લોહ ઉદ્યોગ
લોહઅયસ્કમાંથી કાચું લોહ, પોલાદ તેમજ પોલાદની વસ્તુઓનું ઉત્પાદન કરતો ઉદ્યોગ. લોહ એક ધાત્વિક રાસાયણિક તત્વ છે. ધાતુ માટેના લૅટિન શબ્દ ફેરમ (Ferrom) પરથી તેની વ્યુત્પત્તિ થઈ હશે એમ મનાય છે. લોહ સૌથી વધુ પ્રબળતા ધરાવતો સંરચનાત્મક પદાર્થ છે. શુદ્ધ સ્વરૂપમાં તે નરમ, તન્ય, કઠોર અને ઘાટ આપી શકાય તેવા ગુણો ધરાવે છે. તે 1535° સે. તાપમાને પીગળે છે. તેનું ઉત્કલનબિંદુ 3000° સે. છે. સામાન્ય તાપમાને તે અનુચુંબકીય લક્ષણો પ્રદર્શિત કરે છે. તાંબું અને ઍલ્યુમિનિયમની સરખાણીમાં તે નબળું વીજવાહક ગણાય છે. તેનું સરળતાથી ઉપચયન થઈ શકે છે. લોહીના લાલ રજકણોમાં રહેલ લોહતત્ત્વો સ્નાયુઓ, અસ્થિમજ્જાઓ, યકૃત, બરોળ વગેરેને મજબૂતી બક્ષે છે. જીવો અને ઉદભિજ્જ (વનસ્પતિ) માટે તે અતિ મહત્વનું તત્વ છે.
પ્રાકૃતિક અવસ્થામાં લોહ એક ધૂસર શ્વેત, ચળકતો, સ્ફટિક, દાણાદાર શૈલ જેવો પદાર્થ છે. કુદરતી સ્વરૂપમાં તે ખાણો, ખડકો તથા ઉલ્કાપિંડોમાંથી ઉપલબ્ધ થાય છે. હેમેટાઇટ, મૅગ્નેટાઇટ, લાઇમોનાઇટ અને પાયરાઇટ લોહઅયસ્કની મહત્વની જાતો ગણાય. સાઇડરાઇટ અને ટેકોનાઇટ નીચલી કક્ષાનાં અયસ્કો ગણાય છે. હેમેટાઇટ અયસ્ક ચળકતા સ્ફટિક દાણાદાર શૈલ અથવા કાળા, તપખીરિયા કે ઘેરા લાલ રંગમાં ઉપલબ્ધ હોય છે. મૅગ્નેટાઇટ અયસ્ક કાળા રંગમાં મળે છે. આ બંને અયસ્કોમાં આશરે 70 ટકા લોહતત્વ અને પ્રાણવાયુનો ઑક્સાઇડ હોય છે. પીળાશ પડતા લાલ રંગના લાઇમોનાઇટમાં આશરે 60 ટકા લોહતત્વ હોય છે. સોનાના રંગ જેવી ચળકતી ધાતુ જેવા પાયરાઇટ અયસ્કમાં આશરે 50 ટકા લોહતત્વ અને ગંધક હોય છે. ભૂખરા રંગના સાઇડરાઇટમાં આશરે 50 ટકા લોહતત્વ અને પ્રાણવાયુ હોય છે. ટેકોનાઇટ આશરે 30 ટકા લોહતત્વ ધરાવતો કઠોર શૈલ હોય છે. લોહસમૃદ્ધ અયસ્કોના અસંતોષજનક પુરવઠાને પરિણામે ટેકોનાઇટની માગમાં ગણનાપાત્ર વૃદ્ધિ થઈ છે. વિશ્વનો હાલનો લોહઅયસ્કનો પુરવઠો લોખંડનું ઉત્પાદન બમણું થાય તોપણ બીજાં 100 વર્ષ ચાલી શકે તેમ છે તેવો અંદાજ છે.
વિશ્વની લોહઅયસ્કની રચનાનો આરંભ આશરે 2 કરોડ વર્ષ પહેલાં છીછરા દરિયામાં લોહસંયુક્ત પદાર્થો તલ સંસ્તરે જમા થયા હોવાથી થયો હશે તેવું અનુમાન છે. તેના ઝીણા દાણાદાર પદાર્થોમાંથી બનેલ કાંપનું ખડક સ્વરૂપમાં પરિવર્તન થયું હશે. જમીનના સ્થળાંતરને પરિણામે અથવા પાણીનું પરિવહન થઈ જતાં લોહઅયસ્કથી ભરપૂર ખડકો અસ્તિત્વમાં આવ્યા હશે તેવું અનુમાન છે. આજે પણ દરિયાકાંઠે તેમજ કળણભૂમિમાંથી લોહઅયસ્ક મળી આવે છે. વિશ્વના લોહઅયસ્કના મહત્વના જથ્થાઓ જ્યાંથી મળે છે તેવા વિસ્તારોમાં ઉત્તર અમેરિકાનો ગ્રેટ લેક વિસ્તાર, બ્રાઝિલનો મીનાસ ગેરાઇસ જિલ્લો, વેનેઝુએલાનો સેરોબોલીવર લોહયુક્ત પર્વત, કૅનેડામાં ઉત્તર ક્વિબૅક અને લાબ્રાડોર, પશ્ચિમ ઑસ્ટ્રેલિયાની હેપર્સ્લી બેઝિનની ખાણો, ક્રિ વોઈ રોગ યુક્રેઇન, ભારતનો બિહાર-ઓરિસાનો સીમાવિસ્તાર, તેમજ ચીન અને દક્ષિણ આફ્રિકાના પ્રદેશને ગણી શકાય.
લોહઅયસ્ક સામાન્ય રીતે વિવૃત અથવા ભૂમિગત ખનન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે. વિશ્વનું મહત્તમ લોહઅયસ્ક વિવૃત ખાણોમાંથી મેળવવામાં આવે છે; જ્યારે જોખમી અને ખર્ચાળ પદ્ધતિને કારણે ઊંચી ગુણવત્તાવાળા લોહઅયસ્ક જ ભૂમિગત ખનન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે. પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં ડુંગરમાંથી ક્ષિતિજ સમાંતર છેદ કરીને લોહઅયસ્ક મેળવવામાં આવે છે.
પ્રાવૈધિક વિજ્ઞાનના વિકાસને પરિણામે લોહમાંથી બનેલ સાધનો તથા હથિયારોના આગમન સાથે જ પથ્થરયુગ તેમજ કાંસ્યયુગનો અંત આવ્યો ગણાય છે. લોહયુગના આરંભ સાથે જ અર્થવ્યવસ્થામાં મૂળભૂત પરિવર્તનની શરૂઆત થઈ હશે તેમ અનુમાન કરી શકાય. ઈ. પૂ. 4000 વર્ષ પહેલાં ઉલ્કાપાતમાંથી ઉપલબ્ધ લોહમાંથી અલંકારો તેમજ વાસણો બનાવવામાં આવતાં હશે તેવું અનુમાન કરાય છે. વિશ્વમાં લોહશુદ્ધીકરણની પ્રક્રિયાનો આરંભ ક્યારે થયો હશે તેની કોઈ વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ ઈ. પૂ. 3000ના અરસામાં મધ્ય પૂર્વના દેશોમાં લોહઅયસ્કમાંથી ઓજારો બનાવવામાં આવતાં હતાં તેવી માહિતી મળે છે. પ્રાચીનતમ કાળના લોખંડના અસ્તિત્વના નમૂનાઓમાં ઇજિપ્ત(હાલનું યુ.એ.આર.)માંથી મળેલ દાતરડું અને લાકડું વહેરવાની કરવત હજારો વર્ષ પુરાણાં કહેવાય છે. ઈ. પૂ. 2700ના સમયમાં માટીની ભઠ્ઠીમાં ઓગાળેલ લોખંડના ટુકડાઓ સીરિયા અને ઇરાકમાંથી મળી આવેલ છે. ઇજિપ્તના રામાસીસ બીજાએ હિટ્ટાઇટ પ્રજાને લોખંડનાં દાતરડાં મોકલવાની વિનંતી કરેલી એ તેની સાબિતી છે. ઈ. સ. 1500નાં વર્ષોમાં હિટ્ટાઇટ સામ્રાજ્યમાં વસતી ચેલાઇટ પ્રજાએ લોહઅયસ્કમાંથી પુન:કાર્બુદીકરણ કરી લોહ મેળવવાની શોધ કરી હતી. તેમાં લોહઅયસ્કમાંથી બહારના સ્તરોમાં કાર્બનને બળપ્રેરિત ક્રિયાથી દાખલ કરી કાચું લોહ બનાવવામાં આવતું હતું. કહેવાય છે કે તૂતનખામનની કબરમાંથી મળેલ લોહનું ખંજર હિટ્ટાઇટ પ્રજાની દેખરેખ નીચે બનાવવામાં આવ્યું હતું. ઈ. પૂ. 1400ની સદીમાં આનાટોલિયામાં હિટ્ટાઇટ લુહારોએ લોહ ધાતુને વારંવાર ઘણ મારી પાણીમાં ઠંડું પાડવાથી વધુ મજબૂત બનાવી શકાય છે તેવી શોધ કરી હતી; જે તેમણે આશરે 200 વર્ષ સુધી ગુપ્ત રાખી હતી; પરંતુ હિટ્ટાઇટ સમવાયતંત્રનો નાશ થતાં સ્થળાંતર કરી ગયેલ કારીગરોએ આ તકનીકનો એશિયા તથા યુરોપમાં ફેલાવો કર્યો હતો. ઈ. પૂ. 1200ના સમયમાં ઘડતર-લોહમાંથી કોદાળી, હળ, દાતરડાં વગેરેનું ઉત્પાદન કરાતું હતું તેવી માહિતી મળે છે. પેલેસ્ટાઇનના ગાઝા પાસેના ગીટાર ગામ નજદીકથી ધાતુ ગાળવાની ભઠ્ઠીઓ પણ મળી આવી છે. ઉત્તર ભારતમાં આશરે ઈ. પૂ. 1000ની સદીમાં અને દક્ષિણ ભારતમાં ઈ. પૂ. 500ના ગાળામાં લોહ-ઉત્પાદનનો આરંભ થયો હશે તેવું અનુમાન છે. ઈ. પૂ. 500ની સદીમાં ચીનમાં લોહઅયસ્કનું વાતભઠ્ઠીમાં શુદ્ધીકરણ કરી કાચું લોહ બનાવવામાં આવતું હતું તેવી માહિતી મળે છે. ઈ. પૂ. 310ના અરસામાં દિલ્હીનો વિખ્યાત લોહસ્તંભ બનાવાયો હતો.
