વક્રોક્તિ : પ્રાચીન ભારતીય સાહિત્યશાસ્ત્રનો એક સિદ્ધાન્ત. કાવ્યમાં  પ્રધાન તત્વ કયું છે એ વિશે કુંતક કે કુંતલ નામના આચાર્ય(950)નો મત એવો છે કે કાવ્યનો આત્મા વક્રોક્તિ છે.

કુંતકના મતે અલંકાર, રસ, ગુણ, રીતિ, ધ્વનિ – એ બધાં તત્વોનો સમાહાર વક્રોક્તિમાં થઈ જાય છે. કુંતકના શબ્દોમાં વક્રોક્તિ એટલે કવિકર્મના કૌશલની શોભાભરી ઉક્તિ. ‘વક્ર’ શબ્દનો અર્થ વિચિત્ર કે અસાધારણ કે લોકોત્તર એવો કુંતક પોતે જ આપે છે. હવે વક્રતા શબ્દનો ‘વૈચિત્ર્યપૂર્વકનું કથન’ એવો અર્થ કુંતકે આપ્યો છે. આથી કાવ્યમાં શબ્દાર્થ હોય એનું લોકોત્તીર્ણ રૂપે અવસ્થાન એ શબ્દાર્થની વક્રતા છે. આવી વક્રતાભરી ઉક્તિ એટલે કે વક્રોક્તિ એ કાવ્યનો આત્મા છે. વક્રોક્તિ વગર કાવ્ય બની શકે જ નહીં. શબ્દાર્થના સાયુજ્યવાળી રચના એ અલંકાર્યને વક્રોક્તિ એ અલંકાર વડે કવિની પ્રતિભાથી અલંકૃત થાય ત્યારે જ કાવ્ય જન્મે છે. વક્રોક્તિનો આ સિદ્ધાન્ત સમન્વયશીલ અને વ્યાપક છે. રસ, ધ્વનિ, ગુણ, રીતિ, અલંકાર, વર્ણચમત્કાર અથવા શબ્દસૌંદર્ય, અર્થની રમણીયતા, અપ્રસ્તુતવિધાન, પ્રબંધકલ્પના વગેરે અનેક કાવ્યાંગોને કુંતકે વક્રોક્તિના સિદ્ધાન્તમાં ઉચિત સ્થાન આપ્યું છે. વક્રોક્તિનો પ્રાણ રસ છે એમ કુંતક માને છે. સાથે સાથે ધ્વનિ અને કલ્પનાવૈચિત્ર્યના વ્યાપક વ્યાપારનો પણ કુંતકે વક્રોક્તિમાં સમાવેશ કર્યો છે. આથી કલ્પના અને ભાવના એ બંનેનો સમાવેશ વક્રોક્તિમાં કુંતક કરે છે. ધ્વનિ સહૃદયનિષ્ઠ છે અને વક્રોક્તિ કવિનિષ્ઠ છે.

વળી વક્રોક્તિનું ક્ષેત્ર વ્યાપક છે. વક્રતાનો એક મોટો પ્રકાર રસવક્રતા છે. પરિણામે વક્રતા વિના રસ ન હોય, પરંતુ રસ વગર વક્રતા સ્વતંત્ર હોઈ શકે. આ રસ વગરની વક્રતા તિરસ્કારપાત્ર છે એમ પણ કુંતક કહે છે. વળી વક્રોક્તિમાં આનંદવર્ધને આપેલા ધ્વનિપ્રકારોને કુંતકે સમાવ્યા છે, છતાં ધ્વનિના વિરોધક તરીકે કુંતકને ગણી લેવામાં આવ્યા છે. પરંતુ કુંતક ખરેખર સમન્વયવાદી છે. આમ કુંતકનો મૌલિક સિદ્ધાન્ત વક્રોક્તિવાદ છે. માધુર્ય વગેરે ગુણો અને સુકુમાર વગેરે માર્ગ કે રીતિ અથવા શૈલી – એ બાબતોને પણ વક્રોક્તિમાં સમાવી છે. આમ રસ, ધ્વનિ વગેરેનો સમાવેશ વક્રોક્તિમાં કરીને સાથે સાથે કવિપ્રતિભા અને કવિકૌશલ બંનેને પણ વક્રોક્તિ માટે કુંતક અનિવાર્ય માને છે.

