વડ્ડાવેલા (1958) : પંજાબી સાહિત્યકાર મોહનસિંગનો કાવ્યસંગ્રહ. આ કૃતિને 1959ના વર્ષ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહમાં 14 કાવ્યો, 12 ગઝલ તથા એક કથાકાવ્ય(ballad)નો સમાવેશ છે. ઓછી સંખ્યા હોવા છતાં આ કાવ્યસંગ્રહનો પંજાબી કાવ્યજગતમાં ખાસ્સો પ્રભાવ રહ્યો છે.
મોહનસિંગની મોટી મૂડી તે ભાષાની તેમની ઊંડી જાણકારી અને અદભુત ભાષાપ્રભુત્વ. શબ્દેશબ્દની તેઓ અત્યંત કાળજીપૂર્વક તથા દૂરંદેશિતાપૂર્વક પસંદગી કરે છે. પછી એ શબ્દને તેઓ લાક્ષણિક લયબદ્ધતાથી મઢીને કાવ્યપંક્તિમાં તેને એવી રીતે બંધબેસતો ગોઠવી દે છે કે તેના અર્થ તથા તાત્પર્ય બીજે ક્યાંય જોવા મળતાં નથી. આ રચનાઓમાં લય તથા સંગીત તો છે જ પણ તે ઉપરાંત તેમાં અનન્ય આંતરિક અને પ્રચ્છન્ન માધુર્ય અને સંવાદિતા રહેલાં છે.
પંજાબી ભાષામાં ગઝલનો પ્રકાર અરબી તથા ઉર્દૂ મારફત પ્રવેશ પામ્યો. મોહનસિંગ પ્રથમ પંજાબી કવિ છે જેમણે પંજાબીમાં ગઝલને સન્માનજનક દરજ્જો અને લોકપ્રિયતા આપ્યાં. તેમણે ગઝલને નવું પરિમાણ તથા દૃઢ બંધ આપ્યાં. આ સંગ્રહની 12 પૈકીની અડધો-અડધ ગઝલ સામાજિક, આર્થિક તથા તાત્ત્વિક વિષયોને લગતી છે.
આ સંગ્રહના આધારે તેઓ ઓગણીસમી સદીના એક રોમૅન્ટિક કવિ તરીકે ઊભરે છે. કેટલાંક કાવ્યો પ્રણય તથા શૃંગારના વીતેલા મધુર દિવસોની યાદને લગતાં છે.
‘ચીર પાર’ નામના કથાકાવ્યમાં તથા અન્ય થોડી રચનાઓમાં સમાજની આર્થિક-સામાજિક સમસ્યાઓ કાવ્યવિષય બની છે.
મહેશ ચોકસી