ઈ. પૂ. 1લી સદીમાં રોમનોએ યુરોપમાં લોહ ધાતુનો ઉપયોગ પ્રચલિત કર્યો હતો. ઘડતર-લોહનો ઉપયોગ ચીપિયા, સંઘાડો, જળચક્કી વગેરે બનાવવામાં થતો હતો. ત્યારબાદ લગભગ 1,000 વર્ષ સુધી લોહ બનાવવાની પદ્ધતિમાં ખાસ કોઈ પ્રગતિ સધાઈ હોય તેમ જાણવા મળતું નથી. ઈ. સ. 1000ના સમયમાં લોખંડમાંથી બનેલ અને સોનાથી મઢેલ સુંદર હેલ્મેટો રાજાઓ અને અમીરોનો અહમ્ સંતોષતી રહી હતી. ઊંચી ગુણવત્તાવાળી લોખંડની તલવારની કિંમત સોના કરતાં પણ વધુ ગણાતી હતી. મધ્યયુગમાં કેટીલોનિયા, સ્પેનમાં કેટેલોન ફૉર્જ તરીકે પ્રચલિત પદ્ધતિમાં વાતભઠ્ઠીમાં નીચેથી હવા પૂરવાને સ્થાને ઉપરથી પાણીની ટાંકીમાંથી પાણી છોડી વાહિનીમાંથી છિદ્રો દ્વારા ભરપૂર હવા પૂરવાનું આયોજન કરાયું હતું. સરળ પદ્ધતિ અને ઊંચી ઉત્પાદનક્ષમતાને કારણે આ પદ્ધતિ સારાયે યુરોપમાં પ્રચલિત બની હતી. ઈ. સ. 1311માં જર્મન લુહારોએ સ્ટકોફેન તરીકે પ્રચલિત તકનીકીમાં સરળ અપચયન દ્વારા સીધું જ ભરતર-લોહ
બનાવવાની વાતભઠ્ઠી તૈયાર કરી હતી. પરંતુ તેમાં ઉપલબ્ધ કરાયેલ લોખંડની ગુણવત્તા વિશે સંદેહ હોવાથી તે વિકૃત લોહ (Sic Iron) તરીકે જાણીતું થયું હતું. તેનો ઉપયોગ મુખ્યત્વે વાસણો, શસ્ત્રો તેમજ તોપો બનાવવામાં થતો હતો. લોખંડની માગમાં ગણનાપાત્ર વૃદ્ધિને કારણે વાતભઠ્ઠીમાં વપરાતા કોલસાની તંગી ઊભી થઈ હતી. લોખંડનાં કારખાનાં વર્ષમાં થોડા મહિના જ કાર્યરત રહેતાં હતાં. 1709માં ઇંગ્લૅન્ડમાં અબ્રાહમ ડર્બીએ શોધ કરી હતી કે કોલસાનું અપૂરતી હવામાં દહન કરવાથી પ્રાણવાયુ અને કાર્બનનું બાષ્પીભવન થઈ શુદ્ધ કાર્બન ઉપલબ્ધ થાય છે, જે કોક તરીકે પ્રચલિત છે. કોલસાની રાખ અને ચૂર્ણ બંને લોહઅયસ્કને ઓગાળવાની પ્રક્રિયામાં બાધારૂપ બની રહેતાં હતાં. તેમાં શુદ્ધીકરણ પામેલ કોકમાં નિમ્ન માત્રામાં રાખ અને ચૂર્ણ અને કોકની ઊંચી તાપમાનસર્જકતાને પરિણામે લોખંડ બનાવવાની પ્રક્રિયામાં કોકનો ઉપયોગ પ્રચલિત બન્યો હતો. યુરોપના બીજા દેશોની સરખામણીમાં કોકને કારણે ઇંગ્લૅન્ડ ઔદ્યોગિક ક્રાંતિમાં અગ્રેસર બની રહ્યું હતું. ડર્બી કુટુંબે કોલ બ્રોડેલ, શ્રોપશાયરમાં વિશાળ કારખાનાંઓ સ્થાપી ગણનાપાત્ર જથ્થામાં નિમ્ન ખર્ચે કાચા લોહના ઉત્પાદનનો આરંભ કર્યો હતો; પરંતુ લોહની બરડતાને કારણે તેનો ઉપયોગ સીમિત રહ્યો હતો. ઈ. સ. 1784માં હેન્રી કોર્ટે પરાવર્તનભઠ્ઠી(reverberatory furnace)માં મંદગતિ ઉપચયન દ્વારા કાચા લોહને ઓગાળી લગભગ શુદ્ધ લોહ બનાવવાની સમલીકરણ પ્રક્રિયા(pudlling process)ની શોધ કરી હતી. આ પદ્ધતિમાં નવા લોહમાંથી સીધાં જ પતરાં, પાટા વગેરે ઉપયોગી વસ્તુઓ બનાવી શકાતી હતી. આ પ્રક્રિયામાં લાહી (paste) જેવા જાડા લોહરસને હલાવવો મુશ્કેલ બનતો હતો; પરંતુ સરળ અપચયન કરતાં ગણનાપાત્ર વધુ ઉત્પાદન મેળવી શકાતું હતું. અઢારમી સદીના આરંભ સુધી તો હાલમાં ઉપલબ્ધ ઊંચી ગુણવત્તાવાળું સમાંગી (homogeneous) ઘડતર-લોહ કે પોલાદ મળવું લગભગ અશક્ય હતું, કારણ કે જૂની પદ્ધતિમાં લોહધાતુના ઉપરના સ્તરોમાં જ કાર્બનનું વેધન કરી શકાતું હતું.
1730માં ડૉન્કેસ્ટર ઇંગ્લૅન્ડના બૅન્જામિન હન્ટસમૅને કાર્બનીકરણ કરેલ લોહને ઓગાળી ઊંચી ગુણવત્તાવાળું લોહ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનું આયોજન કર્યું હતું; જે મુસ લોહ (crucible steel) તરીકે પ્રચલિત થયું હતું; પરંતુ મુસ લોહના લઘુ કદ અને હાથમજૂરીને કારણે નિમ્ન ઉત્પાદન ખર્ચાળ બનતું હતું. 1856માં સર હેન્રી બેસેમેરે પીગળેલ કાચા લોહમાં ધમણ દ્વારા હવા પૂરી ઊંચું તાપમાન ઉત્પન્ન કરી વિશાળ જથ્થામાં શુદ્ધ લોહ મેળવવાની વિવૃત ભઠ્ઠી પ્રક્રિયાની શોધ કરી હતી. તેમાં પીગળેલ લોહમાં આવશ્યકતા મુજબ કાર્બન, મૅંગેનીઝ વગેરેનું મિશ્રણ કરી જરૂરી ગુણવત્તાવાળું લોખંડ બનાવી શકાય છે. આ પ્રક્રિયામાં સુધારા કરવા ઘણા સંશોધકોએ પ્રયત્નો કર્યા હતા; પરંતુ તેની પદ્ધતિસરની પ્રવિધિ શોધવાનું શ્રેય જર્મનીના વિલિયમ સીમન્સને ફાળે જાય છે. તેમણે વિવૃત પ્રાણવાયુ ભઠ્ઠીમાં કાચું લોહ અને લોહઅયસ્કનું સંયોજન કરી વધુ પડતા કાર્બનનું નિરસન કરી શુદ્ધતર લોહ મેળવવાનો પ્રક્રમ તૈયાર કર્યો હતો. તે જ સમય દરમિયાન સિર્વિલ ફ્રાન્સના માર્ટિન ભાઈઓએ કાચું લોહ અને રદ્દી લોખંડ ઓગાળી શુદ્ધ લોખંડ બનાવવાની પ્રક્રિયાનો વિકાસ કર્યો હતો. આ બંનેનું સંયોજન સીમન્સ-માર્ટિન પ્રક્રિયા અથવા ઍસિડ-વિવૃત ભઠ્ઠી પ્રક્રિયા તરીકે પ્રચલિત છે. તેમાં કાચું લોહ, લોહઅયસ્ક તેમજ રદ્દી લોખંડનો પોલાદ બનાવવામાં ઉપયોગ થાય છે; પરંતુ આ પ્રક્રિયામાં ગંધક અને ફૉસ્ફરસનું નિરસન થતું નથી. ઇંગ્લૅન્ડમાં ઉપલબ્ધ લોહઅયસ્કમાં ફૉસ્ફરસના ઊંચા પ્રમાણને લીધે શુદ્ધીકરણ પ્રક્રિયા મુશ્કેલ બની રહેતી હતી. 1879માં સીડની થૉમસે શોધ કરી હતી કે ઍસિડને બદલે ક્ષારકીય ધાતુઓનો ઉપયોગ કરવાથી લોહ-અયસ્કમાંથી ગંધક અને ફૉસ્ફરસ બંનેનું નિરસન થઈ શકે છે.