વક્રોક્તિ એ શબ્દ સાતમી સદીમાં સર્વપ્રથમ વપરાયો છે. બાણ, સુબંધુ જેવા કવિઓને ‘વક્રોક્તિ-માર્ગમાં નિપુણ’ કહેવામાં આવ્યા છે. એ અરસામાં કાવ્યમીમાંસાક્ષેત્રે આચાર્ય ભામહે વક્રોક્તિને અલંકાર કહ્યો છે અને વક્રોક્તિનો અર્થ અતિશયોક્તિ અલંકાર એવો કર્યો છે. લોકાતિક્રાન્તગોચરતાને ભામહ અતિશયોક્તિ કે વક્રોક્તિ કહે છે. તે જ તમામ અલંકારોનું મૂળ છે એમ કહી વક્રોક્તિને મૂળ અલંકાર માને છે. આચાર્ય દંડી પણ વક્રોક્તિને વાઙ્મયનો એક પ્રકાર માની વસ્તુનું લોકોત્તરવર્ણન ધરાવનારી વક્રોક્તિને સર્વ અલંકારોનું મૂળ તત્વ માને છે. વામન સાદૃશ્યનિબંધના લક્ષણાને જ વક્રોક્તિ નામનો અર્થાલંકાર કહી વક્રોક્તિના ક્ષેત્રનો સંકોચ કરે છે. રુદ્રટ અને તેમના અનુકાલિક આચાર્યો વક્રોક્તિને વાક્છલ પર આધારિત એવો શબ્દ તથા અર્થ બંનેનો અલંકાર માને છે. જ્યારે આચાર્ય આનંદવર્ધન વક્રોક્તિને ઉભયાલંકાર માને છે અને તે અતિશયોક્તિ કે વક્રોક્તિ બધા અલંકારોના મૂળમાં રહેલો અલંકાર પણ માને છે. આનંદવર્ધનના ધ્વનિનો પ્રભાવ કુંતકની વક્રોક્તિ પર પ્રચુર માત્રામાં છે. આનંદવર્ધને ગણાવેલા ધ્વનિના પ્રકારોને વક્રતાના પ્રકારો કુંતકે ગણાવ્યા છે. એ પછી આચાર્ય અભિનવગુપ્ત વક્રોક્તિને ઉભયાલંકાર અને અતિશયોક્તિ બંને માને છે. આચાર્ય ભોજ પણ વક્રોક્તિને અતિશયોક્તિ અને અલંકાર બંને સ્વરૂપે સ્વીકારે છે. આચાર્ય મમ્મટ એ પછી ઉભયાલંકાર અને અતિશયોક્તિ બંને સ્વરૂપે સ્વીકારતા જણાય છે. રુય્યક વક્રોક્તિને વ્યાપક અર્થમાં સ્વીકાર્યા પછી પણ ફક્ત અર્થાલંકાર તરીકે જ સ્વીકારે છે. જ્યારે વિદ્યાનાથ રુય્યકને અનુસરી તેને અર્થાલંકાર માને છે. વક્રોક્તિને વિશ્વનાથ શબ્દાલંકાર માને છે અને અપ્પય્ય દીક્ષિત રુય્યકની જેમ વક્રોક્તિને અર્થાલંકાર માને છે. તેથી ધ્વનિની વિચારધારા અને રસની વિચારધારા સામે વક્રોક્તિની મૌલિક વિચારધારાને અનુયાયી મળ્યા નથી.

પ્ર. ઉ. શાસ્ત્રી