં બાષ્પશીલ તેલો, ઔષધ-વનસ્પતિઓ, રાળ, ટર્પેન્ટાઇન, લાખ અને કાથો, બીડી પત્તો, (tasser), રેશમ વગેરેનો સમાવેશ થાય છે. વધતી જતી માનવવસ્તીના ખોરાક માટે પ્રાણીજ પ્રોટીન તરીકે વન્ય (wild) તૃણાહારી પ્રાણીઓ કેટલેક અંશે માગ પૂરી પાડી શકે તેમ છે. જોકે ભારતમાં વનોની સ્થિતિ આશાસ્પદ નથી.

ભારત અને અન્ય ઉષ્ણકટિબંધીય દેશો પ્રકાષ્ઠ (timber) અને અંત:કાષ્ઠ(heartwood)-સ્રોત વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. પ્રકાષ્ઠ પૃથ્વી ઉપર ઉત્પન્ન થતાં કુલ પ્રકાશસંશ્લેષી (photosynthetic), દ્રવ્યોના 25 % જેટલું અને વનના કુલ જૈવભારના અર્ધા ભાગ જેટલું હોય છે. કાષ્ઠ-અવશેષો(wood-residues)નું આ દેશોમાં પ્રવાહી કે વાયુરૂપ ઈંધણમાં રૂપાંતર થઈ શકે છે. કોલસાની તુલનામાં તેમાં સલ્ફર દ્રવ્ય અને ભસ્મ(ash)નું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તેમાંથી મળતી ભસ્મનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.

વનો પર્યાવરણ સાથે સંબંધિત મુખ્ય પરિબળ છે : (i) તે વાવાઝોડાં, ગરમ, ઠંડા કે સૂકા પવનો સામે વન્યજીવન(wildlife)ને રક્ષણ આપે છે. (ii) તે સૌર-વિકિરણની પ્રતિકૂળ અસરો સામે રક્ષણ આપે છે. (iii) તે વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. (iv) તે સ્થાનિક વરસાદ અને મૃદાની જલધારણ-ક્ષમતા(water holding capacity)માં વધારો કરે છે. (v) તેના કારણે બિછાત(litter)માંથી મૃદામાં પોષકો પાછા ફરતાં મૃદાની ફળદ્રૂપતા જળવાય છે. (vi) તેના દ્વારા પૃથ્વીના તાપમાન અને જલચક્રનું નિયમન થાય છે. (vii) તેનાથી ભૂક્ષરણ (soil erosion), ભૂસર્પણ (landslip) રેતીનું સ્થાનાંતર અને કાંપ પુરાવાની ક્રિયા(silting)નું નિયંત્રણ થાય છે. (viii) તેના દ્વારા પૂરનો ભય ઘટે છે. અને (ix) તે વન્યજીવનનું રહેઠાણ હોવાથી તેઓ સૌન્દર્ય સંબંધી અને પર્યટનાત્મક મૂલ્ય વધારે છે અને જનીન-આરક્ષિત (gene reserve) તરીકે જૈવિક મહત્વ ધરાવે છે.

વન-નિવસનતંત્રના દીર્ઘકાલીન સ્થિરીકરણ(stabilization)નો આધાર નિવેશ (input) પામતાં અને નિર્ગત (output) થતાં પોષકો વચ્ચે રહેલું સંતુલન અને વૃદ્ધિની વિવિધ અવસ્થાઓએ રહેલા પોષકોના જથ્થા ઉપર રહેલો છે. વનસંપત્તિના સતત અમર્યાદ ઉપયોગને કારણે એક સમય માટેનું અત્યંત સ્થાયી અને પોષકોથી ભરપૂર એવું વન-નિવસનતંત્ર શક્તિહીન બની જાય છે; એટલું જ નહિ, પરંતુ વાહક્ષેત્ર(watershed)-ભંગાણ, ભૂક્ષરણ, મૃદાની ફળદ્રૂપતામાં અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે અને વન્યજીવન જોખમાય છે. એકધાન્યકૃષિ(monocultures)ના ઉછેરને લીધે તે જાતિની વિશિષ્ટ પોષકોની જરૂરિયાતને કારણે મૃદાની ફળદ્રૂપતામાં ઘટાડો અને અન્ય જાતિઓના વિકાસમાં અવરોધ થાય છે. વન જેવી નૈસર્ગિક સંપત્તિના સાતત્યપૂર્ણ પ્રબંધ (management) માટે નિવસનતંત્ર, વિવિધ તત્વોનો ફાળો, અંત:તંત્ર(intersystem)-ચક્રો, અને સમયાંતરે થતા બહિર્જાત (exogenous) અને અંતર્જાત (endogenous) ફેરફારોનું સંપૂર્ણ જ્ઞાન હોવું અનિવાર્ય છે. શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ, ખાણઉદ્યોગ સ્થાનાંતરી (jhum) કે વિસ્થાપન (shifting), કૃષિ, વિવિધ વિકાસ પરિયોજનાઓ, ઈંધણ, વનાગ્નિ (forest fire), કૃષિ, અતિચરાઈ (overgrazing) અને ઘરગથ્થુ તેમજ અન્ય હેતુઓ માટે કાષ્ઠના થતા ઉપયોગને કારણે, વૃક્ષોના અમર્યાદ, અવિચારી, અવ્યવસ્થિત પાતન(felling)ને કારણે વનવિસ્તારનો અત્યંત ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે અને વનનાશ(deforestation)નો દર વધી રહ્યો છે. ભારતમાં પ્રતિવર્ષ 15 લાખ હેક્ટર વનાવરણનો નાશ થઈ રહ્યો છે. જો આ સ્થિતિ અબાધિત રીતે સતત ચાલુ રહે તો નજીકનાં વર્ષોમાં શૂન્યવન(zeroforest)નું ભીષણ સ્વપ્ન વાસ્તવિક બનશે. આ જ દરે થતા વનનાશને લીધે આવતાં 50થી 75 વર્ષોમાં વિશ્વનાં બધાં ઉષ્ણકટિબંધીય વન અદૃશ્ય થઈ જવાની સંભાવના છે.

