વક્રીભવનાંક-વક્રીભવનાંક વિશેષ (તફાવત) (Refractive Index, Birefringence)

January, 2005

વક્રીભવનાંક-વક્રીભવનાંક વિશેષ (તફાવત) (Refractive Index, Birefringence) : જુદા જુદા પારદર્શક માધ્યમમાંથી પસાર થતાં પ્રકાશ-કિરણોના આપાતકોણ અને વક્રીભવન-કોણ વચ્ચેનો ગુણોત્તર. મહત્તમ અને લઘુતમ વક્રીભવનાંક વચ્ચેનો તફાવત.

જ્યારે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પસાર થાય છે ત્યારે આપાતકોણ અને વક્રીભવન-કોણ વચ્ચે અચલ ગુણોત્તર પ્રવર્તે છે. આ અચલાંક (constant) સમીકરણ દ્વારા દર્શાવાય છે, તેને વક્રીભવનાંક કહેવાય છે. ખનિજછેદના પ્રકાશીય પરીક્ષણ માટે વક્રીભવનાંકની ગણતરી કરવામાં આવે છે. ખનિજોના વક્રીભવનાંક (i) માઇક્રોસ્કોપ-પદ્ધતિ તેમજ (ii) રીફ્રૅક્ટોમિટર-પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે.

સમદિગ્ધર્મી (isotropic) ખનિજો માટે એક જ વક્રીભવનાંકની ગણતરી થાય છે. એકાક્ષી (uniaxial) ખનિજો માટે બે વક્રીભવનાંક (no અને ne) તેમજ દ્વિઅક્ષી (biaxial) ખનિજો માટે ત્રણ વક્રીભવનાંક (nx, ny અને nz) નક્કી કરવામાં આવે છે.

વિષમદિગ્ધર્મી (anisotropic) ખનિજોના વધુમાં વધુ અને ઓછામાં ઓછા વક્રીભવનાંક વચ્ચેના તફાવતને વક્રીભવનાંક તફાવત કહે છે. વક્રીભવનાંક તફાવત વિસમદિગ્ધર્મી ખનિજોના વ્યતિકરણ રંગો પર અસર કરનારું પરિબળ છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે