લ્યૂથર, માર્ટિન (જ. 10 નવેમ્બર 1483, આઇસલબેન, જર્મની; અ. 18 ફેબ્રુઆરી 1546, આઇસલબેન) : ખ્રિસ્તી ધર્મના પ્રસિદ્ધ સુધારાવાદી અને પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના પ્રવર્તક. તેમના પિતા તાંબાની ખાણમાં કામ કરતા હતા. તેઓ 1502માં બી. એ. અને 1505માં એમ.એ. થયા. તેમના પિતા તેમને ધારાશાસ્ત્રી બનાવવા ઇચ્છતા હતા, પરંતુ માર્ટિનને તો સંન્યસ્ત જીવન પસંદ હતું. તેથી 1507ના એપ્રિલમાં તેમણે પુરોહિતની દીક્ષા લીધી. ધર્મવિદ્યાના વધુ અભ્યાસ માટે તેમની પસંદગી કરવામાં આવી. એ અભ્યાસને અંતે તેમણે શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી. 1512માં તેમણે ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી.

માર્ટિન લ્યૂથર

તેમને પૂર્ણતા પામવાની તીવ્ર ઝંખના હતી અને તે માટે તેઓ સતત પ્રયત્નો કરતા હતા. પરંતુ તેમનામાં શંકાકુશંકાઓ વધતાં ગયાં. આ મૂંઝવણોમાંથી તેમને ન તો ધાર્મિક ક્રિયાઓ બહાર લાવી શકી કે ન તો માર્ગદર્શકોની સલાહ. તેઓ માનતા કે પ્રભુનો ન્યાય પાપીઓને આકરી સજા કરવામાં વ્યક્ત થાય છે. પ્રભુ માત્ર બાહ્યાચાર નહિ પણ અંતરની શુદ્ધતા માગે છે. જો પ્રભુ આવો જ હોય તો એની બીક લાગે, એને પ્રેમ ન થાય આજ્ઞાપાલન થાય પણ બીકથી, અંતરના ઉમંગથી નહિ પણ પછી પ્રાર્થના અને મનન-ચિંતનના પરિમાણ રૂપે. તેમને આ સત્ય લાધ્યું કે જેને પ્રભુમાં શ્રદ્ધા છે, તેને પ્રભુ નિર્દોષ જાહેર કરે છે. આ સત્યનાં ચાર પાસાં છે : (1) મુક્તિ – પ્રભુની ભેટ (2) પ્રભુની દયા  ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ થઈ છે. (3) માફી પામેલું અંતર – શાંતિ અનુભવે છે. (4) અપરાધીપણાના ભાવમાંથી મુક્ત થયેલો જીવ – અંતરના ઉમંગથી પ્રભુનો આજ્ઞાધીન બને છે.

1514માં તેઓ ઉપદેશક બન્યા. આમજનતાને બાઇબલ આધારિત ઉપદેશો આપી બાઇબલનો રસાસ્વાદ કરાવવા લાગ્યા અને તેને રોજબરોજના જીવન સાથે સૂત્રબદ્ધ કરવા લાગ્યા. આ સાથે તેમને તેમના સંન્યસ્તસંઘનો કેટલોક વહીવટી કાર્યભાર પણ ઉપાડવાનો આવ્યો.

શિક્ષામોચન એટલે શું ? જે પાપો કર્યાં છે તેની જે શિક્ષા થવાની છે એમાંથી કેટલીક પૈસા આપીને રદબાતલ કરાવીએ તે શિક્ષામોચન (indulgence). પાપની માફી માટે પાપી પસ્તાવો કરે અને પુરોહિત માફી આપે એ અતિ આવદૃશ્યક હતું. પાપોની માફી પૈસાથી ખરીદી શકાય અથવા પસ્તાવો ન કરનાર અને પ્રાયશ્ચિત્ત ન કરનાર પૈસાથી માફી મેળવી શકે એવું હતું જ નહિ. 1517માં સેંટ પીટરના દેવળનું બાંધકામ કરવા માટે ઓમલિયો 10માને વધુ પૈસાની જરૂર પડી. ત્યારે આ શિક્ષામોચનનો વધુ પ્રચાર થયો. તેનું આધ્યાત્મિક પાસું વીસરાઈ ગયું અને તેના નાણાકીય પાસા પર ભાર મૂકવામાં આવ્યો.

લ્યૂથરે આવા અતિરેકનો વિરોધ કર્યો અને તે માટે પંચાણું મુદ્દાઓનો એક પત્ર તૈયાર કર્યો. 31મી ઑક્ટોબર 1517ના રોજ આ પત્ર વિટ્ટનબર્ગ શહેરના દેવળને બારણે ચોંટાડ્યો. આ મુદ્દાઓ તેમના અભિપ્રાયરૂપ હતા. આ અભિપ્રાયો વડા ધર્મગુરુના પાપ માફ કરવાના અધિકારનો અસ્વીકાર નહોતા કરતા, પણ વડા ધર્મગુરુની નીતિની આલોચના અવદૃશ્ય કરતા હતા. આ અભિપ્રાયો ધર્મના આધ્યાત્મિક પાસાને વિશેષ મહત્વ આપતા હતા. આ પત્રની બે નકલો તેમણે સંબંધિત બે ધર્માધિકારીઓને મોકલી આપી. મુદ્રણકળા હવે વિકાસ પામી હોઈ આ પત્રની અનેક નકલો થઈ અને સર્વત્ર વહેંચાઈ ગઈ. પરિણામ એ આવ્યું કે જે એક સ્થાનિક મુદ્દો હતો તે જગજાહેર થઈ ગયો.