વનનાશની પારિસ્થિતિક-સામાજિક (ecosocial) અને પર્યાવરણીય અસરો આ પ્રમાણે છે :

(i) ઉપરિ મૃદા(top soil)નો નાશ : તે સાચા અર્થમાં પુન:સ્થાપનીય (replaceable) નથી; કારણ કે કુદરતને 1.0 સેમી. જેટલું મૃદાનું આવરણ રચવા લગભગ 400 વર્ષ લાગે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં નદીઓ દ્વારા પ્રતિવર્ષ 1,200 કરોડ ટન ઉપરિ મૃદા ઘસડાઈ જાય છે.

(ii) પાકઉત્પાદન પર અસર : ભૂક્ષરણને કારણે ભારતને પ્રતિવર્ષ 300થી 500 લાખ ટન અનાજનું નુકસાન થાય છે.

(iii) પૂરોને કારણે થતું નુકસાન : 1950ના દાયકામાં પૂરને લીધે ભારતનો પ્રતિવર્ષ સરેરાશ 64 લાખ હેક્ટર વિસ્તાર અને 1980ના દાયકામાં 90 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત બન્યો હતો. 1981થી 1986 દરમિયાન ભારતને માત્ર પૂરને કારણે રૂ. 5,000 કરોડનું નુકસાન વેઠવું પડ્યું હતું.

(iv) હિમાલયી નિવસનતંત્ર પર અસર : સમગ્ર હિમાલયી નિવસનતંત્ર પર વનનાશની અત્યંત વિપરીત અસર પડી છે અને તીવ્ર અસંતુલનને કારણે હિમરેખાઓ (snow lines) પાતળી બની ગઈ છે અને બહુવર્ષાયુ ઝરણાંઓ સુકાઈ ગયાં છે.

(v) વનોનું ઉષ્ણ ગૃહો(hot houses)માં રૂપાંતર : આંધ્રપ્રદેશમાં વનવિસ્તારો ઉષ્ણ ગૃહોમાં ફેરવાયાં છે અને વરસાદના ચક્રવાતી વાવાઝોડાંઓથી મૃદાનું ભારે ધોવાણ થયું છે.

(vi) અનાવૃદૃષ્ટિઓ : રાજસ્થાન જેવા રાજ્યમાં અનાવૃદૃષ્ટિ સામાન્ય ઘટના છે. તેની ભૂમિનો મોટો ભાગ ઊસરભૂમિમાં પરિવર્તન પામ્યો છે. તામિલનાડુ અને હિમાચલ પ્રદેશમાં જ્યાં પહેલાં અનાવૃદૃષ્ટિ થતી નહોતી, ત્યાં પણ તીવ્ર અનાવૃદૃષ્ટિનો પ્રારંભ થયો છે.

વનોનું વર્ગીકરણ પુનર્જનન(regeneration)ની પદ્ધતિ, વય, બંધારણ, પ્રબંધના હેતુઓ, માલિકી (ownership) તથા કાયદાકીય મોભો (legal status) અને સ્કંધ-ઉછેર (growing stocks) પર આધારિત છે.

વનનું પુનર્જનન બીજ અથવા વાનસ્પતિક અંગો દ્વારા થઈ શકે છે. ઉચ્ચવન(high forest)નું પુનર્જનન બીજ દ્વારા અને ઝાડીવન(coppice-forest)નું પુનર્જનન વાનસ્પતિક અંગો દ્વારા થાય છે. વયને આધારે વનોને સમાયુ (even aged) કે નિયમિત વનો અને વિષમાયુ (uneven aged) કે અનિયમિત વનો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. સમાયુવનમાં બધાં વૃક્ષો લગભગ એકસરખી વયનાં અને વિષમાયુ વનમાં તેઓ જુદી જુદી વયનાં હોય છે. બંધારણની દૃષ્ટિએ વન કાં તો એક જ જાતિનું અથવા એક કરતાં વધારે જાતિઓનું બનેલું હોય છે અને શુદ્ધ અને મિશ્ર વનમાં વર્ગીકૃત થાય છે. શુદ્ધ વન લગભગ સંપૂર્ણપણે એક જ જાતિનું બનેલું હોય છે. આ જાતિનું પ્રમાણ સામાન્યત: 80 %થી ઓછું હોતું નથી. મિશ્ર વન બે કે તેથી વધારે વૃક્ષ જાતિઓનું બનેલું હોય છે. જેમનું વિતાન (canopy) એકસરખું હોય છે અને ઓછામાં ઓછું 20 % જેટલું વિતાન મુખ્ય જાતિ સિવાયની જાતિનું હોય છે. મિશ્ર વન બનાવતી જાતિઓ મુખ્ય (principal) અને સહાયક (accessory) જાતિઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

વનવિદ્યા માત્ર વન-પાકોના વાવેતર સાથે જ સંકળાયેલું પ્રયુક્ત વિજ્ઞાન નથી; પરંતુ તે તેમનાં રક્ષણ, સ્થાયીકરણ (perpetuation), મિતિશાસ્ત્ર (mensuration), પ્રબંધ, મૂલ્યાંકન (valuation) અને વિત્ત (finance) તેમજ વનપેદાશોના ઉપયોજન (utilization) સાથે પણ સંબંધિત છે. મહત્તમ મળતર રહે તે માટે ઉપયોગમાં લેવાતા આ વિજ્ઞાનને સઘન વનવિદ્યા (intensive forestry) કહે છે. તેનો હેતુ વનસંવર્ધન (silviculture) અને પ્રબંધની સર્વશ્રેષ્ઠ પદ્ધતિઓના વિનિયોગ (application) દ્વારા એકમ વિસ્તારમાં વન-નીપજોનું મહત્તમ કદ અને ગુણવત્તા પ્રાપ્ત કરવાનો છે. એક કરતાં વધુ હેતુઓ સિદ્ધ કરવા માટેની વનવિદ્યાને બહુપ્રયુક્ત વનવિદ્યા (multiple use forestry) કહે છે. તે બે કે તેથી વધારે હેતુઓ માટે વનવિસ્તારના એકસાથે થતા ઉપયોગ સાથે સંકળાયેલ છે; જે કેટલીક રીતે વિરોધાભાસી હોય છે. દા.ત., કાષ્ઠનું ઉત્પાદન અને ચરાઈ અને/અથવા વન્યજીવસંરક્ષણ.

