વજ્રયાન : બૌદ્ધ ધર્મનો તાન્ત્રિક સંપ્રદાય. તાન્ત્રિક બૌદ્ધ સાધનાનું ઉદભવસ્થાન ધાન્યકટક યા શ્રીપર્વત મનાય છે. તે દક્ષિણમાંથી બંગાળ-બિહારમાં પ્રસરી અને પાલ રાજાઓના સમયમાં ઈસવી સનની આઠમીથી તેરમી શતાબ્દી સુધી ત્યાં વિકસી અને અસ્તિત્વ ધરાવતી રહી. બૌદ્ધ તાન્ત્રિક સાધનાના ત્રણ સંપ્રદાયો છે : વજ્રયાન, કાલચક્રયાન અને સહજયાન.
વજ્રયાનના બે મહત્વના ગ્રન્થો છે ‘મંજુશ્રીમૂલકલ્પ’ અને ‘ગુહ્યસમાજતન્ત્ર’. બન્ને રચનાઓ સાતમી-આઠમી શતાબ્દીની છે.
લક્ષ્ય : ‘પ્રજ્ઞોપાયવિનિશ્ર્ચયસિદ્ધિ’ નામના ગ્રન્થમાં વજ્રયાની સાધનાનું લક્ષ્ય બુદ્ધત્વલાભ જણાવ્યું છે. બુદ્ધત્વ એ પ્રજ્ઞા અને ઉપાય(કરુણા)નું સામરસ્ય છે. સંસારના ઉદ્ધારમાં કારણભૂત હોવાથી કરુણાને ‘ઉપાય’ નામ અપાયું છે. આમ પરમ જ્ઞાન અને પરમ પ્રેમની એકતા (અદ્વય) જ બુદ્ધત્વ છે. વજ્રયાનમાં પ્રજ્ઞા-ઉપાયની આ યુગનદ્ધ સત્તાને જ પરમ તત્વ માનવામાં આવ્યું છે. અવિદ્યા-રાગના અદ્વયમાંથી વિદ્યામહારાગ(કરુણા)ના અદ્વયમાં પરિણમવા માટેનો ઉદ્યમ જ આ તાન્ત્રિક સાધના છે. સાધના દ્વારા સાધક પ્રજ્ઞા પ્રાપ્ત કરે છે, જગત તેને શૂન્ય ભાસે છે, પ્રજ્ઞા પછી કરુણાનો ઉદય થાય છે, પ્રજ્ઞા અને કરુણાનું સમ્મિલન થાય છે, પરિણામે બુદ્ધત્વની પ્રાપ્તિ થાય છે. પ્રજ્ઞા-કરુણાની યુગનદ્ધ અવસ્થા પામેલી વ્યક્તિ સર્વ જીવો પ્રતિ સમદૃષ્ટિ ધરાવે છે કારણ કે તેનું ચિત્ત કરુણાપૂર્ણ છે. તે સર્વ દ્વન્દ્વોથી પર છે. દ્વન્દ્વરૂપ ભાવો સમરસીભાવનું રસાયન પામી અદ્વયરૂપ બની જાય છે. યુગનદ્ધ અવસ્થાને પામેલાને જ પરમાનન્દલાભ થાય છે. વજ્રયાની સાધકના ધ્યેયને અનુરૂપ તેની સાધના પણ સસ્ત્રીક છે. તેમાં સ્ત્રીને છોડવાની નથી પણ તેના તરફના પ્રેમને વિશુદ્ધ અને સર્વવ્યાપી બનાવવાનો છે. કામભોગો છોડવાના નથી, પરંતુ તેમના તરફની દૃષ્ટિ બદલવાની છે, ભાવના બદલવાની છે. આ બધા ઉપરથી સૂચવાય છે કે આ સાધનાનું ધ્યેય વિદેહાવસ્થા નથી, પરંતુ સદેહાવસ્થા છે; અલબત્ત, આ દેહ વિશુદ્ધ છે, અનાસ્રવ છે, સિદ્ધદેહ છે.
