લ્યુક્ મૉન્ટેગ્નિયર (જ. 18 ઑગસ્ટ 1932, ચેબ્રી, ફ્રાન્સ) : 2008ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા ફ્રેંચ વિષાણુવિજ્ઞાની (virologist). તે વિષાણુવિજ્ઞાન વિભાગ, પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધક અને પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે.
1982માં રહસ્યમય નવા સંલક્ષણ (syndrome) AIDS(Acquired Immunodeficiency Syndrome)ના સંભવિત રીટ્રોવાઇરલ ચેપના સંશોધન માટે વિલી રૉઝેબૉં(ઑપિતલ બિયૉં હૉસ્પિટલ, પૅરિસના ચિકિત્સક)એ તેમની મદદ માગી. રોઝેબૉંએ આ રીટ્રોવાઇરસના સંશોધન બાબતે મહત્વનો ફાળો આપ્યો હતો. તે વૈજ્ઞાનિક સભાઓમાં આ સંલક્ષણ માટે રીટ્રોવાઇરસ કારણભૂત છે, તેમ વારંવાર અનુમાન રજૂ કરતા હતા. આ વાઇરસ તેમના એક દર્દીની લસિકાગાંઠ(lymphnode)ના જૈવપરીક્ષણ (biopsy) દરમિયાન પ્રાપ્ત થયું હતું. જ્યૉં-ક્લૉદ ચૅરમૉંએ પણ આ સંશોધનમાં મહત્વનું પ્રદાન કર્યું હતું.
1983માં વિજ્ઞાનીઓ અને ચિકિત્સકોના આ જૂથે મૉન્ટેગ્નિયરની અધ્યક્ષતા હેઠળ ઍઇડ્ઝ રોગ લાગુ પાડતા વાઇરસની શોધ કરી અને તેનું નામ લસિકાગ્રંથિ વિકૃતિ સંબંધિત વિષાણુ (lymphadenopathy associated virus, LAV) આપ્યું. એક વર્ષ પછી અમેરિકાની વિજ્ઞાનીઓની ટુકડીએ રૉબર્ટ ગૅલોની અધ્યક્ષતા હેઠળ આ રોગકારક વાઇરસની પુષ્ટિ આપી અને તેને નવું નામ માનવ T-લસિકાપોષી વિષાણુ પ્રકાર-III (human T-lymphotropic virus type-III, HTLV-III) આપ્યું.
મૉન્ટેગ્નિયરનું સંશોધન પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ, પૅરિસમાં થયું હતું. આ વાઇરસને અલગ કરવામાં મૉન્ટેગ્નિયરનું કે રૉબર્ટ ગૅલોનું જૂથ પ્રથમ હતું તે વિશે ઘણાં વર્ષો સુધી ઉગ્ર વિવાદ રહ્યો. 1987 સુધી આ શોધ માટે બંનેના દાવાઓ અને વાંધાઓ ચાલુ રહ્યા. 1986માં વિજ્ઞાનીઓની સમિતિએ LAV અને HTLV-III નામને પડતાં મૂક્યાં અને તેને બદલે નવું નામ માનવ પ્રતિરક્ષા ન્યૂનતા વિષાણુ (human immunodeficiency virus, HIV) આપવામાં આવ્યું (કોફિન, 1986). તેમણે તારણ કાઢ્યું કે રૉબર્ટ ગૅલોએ શોધેલાં HIV અને મૉન્ટેગ્નિયરે શોધેલાં HIV એકસમાન હતાં. જોકે 2008ના વર્ષનો આયુર્વિજ્ઞાન ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર HIVના સંશોધન માટે મૉન્ટેગ્નિયરને ફ્રાન્કોઈ બાર-સિનોસિ અને હૅરાલ્ડ ઝુર હૉઝેન સાથે સંયુક્તપણે એનાયત કરવામાં આવ્યો. રૉબર્ટ ગૅલોને આ પુરસ્કાર માટે પડતા મૂકવામાં આવ્યા. આ અંગે નોબેલ સભાનાં સભ્ય મારિયા માસુકી જણાવે છે, ‘મૂળભૂત સંશોધન કોણે કર્યું છે, તે વિશે શંકા નથી.’
મૉન્ટેગ્નિયર વર્લ્ડ ફાઉન્ડેશન ફૉર ઍઇડ્ઝ રિસર્ચ ઍન્ડ પ્રિવેન્શનના સહસ્થાપક છે અને પ્રોગ્રામ ફૉર ઇન્ટરનૅશનલ વાઇરલ કૉલૅબોરેશનના સહનિયામક છે. તેમણે 20થી વધારે મહત્વના પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે; જેમાં કમાન્દર દ લા લિજીયા દે ઓનોર ધ લાસ્કર ઍવૉર્ડ (1986), ગેર્દનર ઍવૉર્ડ (1987), કિંગ ફૈઝલ ફાઉન્ડેશન ઇન્ટરનૅશનલ પ્રાઇઝ (1993) અને ધ નોબેલ પ્રાઇઝ ઇન ફિઝિયૉલૉજી ઑર મેડિસિન(2008)નો સમાવેશ થાય છે.
બળદેવભાઈ પટેલ