વનવિદ્યાનું હેતુઓને આધારે વર્ગીકરણ આ પ્રમાણે થાય છે :

વનપ્રબંધ : અર્વાચીન સમયમાં વનોના વૈજ્ઞાનિક પ્રબંધની આવશ્યકતા ઉત્પન્ન થઈ છે. પ્રકાષ્ઠ, ઈંધણ, વનપેદાશો, ભૂક્ષરણનું નિયમન, વાહક્ષેત્ર-રક્ષણ (watershed protection), રેતીનું સ્થાયીકરણ અને ઔદ્યોગિક હેતુઓ માટે વનસ્પતિઓની વિવિધ જાતિઓનું રોપણ કરવામાં આવે છે. તેથી વનપ્રબંધનો વ્યૂહ નીચેના ધ્યેયોને લક્ષમાં રાખી ઘડવામાં આવે છે :

1. શહેરી અને ગ્રામીણ ગરીબ લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા સતત માલનો પુરવઠો પ્રાપ્ત થાય અને સેવાઓ પૂરી પડે તે માટેની જાળવણી અને સુધારણા એવી રીતે કરવાં જોઈએ જેથી વનપેદાશોના વાર્ષિક કે સામયિક ઉપયોગને લીધે ભવિષ્યમાં તેમનું ઉત્પાદન જોખમમાં મુકાય નહિ. તે માટે નીચે પ્રમાણેની વ્યવસ્થા હોવી આવશ્યક છે :

બધા જ સમયે બધા કદનાં અને વર્ગોનાં વૃક્ષો યોગ્ય પ્રમાણમાં હોવાં જોઈએ.

પ્રત્યેક વૃક્ષ-પાકમાં યોગ્ય વધારો થતો રહેવો જોઈએ.

વૃક્ષોનાં વૃદ્ધિ અને વિકાસને અવરોધતી કોઈ પણ અડચણો હોવી ન જોઈએ.

2. બધા જ સમયે વનનું યોગ્ય પ્રમાણમાં પુનર્જનન થવું જોઈએ.

3. ભૂમિની ગુણવત્તાની જાળવણી અને સુધારણા થવી જોઈએ; જ્યાં ભૂમિભાગ (terrain) એટલો સીધો હોય કે જેથી ભૂક્ષરણની પૂરેપૂરી શક્યતા રહેલી હોય ત્યાં આ કાળજી ખૂબ જરૂરી છે.

માલના પુરવઠાની સતત જાળવણી માટે અને પ્રજાની સેવા તેમજ ઔદ્યોગિક પ્રગતિ માટે અને વન-નાશ અટકાવવા માટે પ્રવર્તમાન રાષ્ટ્રીય વનનીતિ દ્વારા બે વ્યૂહ આપવામાં આવ્યા છે : (1) સંરક્ષણ (conservation) વનવિદ્યા અને (2) સમુપયોજન (exploitative) કે વ્યાપારિક (commercial) કે ઉત્પાદન (production) વનવિદ્યા.

સંરક્ષણ વનવિદ્યા : તે અસ્તિત્વ ધરાવતાં વનોના સંરક્ષણ અને નિમ્નીકૃત (degraded) વનોના પુન:સ્થાપન (restoration) સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. હિમાલય, પશ્ચિમઘાટ અને પૂર્વઘાટમાં જલપદ્ધતિઓ (water regimes), વાહક્ષેત્રોનાં જલગ્રહ વિસ્તારો (catchment areas), જલસંગ્રહાશયો, ઝરણાંઓ, રાષ્ટ્રીય ઉદ્યાનો (national parks), અભયારણ્યો (sanctuaries), પવિત્ર ઉપવનો (sacred groves), પરિરક્ષિત ભૂખંડો (preservation plots), આરક્ષિત જૈવપરિમંડળો (biosphere reserves) અને બધાં જ પરિસ્થિતિકીય દૃષ્ટિએ નાજુક ક્ષેત્રો આ પ્રકારના વિસ્તારો છે. આવા વિસ્તારોમાં વ્યાપારિક ઉપયોગ થવા દેવામાં આવતો નથી અને ઈંધણની અછત ભોગવતા ગરીબ ગ્રામીણ પ્રજાજનોથી અને ઘાસભૂખ્યાં ઢોરોથી તેમજ આગથી રક્ષણ આપવામાં આવે છે.

વનસંવર્ધનપદ્ધતિ હેઠળ સફળ વનપ્રબંધ માટે નીચે મુજબની માહિતી એકત્રિત કરવી આવશ્યક છે : (i) આબોહવાકીય પરિસ્થિતિઓ, (ii) નિતાર (drainage) પદ્ધતિ, (iii) જાતિ-નિયંત્રણ, (iv) અનુક્રમણીય (successional) વલણ, (v) વ્યાપારિક રીતે સર્વશ્રેષ્ઠ વનસ્પતિઓનું ઉત્પાદન આપતી અવસ્થાઓ અટકાવવા કે અન્ય દિશામાં વાળવાની પદ્ધતિઓ, (vi) અગત્યની વનસ્પતિ જાતિઓનું પારિસ્થિતિક જીવનચક્ર અને (vii) જૈવિક આંતરસંબંધો.

વનનાશ અટકાવવા માટે પ્રજાની ભાગીદારીનો સમાવેશ પણ સંરક્ષણ-વ્યૂહમાં થાય એ ઇષ્ટ છે.

વ્યાપારિક વનવિદ્યા : તે લોકોની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ઈંધણ, ચારો, ખોરાક, ખાતર, રેસો, કાષ્ઠ વગેરે અને ઉદ્યોગ માટે બધા પ્રકારનાં કાષ્ઠ, પ્લાયવૂડ, મૅચવૂડ, ફાયરબૉર્ડ, કાગળ, ગર (pulp) અને રેયૉન વગેરેની જરૂરિયાતો પૂરી પાડવા સાથે સંકળાયેલી વનવિદ્યાની શાખા છે. તેનો હેતુ ઉચ્ચતર ઉત્પાદકતા (productivity) પ્રતિ એકમ વિસ્તાર પ્રતિવર્ષ મેળવીને સિદ્ધ થઈ શકે તેમ છે. યુ.એસ.માં Pseudotsaga taxifolia (ડગ્લાસ ફર) અને Pinus taeda (લોબ્લોલી)ની ઉત્પાદકતામાં 70થી 300 ગણો વધારો (i) અપતૃણો, કીટકો અને રોગોનાં નિયંત્રણ, (ii) જનીનિક સુધારણા અને (iii) વનસંવર્ધનીય અને પોષણકીય જરૂરિયાતોના ઇષ્ટતમીકરણ અને પેશી-સંવર્ધન પ્રવિધિઓના વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા શક્ય બન્યો હતો.