અધિકારભેદે સાધકોની શ્રેણીઓ સ્વીકારવામાં આવી છે. સાધના બે પ્રકારની છે – ક્રિયાપ્રધાન અને ભાવપ્રધાન. સાધનામાં ગુરુનું અત્યંત મહત્વ છે. ગુરુ વિના પ્રતીકોનો ગૂઢાર્થ સમજી ન શકાય. યુગનદ્ધ અવસ્થાને પામેલી વ્યક્તિ જ ગુરુ બનવાની યોગ્યતા ધરાવે છે. મૌનમુદ્રા જ ગુરુનો ઉપદેશ છે. ગુરુ આનંદ યા રતિના પ્રભાવથી સાધકના હૃદયમાં મહાસુખનો વિસ્તાર કરે છે. ગુરુકૃપા વિના યુગનદ્ધ અવસ્થાએ પહોંચવું અસંભવ છે.
શાન્તિ ભિક્ષુશાસ્ત્રીએ પોતાના ગ્રંથ ‘ઊહાપોહ’માં જણાવ્યું છે તેમ, દક્ષિણમાં શૈવ તાન્ત્રિકોના પ્રભાવને કારણે વજ્રયાનીઓએ વજ્રના નામે લિંગ સ્વીકાર્યું, પદ્મના નામે યોનિ સ્વીકારી, પ્રજ્ઞાના નામે શક્તિ સ્વીકારી, બુદ્ધના નામે મહેશ્વર સ્વીકાર્યા અને પછી તેમણે પોતાના સાધનામાર્ગનું નિર્માણ કર્યું.
શક્તિતત્વ : તાન્ત્રિક સાધના શક્તિની ઉપાસના છે. બૌદ્ધોની દૃષ્ટિએ પ્રજ્ઞા જ શક્તિનું સ્વરૂપ છે. તેનું પ્રતીક ત્રિકોણ છે. તેમાં વિશુદ્ધ છ ધાતુ (તત્વ) વિદ્યમાન છે. તેથી તેના પ્રસિદ્ધ છ ગુણો છે ઐશ્વર્ય, સમગ્રત્વ, રૂપ, યશશ્રી, જ્ઞાન તથા અર્થવત્તા. આ ત્રિકોણ ક્લેશ, માર વગેરેનું ભંજન કરનારો હોવાથી તેને ‘ભગ’ કહેવામાં આવે છે. ‘હેવજ્ર તન્ત્ર’માં પ્રજ્ઞાને ‘ભગ’ કહી છે. તેનું નામ વજ્રધરધાતુ મહામંડલ પણ છે. તે મહાસુખનો આવાસ છે. તે ‘ए’કારવાચ્ય છે. તેને ધર્મધાતુ પણ કહેવામાં આવે છે. તે અજડ, સ્વચ્છ આકાશસદૃશ અને પ્રકાશમય છે. તે વજ્રાલય યા વજ્રાસન છે. રહસ્યમયી ભાષામાં ‘વજ્ર’નો અર્થ પુરુષલિંગ છે. ભગને સિંહાસન બનાવી જે બેસે છે તે ભગવાન કહેવાય છે. તેને જ મહાશક્તિનો અધિષ્ઠાતા માનવામાં આવે છે. સાધકે તાન્ત્રિક સાધના માટે નવયૌવનાને પોતાની સંગિની બનાવવી પડે છે. તે શક્તિ યા પ્રજ્ઞાનું રૂપ હોઈ, તેને પણ શક્તિ અને પ્રજ્ઞા કહેવામાં આવે છે. તેને મુદ્રા પણ કહેવામાં આવે છે.
સપ્તવિધ સેક યા અભિષેક : વજ્રયાન અનુસાર સાત પ્રકારના અભિષેક છે : ઉદકાભિષેક, મુકુટાભિષેક, પટ્ટાભિષેક, વજ્રઘંટાભિષેક, વજ્રવ્રતાભિષેક, નામાભિષેક અને અનુજ્ઞાભિષેક. આમાં પ્રથમ બે દેહશુદ્ધિ માટે છે, ત્રીજો અને ચોથો વાક્શુદ્ધિ માટે છે, પાંચમો અને છઠ્ઠો ચિત્તશુદ્ધિ માટે છે અને સાતમો જ્ઞાનશુદ્ધિ માટે છે. આ સાત પૂર્વસેક છે. આ ઉપરાંત ત્રણ ઉત્તરસેકો છે કુંભાભિષેક, ગુહ્યાભિષેક અને પ્રજ્ઞાભિષેક. પૂર્વસેકોની સાધના માટે મુદ્રા (સંગિની) જરૂરી નથી. ઉત્તરસેકોમાં પ્રથમ બેની સાધના માટે મુદ્રા જરૂરી છે, અંતિમ માટે જરૂરી નથી.