લોહઅયસ્કમાંથી પોલાદ બનાવવાની પ્રક્રિયામાં અયસ્કનું ચૂર્ણ કરી, ગાળી, ધોઈને અથવા પ્રવાહીમાં મિશ્ર કરીને અશુદ્ધ લોહરજકણો મેળવવામાં આવે છે. તેને ભેજવાળી માટી સાથે મિશ્ર કરી, સૂકવી, પકાવીને 1.2થી 1.5 સેન્ટિમીટરની ગોળીઓ બનાવી શુદ્ધીકરણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વિશ્વભરમાં મહત્તમ પોલાદ બનાવવાનાં કારખાનાં ઉત્પાદનખર્ચમાં કરકસર કરવા લોહઅયસ્ક, કોલસા તથા ચૂનાની ખાણો નજદીક સ્થાપવામાં આવે છે. તે માટે લોહઉત્પાદનની સઘળી પ્રક્રિયાઓ એક જ સ્થળે એકસાથે થઈ શકે તેવું આયોજન કરવામાં આવે છે. કોલસાની નીચી તાપમાનક્ષમતા અને બહોળા ભસ્મઅંશને કારણે ઊંચી તાપમાનક્ષમતા ધરાવતા કોકને ઉપયોગમાં લેવામાં આવે છે. અયસ્કમાંથી અશુદ્ધિઓ દૂર કરવા ચૂનો વપરાય છે. યોગ્ય માત્રામાં મિશ્ર કરેલ લોહઅયસ્ક, કોક અને ચૂનાના મિશ્રણને ઉષ્માપ્રતિરોધક ઈંટોના અસ્તરવાળી લોખંડની વિશાળ વાતભઠ્ઠીમાં ઉપરથી ઠાલવવામાં આવે છે. વાતભઠ્ઠીમાં ઉષ્મા-વિનિમયક(heat exchanger)માં તપ્ત કરેલ હવાને અધ:સ્તરથી શુંડિકા કે નાળચા દ્વારા ભઠ્ઠીમાં પૂરવામાં આવે છે; તે કોકને જલાવી ઊંચા તાપમાને લોહઅયસ્કમાંથી પ્રાણવાયુ અને બીજી અશુદ્ધિઓ દૂર કરી મિશ્રણનું પ્રવાહીમાં રૂપાંતર કરે છે. વાતભઠ્ઠીને તળિયે રહેલ પીગળેલ લોહનું અને ઉપર તરતાં ધાતુમલનું સમયાંતરે નિષ્કાસન કરી પાત્રોમાં એકત્રિત કરવામાં આવે છે. કાર્બન અને બીજી અશુદ્ધિઓનું શુદ્ધીકરણ કરી વાતાવરણમાં છોડી મૂકવામાં આવે છે. કાચા લોહમાં કાર્બન વગેરે ધાતુઓ ઉમેરી તેની પાટો કે ચોરસા બનાવવામાં આવે છે.
બીજી એક પ્રક્રિયામાં કોલસા અથવા કુદરતી વાયુની મદદથી સરળ અપચયન (direct reduction) કરી છિદ્રિષ્ટ લોહ (sponge iron) બનાવવામાં આવે છે; જેની શુદ્ધતા આશરે 83થી 90 ટકા અંદાજવામાં આવે છે. તે રદ્દી લોખંડનું પ્રતિસ્થાપન ગણાય છે.
લોહ ઉત્પાદન કરતા સંકલિત ઉદ્યોગો (integrated plants) લોહઅયસ્કમાંથી કાચું લોહ, મૃદુ પોલાદ, પોલાદ તેમજ પોલાદની વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં આશરે 10 ટકા ક્ષમતાનો ઉપયોગ ભરતર-લોહ અને 90 ટકાનો પોલાદ બનાવવામાં અંદાજવામાં આવે છે.
પોલાદ બનાવવાની ત્રણ મુખ્ય પદ્ધતિઓમાં : (1) મૂળભૂત વાતભઠ્ઠી પ્રક્રિયા, (2) વીજભઠ્ઠી પ્રક્રિયા અને (3) વિવૃત અગ્નિસ્થાન પદ્ધતિ ગણાય છે. જેમાંથી (1) મૂળભૂત વાતપ્રક્રિયામાં પોલાદનો એક ઘાણ 45 મિનિટમાં, વીજભઠ્ઠીમાં આશરે 4 કલાકમાં અને વિવૃત અગ્નિસ્થાન પદ્ધતિમાં આશરે 8 કલાકમાં તૈયાર થાય છે. દરેક પદ્ધતિના લાભ અને ગેરલાભ ધ્યાનમાં લઈ યોગ્ય પ્રક્રિયા પસંદ કરવામાં આવે છે. મૂળભૂત વાતભઠ્ઠી પ્રક્રિયાની પદ્ધતિ આગળ વર્ણવી છે. વીજભઠ્ઠી પ્રક્રિયામાં ઉચ્ચતાપસહ ઈંટોના અસ્તરવાળા લોખંડના છીછરા નળામાં ઉપરથી ત્રણ વીજધ્રુવ દાખલ કરીને શક્તિશાળી વીજધારા દ્વારા રદ્દી લોખંડ, કાચું લોહ (pig iron) કે છિદ્રિષ્ઠ લોહના મિશ્રણમાંથી પોલાદ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં ક્રોમિયમ કે વેનેડિયમ જેવી ધાતુઓનું ઉપચયન થતું નથી. વિવૃત અગ્નિસ્થાન પદ્ધતિમાં ધાતુઓને ઓગાળતી જ્વાળાઓ તેના સીધા સંપર્કમાં હોય છે. ઉચ્ચતાપસહ ઈંટોના અસ્તરવાળી ભઠ્ઠી પર નીચું વળાંકવાળું આવરણ હોય છે. અગ્નિસ્થાન ભઠ્ઠીઓમાં એકથી વધુ ભઠ્ઠીઓ હોય છે. દરેક ભઠ્ઠીના છેડા પર એક ઇંધનવાહક તેમજ હવા અને બીજા રદ્દી વાયુઓના વહન માટે ચોરસ કક્ષિકાઓ હોય છે. ભઠ્ઠી જ્વલિત કરવામાં આવે ત્યારે બીજે છેડે આવેલી કક્ષિકાઓમાંથી નિષ્કાસિત વાયુઓ કક્ષિકાઓને તપ્ત કરે છે. ભઠ્ઠી દર પંદર મિનિટના અંતરે સ્વત: જ્વાલક ચાલુ કરે છે; જે વાયુના પ્રવાહનું ઉત્પરિવર્તન (reversion) કરે છે. તેથી ભઠ્ઠીઓમાંથી પસાર થતાં વાયુ પુન: તપ્ત થઈ તાપમાનમાં વૃદ્ધિ કરે છે. કેટલીક વિવૃત ભઠ્ઠીઓમાં તાપમાનમાં વૃદ્ધિ કરવા માટે પ્રાણવાયુનું પૂરણ કરવાની વ્યવસ્થા પણ હોય છે. ભઠ્ઠીમાં પ્રથમ ચૂનો અને રદ્દી લોખંડનો ઘાણ પીગળે ત્યારે તેનું ભઠ્ઠીમાં અધ:સ્રવણ કરવામાં આવે છે. તાપમાનમાં વૃદ્ધિ થતાં કાર્બન મોનૉક્સાઇડ અને બીજા વાયુઓનું બાષ્પીભવન થઈ જાય છે. જ્યારે બીજી અશુદ્ધિઓનું ઉપચયન થઈ ધાતુમલમાં ભળી જાય છે. બાકી રહેલ પ્રવાહી લોહમાં આવશ્યકતા મુજબ ધાતુઓ ઉમેરવામાં આવે છે. તેમાંથી વિશિષ્ટ પોલાદ પણ બનાવી શકાય છે. આ પ્રક્રિયામાં કીમતી ઇંધનનો ઉપયોગ, પ્રવિધિનો લાંબો સમય તથા વિશાળ જથ્થામાં રદ્દી વાયુનું નિષ્કાસન તેમજ પ્રદૂષણની શુદ્ધીકરણ પ્રક્રિયા વગેરે ઉત્પાદનખર્ચમાં ગણનાપાત્ર વૃદ્ધિ કરે છે; જેને પરિણામે 1950 પહેલાં મહત્વની ગણાતી અગ્નિસ્થાન પ્રવિધિનો ઉપયોગ સીમિત થઈ રહ્યો છે.