વ્યાપારિક વનવિદ્યાના પ્રબંધના વ્યૂહમાં સામાજિક વનવિદ્યા (social forestry) અને કૃષિવનવિદ્યા(agroforestry)ના કાર્યક્રમોનો સમાવેશ કરવો જોઈએ; જેથી ગ્રામીણ અને શહેરી ગરીબ લોકોની જરૂરિયાતો પૂરી પડી શકે અને કુદરતી વનવિસ્તારોનું નિમ્નીકરણ અટકી શકે. વ્યાપારિક વનવિદ્યામાં વનનું પુનર્જનન અનિવાર્ય હોય છે.

સામાજિક વનવિદ્યા : વનપ્રબંધની એક પદ્ધતિમાં વનીકરણ (afforestation) અને સામાજિક વનવિદ્યાનો અભિગમ અપનાવવામાં આવે છે. આ શબ્દ નૅશનલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર (NCA, ભારત) દ્વારા પ્રયોજવામાં આવ્યો છે. જેમાં વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવે છે; જેથી ગ્રામીણ લોકોને ઈંધણ, ચારો, નાનાં પ્રકાષ્ઠ અને ગૌણ વનપેદાશોનો પુરવઠો પ્રાપ્ત થઈ શકે. તે એક એવી સંકલ્પના (concept), કાર્યક્રમ અને સેવાકાર્ય (mission) છે; જે ખાસ કરીને ગ્રામીણ લોકોની આયોજનના તબક્કાથી માંડી લણણીના તબક્કા સુધીની સામેલગીરી દ્વારા પારિસ્થિતિક, આર્થિક અને સામાજિક સલામતી બક્ષે છે. સામાજિક વનવિદ્યા દ્વારા કોઈ પણ પ્રાપ્ત ભૂમિ (જેનો અન્ય કોઈ ઉપયોગ થતો નથી) ઉપર સમાજની મદદ વડે સમાજની જરૂરિયાતો પૂરી પાડવા વનનિર્માણ કરવામાં આવે છે. આ પ્રકારનાં વનોને લીધે કુદરતી વનો ઉપરનું દબાણ ઘટે છે.

સામાજિક વનવિદ્યાના કાર્યક્રમોના મુખ્ય ત્રણ ઘટકો છે : (i) ફાર્મ વનવિદ્યા (farm forestry) : ખેડૂતોને મફત અથવા નીચા ભાવે વૃક્ષોના રોપાઓનું વિતરણ કરી તેમનાં ખેતરોમાં વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરતું સામાજિક વનવિદ્યાનું ઘટક છે.

(ii) વૃક્ષક્ષેત્રો (woodlots) : સામાજિક જરૂરિયાતો માટે વનવિભાગ દ્વારા રસ્તાઓની બંને બાજુએ, કેનાલને કિનારે અને અન્ય જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવે છે.

(iii) સામાજિક વનક્ષેત્રો (community woodlots) : જનસમુદાય દ્વારા બિનઉપયોગી સામાજિક સ્થળો પર સરખે હિસ્સે વૃક્ષારોપણ કરવામાં આવે છે.

વ્યાવહારિક અભિગમ તરીકે સામાજિક વનવિદ્યાના કાર્યક્રમો ગ્રામીણ અને શહેરી ગરીબોને ઈંધણ અને ચારો પૂરો પડે અને તેમની આર્થિકતા સધ્ધર બને તેવા હોવા આવશ્યક છે. વિશ્વબૅંકે દર્શાવ્યા પ્રમાણે ભારતમાં 1988માં કુલ 26.4 કરોડ મી.3 કાષ્ઠનું ઉત્પાદન થયું હતું; તેમાંથી 24.0 કરોડ મી.3 (લગભગ 90 %) કાષ્ઠ ઈંધણ તરીકે વપરાયું હતું. તેથી સામાજિક વનવિદ્યાના કાર્યક્રમ હેઠળ લીમડો (Azadirachta indica), કરંજ (Pongomia Pinnata), સાલ (Shorea robusta), અર્જુન સાદડ (Terminalia arjuna), મહૂડો (Madhuca indica) અને તાડ(Borassus flabellifer)નું વાવેતર કરવું જોઈએ. તેની સાથે ઘાસની જાતિઓ, ક્ષુપો અને ઝાડીનું પૂરક વાવેતર કરવું જોઈએ; જેથી ઈંધણ માટેનું કાષ્ઠ અને ચારો લઘુતમ સમયમર્યાદામાં મેળવી શકાય.

1980ના દાયકાથી ભારતમાં સામાજિક વનવિદ્યાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે. મોટાભાગના આ કાર્યક્રમોમાં વિશ્વબૅંક (World Bank, WB), યુ.એસ. એજન્સી ફૉર ઇન્ટરનૅશનલ ડેવેલપમેન્ટ (USAID), કૅનેડિયન ઇન્ટરનૅશનલ ડેવેલપમેન્ટ એજન્સી (CIDA) અને સ્વીડિશ ઇન્ટરનૅશનલ ડેવેલપમેન્ટ એજન્સી (SIDA) જેવી વિદેશી સંસ્થાઓએ નાણાકીય સહાય કરી છે. સામાજિક વનવિદ્યાના પ્રવેશ બાદ જ ફાર્મ-વનવિદ્યાએ ગતિ પકડી છે. નૅશનલ વેસ્ટલૅન્ડ ડેવેલપમેન્ટ બૉર્ડ(NWDB)ના જણાવ્યા પ્રમાણે 1981-88 દરમિયાન ભારતીય ખેડૂતોએ 855 કરોડ વૃક્ષોનું ખાનગી ભૂમિ પર વાવેતર કર્યું હતું. મહારાષ્ટ્ર સરકારે 1991માં ઉદ્યાનકૃષિ (horticulture) અને ફાર્મ-વનવિદ્યા હેઠળ કેરી, જામફળ, સફરજન, નારંગી, દાડમ અને નાળિયેરી જેવાં ફળ આપતાં વૃક્ષોના રોપાઓનું વિતરણ કર્યું હતું. મહારાષ્ટ્ર સરકારે 1990 દરમિયાન બીજી એક સામાજિક વનવિદ્યા સાથે સંકળાયેલી યોજના પણ બહાર પાડી હતી; જેમાં ઊસર (barren) ભૂમિ 30 વર્ષ માટે પટ્ટા (lease) રૂપે વ્યક્તિગત રીતે અથવા સ્વૈચ્છિક સંગઠનોને ફળ આપતાં વૃક્ષોનાં વાવેતર માટે આપી હતી. મધ્ય પ્રદેશમાં વૃક્ષ-સહકારી મંડળીઓ દ્વારા પ્રતિવર્ષે 20,000 હેક્ટર ભૂમિમાં વૃક્ષારોપણની મહત્વાકાંક્ષી યોજના અમલમાં મુકાઈ છે. આ કાર્યક્રમ છ વર્ષનો હતો; જે 1992ની ચોમાસાની ઋતુથી શરૂ થયો હતો અને તેમાં રૂ. 320 કરોડનું રોકાણ થયું હતું. વન-ઉપયોજન (forest utilization) દ્વારા પ્રાપ્ત થતો નફો મંડળીના સભ્યો વચ્ચે વહેંચવામાં આવ્યો હતો.

