વંશી, બળદેવ (ડૉ.) [જ. 1 જૂન 1938, મુલતાન શહેર (હાલ પાકિસ્તાન)] : હિંદી કવિ અને વિવેચક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવેલી. તેમણે હિંદીમાં અધ્યાપનકાર્ય કર્યું. તેઓ અખિલ ભારતીય ભાષાસંસ્કરણ સંગઠનના સ્થાપક-પ્રમુખ; દિલ્હી રાઇટર્સ ફોરમના કન્વીનર રહ્યા.

તેમની માતૃભાષા પંજાબી છે, છતાં તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 30 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ઉપનગર મેં વાપસી’ (1974); ‘હવા મેં ખિલખિલાતી લઉ’ (1989); ‘વાક્ ગંગા’ (1992); ‘મેન્યુ’ (1992); ‘નદી પાર ખુલતા દ્વાર’ (1992) તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. ‘આધુનિક હિંદી કવિતા મેં વિચાર’ (1982); ‘લમ્બી કવિતાયેં : વૈચારિક સરોકાર’ (1983); ‘ભવાનીપ્રસાદ મિશ્ર’ (1992); ‘કહત કબીર કબીર’ (1996) એ બધા તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે.

તેમને તેમના 5 ગ્રંથો માટે ઍવૉર્ડ આપવામાં આવ્યા છે. તેમણે બેલ્જિયમ ખાતે વિશ્વ રામાયણ પરિષદમાં ભાગ લીધો હતો. તેમણે મોરિશિયસ, હોલૅન્ડ અને યુ.કે.નો પ્રવાસ પણ ખેડ્યો છે.

બળદેવભાઈ કનીજિયા