વક્રી ગતિ (retrograde motion) : સામાન્યથી વિરુદ્ધ દિશાની ગતિ. ખગોળમાં ગ્રહોની ગતિના સંદર્ભમાં ‘વક્રીગતિ’ એટલે કે ‘વક્રી’ અને ‘ગતિ’ એ શબ્દ અલગ અર્થોમાં વપરાય છે. એક અર્થ ફળજ્યોતિષ એટલે કે જ્યોતિષવિદ્યા(astrology)ના સંદર્ભમાં છે, જ્યારે બીજો અર્થ ખગોળવિજ્ઞાન એટલે કે ખગોળવિદ્યા-(astronomy)ના સંદર્ભમાં છે. મૂળ તો જોકે વક્રી એટલે ફળજ્યોતિષના સંદર્ભમાં, પૃથ્વી પરથી જોતાં, જો કોઈ ગ્રહની નક્ષત્રગણ વચ્ચેની ગતિની દિશા સામાન્યથી વિરુદ્ધ (એટલે કે રાશિ કે નક્ષત્ર ક્રમાંકમાં આગળ જવાને બદલે પાછળ જતો જણાય) તો તે વક્રી થયેલો મનાય; જ્યારે ખગોળવિજ્ઞાનના સંદર્ભમાં તો સૌરમંડળનો કોઈ પદાર્થ સૌરમંડળમાં પ્રવર્તતા ભ્રમણની સામાન્ય દિશા(જે ઉત્તર ધ્રુવ તરફથી જોતાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા – anti-clockwise છે)ની વિરુદ્ધ દિશાનું ભ્રમણ કરતો જણાય તો તે ‘વક્રી’ ગતિ ધરાવતો ગણાય. ફળજ્યોતિષના સંદર્ભની ગતિ ગ્રહની, પૃથ્વી પરથી જોતાં જણાતી ‘આભાસી’ ગતિ છે, જ્યારે ખગોળવિજ્ઞાનના સંદર્ભની તેની ગતિ સૌરમંડળમાં તેની વાસ્તવિક ગતિ છે. પહેલાં આપણે ફળજ્યોતિષ અનુસારની વક્રી ગતિ સમજીએ.
પૃથ્વી તેમજ અન્ય ગ્રહો, સૂર્યની આસપાસ ફરતાં લગભગ વર્તુળાકાર જ ગણાય તેવા માર્ગમાં કક્ષાભ્રમણ કરતા હોવાથી, પૃથ્વી પરથી જોતાં, સૂર્ય અને ગ્રહોના સ્થાન રાશિ અને નક્ષત્રગણના સંદર્ભમાં દરરોજ બદલાતા જણાય છે. પૃથ્વી તેનું કક્ષાભ્રમણ 365 દિવસે પૂરું કરતી હોવાથી, સૂર્યનું સ્થાન નક્ષત્રગણના સંદર્ભમાં રોજ આશરે 1° જેટલું બદલાતું જણાશે. ઉત્તર તરફથી જોતાં પૃથ્વી(તેમજ અન્ય ગ્રહો)નું સૂર્ય ફરતું ભ્રમણ અગાઉ જણાવ્યા અનુસાર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાનું હોવાથી સૂર્યનું સ્થાન હરરોજ નક્ષત્રગણના સંદર્ભમાં પશ્ચિમથી પૂર્વ તરફ સરકતું જણાય છે. આ જ કારણથી નક્ષત્રો અને રાશિઓને તેમના ક્રમાંક આકાશમાં પશ્ચિમથી પૂર્વ તરફ ચડતા ક્રમાંકમાં અપાયેલ છે; જેમકે, વૃષભરાશિ, મેષરાશિની પૂર્વે આવે. રોજબરોજનાં અવલોકનોમાં નક્ષત્રગણ વચ્ચે સૌરમંડળનો કોઈ પદાર્થ (સૂર્ય, ચંદ્ર કે કોઈ ગ્રહ) પૂર્વથી પશ્ચિમ તરફની ગતિ દર્શાવે તો તે માર્ગી ગણાય. આમ સૂર્ય અને ચંદ્ર તો હંમેશાં ‘માર્ગી’ જ જણાશે.
