વત્સરાજ (શાસનકાળ : લગભગ ઈ. સ. 778805) : પ્રતીહાર વંશનો શક્તિશાળી અને મહત્ત્વાકાંક્ષી રાજા. તે રાજા દેવરાજનો પુત્ર હતો. તેના રાજ્યમાં માલવા અને પૂર્વ રજપૂતાનાનો સમાવેશ થતો હતો. મધ્ય રજપૂતાના ઉપર પણ તેનું શાસન ફેલાયું હતું. વત્સરાજ ઉત્તર ભારતમાં તેનું રાજ્ય વિસ્તારવા ઉત્સુક હતો અને તેમાં ઘણુંખરું સફળ થયો હતો. તેણે ગૌડ(બંગાળ)ના પાલ વંશના શાસક ધર્મપાલને હરાવ્યો અને તેનાં રાજછત્રો લઈ લીધાં. આ પરાક્રમમાં વત્સરાજને શાકંભરીના ચાહમાન રાજા દુર્લભરાજ સહિત અન્ય સામંતોની પણ સહાય મળી હતી. વત્સરાજે કનોજના ઇન્દ્રાયુધને હરાવી પોતાનો સામંત બનાવ્યો હતો. તેણે ભંડી જાતિના લોકોને હરાવીને તેમનું રાજ્ય કબજે કર્યું. તેણે ઉત્તર ભારતના વિશાળ પ્રદેશો ઉપર તેની સર્વોપરીતા સ્થાપીને શક્તિશાળી સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો; પરંતુ રાષ્ટ્રકૂટ રાજા ધ્રુવે વત્સરાજને સખત પરાજય આપીને સામ્રાજ્ય સ્થાપવાનું તેનું સ્વપ્ન રોળી નાખ્યું હતું.

વત્સરાજે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા ઓસિયામાં એક જૈન મંદિર બંધાવ્યું હતું.

પ્રદ્યુમ્ન ભ. ખાચર