જે ધર્માધિકારીને આ નકલ મોકલી આપવામાં આવી હતી તેમણે તેને વડા મથક રોમ મોકલી આપી. હવે લ્યૂથર સામે પગલાં લેવાય એવી માંગ બળવત્તર બની. સામે પક્ષે લ્યૂથરે પણ સંઘમાંથી બહાર કાઢવાની ધર્મસંઘની સત્તા પર એક તમતમતું ભાષણ પ્રકાશિત કર્યું. લ્યૂથરની ઊલટતપાસ કરવા રોમે એક ધર્માધિકારીની નિમણૂક કરી. આ ધર્માધિકારીએ રોમને વિનંતી કરી કે તે શિક્ષામોચનની વ્યાખ્યા આપે. તે વ્યાખ્યા મુજબ લ્યૂથર વાંકમાં દેખાયા. પોતે લ્યૂથરના એકતાલીસ મુદ્દાઓને નામંજૂર ઠેરવ્યા. ત્યારબાદ લ્યૂથરના લખાણની રોમમાં હોળી કરવામાં આવી. પરિણામ એ આવ્યું કે ઉત્તર જર્મનીનાં રાજ્યો લ્યૂથરને પક્ષે રહીને રોમની વિરુદ્ધ થઈ ગયા.

લ્યૂથરે ધર્મસંઘના સાત સંસ્કારોને ઘટાડીને ત્રણ કરી દીધા, રોજરોજની પરમ પૂજાને બંધ કરી દીધી, વડા ધર્મગુરુની સત્તા વિરુદ્ધ બળાપો કાઢ્યો, બાઇબલની અને અંતરના અવાજની સર્વોપરિતા સ્થાપિત કરી. તેમના શિક્ષણના એકતાલીસ મુદ્દાઓને નામંજૂર કરતા વડા ધર્મગુરુના પત્રને તેમણે 10મી ડિસેમ્બર 1520ના રોજ જાહેરમાં બાળી નાખ્યો. વડા ધર્મગુરુએ તેમને 1521ના જાન્યુઆરીમાં ધર્મસંઘમાંથી બહિષ્કૃત કર્યા. લ્યૂથરે બાઇબલનું જર્મન ભાષામાં ભાષાંતર કર્યું. જૂન 1525માં તેમણે કૅથરિના નામની એક ભૂતપૂર્વ સાધ્વી સાથે લગ્ન કર્યાં.

તેમને બાળકોના શિક્ષણ માટે વિશેષ દાઝ હતી. આ હકીકત તેમણે 1524માં શાળાઓની જરૂરિયાત વિશે લખેલા ખુલ્લા પત્રથી અને 1530માં પ્રકાશિત કરવામાં આવેલા તેમના ઉપદેશથી વિદિત થાય છે. તેમણે ધર્મશિક્ષણ વિશેનાં બે પુસ્તકો પણ તૈયાર કર્યાં. તેમને મન ભજનનું ઝાઝું મહત્વ હતું. એટલે તેમણે કેટલાંક ભજનો પણ રચ્યાં.

1537માં તેમને ગંભીર બીમારી આવી ગઈ. તેનાથી તેમને અકાળે વૃદ્ધત્વ દાખવી ગયું. તેઓ એટલા તો અશક્ત થઈ ગયા કે તેમને શૈક્ષણિક કાર્ય પડતું મૂકવું પડ્યું. 1546માં તેમને બે રાજકુંવરો વચ્ચેનો વિગ્રહ શમાવવા તેમના જન્મસ્થળ આઇસલબેન જવાનું કહેવામાં આવ્યું. વિગ્રહ તો શમાવી શક્યા પણ તેમાં એમના ક્ષીણ થઈ ગયેલા શરીરની ઝાઝી શક્તિ ખર્ચાઈ ગઈ. તેઓ આઇસલબેનમાં જ મરણ પામ્યા પણ તેમના મૃતદેહને તેમની કર્મભૂમિ વિટ્ટનબર્ગ શહેરના એ જ દેવળમાં દફનાવવામાં આવ્યો જેના બારણે તેમણે તેમનો પંચાણું મુદ્દાઓનો પત્ર ચોંટાડ્યો હતો. લ્યૂથરના અનુયાયીઓ ‘પ્રોટેસ્ટન્ટ’ એટલે કે ‘વિરોધ કરનારા’ તરીકે ઓળખાવા લાગ્યા. ઉત્તર જર્મનીમાંથી શરૂ થયેલો આ પંથ લ્યૂથરવાદ સ્કૅન્ડિનેવિયન દેશો – ડેનમાર્ક, નૉર્વે અને સ્વીડન-માં પણ ફેલાયો.

જેમ્સ ડાભી