વિશિષ્ટ પ્રકારના પોલાદનું ઉત્પાદન કરવા માટે તેનું પરિષ્ક્રમણ (refining) અને બીજી ધાતુઓ સાથે સંયોજન અનિવાર્ય હોય છે; દા.ત., ગલિત પોલાદમાં સિલિકોન, મૅંગેનીઝ અને ઍલ્યુમિનિયમનું સંયોજન કરવાથી ઊંચી માત્રામાં પ્રાણવાયુનું નિષ્કાસન કરી શકાય છે. વિશિષ્ટ પરિષ્ક્રમણ માટે તળિયે શુંડિકાવાળા નાસપતી ઘાટનાં પાત્રોમાં ગલિત પોલાદનું અધ:સ્રવણ કરી પોલાદમાંથી વધુ પડતા ક્રોમિયમનું ઉપચયન કર્યા વગર કાર્બનને દૂર કરવામાં આવે છે. ઊંચી ગુણવત્તાવાળા કે શુદ્ધતર પોલાદ બનાવવા માટે જટિલ અને ખર્ચાળ પ્રવિધિઓનો ઉપયોગ કરવામાં આવે છે; જેને પરિણામે વિશિષ્ટ પ્રકારના કીમતી પોલાદનું ઉત્પાદન નિમ્ન જથ્થાઓ પૂરતું સીમિત રાખવામાં આવે છે.
વિવૃત પ્રાણવાયુ ભઠ્ઠીઓમાંથી મળેલ પ્રવાહી લોહને ઉપયોગમાં લેવા તેમજ પરિવહન કરવા માટે ઘનસ્વરૂપમાં પરિવર્તન આવશ્યક છે. પ્રવાહી લોહને સામાન્ય રીતે 2થી 270 ટનની શિલિકાઓ(ingots)માં ઢાળી અવશોષણ-કુંડી(soaking pot)માં 1200° સે. સમાન તાપમાન હેઠળ ઠંડું પાડવામાં આવે છે. આ શિલિકાઓનું દળવાની ઘંટીની મિલ(grinding mill)માં લઘુ, ચોરસ કે લંબચોરસ પાટો (blooms) અથવા લઘુતમ લંબચોરસ લઠ્ઠાઓ (billets) અથવા શિલાપટ(slabs)માં રૂપાંતર કરવામાં આવે છે. બીજી એક પદ્ધતિમાં ગલિત લોખંડને પ્રવાહ-નિયંત્રક રકાબીમાંથી વિવિધ ઘાટના સંચાઓમાં ઢાળી, શીતન કરી, નિયત લંબાઈમાં કાપી, વધુ પ્રક્રમણ માટે તૈયાર કરવામાં આવે છે. આ પાટોનું ભારે લોટણ-ચક્કીની મદદથી નિષ્પીડન (squeeze) કરી વિવિધ કદ તેમજ આકારની પટ્ટીઓ, પાટા, પતરાં, સળિયા, પાટડા, તાર વગેરે બનાવવામાં આવે છે. શીતલોટણ પ્રક્રિયામાં સામાન્ય તાપમાને લોખંડને વિઘટિત (cracking) કર્યા સિવાય તેનું તનન (stretching) અને ઘડતર (forging) કરી શકાય છે. સળિયા અથવા દંડનું ગોળ, ચોરસ, ષટ્કોણ, અંડાકાર વગેરે સ્વરૂપમાં પરિવર્તન કરી શકાય છે. ક્વચિત્ શિલાપટને તપ્ત કરી તેનું ઉત્ક્રમણીય મિલ(reversible mill)માં પુન:પ્રક્રિયા દ્વારા યોગ્ય જાડાઈમાં પરિવર્તન કરવામાં આવે છે. આવશ્યકતા અનુસાર પતરાં અને પટ્ટીઓમાંથી ઑક્સાઇડ દૂર કરવા તેને ઍસિડના કૂંડામાંથી પસાર કરી તેના પર અમ્લોપચાર કરવામાં આવે છે. લોખંડનાં પતરાંને જસતનો ઢોળ ચઢાવી ઉપયોગમાં લેવામાં આવે છે.
લોખંડ અને પોલાદ બીજી ધાતુઓની સરખામણીમાં ટકાઉ અને સસ્તી ધાતુ ગણાય છે. તેમાંથી અગણિત ઉપયોગી વસ્તુઓ બનાવી શકાય છે. વિવિધ પ્રકારના લોહ તેમજ પોલાદને નીચેના મુખ્ય વિભાગોમાં વહેંચી શકાય : (1) કાચું લોહ (pig iron), (2) ભરતર-લોહ (cast iron), (3) ઘડતર-લોહ (wrought iron), (4) કાર્બન-પોલાદ (carbon steel), (5) ઓજારી પોલાદ (tool steel), (6) ધાતુમિશ્રિત પોલાદ (alloy steel) અને (7) કાટરોધી પોલાદ (stainless steel).
(1) કાચું લોહ વાતભઠ્ઠી અને વીજભઠ્ઠીમાં બનાવવામાં આવે છે. તેમાં આશરે 93 ટકા લોહ, 3થી 4 ટકા કાર્બન અને નિમ્ન માત્રામાં બીજી અશુદ્ધિઓ હોય છે. (2) ભરતર-લોહમાં 2થી 4 ટકા કાર્બન અને 1થી 3 ટકા સિલિકોન હોય છે. તેને ઢાળીને ભારે યંત્રસામગ્રી, સ્વચાલિત વાહનોનાં એન્જિનો, ગટરોનાં ઢાંકણાં, આઘાત વર્ધનીય (malleable) ગળણો વગેરે બનાવવામાં આવે છે. દૃઢતા, આઘાત ખમવાની ઊંચી ક્ષમતા અને નિમ્ન કિંમતને કારણે તે નિર્માણદ્રવ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. (3) ઘડતર-લોહમાં 1થી 3 ટકા સિલિકેટ અને ધાતુમલ મિશ્રિત હોય છે. તેની ક્ષારપ્રતિરોધકતા અને ઘાટક્ષમ ગુણોને કારણે તેને વિવિધ ઘાટમાં ઘડી કઠેડા, દરવાજા, કલાકારીગરીની વસ્તુઓ બનાવવામાં આવે છે. પોલાદના આગમન પહેલાં તેનો બહોળો ઉપયોગ કરવામાં આવતો હતો. (4) કાર્બન-પોલાદમાં આશરે 12 ટકા સુધી કાર્બન હોય છે, જે તેને મજબૂતાઈ બક્ષે છે; પરંતુ તન્યતા(ductability)માં ઘટાડો કરે છે. ઊંચી ઘસારા-પ્રતિરોધકતા અને મજબૂતીને કારણે તેનો ઉપયોગ રેલના પાટા, પાટડા, વૅગનો, વાહનોનાં માળખાં વગેરે બનાવવામાં થાય છે. (5) ઓજારી પોલાદ એક પ્રકારનું મિશ્ર પોલાદ છે; જેમાં 0.8થી 1.0 ટકા કાર્બન હોય છે. પોલાદને વારંવાર તપ્ત કરી ઠંડું પાડવાથી તેની ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. તેનો ઉપયોગ ધાતુ કાપવાનાં સાધનો, શારડી વગેરે બનાવવામાં થાય છે. ઓજારી પોલાદનાં સાધનો ઉચ્ચવેગી (high speed) પોલાદમાંથી પણ બનાવવામાં આવે છે. (6) ધાતુમિશ્રિત પોલાદમાં નિમ્ન માત્રામાં કાર્બન અને આવશ્યકતા મુજબ બીજી ધાતુઓ જેવી કે ઍલ્યુમિનિયમ, ક્રોમિયમ, તાંબું, નિકલ, ટાઇટેનિયમ, વેનેડિયમ, સિલિકોન વગેરે તથા તેવાં જ રસાયણો મિશ્ર કરવામાં આવે છે. મૅંગેનીઝ તેને દૃઢીકરણ, કઠોરતા અને ઘસારા સાથે પ્રતિરોધકતા બક્ષે છે. નિકલ ખાસ કરીને નીચા તાપમાને કઠોરતા અને ચવડતા (toughness) બક્ષે છે. ટંગસ્ટન તેની ઉષ્માપ્રતિરોધકતામાં વૃદ્ધિ કરે છે. (7) કાટરોધી પોલાદમાં પોલાદ સાથે આવશ્યકતા અનુસાર ક્રોમિયમ તથા નિકલનું સંયોજન કરવામાં આવે છે; જે તેની ક્ષારપ્રતિરોધકતામાં ગણનાપાત્ર વૃદ્ધિ કરે છે. તેનો ઉપયોગ વાસણો, શલ્યકર્મ, હૉસ્પિટલનાં સાધનો વગેરે બનાવવામાં થાય છે.
