વણિયર (civet) : રુવાંટી જેવા વાળ ધરાવતું એક નિશાચારી સસ્તન પ્રાણી. વણિયરનો સમાવેશ માંસાહારી (Carnivora) શ્રેણીના Viverridae કુળમાં થાય છે. ભારતમાં તેની બે જાતો લગભગ સર્વત્ર વસે છે. ભારતીય વણિયર (Indian civet) નામે ઓળખાતી જાતનું શાસ્ત્રીય નામ છે Viverra zibetha. તાડી વણિયર નામે ઓળખાતી બીજી જાતનું શાસ્ત્રીય નામ છે Pavadoxuru hermophroditus. ભારતના ઉત્તર-પૂર્વના બંગાળ જેવા પ્રદેશમાં પણ વણિયરની એક જાત વસે છે. તેનું શાસ્ત્રીય નામ છે Viverricula indica bengalensis.

ભારતીય વણિયર નાનું, લંબાઈમાં 90 સેમી. જેટલું હોય છે. તેમાં 40 સેમી.ની તો પૂંછડી હોય છે. તેની ઊંચાઈ 15 સેમી. અને વજન 3થી 4 કિગ્રા. હોય છે. તેની પૂંછડી ઉપર કાળી, ધોળી ગોળાકાર રિંગો હોવાથી રાત્રિના સમયે વાહનના અજવાળામાં તેને સ્પષ્ટપણે ઓળખી શકાય છે.

વણિયર

તાડી વણિયર જંગલોમાં જોવા મળે છે. તે 100 સેમી. લંબાઈ ધરાવે છે. તેમાં 45 સેમી.ની પૂંછડી હોય છે. આ તાડી વણિયર ઘણી વાર તાડના વૃક્ષ પર તાડી એકત્ર કરવા બાંધેલી માટલીમાંથી તાડી પી જાય છે, તેથી તે તાડી-કૅટ તરીકે પ્રખ્યાત છે. વિશ્વમાં તેની 7 જાતો અસ્તિત્વમાં છે. 6 દક્ષિણ એશિયામાં અને 1 આફ્રિકામાં. આ પ્રાણી દિવસના સમયે વૃક્ષોની શાખાઓ વચ્ચે કે તેમની બખોલમાં ગૂંચળું વળીને પડી રહે છે. તે મોટેભાગે વૃક્ષો પર રહેનારું પ્રાણી છે. તેના પંજા પહોળા અને પગનાં તળિયાં વાળની ગાદી વિનાનાં હોય છે.

બિલાડી જેવું દેખાતું વણિયર પ્રમાણમાં સહેજ લાંબું અને પાતળું હોય છે. ચહેરો (snout) દેખાવે અણીદાર (pointed) જ્યારે પગ બિલાડીના કરતાં સહેજ ટૂંકા હોય છે. મોટાભાગનાં વણિયર પોતાની પૂંછડી પાસે આવેલ ગ્રંથિમાંથી સ્રવતા એક દુર્ગંધયુક્ત સ્રાવનો છંટકાવ કરી શત્રુઓને ભગાડી મૂકી સંરક્ષણ મેળવે છે. મોટાભાગનાં વણિયરો વૃક્ષો પર ચડીને પોતાનો સમય પસાર કરે છે; જ્યારે જૂજ વણિયરો જમીન પર રહેતાં હોય છે, અને સામાન્યપણે દર ખોદીને ત્યાં વસવાટ કરે છે.

વણિયરો પોતાના આહાર માટે મુખ્યત્વે વનસ્પતિ પર આધાર રાખે છે. ફળો અને શાકભાજી તેમનો મુખ્ય ખોરાક હોવાથી તેઓ વનસ્પતિ બીજ-પ્રસારણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપયોગમાં લીધેલ ફળોનાં બીજ તેમના ચયાપચયમાં પાચન થયા વિના મળ વાટે તેમના આવાસથી તે અન્ય સ્થળોની આસપાસમાં પ્રસારિત થાય છે. તેમના દ્વારા વનસ્પતિનો ફેલાવો થતો રહે છે. તેને ગૉળ બહુ ભાવે છે.

સીવેટ-વણિયરની સૌથી વધુ જાતિઓ ઇન્ડો-મલાયન હિલ્સમાં જોવા મળે છે. સ્પૉટેડ લીનસેંગ નામનું સીવેટ-વણિયર ભારતનું સૌથી નાનું વણિયર છે. બિયર-કૅટ તરીકે જાણીતી બીન્ટુરોગ જાતિનો ફેલાવો ભારતમાં નેપાળ અને ઈશાન ભારતમાં વિશેષ જોવા મળે છે. સીવેટ-વણિયરના કાન નોળિયા કરતાં મોટા હોય છે.

મ. શિ. દુબળે, બળદેવભાઈ કનીજિયા