ચાર વજ્રયોગ છે : વિશુદ્ધયોગ, ધર્મયોગ, મંત્રયોગ અને સંસ્થાનયોગ. તેમના વિસ્તૃત વિવરણ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ ચાર વજ્રયોગોથી ચાર અવસ્થાઓનો (જાગ્રતાદિનો) અતિક્રમ થાય છે. વજ્રયોગનું ફળ પૂર્ણ નિર્મળતા છે. જાગ્રતાદિ ચાર અવસ્થાઓમાં કોઈ ને કોઈ મળ હોય છે. જાગ્રતનો મળ છે સંજ્ઞા અર્થાત્ દેહબુદ્ધિ. સ્વપ્નાવસ્થાનો મળ છે શ્વાસ-પ્રશ્વાસ. શ્વાસ-પ્રશ્વાસથી પ્રાણોત્પાદ તથા સત્-અસત્ વગેરે વિકલ્પો સમજવા. સુષુપ્તિનો મળ છે તમસ્. તુરીયાવસ્થાનો મળ છે રાગ. તાન્ત્રિક ક્રિયાઓથી મળો યા આવરણો દૂર થાય છે. એક એક વજ્રયોગથી ચિત્ત ઉપરથી એક એક આવરણ દૂર થાય છે. આવરણો દૂર થતાં સાધકને સમગ્ર વિશ્વનું દર્શન થાય છે. ચાર વજ્રયોગને પરિણામે ચાર દર્શનો યા અભિસંધિઓની પ્રાપ્તિ થાય છે. આ ચાર અભિસંધિઓનું વિસ્તૃત નિરૂપણ મળે છે.
વજ્રયાનમાં શરીરનું અત્યંત મહત્વ છે. તેથી તેમાં હઠયોગનું સ્થાન મહત્વનું છે. સંપૂર્ણ વિશ્વનાં સત્યોનો શરીરમાં વાસ છે. શરીરમાં પણ નદીઓ, પર્વતો, સમુદ્રો, વગેરે બધું છે. વિશ્વમાં જેમ મેરુપર્વત છે તેમ શરીરમાં પણ મેરુપર્વત (મેરુદંડ) છે. પરમ તત્વને પામવા માટે શરીર અદભુત સાધન છે. આ માન્યતાના આધારે વજ્રયાને પણ ચક્રો, કાયાઓ, મુદ્રાઓ, નાડીઓ વગેરેની કલ્પના કરી છે.
પ્રાણાયામસાધના : આમાં પૂરક, કુંભક અને રેચક આ ત્રણ ક્રિયાઓમાં ક્રમશ: ‘ओं आः हुँ’ આ ત્રણ વર્ણોના મંત્રનો જાપ કરવામાં આવે છે. આ સાધનાનું તેના ફળ સાથે વિસ્તૃત વર્ણન મળે છે.
