લ્યુકાસ, જ્યૉર્જ (જ. 14 મે 1944, મોડેસ્ટો, કૅલિફૉર્નિયા) : ચલચિત્ર-દિગ્દર્શક. ચલચિત્રોના ઇતિહાસમાં સૌથી સફળ અને અત્યંત નોંધપાત્ર વિજ્ઞાનકથા-ચિત્રો ‘સ્ટારવૉર્સ’ શ્રેણી બનાવનાર જ્યૉર્જ લ્યુકાસનો મૂળ ઇરાદો તો ‘કાર રેસર’ બનવાનો હતો. હાઇસ્કૂલમાં હતા ત્યારે તેઓ આવી રેસમાં ભાગ પણ લેતા, પણ એક અકસ્માતમાં તેમનાં ફેફસાંને ઈજા થતાં તેમણે ક્ષેત્ર છોડી દીધું. હાઇસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા બાદ તેઓ સિનેમા સ્કૂલ ઑવ્ ધ યુનિવર્સિટી ઑવ્ ધ સધર્ન કૅલિફૉર્નિયામાં જોડાયા. ત્યાં તેમણે કેટલાંક ઇનામવિજેતા ચિત્રો બનાવ્યાં, જેમાં વિજ્ઞાનકથા-ચિત્ર ‘ટીએચએક્સ-1138:4ઇબી/ઇલેક્ટ્રૉનિક લેબિરિન્થ’નો પણ સમાવેશ થતો હતો. આ ચિત્રે 1965માં યોજાયેલા નૅશનલ સ્ટુડન્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં તેમને પ્રથમ પારિતોષિક અપાવ્યું. તેમને મળેલી આ સફળતાને કારણે તેમને વૉર્નર બ્રધર્સ સ્ટુડિયોમાં દિગ્દર્શક ફ્રાન્સિસ ફૉર્ડ કોપોલાના ચિત્ર ‘ફિનિયન્સ રેઇનબો’(1968)ના નિર્માણકાર્યનું નિરીક્ષણ કરવા માટેની શિષ્યવૃત્તિ મળી. એ પછી લ્યુકાસ કોપોલા સાથે જ જોડાઈ ગયા અને તેમના એ પછીના ચિત્ર ‘ધ રેઇન પીપલ’(1969)માં સહાયક તરીકે કામ કર્યું. એ સાથે તેમણે એ ચિત્રના નિર્માણ અંગે ‘ફિલ્મમેકર’ નામનું બે કલાકની લંબાઈ ધરાવતું એક દસ્તાવેજી ચિત્ર બનાવ્યું. 1971માં તેમને તેમનું પ્રથમ ચિત્ર ‘ટીએચએક્સ1138’ બનાવવાની તક મળી.
અગાઉના તેમના પારિતોષિક-વિજેતા ચિત્રનું જ આ વિસ્તૃત રૂપ હતું. એ પછીના બીજા જ ચિત્ર ‘અમેરિકન ગ્રાફિટી’ દ્વારા લ્યુકાસે પોતે ચિત્રનિર્માણમાં કયો રસ્તો લેવાના છે એ જાહેર કરી દીધું હતું. વિયેતનામ સાથેના યુદ્ધ પહેલાં 1960ના દાયકાના પ્રારંભે અમેરિકન જીવનશૈલીનું નિરૂપણ કરતું આ ચિત્ર તેમણે માત્ર 7 લાખ ડૉલરમાં અને માત્ર 28 રાત્રિઓ શૂટિંગ કરીને તૈયાર કર્યું હતું. આ ચિત્રને સમીક્ષકો તથા લોકો બંનેએ વખાણ્યું; એટલું જ નહિ, શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ પટકથા સહિતનાં પાંચ ઑસ્કર-નામાંકન તેમણે મેળવ્યાં હતાં. આ ચિત્રની સફળતાના પગલે લ્યુકાસે ‘સ્ટારવૉર્સ’નું નિર્માણ હાથ ધર્યું, જેણે લ્યુકાસને હૉલિવુડમાં સૌથી વધુ નાણાં કમાનાર ચિત્રસર્જકોની પંગતમાં બેસાડી દીધા. 1977માં નિર્માણ પામેલા અને 1997માં પુન:પ્રદર્શિત કરાયેલા ચિત્ર ‘સ્ટારવૉર્સ’માં તેમણે એવી આધુનિક ટેકનિકો અને સ્પેશિયલ ઇફેક્ટનો ઉપયોગ કર્યો હતો કે પહેલાં પડદા પર એવું કદી લોકોને જોવા મળ્યું નહોતું. ‘સ્ટારવૉર્સ’ને આઠ ઑસ્કર-નામાંકન મળ્યાં હતાં, જે પૈકી શ્રેષ્ઠ કલાનિર્દેશન, ધ્વનિ, સંગીત, પોશાકો અને સંપાદન માટેના ઑસ્કાર મેળવ્યા હતા. એ પછી આ શ્રેણીનાં બીજાં બે ચિત્રો ‘ધી એમ્પાયર સ્ટ્રાઇક્સ બૅક’ (1980) અને ‘ધ રિટર્ન ઑવ્ ધ જેડી’(1983)નું નિર્માણ કર્યું. આ બંને ચિત્રોને પણ 1997માં પુન:પ્રદર્શિત કરાયાં હતાં. આ ચિત્રોનું દિગ્દર્શન લ્યુકાસે નહોતું કર્યું. એ પછી સ્ટીવન સ્પિલબર્ગ સાથે મળીને નોંધપાત્ર ચિત્ર બનાવ્યાં.
નોંધપાત્ર ચિત્રો : ‘ધ રેઇન પીપલ’ (1968), ‘ટીએચએક્સ-1138’ (1971), ‘અમેરિકન ગ્રાફિટી’ (1973), ‘સ્ટારવૉર્સ’ (1977), ‘મોર અમેરિકન ગ્રાફિટી’ (1979), ‘ધી એમ્પાયર સ્ટ્રાઇક્સ બૅક’ (1980), ‘રેઇડર્સ ઑવ્ ધ લૉસ્ટ આર્ક’ (1981), ‘રિટર્ન ઑવ્ ધ જેડી’, ‘ટ્વાઇસ અપૉન અ ટાઇમ’ (1983), ‘ઇન્ડિયાના જોન્સ ઍન્ડ ધ ટેમ્પલ ઑવ્ ધ ડૂમ’ (1984), ‘હાવર્ડ ધ ડક, લેબિરિન્થ’ (1986), ‘ધ લૅન્ડ બિફોર ટાઇમ’ (1988), ‘ઇન્ડિયા જૉન્સ ઍન્ડ ધ લાસ્ટ ક્રૂસેડ’ (1989), ‘રેડિયોલૅન્ડ મર્ડર્સ’ (1994).
હરસુખ થાનકી