વૃક્ષારોપણમાં થતા ખર્ચાનો ઘટાડો કરવા વનસંવર્ધન અને કૃષિવિદ્યાના સંયોજનથી વિકસાવાયેલી તોંગ્યા પદ્ધતિ હેઠળ, ખેતરવિહોણા ગ્રામીણ ગરીબ લોકોને વનના ખુલ્લા પ્લૉટનું વિતરણ કરવામાં આવે છે. પ્રથમ વર્ષે તેઓ કૃષિ-પાકો વાવે છે અને બધું જ ઉત્પાદન લે છે. બીજા વર્ષે તેઓ પાકોની વચ્ચે હરોળમાં વૃક્ષના રોપાઓનો ઉછેર કરે છે. 2થી 3 વર્ષ સુધી પાક લેવામાં આવે છે. આ સમય દરમિયાન વૃક્ષના રોપનાં મૂળ ભૂમિમાં ઊંડે જાય છે. રોપની ઊંચાઈ 1.0 મીટર કરતાં વધે ત્યારે મજૂરોને બીજો ખુલ્લો પ્લૉટ આપવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવે છે.

સામાજિક વનવિદ્યાના અન્ય લાભો આ પ્રમાણે છે :

(i) ભૂક્ષરણ અને મરુભવન(desertification)નું નિયંત્રણ;

(ii) મૃદામાં સ્રવણ (percolation) દ્વારા પાણીની જાળવણી;

(iii) હવામાં રહેલા કાર્બન ડાયૉક્સાઇડ, બીજા વાયુઓ અને પ્રદૂષકો(pollutants)નું શોષણ;

(iv) વન્યજીવન સંરક્ષણ;

(v) નાશને આરે ઊભેલી વનસ્પતિ-જાતિઓના ઉછેર દ્વારા જૈવ-વિભિન્નતાઓનું સંરક્ષણ અને

(vi) જો કાર્યક્રમ વ્યવસાયલક્ષી હોય તો ગ્રામીણ લોકોના સ્થાનાંતર પર નિયંત્રણ.

સામાજિક વનવિદ્યાનું ઘણા પ્રદેશોમાં વિસ્તરણ થયું હોવા છતાં વનનું એક મહત્વનું ઘટક બનાવતી આદિવાસી પ્રજામાં હજુ જાગૃતિ આવી નથી. તેમની સામેલગીરી અને કાર્યક્રમની લાંબા ગાળાની સફળતા માટે નીચે પ્રમાણેનાં પગલાં લેવાં જરૂરી છે :

(i) સામાજિક વનવિદ્યાના હેતુઓથી આદિવાસીઓને માહિતગાર કરવા જોઈએ;

(ii) ખેતરની કિનારીઓ પર પાનરવો (Erythrina indica), મોટી હીરવણી (Kydia calycina), સેવન (Gmelina arborea), સીસમ (Dalbergia sissoo) જેવાં ઝડપી ઊગતાં વૃક્ષો, અને વાડમાં અંબાડી (Hibiscus canabinus), રામબાણ (Agave americana), ડાયોસ્કોરિયા (Dioscoria spp.) જેવી રેસાઓ આપતી વનસ્પતિઓનું વાવેતર કરવું જોઈએ;

(iii) સ્થાનાંતરી કૃષિ(jhum cultivation)માં કૃષિ-વનસંવર્ધન(agrisilviculture)ના સિદ્ધાંતો પ્રમાણે વનની વૃક્ષજાતિઓનું રોપણ કરવું જોઈએ;

(iv) ઊસરભૂમિ કે જન-સામુદાયિક ભૂમિ પર રેશમના કીડા અને લાખના કીડાની યોગ્ય યજમાન-વનસ્પતિઓનું વાવેતર કરવું જોઈએ;

(v) ઊસરભૂમિ કે નિમ્નીકૃત ભૂમિ ઉપર ઑસ્ટ્રેલિયન બાવળ (Acacia auriculiformis), નીલગિરિ (Eucalyptus spp.), લાસો બાવળ (Leucaena leucocephala) જેવાં ઈંધણ આપતાં વૃક્ષો ઉગાડવાં જોઈએ. ચારો આપતી વનસ્પતિઓના ઉછેરને પ્રોત્સાહન આપવું જોઈએ;

(vi) આદિવાસીઓની આ કાર્યક્રમોમાં મહત્તમ સામેલગીરી થાય તે માટે સરકારે આગળ આવવું જોઈએ;

(vii) નર્સરીની જાળવણીથી માંડી રોપાઓના વિતરણ સુધીની બધી જવાબદારી આદિવાસીઓને સોંપવી જોઈએ; અને

(viii) આ કાર્યક્રમો વ્યવસાયલક્ષી હોવા જોઈએ અને આદિવાસીઓને કાર્યક્રમના બધા તબક્કાઓમાં સાંકળવા જોઈએ.

કૃષિવનવિદ્યા (agroforestry) : આ કૃષિવિદ્યા અને વનવિદ્યાની સંયોજિત જ્ઞાનશાખા છે. આ સામાજિક વનવિદ્યાનું રૂપાંતરિત સ્વરૂપ છે, જેમાં કૃષિ માટે ઉપયોગમાં લેવાતી ભૂમિમાં વૃક્ષોનું ક્રમશ: કે એકસાથે રોપણ કરાવવામાં આવે છે. ખરેખર તો કૃષિવનવિદ્યા જૂની ‘ભૂમિ ઉપયોગ પદ્ધતિ’(land use practice)નું નવું નામ છે; જેમાં ભૂમિનો ઉપયોગ કૃષિ, વન અને પશુપાલન માટે કરવામાં આવે છે.

