લોહઅયસ્ક (iron-ores)

લોહધાતુધારક ખનિજો. લોખંડ એ માનવ-વપરાશમાં લેવાતી ધાતુઓ પૈકીની રોજિંદા ઉપયોગની ધાતુ છે. પોપડાના દ્રવ્યબંધારણમાં વિપુલતા ધરાવતાં તત્ત્વો પૈકી સિલિકોન અને ઍલ્યુમિનિયમ પછી લોખંડનો ક્રમ આવે છે. તે પોપડાના દ્રવ્યનો 5.05 % હિસ્સો આવરી લે છે. ઉલ્કાઓ અને કેટલાક પ્રસ્ફુટિત ખડકોને બાદ કરતાં કુદરતમાં તે જવલ્લે જ પ્રાકૃત (native) સ્વરૂપમાં મળે છે. પોપડાના મોટાભાગના ખડકબંધારણમાં તે ઑક્સાઇડ અને સિલિકેટ રૂપે રહેલું હોય છે. આ સંદર્ભમાં લોહઅયસ્ક તેને કહેવાય જે આર્થિક રીતે ખનનયોગ્ય અને નફાકારક લોહધારક ખનિજ કે પાષાણ રૂપે મળતું હોય. લોહઅયસ્કનાં સંકેન્દ્રણો કે વિશાળ જથ્થાઓને લોહઅયસ્ક નિક્ષેપો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક રીતે પરવડે અને નફાકારક બની રહે એવા ખનનયોગ્ય લોહઅયસ્ક નિક્ષેપો માટે ભૌગોલિક સ્થાન, ગુણવત્તા, જથ્થો, સજ્જીકરણ, હેરફેર માટેનાં વાહનો તથા માંગ-પુરવઠો વગેરે બાબતો લક્ષમાં લેવામાં આવે છે. આ ઉપરાંત લોખંડની ક્રમશ: વધતી ગયેલી માંગ અને આયાત-નિકાસ હેરફેર માટે દેશ-વિદેશની સરકારી નીતિ પર લોહઅયસ્કની નવી ખાણો શરૂ કરવાનું અવલંબે છે.

1990માં થયેલું દુનિયાભરનું લોહઅયસ્કનું કુલ ઉત્પાદન 1 અબજ 80 લાખ ટન જેટલું હતું, તેમાં ભારતનો હિસ્સો 5.55 કરોડ ટન (5.5 %) જેટલો હતો અને ત્યારે ઉત્પાદનમાં ભારતનો છઠ્ઠો ક્રમ હતો. દુનિયાભરનો લોહઅયસ્કના અનામત જથ્થાનો અંદાજ આશરે 250 અબજ ટન જેટલો મૂકવામાં આવેલો છે.

દુનિયામાં ખનન થતા વિશેષ મહત્વના લોહઅયસ્ક નિક્ષેપો ઉત્તર અમેરિકાનાં મોટાં સરોવરો(Great Lakes)ના વિસ્તારમાં આવેલા છે. આ વિસ્તારમાં યુ.એસ. અને કૅનેડાનો સમાવેશ થાય છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ (મિનાસ જેરાઇસ), વેનેઝુએલા (સંપૂર્ણપણે લોહઅયસ્કથી બનેલો સેરો બોલિવર પર્વત) અને બોલિવિયા સમૃદ્ધ લોહઅયસ્ક નિક્ષેપો ધરાવે છે. વિપુલ જથ્થાવાળા નિક્ષેપો પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના હૅમરસ્લે થાળામાં, યુક્રેન વિસ્તારમાં તથા ભારતના બિહાર-ઓરિસા-મધ્યપ્રદેશમાં પણ છે. ઈશાન ચીનમાં થોડી ઊતરતી ગુણવત્તાવાળા નિક્ષેપો ચીનને પૂરતો પુરવઠો પૂરો પાડે છે. આફ્રિકા ખંડના દક્ષિણ વિભાગમાં લોહઅયસ્કના જથ્થા ધરાવતા દેશો આવેલા છે. આ ઉપરાંત સ્વીડન, જર્મની, ફ્રાન્સ અને બ્રિટન પણ લોહઅયસ્કના નિક્ષેપો ધરાવે છે. આ પૈકીના કેટલાક દેશોએ ઊંચી ટકાવારીવાળા નિક્ષેપો વાપરી નાખ્યા છે, તેથી હવે તેનાથી ઊતરતી કક્ષાનાં અયસ્ક વિકસિત તકનીકી દ્વારા ઉપયોગમાં લઈ રહ્યા છે. નવા શરૂ કરવામાં આવતા પોલાદ ઉદ્યોગોને જરૂરી પુરવઠો પૂરો પાડવા માટે પણ લોહઅયસ્ક ક્ષેત્રોમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

