વક્રોક્તિજીવિત (ઈ. સ. 925 આસપાસ) : ભારતીય કાવ્યશાસ્ત્રનો આચાર્ય કુંતકે રચેલો વક્રોક્તિ વિશેનો અપૂર્ણ ગ્રંથ. આ ગ્રંથ ચાર ઉન્મેષોમાં વહેંચાયેલો છે. ચોથા ઉન્મેષમાં વચ્ચે વચ્ચે અને અંતે કેટલાક ફકરા પ્રાપ્ત થતા નથી. આ ગ્રંથમાં 165 કારિકાઓ પર સમજૂતી આપવામાં આવી છે. એમાં 500થી વધુ ઉદાહરણો આપવામાં આવ્યાં છે.
પ્રથમ ઉન્મેષમાં કાવ્યપ્રયોજન, કાવ્યની અને સાહિત્યની વ્યાખ્યા આપી છે. સ્વભાવોક્તિ અલંકાર નથી, પરંતુ અલંકાર્ય છે, જ્યારે વક્રોક્તિ જ અલંકાર છે એમ કહી વક્રોક્તિની સ્વરૂપલક્ષી ચર્ચા રજૂ કરી છે. એ પછી વક્રતાના 6 પ્રકારો આપ્યા છે કે જેમાં (1) વર્ણવિન્યાસવક્રતા (2) પદપૂર્વાર્ધવક્રતા (3) પ્રત્યયાશ્રય કે પદપરાર્ધવક્રતા (4) વાક્યવક્રતા (5) પ્રકરણવક્રતા અને (6) પ્રબંધવક્રતા એ મુખ્ય પ્રકારોનો સમાવેશ થાય છે. એ ત્રણ માર્ગો અને એ જેની સાથે સંબંધ ધરાવે છે તે માધુર્ય, પ્રસાદ, લાવણ્ય, આભિજાત્ય, ઔચિત્ય અને સૌભાગ્ય એ ગુણો ચર્ચવામાં આવ્યા છે. દ્વિતીય ઉન્મેષમાં વર્ણવિન્યાસવક્રતા, પદપૂર્વાર્ધવક્રતા અને પ્રત્યયવક્રતા (પદપરાર્ધવક્રતા) એ પહેલા ત્રણ મુખ્ય પ્રકારોના ઉપભેદો વર્ણવવામાં આવ્યા છે. સાથે સાથે રૂઢિવક્રતા, પર્યાયવક્રતા, ઉપચારવક્રતા, વિશેષણવક્રતા, સંવૃતિવક્રતા, વૃત્તિવૈચિત્ર્યવક્રતા એ છ ભેદો પણ તેના ઉપભેદો સાથે વર્ણવવામાં આવ્યા છે. તૃતીય ઉન્મેષમાં વાક્યવક્રતા એ ચોથા મુખ્ય ભેદના ગૌણ ભેદોની ચર્ચા કરી છે. એ નિમિત્તે વાક્યવક્રતાની અંદર રસવત્ અલંકારથી માંડી સંકર સુધીના 21 અલંકારોની સમજ આપી છે, કારણ કે એ 21 અલંકારો વસ્તુ, વાક્ય અને કાવ્યાર્થને નવીનત્વ આપનારા છે. યથાસંખ્ય અને કાર્યકારણમૂલક વગેરે અલંકારો વસ્તુ, વાક્ય અને કાવ્યાર્થને નવીનત્વ આપતા નથી. તેથી તેમને અલંકાર ગણવા કુંતક તૈયાર નથી. અંતિમ ચતુર્થ ઉન્મેષમાં વક્રતાના અંતિમ બે મુખ્ય પ્રકારોપ્રકરણવક્રતા અને પ્રબંધવક્રતાના ઉપભેદોનું સોદાહરણ નિરૂપણ કર્યું છે. આચાર્ય આનંદવર્ધનના ધ્વનિનું ખંડન કરી ધ્વનિપ્રકારોનો વક્રોક્તિના પ્રકારોમાં અંતર્ભાવ કુંતકે પ્રસ્તુત ગ્રંથમાં કર્યો છે. એ વક્રોક્તિ જ કાવ્યનું જીવિત કે આત્મા છે એવા સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ડૉ. એસ. કે. ડેએ સૌપ્રથમ 1923માં તે અંગ્રેજીમાં સમજ સાથે પ્રકાશિત કર્યા પછી 1955માં આચાર્ય વિશ્ર્વેશ્વરે અને તે પછી પંડિત રાધેશ્યામ શર્માએ હિંદીમાં સમજ સાથે આ ગ્રંથ પ્રગટ કર્યો છે. ગુજરાતીમાં નગીનદાસ પારેખે 1988માં ગુજરાતીમાં મુક્ત અનુવાદ સાથે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત કર્યો છે.
પ્ર. ઉ. શાસ્ત્રી