ભારતમાં હરિયાળી ક્રાંતિએ નિ:શંકપણે દેશને અનાજના સંદર્ભમાં સ્વનિર્ભર બનાવ્યો છે; છતાં વધુ ઉત્પાદન આપતી જાતોનો ઉપયોગ અને એકકૃષિ (monoculture) પદ્ધતિને કારણે ભૂમિનું પારિસ્થિતિક નિમ્નીકરણ થયું છે અને જનીન-ધન(gene stock)માં ઘટાડો થયો છે. બીજી બાજુ, વનોનો પણ નાશ થઈ રહ્યો છે; તેથી કૃષિવનવિદ્યાની એક સંતુલિત અભિગમ તરીકે આવશ્યકતા છે; જેના દ્વારા કૃષિ અને વનપેદાશોની સતત પ્રાપ્તિ થઈ શકે. આંતરસસ્યન(inter-cropping)ના તત્વ સહિત તે નૈસર્ગિક નિવસનતંત્રને સમકક્ષ પારિસ્થિતિક પ્રતિરૂપ (model) છે, અને તેથી તે સાતત્ય (sustainability) દર્શાવતું સ્વાભાવિક (inherent) તત્વ ધરાવે છે. વળી, તેમાં નૈસર્ગિક નિવસનતંત્રની જેમ તેના અજૈવિક (abiotic) અને જૈવિક ઘટકોનું પુનશ્ર્ચક્રણ (recycling) થતું હોવાથી તે કાયમી ઉત્પાદન આપે છે. આમ, કૃષિવનવિદ્યાકીય પદ્ધતિ એક સમગ્રતાત્મક (holistic) દૃષ્ટિકોણ ધરાવે છે. તેના હેતુઓ અને લાભો નીચે પ્રમાણે છે :

(1) ચારો, ઈંધણ અને પ્રકાષ્ઠના ઉત્પાદનમાં પૂર્તિ થતાં ગ્રામીણ કે આદિવાસી ગરીબ લોકોની વધતી જતી જરૂરિયાતોને પહોંચી શકાય.

(2) છાણનો ખાતર માટે ઉપયોગ કરી શકાય.

(3) વન અને કૃષિને આયોજનપૂર્વક સંયોજિત કરી વૈવિધ્યવાળું નિવસનતંત્ર રચાય.

(4) કુટિર ઉદ્યોગોના વિકાસને મદદ કરવી અને વધારાના પ્રકાષ્ઠના વેચાણ દ્વારા ખેડૂતની આવકમાં વધારો કરાય.

(5) ગ્રામપ્રદેશ સુંદર બને.

(6) તે વનો ઉપર દબાણ વધારવાને બદલે વસ્તીના દબાણનો પ્રતિચાર કરે છે.

(7) બિનકાયદેસર કટાઈ, ચરાઈ અને વૃક્ષનાશને અટકાવવા કોઈ સંનિરીક્ષણ(surveillance)ની જરૂરિયાત નથી; જ્યારે પરંપરાગત (traditional) વનવિદ્યામાં સંનિરીક્ષણ કરવું પડે છે.

(8) તે ખોરાક અને બિન-ખોરાક માંગને પહોંચી વળવા માટેનો સંયુક્ત અભિગમ છે; જ્યારે પરંપરાગત વનવિદ્યાને અનાજ ઉત્પન્ન કરતી વનસ્પતિઓ સાથે કોઈ સંબંધ નથી.

વનસંવર્ધન : આ વૃક્ષોનાં વૃંદો(stands)ની સ્થાપના (establishment), વિકાસ, સંભાળ અને પ્રજનન સાથે સંકળાયેલી વનવિદ્યાની જ્ઞાનશાખા છે. આ વૃક્ષ-ઉછેરની કલા અને વિજ્ઞાન છે. વનસંવર્ધનમાં વનવૃક્ષવિજ્ઞાન (silvics) અને તેના વ્યાવહારિક વિનિયોગ(application)નો સમાવેશ કરવામાં આવે છે. વનવૃક્ષવિજ્ઞાન વનસંવર્ધનના વિનિયોગનો આધાર છે અને પર્યાવરણીય પરિબળોના સંદર્ભમાં વનનાં વૃક્ષો અને પાકોનાં જીવનચક્ર અને સામાન્ય લક્ષણોનો અભ્યાસ છે. આમ, વનસંવર્ધન પ્રયુક્ત વનવૃક્ષવિજ્ઞાન છે.

વનસંવર્ધન વિવિધ વન-સંવર્ધનીય પદ્ધતિઓ હેઠળ નૈસર્ગિક પુનર્જનનની પ્રાપ્તિ માટેની પ્રક્રિયા છે. વિવિધ જાતિઓનું કૃત્રિમ પુનર્જનન અને તરુણ પાકોના સારસંભાળની નૈસર્ગિક અને કૃત્રિમ પદ્ધતિઓ ઊંચી ગુણવત્તાવાળાં અને આર્થિક મૂલ્ય ધરાવતાં વૃક્ષોની વૃદ્ધિમાં મદદ કરે છે. ચોક્કસ સ્થળ માટે સ્થાનિક વનસ્પતિસમૂહ (flora) વનસ્પતિજાતિની ઉપયુક્તતા(suitability)ના નિર્ધારણ માટે સર્વશ્રેષ્ઠ માર્ગદર્શક છે; કારણ કે ઘણાં જટિલ પરિબળો વનસ્પતિસમૂહ પર કામ કરી રહ્યાં હોય છે.