લોહ-ઉત્પાદન એક પાયાનો ઉદ્યોગ ગણાય છે. કોઈ પણ દેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું સ્તર તેની પોલાદ-ઉત્પાદનક્ષમતા તેમજ માથાદીઠ વપરાશ પરથી નિશ્ચિત કરવામાં આવે છે. આ ઉદ્યોગ ઇજનેરી, યંત્રસામગ્રી, વહાણવટું, રેલવે, બાંધકામ વગેરે મહત્વના ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડનાર આધારસ્તંભ છે. કેટલાક દેશોમાં આ સંવેદનશીલ ઉદ્યોગ રાજ્ય હસ્તક હોય છે, જ્યારે કેટલાક દેશોમાં ખાનગી ક્ષેત્ર જ એમાં કાર્યરત હોય છે. ભારત જેવા દેશમાં જાહેર તેમજ ખાનગી બંને ક્ષેત્રો લોહ ઉદ્યોગમાં પ્રવૃત્ત છે. લોખંડના સંકલિત વિશાળ લોહ-એકમોની ઉત્પાદનક્ષમતા વાર્ષિક 10 લાખ ટનથી 1 કરોડ ટન સુધીની હોય છે. મધ્યમ કદનાં કારખાનાં જે સામાન્ય રીતે મિનિસ્ટીલ પ્લાન્ટ તરીકે પ્રચલિત છે તેની ઉત્પાદનક્ષમતા 1થી 10 લાખ ટન સુધીની હોય છે. તે મુખ્યત્વે વીજભઠ્ઠીનો ઉપયોગ કરે છે. તે સંકલિત એકમોમાંથી કાચું લોહ, મૃદુ પોલાદ કે પોલાદ મેળવી અથવા કાચા લોહમાં રદ્દી લોખંડ કે છિદ્રિષ્ઠ લોહનું મિશ્રણ કરી વિવિધ જાતનાં પોલાદ તેમજ પોલાદની ઉપયોગી વસ્તુઓનું ઉત્પાદન કરે છે. આ ઉદ્યોગ ગણનાપાત્ર સંખ્યામાં ઇજનેરો, તજ્જ્ઞો, ધાતુ કર્મચારીઓ, વ્યાવસાયિકો તેમજ કારીગરો અને મજૂરોને રોજગારી પૂરી પાડે છે. તેનાં અવશિષ્ટ પાણી તેમજ વાયુ પ્રદૂષણ કરે છે, તેથી કારખાનાની આસપાસની વસ્તી માટે તે અસુખદાયક ગણાય છે. તેના પર પર્યાવરણનાં નિયંત્રણો રાખવામાં આવે છે.
આશરે 3,000 વર્ષ પહેલાં મધ્ય ભારતમાં આદિવાસી પ્રજા દ્વારા દેશી ભઠ્ઠીઓમાં કાચું લોહ ગાળવામાં આવતું હતું તેવી માહિતી ઉપલબ્ધ છે. ઉત્તર ભારતમાં આશરે ઈ.પૂ. 1,000 વર્ષ પહેલાં અને દક્ષિણ ભારતમાં આશરે 500 વર્ષ પહેલાં લોખંડનું ઉત્પાદન થતું હશે તેવું અનુમાન છે. ઈ. પૂ. 310ના વર્ષમાં પુષ્કર્ણ, રાજસ્થાનના રાજા ચંદ્રવર્મનના સમયમાં દિલ્હીનો વિશ્વવિખ્યાત લોહસ્તંભ સ્થાપવામાં આવ્યો હતો. 6.7 મીટર ઊંચાઈ, 42 સેન્ટિમીટર પાયાની અને 32 સેન્ટિમીટર ટોચની પહોળાઈ ધરાવતા આ લોહસ્તંભમાં 99.72 ટકા શુદ્ધ લોહ અને શેષ ભાગમાં કાર્બન, ગંધક અને ફૉસ્ફરસની અશુદ્ધિઓ મળી આવી છે. 1,700 વર્ષ પછી પણ તેને કાટ લાગ્યો નથી તે ભારતીય કારીગરોની ઊંચી કાર્યક્ષમતાનું પ્રતીક છે. ઈ. સ.ની પાંચમી સદીમાં ભારતમાં બનેલ લોખંડની તલવારો ઈરાન તેમજ મધ્યપૂર્વના દેશોમાં નિર્યાત થતી હતી તેવી માહિતી મળે છે. ત્યારબાદ સૈકાઓ સુધી ભારતના લોહ ઉદ્યોગ વિશે કોઈ વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ નથી. અંગ્રેજોના આગમન સાથે ભારતમાં લોખંડ તેમજ પોલાદની વપરાશનો આરંભ થયો હશે તેમ અનુમાન કરી શકાય.
1830માં મદ્રાસની દક્ષિણે પૉર્ટનૉવો નામના બંદરી નગરમાં જોષિયા હીથે બળતણ માટે લાકડાં અને યંત્રો ચલાવવા માટે બળદશક્તિનો ઉપયોગ કરી લોખંડના સળિયા બનાવવાના કારખાનાનો આરંભ કર્યો હતો. 1846માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેનો વહીવટ સંભાળ્યો હતો, પરંતુ તેમાં સુધારો ન થતાં એકમ બંધ કરવો પડ્યો હતો. 1853માં ઈસ્ટ ઇન્ડિયા આયર્ન કંપનીએ દક્ષિણ આર્કોટ અને કોઇમ્બતુરમાં વાતભઠ્ઠીઓની સ્થાપના કરી હતી, જે પાછળથી બંધ પડી હતી. 1874માં બૅંગાલ આયર્ન વર્કસે કુલ્દી, આસનસોલ(પશ્ચિમ બંગાળ)માં ખનિજ-કોલસાનો ઉપયોગ કરી પદ્ધતિસર કાચું લોહ ગાળવાનો પ્રારંભ કર્યો હતો. 1882માં સરકારે તેનો કબજો લઈ તેનું નામ બારકાર આયર્ન વર્કસ રાખ્યું હતું. 1889માં તેને બૅંગાલ આયર્ન ઍન્ડ સ્ટીલ કંપનીએ ખરીદ્યું હતું. 1905 સુધી તેને પોલાદ બનાવવાના અખતરામાં સફળતા મળી ન હતી. 1892માં કોસિપોર પશ્ચિમ બંગાળમાં શરૂ થયેલ લોખંડના કારખાનાનું ઇચાપોરમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
1889માં સ્વ. જમશેદજી ટાટાએ ભારતનું પ્રથમ પોલાદનું કારખાનું સ્થાપવાની પરિયોજના તૈયાર કરી હતી. તેમના મૃત્યુ બાદ 1907માં ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. 1908માં કંપનીએ એક અમેરિકન કંપનીના તકનીકી સહયોગથી સકચી(પાછળથી જમશેદપુર)બિહારમાં પોલાદનું કારખાનું સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. તેમણે 1911માં કાચું લોહ અને 1913માં પોલાદના ઉત્પાદનની શરૂઆત કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લોખંડની આયાત મુશ્કેલ બનતાં કંપનીએ 1908માં ઉત્પાદનક્ષમતા 4.5 લાખ ટન સુધી વધારી હતી. તે જ વર્ષમાં કેટલાક બ્રિટિશરોએ વાર્ષિક 3.60 લાખ ટન કાચા લોહની ઉત્પાદનક્ષમતા ધરાવતા ઇન્ડિયન આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની લિમિટેડ(ઇસ્કો)ની હીરપુર(હાલ બર્નપુર)પશ્ચિમ બંગાળમાં સ્થાપના કરી હતી. તેનો આશય કાચા લોહની બ્રિટન તેમજ જાપાનમાં નિકાસ કરવાનો હતો. 1918માં મૈસૂરના મહારાજાએ જાહેર ક્ષેત્રના લોખંડના પ્રથમ કારખાનાની મૈસૂર આયર્ન ઍન્ડ સ્ટીલ વર્કસની ભદ્રાવતી-કર્ણાટકમાં સ્થાપના કરી હતી. ચારકોલનો ઉપયોગ કરતા આ કારખાનાની કાચા લોહની વાર્ષિક ઉત્પાદનક્ષમતા 86,000 ટન હતી. 1923માં તેણે ઉત્પાદનની શરૂઆત કરી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થતાં જ ભારતનું બજાર સસ્તા પોલાદથી ઊભરાવા લાગ્યું હતું. લોખંડ ઉદ્યોગની આરક્ષણની વિનંતીને અનુસરીને સરકારે સ્ટીલ ઇન્ડસ્ટ્રી (પ્રૉડક્શન) કાયદા હેઠળ પોલાદની કેટલીક જાતો પર આયાત-જકાત અને કેટલીક પર રોકડ સહાયનો આરંભ કર્યો હતો. લોખંડ-ઉદ્યોગને મળેલ આરક્ષણો સમયાંતર પરિવર્તનો સાથે 1947 સુધી ચાલુ રહ્યાં હતાં.
