વડોદરા રાજ્ય પ્રજામંડળ : વડોદરા રાજ્યના આગેવાનોએ પ્રજાને રાજકીય દૃષ્ટિએ જાગ્રત કરવા, નીડર કાર્યકરો તૈયાર કરવા તથા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા સયાજીરાવની રાહબરી હેઠળ જવાબદાર રાજ્યતંત્રની રચના કરવા માટે સ્થાપેલું મંડળ. 31મી ડિસેમ્બર 1916ના રોજ નવસારીમાં હરગોવિંદદાસ કાંટાવાળાના પ્રમુખપદે પ્રથમ સંમેલન યોજીને તેમાં વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના કરવાનો ઐતિહાસિક ઠરાવ થયો. તે સાથે એક બંધારણ સમિતિ રચવામાં આવી. આ સમિતિએ 8મી જાન્યુઆરી 1917ના રોજ બંધારણ તૈયાર કરી દીધું. વડોદરા મુકામે 25-27 મે 1918 દરમિયાન વલ્લભભાઈ પટેલના પ્રમુખપદે ભરાયેલ બીજા અધિવેશનમાં જવાબદાર રાજ્યતંત્ર અંગે નોટિફિકેશન કાઢવા સયાજીરાવને વિનંતી કરવામાં આવી તથા વેઠપદ્ધતિ નાબૂદ કરવા વિનંતી કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. વડોદરા ખાતે 17-19 માર્ચ 1922 દરમિયાન ભરાયેલ ત્રીજા અધિવેશનમાં જવાબદાર રાજ્યતંત્ર માટે, સ્વદેશીને ઉત્તેજન આપવા, દારૂબંધી કરવા, જાહેર ભાષણો તથા પિકેટિંગનો પ્રતિબંધ દૂર કરવા અને વેપાર વિકસાવવા અંગેના ઠરાવો પસાર કરવામાં આવ્યા.
પ્રજામંડળની પ્રવૃત્તિઓ શરૂઆતમાં વડોદરા, નવસારી, અમરેલી અને કડી પ્રાંતોનાં મથકો પૂરતી મર્યાદિત હતી. સરદાર પટેલના પ્રજામંડળમાં પ્રવેશતાંની સાથે રાજ્યની નજર પ્રજામંડળ ઉપર કરડી બની. રાજ્યના અમલદારોએ તેમજ ‘વિવિધ વૃત્ત’ તથા ‘જાગૃતિ’ નામનાં મરાઠી દૈનિકોએ સરદાર પટેલ વિરુદ્ધ ઊહાપોહ કર્યો. પ્રજામંડળ ઉપર સરદાર પટેલનો પ્રભાવ વધવા સાથે રાજ્યની નીતિ વિરુદ્ધ પ્રહારો કરતા ઠરાવો પસાર કરવામાં આવ્યા. પ્રજામંડળે તે પછી ગામડાંમાં પણ પ્રવૃત્તિ કરવા માંડી અને ગામડાંના લોકોને જવાબદાર તંત્રની સમજ આપી લોકજાગૃતિ આણી.
28 ઑક્ટોબર 1938ના રોજ ભાદરણ ખાતે સરદાર પટેલના પ્રમુખપદે અધિવેશન ભરાયું. સરદારે દેશની સમગ્ર સ્થિતિને આવરી લેતું, રાજા અને પ્રજાને માગદર્શન આપતું પ્રવચન કર્યું. તેમણે રાજ્યમાં દારૂબંધી દાખલ કરવા તથા મહેસૂલના દર ઘટાડવાની માગણી કરી. તેમના પ્રવચન બાદ પ્રજામંડળના નેતાઓમાં આત્મવિશ્વાસ પ્રગટ્યો અને તેમણે ગામડાંઓમાં ફરી લોકોમાં જાગૃતિ આણી. રાજ્યના અધિકારીઓ તેમનાં ભાષણોથી ગભરાયા અને જાગૃતિ દાબી દેવાનાં પગલાં ભરવા લાગ્યા. તેનાથી રાજ્યમાં પ્રાંતવાદનું ઝેર પ્રસર્યું, તોફાનો થયાં અને રાજ્યની પ્રતિષ્ઠા ઘટી. આ અધિવેશન પછી અનેક ગામોમાં પ્રભાતફેરીઓ શરૂ થઈ; ખાદી, ગ્રામોદ્યોગ, અસ્પૃશ્યતાનિવારણ, દારૂબંધી, રાષ્ટ્રભાષાપ્રચાર વગેરે રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ થઈ.
1939માં યોજાયેલી પ્રાંત-પંચાયતોની ચૂંટણીમાં વડોદરા, નવસારી અને કડી પ્રાંતમાં મંડળને બહુમતી મળી. વડોદરા પ્રાંત-પંચાયતના પ્રમુખ તરીકે મગનભાઈ શંકરભાઈ પટેલ સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા.
સયાજીરાવના અમલ દરમિયાન મંડળને જવાબદાર રાજ્યતંત્ર મળશે એવી પ્રજામંડળને આશા હતી, પરંતુ તે આશા ફળીભૂત થઈ નહિ. એપ્રિલ 1940માં મહેસાણા મુકામે સરદાર પટેલના પ્રમુખપદે અધિવેશન મળ્યા બાદ, રચનાત્મક કાર્યક્રમને વેગવાન બનાવવામાં આવ્યો.
‘હિંદ છોડો’ ચળવળ શરૂ થતાં જ પ્રજામંડળના પ્રમુખ તથા અન્ય આગેવાનો સહિત 980 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને 11 જણા શહીદ થયા હતા.
વડોદરાના મહારાજા પ્રતાપસિંહરાવે 19 જાન્યુઆરી 1947ના રોજ જવાબદાર રાજ્યતંત્રની જાહેરાત કરી. પરંતુ તેનો અમલ કર્યો નહિ. તેથી પ્રજામંડળની કાર્યવાહક સમિતિએ જવાબદાર સરકાર મેળવવા (1) કરવેરા ન ભરવા, (2) શાળા-કૉલેજોનો બહિષ્કાર કરવો, (3) વ્યાપક હડતાળ પાડવી, (4) સરકારી નોકરીનો ત્યાગ કરવો જેવાં જલદ પગલાં લેવાનું નક્કી કર્યું. આખરે 4 સપ્ટેમ્બર 1948ના રોજ વડોદરા રાજ્યના લોકોને જવાબદાર રાજ્યતંત્ર મળ્યું. જવાબદાર રાજ્યતંત્રના પ્રથમ દીવાન (મુખ્યમંત્રી) તરીકે ડૉ. જીવરાજ મહેતાની પસંદગી કરવામાં આવી. તેમના પ્રધાનમંડળે આઠ મહિનાના ટૂંકા સમયમાં સારી કામગીરી કરી. જવાબદાર રાજ્યતંત્ર મળવાથી પ્રજામંડળનું ધ્યેય સિદ્ધ થયું અને 10 ઑક્ટોબર 1948ના રોજ વિસનગર ખાતે મળેલા ખાસ અધિવેશનમાં પ્રજામંડળનું વિસર્જન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. પ્રધાનમંડળની સલાહ મુજબ પ્રતાપસિંહરાવે વડોદરા રાજ્ય ભારત સંઘ સાથે જોડાયાની જાહેરાત કરી. તે મુજબ 1 મે 1949ના રોજ વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું.
જયકુમાર ર. શુક્લ