વનસંવર્ધનના હેતુઓ આ પ્રમાણે છે :

(i) આર્થિક મહત્વ ધરાવતી જાતિઓનું ઉત્પાદન :

(ii) પ્રતિ એકમ વિસ્તારમાં પૂરતી સંખ્યામાં વૃક્ષોનો ઉછેર જેથી મૃદાનો સંપૂર્ણપણે ઉપયોગ થઈ શકે અને કદ-ઉત્પાદન(volume-production)માં વધારો થાય;

(iii) ઊંચી ગુણવત્તા ધરાવતા પ્રકાષ્ઠનું ઉત્પાદન;

(iv) પાકની ઘનતા(density)ના યોગ્ય નિયમન દ્વારા વૃદ્ધિના દરમાં વધારો અને આવર્તનો(rotations)ની જાળવણી;

(v) ખુલ્લા વિસ્તારોમાં વનવિકાસ;

(vi) કુદરતી વનોને સ્થાને માનવસર્જિત વનોનું નિર્માણ;

(vii) વિદેશી જાતિઓનો પ્રવેશ.

વનસંવર્ધનનું વર્ગીકરણ : પુનર્જનનની પદ્ધતિને આધારે ભારતમાં મૂળભૂત રીતે વનસંવર્ધનના બે પ્રકાર આપવામાં આવ્યા છે અને ત્યારબાદ પાકના પાતનની રીત પ્રમાણે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. આમ, વનસંવર્ધનીય પદ્ધતિઓને પુનર્જનનને આધારે મુખ્ય બે સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવે છે :

(અ) ઉચ્ચવન (high forestry) પદ્ધતિ;

(આ) ઝાડીવન (coppice) પદ્ધતિ;

() ઉચ્ચવન પદ્ધતિ : આ પદ્ધતિમાં પુનર્જનન સામાન્યત: કુદરતી કે કૃત્રિમ રીતે બીજ દ્વારા થાય છે; અને જ્યાં આવર્તન લાંબા ગાળાનાં હોય છે. આ પદ્ધતિના ત્રણ પ્રકારો આપવામાં આવ્યા છે : (અ) સંકેન્દ્રિત પુનર્જનન પદ્ધતિ (system of concentrated regeneration), (આ) વિસૃત પુનર્જનન પદ્ધતિ (system of diffused regeneration), અને (ઇ) સહાયક પદ્ધતિઓ (accessory systems).

1. સંકેન્દ્રિત પુનર્જનન પદ્ધતિ : આ પદ્ધતિમાં પુનર્જનન પાતન (regeneration felling) થોડાક સમય પૂરતું પાતન-શ્રેણી(felling series)ના ભાગ પર કેન્દ્રિત કરવામાં આવે છે.

2. વિસૃત પુનર્જનન પદ્ધતિ : આ પદ્ધતિમાં પુનર્જનન પાતનો સમગ્ર પાતનશ્રેણી પર વિતરિત થયેલાં હોય છે અને પાક હંમેશાં અનિયમિત હોય છે.

3. સહાયકપદ્ધતિઓ : આ પદ્ધતિને કારણે અનિયમિત કે દ્વિસ્તરિત (two storeyed) ઉચ્ચવન ઉદભવે છે.

સંકેન્દ્રિત પુનર્જનન પદ્ધતિ નિ:શેષ પાતન પદ્ધતિઓ (clear felling systems) અને રક્ષિવિતાન પદ્ધતિઓ(shelter wood systems)માં વર્ગીકૃત થાય છે. નિ:શેષ પાતન પદ્ધતિઓનું (1) નિ:શેષ પાતન પદ્ધતિ, (2) નિ:શેષ પટ્ટી પદ્ધતિ (clear strip system) અને (3) વિકલ્પી પટ્ટી પદ્ધતિ(alternate strip system)માં વર્ગીકરણ થાય છે. રક્ષિવિતાન પદ્ધતિઓ (i) સમરૂપ (uniform) પદ્ધતિ, (ii) સમૂહ (group) પદ્ધતિ, (iii) રક્ષિવિતાન પદ્ધતિ, (iv) વાગ્નરની મિશ્ર પદ્ધતિ, (v) ઇબરહાર્ડની ફાચર પદ્ધતિ, (vi) પટ્ટી અને સમૂહ પદ્ધતિ (strip and group system), (vii) અનિયમિત રક્ષિવિતાન પદ્ધતિ અને (viii) ભારતીય અનિયમિત રક્ષિવિતાન પદ્ધતિમાં વર્ગીકૃત કરવામાં આવી છે.

વિસૃત પુનર્જનન પદ્ધતિના (1) વરણ (selection) પદ્ધતિ અને (2) સમૂહ-વરણ પદ્ધતિ – એમ બે પ્રકાર આપવામાં આવ્યા છે.

સહાયક પદ્ધતિઓમાં દ્વિસ્તરિત ઉચ્ચવન પદ્ધતિ, આરક્ષિત ઉચ્ચવન પદ્ધતિ અને સુધારેલ પાતન(improvement felling)નો સમાવેશ થાય છે.

() ઝાડીવન પદ્ધતિ : આ વનસંવર્ધનીય પદ્ધતિમાં પાક મુખ્યત્વે ઝાડીવનમાંથી ઉત્પન્ન થાય છે અને ઝાડીવનનું આવર્તન ટૂંકા ગાળાનું હોય છે. પાતનની પદ્ધતિને આધારે તેના પ્રકારો આ પ્રમાણે છે :

(i) સરળ ઝાડીવન પદ્ધતિ (simple coppice system).

(ii) બે આવર્તન પદ્ધતિનું ઝાડીવન (coppice of two rotation system).

(iii) રક્ષિવિતાન ઝાડીવન પદ્ધતિ (shelter wood coppice system).

(iv) પ્રમાણિત પદ્ધતિવાળું ઝાડીવન (coppice with standard system).

(v) ઝાડીવન વરણ પદ્ધતિ (coppice selection system).

(vi) આરક્ષિત પદ્ધતિવાળું ઝાડીવન (coppice with reserve system).

વનસંવર્ધન વનસંરક્ષણ, વનમિતિશાસ્ત્ર (forest-mensuration), વનઉપયોજન (forest utilization), વન-અર્થશાસ્ત્ર (forest economics) અને વનપ્રબંધ સાથે સંકળાયેલી વનવિદ્યાની જ્ઞાનશાખા છે.

વનઉપયોજન : તે વનની ઊભી પાક-પેદાશોની લણણી, રૂપાંતર (conversion) અને નિકાલ(disposal)ની પ્રક્રિયા છે; જેમાં વનપાકો, બજારમાં પરિવહન (transportation), ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓનું નિર્માણ અને તેમના વિતરણનો સમાવેશ થાય છે. વનઉપયોજનનાં કેટલાંક મહત્વનાં ઘટક આ પ્રમાણે છે :

(1) નિષ્કર્ષણ (extraction), પાતન, રૂપાંતરણ અને પરિવહન.

