વત્સ, શ્રીનિવાસ (જ. 23 ડિસેમ્બર 1959, રિંધના [રોહતક] હરિયાણા) : હિંદી બાળસાહિત્યકાર. તેમણે એમ.એ., બી.એડ., પી.જી. જે.ડી. તથા શાસ્ત્રીની પદવીઓ મેળવી. તેમણે ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં હિંદી અધિકારી તરીકે સેવા આપેલી.
તેમણે અત્યાર સુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘રાત મેં પૂજા’ (1991); ‘લાલ ફૂલ’ (1991); ‘શંકવાલા રાજકુમાર’ (1992) તથા બાળકો માટેના અન્ય વાર્તાસંગ્રહો; ‘ગંગા દેશ’ (1992 નાટક; ‘પ્રશ્ન એક પુરસ્કાર કા’ (1990) અને ‘વ્યંગ્ય તંત્ર’ (1993) બંને વ્યંગ્યાત્મક કૃતિઓ અને ‘આકાર લેતે વિચાર’ (1995) નિબંધસંગ્રહનો સમાવેશ થાય છે.
આ માટે તેમને બિહાર રાજભાષા વિભાગ; હરિયાણા સાહિત્ય અકાદમી; ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ તરફથી ઍવૉર્ડ; ડૉ. શકુન્તલા સિરોઠિયા બાલસાહિત્ય પુરસ્કાર વગેરે આપવામાં આવ્યા છે.
બળદેવભાઈ કનીજિયા