ગ્રહો ક્યારે ‘વક્રી’ ગતિ દર્શાવે ? ગ્રહોના સૂર્યની ફરતા ભ્રમણની દિશા પણ પૃથ્વીના કક્ષાભ્રમણની દિશામાં જ હોવાથી સામાન્ય રીતે તો તે પણ માર્ગી જ જણાશે. પરંતુ પૃથ્વીને અનુલક્ષીને તે તેમની કક્ષામાં કેટલાંક વિશિષ્ટ સ્થાન પર આવશે ત્યારે પૃથ્વી પરથી જોતાં તે નક્ષત્રગણની વચ્ચે સામાન્યથી વિરુદ્ધ એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફની ગતિ ધરાવતાં જણાશે. આ થઈ તેમની વક્રી ગતિ. વક્રી ગતિ ક્યારે જણાશે તે મંગળ ગ્રહના સંદર્ભમાં આકૃતિ દ્વારા દર્શાવેલ છે. મંગળના ગ્રહની કક્ષા, પૃથ્વીની કક્ષાની બહાર આવેલી હોવાથી તેનું કક્ષાભ્રમણ પૃથ્વી કરતાં ધીમું હોય, મંગળ જો તેના કક્ષામાર્ગમાં સૂર્ય તરફની દિશાએ હોય તો તેના સંદર્ભમાં પૃથ્વી આગળ વધી હોવાથી, નક્ષત્રગણ વચ્ચે તેની ગતિ તીર દ્વારા દર્શાવેલ પ્રકારની માર્ગી ગતિ જણાય.
પરંતુ જ્યારે મંગળનું સ્થાન સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય ત્યારે પૃથ્વી તેની કક્ષામાં વધુ ઝડપથી આગળ વધતાં, મંગળનું સ્થાન નક્ષત્રગણ સંદર્ભમાં પાછળ પડતું જણાય અને તે વક્રી ગતિ દર્શાવે. આમ, પૃથ્વીની કક્ષાની બહારના ગ્રહો-મંગળ, ગુરુ અને શનિ-નાં સ્થાન જ્યારે સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય ત્યારે ટૂંક સમય માટે તે વક્રી થયેલાં જણાશે.
આ જ પ્રમાણે તારવી શકાશે કે પૃથ્વીની કક્ષાની અંદરના વિસ્તારના ગ્રહો – બુધ અને શુક્ર પૃથ્વી કરતાં વધુ ઝડપી કક્ષાભ્રમણ કરતા હોવાથી તે જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચેના વિસ્તારમાં (એટલે કે તેમની સૂર્ય સાથેની નિમ્નયુતિ inferior conjunction સમયે) હોય ત્યારે વક્રી જણાશે. પંચાંગમાં તમે કોઈ ગ્રહને વક્રી થયેલો જુઓ ત્યારે રાશિચક્રમાં તેનું અને સૂર્યનું સ્થાન ચકાસતાં તમને ઉપર દર્શાવેલ તારવણી અનુસારનું જ જણાશે.
હવે ખગોળવિજ્ઞાનના અર્થમાં વક્રી ગતિની વાત કરીએ. સૂર્યમંડળના બધા જ ગ્રહોની કક્ષાભ્રમણની દિશા એક તરફની હોવાથી, કોઈ પણ ગ્રહની વાસ્તવિક ગતિ વક્રી હોતી નથી. પરંતુ ધૂમકેતુ જેવા કેટલાક પદાર્થોના સૂર્ય ફરતા કક્ષાભ્રમણ કોઈ વાર વક્રી જણાય છે; દા.ત., હેલીના પ્રસિદ્ધ ધૂમકેતુનું કક્ષાભ્રમણ વક્રી દિશામાં (retrograde) છે. ઉપરાંત ગ્રહોની સૃદૃષ્ટિમાં પણ કોઈ વાર તેમની ફરતા ઉપગ્રહોનાં કક્ષાભ્રમણ વક્રી જણાયાં છે. ગુરુના ગ્રહના નાના ઉપગ્રહોમાંના ચારેક આ રીતે વક્રી ગતિ દર્શાવે છે. જોકે આ પ્રકારની ગતિ માટે વધુ યોગ્ય ગુજરાતી શબ્દ ‘પ્રતિક્રમણ’ કહી શકાય અને વક્રી શબ્દ ફળજ્યોતિષના સંદર્ભમાં જ વાપરવો યોગ્ય છે.
અંગ્રેજી શબ્દ ‘retrograde’ના સંદર્ભમાં જ ઉલ્લેખ કરીએ તો શુક્રના ગ્રહનું તેની પોતાની ધરી ફરતું ભ્રમણ ઘણું જ ધીમું પરંતુ વક્રી (retrograde) છે, જે પણ પ્રતિક્રમણ કહેવાય.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