(2) સંગ્રહ અને વિપણન (marketing).

(3) કાષ્ઠના ગુણધર્મો, વ્યુત્પન્ન (derived) પેદાશો, કાષ્ઠસુધારણા અને કાષ્ઠના ઉપયોગો.

વનમિતિશાસ્ત્ર : મિતિશાસ્ત્ર લંબાઈ, ક્ષેત્રફળ અને કદના નિર્ધારણ સાથે સંકળાયેલી ગણિતશાસ્ત્રની જ્ઞાનશાખા છે. વનમિતિશાસ્ત્ર વન સાથે સંબંધિત મિતિશાસ્ત્ર છે; જે કાષ્ઠ, વૃક્ષ, વૃંદ કે વનના વ્યાસ, ઊંચાઈ, સ્વરૂપ, કદ અને વધારાની માહિતી આપે છે. ઊભા પ્રકાષ્ઠના માપનને ‘પ્રકાષ્ઠ-મૂલ્યાંકન’ (timber estimating) અને પાતન વૃક્ષોના વ્યાપારિક માપનને ‘સોપાનન’ (scaling) કહે છે.

વનવિદ્યાના બધા જ પ્રકારના પ્રાયોગિક કાર્યના પાયામાં આ શાખા સમાયેલી છે. તે વનપેદાશોના વિનિમય, ખરીદ, વેચાણ અથવા મૂલ્યાંકન સાથે સંકળાયેલી છે. તે પાતન દ્રવ્યોના ઘનીય અંશ(cubical content)નું નિર્ધારણ કરે છે. તે જુદા જુદા સમયે જુદી જુદી જાતિઓનાં વૃંદોની વૃદ્ધિનો અભ્યાસ છે, જે પ્રકાષ્ઠ અને અન્ય દ્રવ્યોના ઉત્પાદનનું આપેલા એકમોમાં નિર્ધારણ કરે છે. વનમિતિશાસ્ત્રના ત્રણ હેતુઓ છે : (1) વેચાણ, (2) પ્રબંધ અને (3) સંશોધન.

આ ઉપરાંત, વનવિદ્યા સાથે સંકળાયેલી કેટલીક અન્ય જ્ઞાનશાખાઓ આ પ્રમાણે છે : (1) વન-આંકડાશાસ્ત્ર (forest statistics), (2) વન-વનસ્પતિશાસ્ત્ર (forest-botany), (3) વન-કીટકશાસ્ત્ર (forest-entomology), (4) વન-ફૂગશાસ્ત્ર (forest-mycology), (5) વનરક્ષણ (forest protection), (6) વન-અધિનિયમ અને વનનીતિ (forest law and forest policy), (7) વન-ઇજનેરીવિદ્યા (forest engineering), (8) વન-સર્વેક્ષણ (forest surveying).

વનવિદ્યાના પ્રશિક્ષણમાં ભૂસ્તરશાસ્ત્ર (geology), મૃદાવિજ્ઞાન (soilscience), મૃદા અને ભેજસંરક્ષણ (soil and moisture conservation), રોગવિજ્ઞાન (pathology) અને છબીવિદ્યા(photography)નું જ્ઞાન હોવું અનિવાર્ય છે. વનવિદ્યાની તાલીમ દરમિયાન વાહન ચલાવવાનું, ઘોડેસવારી, પ્રાથમિક સારવાર, તરવાનું, બંદૂક ચલાવવાનું શીખવવામાં આવે છે. ભારત સરકારે વન-અધિકારીઓની તાલીમ માટે ભારતીય વન અકાદમી (Indian Forest Academy) – દહેરાદૂનમાં બે વર્ષનો અભ્યાસક્રમ ગોઠવેલો છે; જ્યારે તેનાથી નીચેની કક્ષાના અધિકારીઓ માટે અમુક ક્ષેત્રીય કૉલેજોની જોગવાઈ કરી છે.

વનવિદ્યાની તાલીમમાં પર્યાવરણસમતુલા, પર્યટનવિકાસ, આદિવાસીવિકાસ, પ્રદૂષણનિયંત્રણ વગેરે બાબતો અને વન અંગેની કામગીરીમાં મદદરૂપ થાય તેવા ઉપર્યુક્ત વિષયોના અભ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. વન્ય પ્રાણીઓની અગત્ય ધ્યાનમાં લઈને ભારત સરકારે દહેરાદૂન ખાતે એક વન્યજીવન તાલીમ સંસ્થાન- (Wildlife Training Institute)ની સ્થાપના કરી છે. જ્યાં દેશભરનાં વનો, પ્રાણી-સંગ્રહાલયો, રાષ્ટ્રીય ઉદ્યાનો કે અભયારણ્યોમાં સેવા બજાવતા વન-અધિકારીઓને યોગ્ય તાલીમ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

હાલમાં સહભાગી વન પ્રબંધ(joint forest management)માં આદિવાસી વિકાસને તેમજ ગ્રામીણ પ્રજાનાં હિતોને સાંકળી લેવામાં આવ્યાં છે. તેના દ્વારા વધારે સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે. આ હકીકતે વનવિદ્યાને એક નવી દિશા આપી છે.

વનો પર્યાવરણની સમતુલામાં અસરકારક ભાગ ભજવી શકે તે માટે વનપ્રબંધની ગતિશીલતા અનિવાર્ય છે. આજની અને આવનારી માનવ-પેઢીઓ માટે આ પૃથ્વી રૂપી નૈસર્ગિક ધરોહર આબાદ રહે તે અત્યંત ઝડપથી વિકસતા ટૅકનૉલૉજિકલ યુગમાં એક મોટો પડકાર છે. વૈશ્ર્વિક સ્તરે વનવિદ્યા અને તેની આનુષંગિક બાબતો પ્રત્યે વૈજ્ઞાનિક અને સહકારાત્મક અભિગમ અપનાવાય અને આ બાબતે વિવિધ દેશો અને રાજ્યો વચ્ચે પરસ્પર સહયોગની ભાવના જળવાય તે માટે વિવિધ શુભચિંતક માધ્યમોએ સદા જાગ્રત રહી આ નિર્માણાત્મક પ્રક્રિયામાં સહભાગી બનવાનું આવશ્યક લેખાયું છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ, બળદેવભાઈ પટેલ