લ્યૂશુન : ઉત્તર ચીનના લિયોડૉંગ દ્વીપકલ્પના નૈર્ઋત્ય છેડા પર આવેલ સ્થળ. ભૌગોલિક સ્થાન : 38° 48´ ઉ. અ. અને 121° 16´ પૂ. રે.. અગાઉ તે પૉર્ટ આર્થર નામથી ઓળખાતું હતું. લ્યૂશુનના બે વિભાગો પડે છે – એક, જૂનું ચીની શહેર અને બીજું, 1898માં રશિયાએ લ્યૂશુન લઈ લીધા બાદ જે નવું નગર બાંધેલું તે.
બ્રિટિશરોએ 1857માં ચીન સાથે લડવા માટે જ્યારે આ સ્થળનો લશ્કરી થાણા તરીકે ઉપયોગ કરેલો ત્યારે તેમણે આ શહેરને પૉર્ટ આર્થર નામ આપેલું; પછી ચીને તેને લશ્કરી નૌકામથક બનાવેલું. 1905માં જાપાને રૂસી-જાપાન યુદ્ધ જીતીને તે રશિયા પાસેથી લઈ લીધેલું.
1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયા પછી ચીન અને તત્કાલીન સોવિયેત સંઘે આ બંદરને નૌકામથક તરીકે વિકસાવીને સહિયારો ઉપયોગ કરવાનું ઠરાવેલું. 1955માં સોવિયેત સંઘે તેનો કબજો ચીનને સંપૂર્ણપણે સોંપી દીધો છે.
ગિરીશભાઈ પંડ્યા