માઇનિંગ એન્જિનિયરિંગ જર્નલ, ઇન્ડિયામાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર દુનિયાના કેટલાક દેશોનું 2000 અને 2001નું લોહઅયસ્કનું ઉત્પાદન નીચે પ્રમાણે છે (ઉત્પાદન ટનમાં) :

2000માં દુનિયાનું લોહ-પોલાદ ઉત્પાદન અંદાજે 84 કરોડ ટન જેટલું હતું, તે 2001માં ઘટ્યું છે. 2000-02નાં વર્ષોમાં ચીને દુનિયાભરમાં સ્ટેઇનલેસ સ્ટીલનું મહત્તમ ઉત્પાદન કર્યું છે; દુનિયાભરમાં થયેલા સ્ટેઇનલેસ સ્ટીલના કુલ ઉત્પાદનમાં ચીનનો આશરે 12 % જેટલો હિસ્સો રહ્યો છે. 2000-2002 મુજબ દુનિયાભરમાં લોહઅયસ્કની નિકાસ કરતા દેશોમાં બ્રાઝિલ પ્રથમ ક્રમે, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા બીજા ક્રમે (16.20 કરોડ ટન) અને ભારત ત્રીજા ક્રમે (4 કરોડ ટન) રહ્યા છે. 2010 સુધીમાં આ નિકાસના સંદર્ભમાં પશ્ચિમ ઑસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે આવી જાય એવી સ્થિતિ પ્રવર્તે છે. ઉપલબ્ધ માહિતી અનુસાર પશ્ચિમ ઑસ્ટ્રેલિયા 2010 સુધીમાં 24.8 કરોડ ટન લોહઅયસ્કની નિકાસ કરશે એવી શક્યતા મુકાઈ છે; આજે તેનું લોહઅયસ્ક ઉત્પાદન 5.5 કરોડ ટન સુધી પહોંચ્યું છે.

ઉત્પત્તિસ્થિતિ (mode of origin) : અઢળક જથ્થો ધરાવતા દુનિયાના લોહઅયસ્ક નિક્ષેપો બે અબજ કે તેથી વધુ વર્ષો અગાઉ નિમ્ન પ્રી-કૅમ્બ્રિયન કાળ દરમિયાન તૈયાર થયેલા છે. આ નિક્ષેપો આજે જ્યાં મળે છે ત્યાં છીછરા સમુદ્રો હતા. તેમનાં તળ પર લોહસંયોજનો ક્રમે ક્રમે જમાવટ પામતાં ગયેલાં. તેમની સાથે રેતી અને કાંપનું સૂક્ષ્મ કણદ્રવ્ય ઉમેરાતું રહીને છેવટે સખત ખનિજો(પાષાણ)માં ફેરવાયેલું. પોપડાના વિભાગોની સરકવાની અને વખતોવખત થયેલી ભૂસંચલનજન્ય ઘટનાઓને પરિણામે સમુદ્રો ત્યાંથી હઠી ગયા અને જમાવટો ઊંચકાઈ. પૃથ્વીના અમુક વિસ્તારોમાં આજે જે લોહઅયસ્ક જથ્થા મળે છે તે લોહસંયોજનોનાં સંકેન્દ્રણો જ છે. બીજા કેટલાક લોહઅયસ્ક જથ્થા પ્રસ્ફુટિત લાવાના ધીમે ધીમે ઠરવાથી તેમજ જળમાંનાં સૂક્ષ્મ જીવાણુઓમાંથી પણ બનેલા છે. આજે પણ કેટલાક પંકપ્રદેશોમાં તથા સમુદ્રકંઠારના રેતપટમાં લોહઅયસ્ક જથ્થા બનવાની ક્રિયા ચાલે છે.