1936માં મૈસૂર આયર્ન ઍન્ડ સ્ટીલ વર્કસે વાર્ષિક 30,000 ટન ઉત્પાદનક્ષમતા સાથે પોલાદનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તે જ વર્ષમાં સ્થગિત થયેલ બૅંગાલ આયર્ન ઍન્ડ સ્ટીલ કંપનીનું ઇસ્કોમાં વિલીનીકરણ થયું હતું. 1937માં ઇસ્કોમાં બનતા કાચા લોહમાંથી પોલાદ બનાવવા માટે ધ સ્ટીલ કૉર્પોરેશન ઑવ્ બંગાળ નામની કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. 1939માં ટીસ્કોએ ઉત્પાદન-ક્ષમતા વાર્ષિક 8 લાખ સુધી વધારી હતી. તે સમયે બ્રિટિશ સામ્રાજ્યમાં સૌથી વધુ ઉત્પાદનક્ષમતા ધરાવતા ટીસ્કોનો ઉત્પાદનખર્ચ વિશ્વભરમાં સૌથી નિમ્ન અંદાજવામાં આવતો હતો. 1939-40માં વાર્ષિક 10.70 લાખ ટન પોલાદના ઉત્પાદન સાથે ભારતે વિશ્વમાં આઠમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલાદની વધતી જતી માગ અને આયાતની સીમિતતાને કારણે ઉદ્યોગના વિકાસની તકો ઉજ્જ્વળ બની હતી; પરંતુ જૂની-પુરાણી યંત્રસામગ્રી તેમજ તકનીકી, આધુનિકીકરણ માટે આવશ્યક બહોળા મૂડીરોકાણની તંગી વગેરેને કારણે તે શક્ય બની શક્યું ન હતું. 1945માં સરકારે નીમેલ જીનવાલા પૅનલે લોખંડના કાર્યરત એકમોનું વિસ્તૃતીકરણ અને વાર્ષિક 5 લાખ ટન પોલાદની ઉત્પાદન-ક્ષમતા ધરાવતાં બે કારખાનાંઓ સ્થાપવાની ભલામણ કરી હતી. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતની સરકારે 10 વર્ષમાં ખાનગી લોહ-એકમોનું રાષ્ટ્રીયકરણ કરવાની અને નવા એકમો ફક્ત જાહેર ક્ષેત્રમાં સ્થાપવાની નીતિ જાહેર કરી હતી, જેને પરિણામે ખાનગી ઉદ્યોગે લોહઉદ્યોગ પ્રત્યે નિરુત્સાહ દર્શાવ્યો હતો. વળી પોલાદના ભાવો તેમજ વિતરણ પરનાં નિયમનો ચાલુ રહેતાં વ્યાપારી જગતમાં નિરુત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી તુરત જ પોલાદનાં નવાં કારખાનાં સ્થાપવામાં આવ્યાં હોત અથવા વિદ્યમાન એકમોને વિસ્તરણ તેમજ આધુનિકીકરણની મંજૂરી અપાઈ હોત તો આશરે 50થી 60 ટકા ઓછા ખર્ચે તે કાર્ય કરી શકાયું હોત. ઉપરાંત બીજી પંચવર્ષીય યોજના દરમિયાન પોલાદની આયાત પર કરવા પડેલ ગણનાપાત્ર હૂંડિયામણખર્ચમાં બચાવ કરી શકાયો હોત. બિનઅનુભવી સરકારના વિશાળ પોલાદનાં કારખાનાંનાં આયોજન અંગે વ્યાવસાયિક દૃષ્ટિનો અભાવ, અપૂરતી મૂડીરોકાણ-વ્યવસ્થા, વિકસિત દેશોની તકનીકી તેમજ નાણાકીય સહાય પૂરી પાડવાની આશંકા વગેરેને પરિણામે લોહ ઉદ્યોગની ઉત્પાદનક્ષમતામાં પ્રથમ બે પંચવર્ષીય યોજનાઓ દરમિયાન નોંધપાત્ર પ્રગતિ સાધી શકાઈ ન હતી.
1953માં કેન્દ્ર સરકારે હિંદુસ્તાન સ્ટીલ લિમિટેડની સ્થાપના કરી હતી. તેણે જર્મનીની ક્રપ અને દીમાગ પેઢીઓ સાથે તકનીકી સહયોગ સાધીને રૂરકેલા-ઓરિસામાં લોખંડનું કારખાનું સ્થાપવાનો નિર્ણય લીધો હતો; પરંતુ પરિયોજનાનાં કદ તેમજ મૂડીરોકાણ વિશે અનિર્ણાયકતા અને વિશાળ સંકુલ માટે આવશ્યક આંતરમાળખાકીય સવલતોની ગોઠવણમાં ભારે વિલંબનો અનુભવ થયો હતો. 1955-56 દરમિયાન રશિયન તકનીકી તેમજ નાણાકીય સહયોગથી ભિલાઈ-મધ્યપ્રદેશમાં પોલાદનું કારખાનું સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે જ વર્ષમાં બ્રિટિશ સંસ્થાઓ પાસેથી તકનીકી સહયોગ મેળવીને દુર્ગાપુર-પશ્ચિમ બંગાળમાં જાહેર ક્ષેત્રનું ત્રીજું પોલાદનું કારખાનું શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એપ્રિલ 1957માં આ બંને કારખાનાં હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ હસ્તક મૂકવાનો નિર્ણય લેવાયો હતો. 1959ના અરસામાં આ કારખાનાંઓએ ઉત્પાદનનો આરંભ કર્યો હતો, પરંતુ સરકારનાં વિવિધ ખાતાંઓ વચ્ચે સંકલનનો અભાવ, લોહઅયસ્ક, ચૂનો, કોક વગેરે આવશ્યક કાચો માલ નિયમિત અને સમયસર ઉપલબ્ધ થવાની મુશ્કેલીઓ, અનુભવી કર્મચારીઓની અછત વગેરેને કારણે જાહેરક્ષેત્રના એકમો ઉત્પાદનલક્ષ્યાંક સાધવામાં અસફળ રહ્યા હતા.
ત્રીજી અને ચોથી પંચવર્ષીય યોજનાઓમાં વિદ્યમાન લોખંડનાં કારખાનાંઓનું વિસ્તૃતીકરણ તેમજ સેલમ (તામિલનાડુ), હોસ્પેટ (કર્ણાટક) અને વિશાખાપટનમ્(આંધ્રપ્રદેશ)માં નવાં કારખાનાંઓ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું હતું; પરંતુ પરિયોજનાઓનો ક્ષતિયુક્ત અભિગમ, આધુનિકીકરણ તેમજ નવીન એકમો માટે આવશ્યક વિદેશી હૂંડિયામણની તંગી, અસંતોષકારક આંતરમાળખું વગેરેને કારણે તેના અમલમાં ઠીકઠીક વિલંબ થયો હતો. વળી સરકારને પ્રાદેશિક દબાણોને વશ થઈ આર્થિક તેમજ તકનીકી અને વ્યાવસાયિક ધોરણોની અવગણના કરી કારખાનાંઓનાં સ્થળોની પસંદગી કરવાની ફરજ પડી હતી. વળી વિદ્યમાન પોલાદના એકમોનાં આયોજનમાં ગ્રાહકોની માગની અવજ્ઞા કરીને ઉત્પાદન કરાયેલ વિવિધ લોખંડની જાતોની સહાય નીચે નિર્યાત કરવાની આવશ્યકતા બની રહી હતી. તેવી જ રીતે ભારે માગવાળી વસ્તુઓના ઉત્પાદનના અભાવને કારણે તેમની ઊંચી કિંમતે આયાત કરવી પડતી હતી. આ પરિસ્થિતિ સુલઝાવવા માટે અને ઉત્પાદનવૃદ્ધિને પ્રોત્સાહન આપવા સરકારે પોલાદના ભાવોમાં વૃદ્ધિ, ગ્રાહકાભિમુખી વિસ્તરણ પદ્ધતિ, રદ્દી લોખંડની નિકાસ પર પ્રતિબંધ તથા મીની સ્ટીલ એકમોને કારખાનાં સ્થાપવાના પરવાના આપવાની નીતિ અપનાવી હતી. વળી વિદ્યમાન એકમો માટે યંત્રોના ભાગો, કાચો માલ તેમજ બીજી જરૂરિયાતો પૂરી પાડવા માટે વિદેશી હૂંડિયામણ સુલભ કરવાનો નિર્ણય પણ લીધો હતો.
24 જાન્યુઆરી 1973ના દિવસે ભારતના પોલાદ ઉદ્યોગનો સુસંકલિત વિકાસ સાધવાના હેતુથી સરકારે સ્ટીલ ઑથૉરિટી ઑવ્ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. તેનું કાર્ય (1) ભારતમાં લોહઉદ્યોગનો સંતુલિત વિકાસ, (2) કાચો માલ પૂરા પાડતા ઉદ્યોગો સાથે સંકલન, (3) જાહેર તેમજ ખાનગી ક્ષેત્રના પોલાદ ઉદ્યોગના એકમો પર દેખરેખ અને (4) લોખંડના ભાવો તેમજ વિતરણનીતિ માટે જરૂરી પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સેઈલના વહીવટ માટે એક સંચાલનમંડળની નિમણૂક કરવામાં આવી હતી. સેઈલે દેશની લોહ તેમજ પોલાદની વધતી જતી માગને સંતોષવા દુર્ગાપુર, રૂરકેલા, બોકારો જેવા વિદ્યમાન એકમોના વિસ્તરણનો નિર્ણય લીધો હતો. દુર્ગાપુરમાં મિશ્ર પોલાદ અને સેલમ(તામિલનાડુ)માં કાટરોધી પોલાદનાં કારખાનાં તેમજ વિશાખાપટનમ્(આંધ્રપ્રદેશ)માં રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડની સ્થાપના કરી પોલાદનું અદ્યતન કારખાનું સ્થાપવાનું આયોજન કર્યું હતું. ખાનગી ક્ષેત્રના ટીસ્કોને પણ વિસ્તરણ માટે મંજૂરી આપી હતી; પરંતુ યંત્રસામગ્રીના સંપાદનમાં ભારે વિલંબ, આંતરમાળખાકીય સવલતો તેમજ સંકલનનો અભાવ વગેરેને કારણે કારખાનાંઓમાં, ખાસ કરીને વિશાખાપટનમના, ઉત્પાદનમાં આરંભમાં ભારે વિલંબ થયો હતો. વિશાખાપટનમમાં ઉત્પાદન 1992માં શરૂ કરી શકાયું હતું.