બિંદુસાધના યા રસસાધના : આ સાધનાના મૂળમાં આ સિદ્ધાન્ત છે ‘मरणं बिन्दुपातेन जीवनं बिन्दुधारणात्’. બિન્દુ, રસ અને બોધિચિત્તથી વીર્ય (શુક્ર, રેતસ્) સમજવાનું છે. ઊર્ધ્વરેતસ્ પુરુષ જ પ્રજ્ઞાલાભ કરી શકે છે. ઊર્ધ્વરેતસ્ની અવસ્થામાં જીવન (વીર્ય) સદા ઊર્ધ્વગામી રહે છે. આ દિવ્ય અવસ્થા છે. બોધિચિત્તની અધોગતિ અટકાવી ઊર્ધ્વગતિ કરવાની સાધના માટે સ્ત્રીની અમુક સમયગાળામાં આવશ્યકતા છે. સૌપ્રથમ સંયમ, બ્રહ્મચર્ય, યમ, નિયમ આદિનું કઠોર પાલન જરૂરી છે. આ અવસ્થામાં બિન્દુની શુદ્ધિ અને સિદ્ધિ થાય છે. આ અવસ્થામાં શક્તિનું (સ્ત્રીનું) ગ્રહણ કરવાનું નથી. ત્યાર પછી સંયોગનો અને સંભોગનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ અવસ્થામાં પુરુષનો શક્તિ સાથે સંઘર્ષ થાય છે. સંઘર્ષની સાધનાવસ્થામાં છેવટે પુરુષ શક્તિ ઉપર વિજય પ્રાપ્ત કરે છે અર્થાત્ સંઘર્ષ છતાં સ્ખલન થતું નથી. આ દશામાં એક રીતે કહીએ તો બિન્દુની અધોગતિ અટકે છે. ત્રીજી અવસ્થામાં શક્તિનો ત્યાગ પણ નથી કે ગ્રહણ પણ નથી. શક્તિ સંપૂર્ણપણે પુરુષને અધીન છે. શક્તિ અને પુરુષનો ભેદ લુપ્ત થાય છે અને શક્તિ-પુરુષનું સામરસ્ય પ્રગટે છે. સ્ત્રીસંગથી ક્ષોભ થતો નથી. રસ ઊર્ધ્વગતિ કરે છે અને શરીરમાં એકરસ બને છે.
બિન્દુ પારા જેવું ચંચળ છે. યોગબળથી તેને સ્થિર કરવામાં આવે છે. બિન્દુને જગાડી યોગ દ્વારા નિર્માણચક્રથી ઉષ્ણીષકમલ સુધી લઈ જવામાં આવે છે. નિર્માણચક્રથી સ્ખલિત થઈ બિન્દુના નીચે ઊતરવાથી દેહરચના થઈ શકે છે, પણ જ્યારે બિન્દુની ઊર્ધ્વગતિ થાય છે ત્યારે આ નિમ્ન સૃદૃષ્ટિનો માર્ગ રુદ્ધ થઈ જાય છે. નિર્માણચક્રસ્થ બિન્દુ પંચભૂતાત્મક છે પરંતુ તેમાં પૃથ્વીનો અંશ વધુ છે. તેથી તે નીચે તરફ આકર્ષાય છે. જ્યારે તે બિન્દુ મધ્યમાર્ગે ઊર્ધ્વોન્મુખ બને છે ત્યારે તેમાં જલીય અંશ પ્રધાન બને છે. પૃથ્વીતત્વ જલતત્વમાં લીન થવાથી તેનું કાઠિન્ય દૂર થાય છે. આ નિર્માણચક્રથી ઉપરના ચક્રની વાત થઈ. બિન્દુનું આથી પણ વધુ ઉત્થાન થવાથી તે તેજ:-પ્રધાન બને છે. તેનો જલીય અંશ પ્રાય: શુષ્ક બને છે. તેનાથી વધારે ઉપર જવાથી તે વાયુપ્રધાન બને છે અને છેવટે શુદ્ધ જ્યોતિરૂપમાં પરિણત થઈ ઉષ્ણીષકમલમાં સ્થિર થાય છે. ઉષ્ણીષકમલમાં બિન્દુ સ્થિર થતાંની સાથે જ દેહ સિદ્ધ બને છે, દિવ્યદૃષ્ટિ અને દિવ્યશ્રુતિ પ્રાપ્ત થાય છે તથા સર્વજ્ઞત્વ અને વિભુત્વનો ઉદય થાય છે.
ષડંગયોગ : વજ્રયાનના યોગનાં છ અંગો છે પ્રત્યાહાર, ધ્યાન, પ્રાણાયામ, ધારણા, અનુસ્મૃતિ અને સમાધિ. પ્રત્યાહારમાં ઇન્દ્રિયો અન્તર્મુખ બને છે. પરિણામે, દસ નિમિત્તોનું દર્શન થાય છે, મંત્ર સાધકને અધીન બને છે, આ વાક્સિદ્ધિ છે, છેવટે બુદ્ધબિંબનું દર્શન થાય છે. બુદ્ધબિંબનું દર્શન થતાં ધ્યાનનો પ્રારંભ થાય છે. બધી વસ્તુઓમાં બુદ્ધની જ કલ્પના કરવામાં આવે છે. ચિત્ત બુદ્ધભાવથી ભરપૂર બને છે. તે સર્વત્ર બુદ્ધને દેખે છે. બાહ્યભાવ છૂટી જાય છે, દિવ્ય ચક્ષુનો ઉદય થાય છે, પાંચ દિવ્ય જ્ઞાનો અને પાંચ અભિજ્ઞાઓનો ઉદય થાય છે. ચિત્તની એકાગ્રતા સધાતાં પ્રાણાયામ શક્ય બને છે. દક્ષિણ-વામ માર્ગને છોડી મધ્યમમાર્ગે પ્રાણ ગતિ કરે છે. બીજા શબ્દોમાં, વામ દક્ષિણમંડલ પ્રાણાયામમાં સમરસ બને છે અને પ્રાણનિરોધનો સૂત્રપાત થાય છે. ધારણામાં પ્રાણને ચડતા ક્રમે અને ઊતરતા ક્રમે નાભિથી ઉષ્ણીષ અને ઉષ્ણીષથી નાભિ સુધી જુદાં જુદાં પાંચ સ્થાનોએ ધારવામાં આવે છે. સ્થિર કરવામાં આવે છે. પ્રાણ દ્વારા બિન્દુ પણ ગતિ-આગતિ કરે છે અને ઉષ્ણીષથી વજ્રમણિ સુધી તથા વજ્રમણિથી ઉષ્ણીષ સુધી ઊતરચડ કરે છે. આ ચડઊતર સુનિયન્ત્રિત હોય છે. ધારણા સિદ્ધ થતાં દસ નિમિત્તોનું સ્મરણ થાય છે. તે દસ અનુસ્મૃતિઓ છે. કેટલાકના મતે દસ અનુસ્મૃતિઓ એ કામશાસ્ત્રમાં વર્ણવવામાં આવેલી ચિન્તા આદિ દસ અવસ્થાઓ છે. છેલ્લું અંગ સમાધિ છે. બધા ભાવોને પિંડીકૃત કરી બિંબમાં ભાવના કરવાથી મહાજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. આ સમાધિ છે. જ્ઞેય અને જ્ઞાન એક બનવાથી વિમલ અવસ્થાનો આવિર્ભાવ થાય છે. સર્વ આવરણો છૂટી જાય છે અને યુગનદ્ધ અવસ્થાનો ઉદય થાય છે. સમાધિમાં પ્રાણનો સંપૂર્ણ નિરોધ થાય છે, ગતિ-આગતિ યા ચડઊતર થંભી જાય છે અને બિન્દુ પણ સ્પંદરહિત બની જાય છે.
‘एवं’ તત્વ અને તેનું રહસ્ય : વજ્રયાની ગ્રન્થોમાં પ્રજ્ઞા અને ઉપાયની યુગનદ્ધ અવસ્થાના નિદર્શન માટે એક બીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બીજ છે एवं. આનું યાન્ત્રિક રૂપ નીચે પ્રમાણે છે : એકાર અધોમુખ ત્રિકોણ છે. આ ત્રિકોણની અંદર બરાબર વચ્ચે અનુસ્વાર બિન્દુના રૂપમાં છે. આ બિન્દુ બન્ને ત્રિકોણોનું મધ્યબિન્દુ છે અને બન્નેના સંયોગનું સૂચક છે. આ બીજ બુદ્ધરત્ન ધરાવતી પેટી છે. તે મહાસુખનું સ્થાન છે. આ મન્ત્રબીજમાં એકાર માતા છે, તે ચન્દ્ર (= લલના = ઇડા = આલિ) અને પ્રજ્ઞાનો દ્યોતક છે. વકાર પિતા છે, તે સૂર્ય (= રસના = પિંગલા = કાલિ) અને ઉપાયનો સૂચક છે. બિન્દુ બન્નેના સમ્મિલનનું સૂચક છે અને પરિણામે તે સમ્મિલનના ફળ અનાહત જ્ઞાનનું પ્રતીક છે.
નગીન જી. શાહ