ભારતના સંકલિત લોહ-પોલાદ ઉદ્યોગના એકમોની માહિતી સારણી 1માં પ્રસ્તુત કરી છે.
આ ઉપરાંત સેઇલના ગૌણ એકમો મહારાષ્ટ્ર ઇલેક્ટ્રૉસ્મેલ્ટ લિમિટેડ (ચંદ્રપુર, મહારાષ્ટ્ર), ફેરો મગેનીઝ અને ઉજ્જૈન પાઇપ ઍન્ડ ફાઉન્ડ્રી લિમિટેડ વિવિધ જાતનાં પોલાદ અને પાઇપો વગેરે આનુષંગિક વસ્તુઓનું ઉત્પાદન કરે છે.
વીજભઠ્ઠી તેમજ પ્રેરણભઠ્ઠીઓનો ઉપયોગ કરતા મીની સ્ટીલ પ્લાન્ટ તરીકે પ્રચલિત એકમો દેશના પોલાદના ઉત્પાદનમાં ગણનાપાત્ર ફાળો આપે છે. સામાન્ય રીતે તે સંકલિત ઉદ્યોગો તેમજ બજારમાંથી કાચું લોહ, રદ્દી લોખંડ, છિદ્રિષ્ઠ લોહ, મૃદુ લોખંડ, બિલેટ્સ સેમીસ વગેરે ઉપલબ્ધ કરી છિદ્રિષ્ઠ લોહ તેમજ પોલાદ, વિશિષ્ટ પોલાદ, મિશ્ર પોલાદ, સળિયા, પતરાં, પાટો વગેરેનું ઉત્પાદન કરે છે. કેટલાક મીની સ્ટીલ એકમો જેવા કે માલવિકા સ્ટીલ અને ઉષા ઇસ્પાત, તાતા કૉર્ફ લિમિટેડ પાસેથી આધુનિક તકનીકી જ્ઞાન પ્રાપ્ત કરીને કાચા લોહનું પણ ઉત્પાદન કરે છે. મીની સ્ટીલના અગ્રણી એકમોમાં એસાર સ્ટીલ લિમિટેડ, જિંદાલ સ્ટીલ, લૉઇડ્સ સ્ટીલ, ઉષા ઇસ્પાત, ઉત્તમ સ્ટીલ, ભૂષણ સ્ટીલ, મહિન્દ્ર યુજીન, કલ્યાણી કાર્પેન્ટર વગેરેને ગણી શકાય.
ભારતના પોલાદ તેમજ પોલાદની વસ્તુઓના ઉત્પાદનમાં મીની સ્ટીલ ઉદ્યોગનો ફાળો આશરે 37 ટકા અંદાજવામાં આવે છે. છેલ્લાં 80 વર્ષોમાં ભારતે લોહ-પોલાદના ઉત્પાદનમાં કરેલ પ્રગતિ નીચેની સારણી 2માંથી જાણી શકાશે :
ઉપરની સારણી પરથી વિદિત થશે કે 1912-13માં ફક્ત 1 લાખ ટન પોલાદની સરખામણીમાં ભારતે 2002-03માં 329.30 લાખ ટન પોલાદનું ઉત્પાદન કરી વિશ્વમાં આઠમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1990-91 પછીની ગણનાપાત્ર વૃદ્ધિનું શ્રેય સરકારની પરવાના-પદ્ધતિને રુખસદ, ભાવો તથા વિતરણ પરના અંકુશ તેમજ વહનશુલ્ક સમકારકતા ફંડ અને પોલાદ વિકાસ ફંડની નાબૂદી તથા આયાતમાં છૂટ વગેરેને આપી શકાય.
ભારતના પોલાદ-ઉદ્યોગનું માગ-પુરવઠાનું વલણ તેમજ આયાત-વિકાસની માહિતી નીચેની સારણી 3માં આપી છે :
ઉપરની સારણી પરથી જાણી શકાશે કે ભારતમાં પોલાદના ઉત્પાદનમાં છેલ્લાં પાંચ વર્ષમાં 38 ટકા વૃદ્ધિ થઈ છે. વળી અંદાજી વપરાશમાં 33 ટકા વધારો થયો છે. પોલાદની આયાતમાં ખાસ વૃદ્ધિ નોંધાઈ ન હતી; પરંતુ નિકાસમાં આશરે 77 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે.
2000-01ના વર્ષ દરમિયાન પોલાદ-ઉદ્યોગે ઉત્પન્ન કરેલ વિવિધ વસ્તુઓની માહિતી નીચેની સારણી 4માં દર્શાવી છે :
પોલાદ-ઉદ્યોગના મહત્વના વિભાગોની માહિતી નીચે સંક્ષિપ્તમાં આપી છે :
લોહઅયસ્ક : ભારતમાં હેમેટાઇટ અયસ્કનો આશરે 1,231 કરોડ ટન અને મૅગ્નેટાઇટ અયસ્કનો 539 ટન તેમજ બીજા અયસ્ક મળીને કુલ લોહઅયસ્કોનો જથ્થાનો અંદાજ આશરે 1,770 કરોડનો આંકવામાં આવે છે. હાલના વપરાશને ધ્યાનમાં લેતાં આ જથ્થો બીજા 100 વર્ષ સુધી ચાલી શકે તેવું અનુમાન છે. ઊંચી કક્ષાનું લોહઅયસ્ક ભીલાડીલા, છત્તીસગઢ, બેલારી, હોસ્પટ અને ઝારખંડમાંથી ઉપલબ્ધ થાય છે. લોહઅયસ્કની ખાણો મુખ્યત્વે બિહાર, ઓરિસા, ઝારખંડ તથા મધ્યપ્રદેશના સીમા વિસ્તારો તથા દક્ષિણ કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરળ અને રાજસ્થાનમાં મળી આવે છે. લોહઅયસ્ક ખનનપ્રવૃત્તિમાં મહત્વના
એકમોમાં જાહેર ક્ષેત્રમાં સેઈલ, નૅશનલ મિનરલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, કુદ્રેમુખ આયર્ન ઓર કંપની અને ખાનગી ક્ષેત્રમાં ટીસ્કો તથા સેસાગોવાને ગણી શકાય. 1999-2000ના વર્ષમાં ભારતમાં 734.7 લાખ ટન લોહઅયસ્કનું ખનન થયું હતું. તે જ વર્ષમાં 325 લાખ ટનની નિર્યાત મુખ્યત્વે જાપાન, ચીન, કોરિયા વગેરે દેશોમાં કરી હતી. 64 ટકાથી વધુ લોહ ધરાવતા લોહઅયસ્કની નિકાસ જાહેર ક્ષેત્રની મિનરલ ઍન્ડ મેટલ ટ્રેડિંગ કૉર્પોરેશન દ્વારા જ કરવામાં આવે છે.
છિદ્રિષ્ઠ લોહ : સંકલિત ઉદ્યોગમાંથી ઉપલબ્ધ થતું કાચું લોહ ગૌણ એકમોની માગ પૂરી કરવા અક્ષમ નીવડ્યું હતું. આ ઉદ્યોગ માટે આવશ્યક કાચું લોહ, રદ્દી લોખંડ કે છિદ્રિષ્ઠ લોહની ગણનાપાત્ર માત્રામાં આયાત કરવી પડતી હતી. આ મુશ્કેલી હલ કરવા માટે ભારતમાં છિદ્રિષ્ઠ લોહના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેના કારણે હવે 83થી 92 ટકા લોહઅયસ્કનું ઉત્પાદન થાય છે અને કાચા લોહના પ્રતિસ્થાપન તરીકે કાર્ય કરે છે. આરંભમાં ભારતના ઉદ્યોગો છિદ્રિષ્ઠ લોહ ઉત્પન્ન કરવા કોલસાનો બળતણ તરીકે ઉપયોગ કરતા હતા; પરંતુ કુદરતી વાયુ ઉપલબ્ધ થતાં તેનો ઉપયોગ પ્રચલિત બન્યો છે. કોલસા કરતાં કુદરતી વાયુ દ્વારા ઉત્પન્ન થયેલ છિદ્રિષ્ઠ લોહ વધુ સંગીનતા ધરાવતું હોવાથી તેની માગ પણ વધુ રહે છે. કોલસા-આધારિત એકમોની ઉત્પાદનક્ષમતા આશરે વાર્ષિક 1 લાખ ટન હોય છે; જ્યારે કુદરતી વાયુ-આધારિત એકમોની આશરે 10 લાખ ટન હોય છે. ભારતમાં હાલમાં 23 કોલસા-આધારિત અને 3 ગૅસ-આધારિત છિદ્રિષ્ઠ લોહનું ઉત્પાદન કરતા એકમો છે. 2000-01 દરમિયાન કુલ 64.79 લાખ ટન ઉત્પાદનક્ષમતા ધરાવતા ઉદ્યોગે આશરે 54.80 લાખ ટન છિદ્રિષ્ઠ લોહનું ઉત્પાદન કર્યું હતું. અપૂરતી માગને કારણે કેટલાક એકમો બંધ હાલતમાં છે. ઉદ્યોગના મહત્વના એકમોમાં એસાર સ્ટીલ લિમિટેડ, ઇસ્પાત ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ, વિક્રમ ઇસ્પાત લિમિટેડ વગેરેને ગણી શકાય.
દીર્ઘ વસ્તુઓ (Long products) : પોલાદના સમતલ, કોણાકાર, ગોળ, ચોરસ વગેરે વિવિધ ઘાટના લાંબા સળિયા કે પાટડા લોહ ઉદ્યોગમાં દીર્ઘ વસ્તુઓ તરીકે પ્રચલિત છે. દીર્ઘ વસ્તુઓનું ઉત્પાદન સંકલિત ઉદ્યોગો, મિની સ્ટીલ ઉદ્યોગ તેમજ રીરોલિંગ એકમો કરે છે. હાલમાં આશરે વાર્ષિક 81 લાખ ટન ઉત્પાદનક્ષમતા ધરાવતા 11.82 રીરોલિંગ એકમોમાંથી 438 બંધ હતા તેવી માહિતી મળે છે.
તપ્ત વેલ્લિત અને શીતવેલ્લિત કુંડળીઓ (hot and cold rolled coils) : પાટડાઓને તાપમાન આપીને બનાવાયેલ તપ્ત વેલ્લિત કૉઇલ મુખ્યત્વે ગૅસ-સિલિન્ડરો, ટ્યૂબો, પાઇપો, પીપો, મોટરના ભાગો, વહાણ-બાંધકામ, બૉઇલરો તથા ગૃહવપરાશની વસ્તુઓના ઉત્પાદનમાં વપરાય છે : શીત અવસ્થામાં તૈયાર કરાયેલ શીતવેલ્લિત કૉઇલ (coils) તપ્ત વેલ્લિત કરતાં નિમ્ન જાડાઈ ધરાવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે જસતી પતરાં, રેફ્રિજરેટર, વૉશિંગ મશીનો, બાઇસિકલો, સ્વચાલિત વાહનોના ભાગો તથા ગૃહવપરાશનાં સાધનો બનાવવામાં થાય છે. તેના મુખ્ય એકમોમાં સેઇલ, જિંદાલ, ભૂષણ સ્ટીલ, ઇસ્પાત ઇન્ડસ્ટ્રિઝ, ટીસ્કો વગેરે ગણાય છે. આ ઉદ્યોગના આશરે વાર્ષિક 61.80 લાખ ટન ઉત્પાદનક્ષમતા ધરાવતા 69 એકમોમાંથી 13 બંધ સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે.
જસતી પતરાં (galvanised sheets) : વાતાવરણના પ્રદૂષણ અને ક્ષારણથી સુરક્ષિતતા બક્ષવા લોખંડનાં પતરાંને પીગળેલ જસતની કૂંડીમાંથી પસાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે મકાન-બાંધકામ, સ્વચાલિત વાહનોના ભાગો તેમજ ગૃહવપરાશની વસ્તુઓ વગેરે બનાવવામાં થાય છે. જસતનાં પતરાંની આફ્રિકા તેમજ મધ્યપૂર્વના દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
મિશ્ર પોલાદ : સામાન્ય કે મૃદુ પોલાદ સાથે કાર્બન, ટંગસ્ટન, વેનેડિયમ, ક્રોમિયમ, નિકલ, ઝિંક વગેરે મિશ્ર કરીને વિવિધ ઓજાર, બીબાં, બેરિંગ વગેરે માટેની તેમજ કાર્બન, સર્પિલ અને ઉચ્ચગતિક્ષમ પોલાદની જાતો બનાવવામાં આવે છે.
કાટરોધી પોલાદ : પોલાદમાં ક્રોમિયમ અને નિકલ, વેનેડિયમ વગેરે ધાતુઓ મિશ્ર કરી કાટરોધી પોલાદ બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે વાસણો, ગૃહવપરાશની વસ્તુઓ, શલ્યક્રિયાનાં સાધનો, ઓજારો વગેરે બનાવવામાં થાય છે. સેઇલ સેલમ, તામિલનાડુમાં સ્થાપેલ કારખાનું કાટરોધી પોલાદનું મહત્તમ ઉત્પાદન કરે છે. આ ઉપરાંત સંખ્યાબંધ એકમો રદ્દી કાટરોધી પોલાદમાં આવશ્યક ધાતુઓ ઉમેરી પુનશ્ર્ચક્રણ કરી નિમ્ન કક્ષાનું કાટરોધી પોલાદ બનાવે છે. આ ઉદ્યોગના મહત્વના એકમોમાં સેઇલ, મુકુંદ આયર્ન, મરડિયા સ્ટીલ, સન ફ્લૅગ આયર્ન ઍન્ડ સ્ટીલ, ગેસ્ટ, ક્લીન ઍન્ડ વિલિયમ વગેરેને ગણી શકાય.
વિશ્વનો પોલાદ-ઉદ્યોગ અત્યારે મંદીની અસર નીચે છે. 2002માં વિશ્વના સમગ્ર લોહ ઉદ્યોગની 106.8 કરોડ ટન ઉત્પાદનક્ષમતામાંથી 83.5 કરોડ ટન પોલાદનું ઉત્પાદન થયું હતું, જેમાંથી 72.1 કરોડ ટનની વપરાશ અંદાજવામાં આવી હતી. આ જોતાં વિશ્વનો લોહ ઉદ્યોગ ફક્ત 67.5 ટકા ઉત્પાદનક્ષમતાનો ઉપયોગ કરવાની ક્ષમતા દર્શાવતો હતો. આ મંદીનો પ્રશ્ર્ન હલ કરવા વિશ્વના 30 દેશોના લોહઉદ્યોગપતિઓએ પોલાદના ઉત્પાદનમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ અમેરિકા જેવો દેશ એકહથ્થુ રસમ અપનાવી ડમ્પિંગ વિરોધી પગલાં લે તો આ સમજૂતીનું પાલન નહિ કરવાનો પણ નિર્ણય લીધો હતો. વિશ્વના મહત્તમ ઉત્પાદકો પુરાણી તકનીકી અપનાવી રહ્યા છે; પરિણામે તેમનું ઉત્પાદનખર્ચ ઊંચું આવે છે. વળી આ ઉદ્યોગના આધુનિકીકરણ માટે ગણનાપાત્ર મૂડીરોકાણની આવશ્યકતા પણ એક મોટી સમસ્યા ખડી કરે છે.
ભારતના આયોજન પંચનાં મંતવ્યો અનુસાર દેશની પોલાદની માગ 2006-07 સુધીમાં 480 લાખ પહોંચવાનો અંદાજ છે; જે દેશના ગતિશીલ ઔદ્યોગિકીકરણ તેમજ આર્થિક વિકાસને લક્ષમાં રાખીને કરવામાં આવ્યો છે. ભારત પાસે ગણનાપાત્ર લોહઅયસ્કનો જથ્થો અને વધતી જતી સ્થાનિક માગના કારણે દેશને વિશ્વની મંદીની અસર ઓછી રહેશે તેવી આશા રાખવામાં આવે છે. તે માટે ભારતના પોલાદ-ઉદ્યોગે વિશ્વકક્ષાએ સ્પર્ધાત્મકતા જાળવવા વ્યાવસાયિક આયોજન-પદ્ધતિ, અદ્યતન તકનીકી, આંતરમાળખાકીય સવલતોમાં સંકલન, કારીગરોની ઉત્પાદનક્ષમતામાં વૃદ્ધિ વગેરે બાબતો પર ખાસ ધ્યાન આપવાની આવશ્યકતા છે.
ભારતમાં પોલાદનો વાર્ષિક માથાદીઠ વપરાશ આશરે 27 કિલોગ્રામ અંદાજવામાં આવે છે. જ્યારે અમેરિકામાં તે 395 કિલોગ્રામ, યુરોપમાં 289 કિલોગ્રામ, ચીનમાં 120 કિલોગ્રામ અને વિશ્વની સરેરાશ 140 કિલોગ્રામ અંદાજવામાં આવે છે.
વિશ્વના સૌથી ઓછું ઉત્પાદન-ખર્ચ દર્શાવતા એકમોમાં કોરિયાના પોસ્કો અને ચીનના બાસ્કો સ્ટીલ પછી ટીસ્કો, ભારતનો ત્રીજો ક્રમ આવે છે.
જિગીષ દેરાસરી