વર્ગીકરણ : આંતરરાષ્ટ્રીય ભૂસ્તરીય પરિષદ તરફથી નિમાયેલી આંતરરાષ્ટ્રીય સમિતિએ દુનિયાભરનાં લોહઅયસ્કોનું નકશાકાર્ય તેમજ પ્રમાણભૂત વર્ગીકરણ પણ કરી આપેલું છે : (1) પટ્ટીદાર વિકૃત નિક્ષેપો (metamorphic banded deposits) : ભારતના મોટાભાગના લોહધાતુ-નિક્ષેપો આ પ્રકારના છે. તે લાક્ષણિકપણે જળકૃત, જ્વાળામુખીજન્ય-જળકૃત (volcano-sedimentary) અને વિકૃતિજન્ય ખડકો સાથે સંકળાયેલા છે. આ નિક્ષેપો સમૃદ્ધ લોહઅયસ્ક ધરાવે છે અને સિલિકાયુક્ત (ચર્ટ) પટ્ટાઓવાળા છે. સ્થાનભેદે આ પ્રકારના નિક્ષેપોનાં નામ જુદાં જુદાં છે; જેમ કે ઇતાબિરાઇટ્સ, ટૅકોનાઇટ્સ, જાસ્પિલાઇટ્સ, પટ્ટીદાર હેમેટાઇટ ક્વાર્ટ્ઝાઇટ્સ (BHQ), વિકૃતિજન્ય લોહઅયસ્ક વગેરે. ભારતમાં આ પ્રકારના નિક્ષેપો બિહાર-ઓરિસા પટ્ટામાં, મધ્યપ્રદેશ-બેલાડિલામાં તેમજ કર્ણાટકમાં જોવા મળે છે. પટ્ટીદાર મૅગ્નેટાઇટ કવાર્ટ્ઝાઇટ (BMQ) આ જ પ્રકારનું વિકૃતિજન્ય નિક્ષેપ-સ્વરૂપ છે. (2) ખંડીય જળકૃત નિક્ષેપો  (continental sedimentary deposits) : આ પ્રકારના નિક્ષેપો સ્વચ્છ જળમાં (નદીજન્ય, સરોવરજન્ય) અથવા ખારા જળમાં (કળણજન્ય, ખાડીસરોવરજન્ય) તૈયાર થયેલા હોવાનું માનવામાં આવે છે. રાણીગંજના લોહપાષાણ (ironstones) તથા ઔરંગાનાં કોલસાક્ષેત્રો આ પ્રકારનાં ઉદાહરણો છે. ગાડવાના ખડકોમાં સિડેરાઇટનાં પડ અને વીક્ષ (lenses) રૂપે આ નિક્ષેપો મળે છે, સપાટીસ્તર નજીક તે લિમોનાઇટમાં પરિવર્તન પામેલા છે. (3) દરિયાઈ જળકૃત નિક્ષેપો (marine sedimentary deposits) : આ પ્રકારમાં રવાદાર (oolitic) નિક્ષેપો, કણજન્ય નિક્ષેપો, ભૌતિક સંકેન્દ્રણો અને મિશ્ર પ્રકારો મળે છે. તેનો લાક્ષણિક પ્રકાર ફ્રાન્સના લૉરેઇનમાં જોવા મળે છે. કેરળના કંઠારપ્રદેશમાં મળતા ઇલ્મેનાઇટ-મૉનેઝાઇટ-મૅગ્નેટાઇટનાં ભૌતિક સંકેન્દ્રણો પણ આ પ્રકારનું ઉદાહરણ છે. (4) જ્વાળામુખી ભેદિત જળકૃત નિક્ષેપો (volcano sedimentary deposits) : ભૂસંનતિમય સંજોગો હેઠળ જામતા જળકૃત ખડકોમાં થતી મૅગ્માપ્રવૃત્તિ સાથે સંકળાયેલા નિક્ષેપો આ પ્રકારના હોય છે. તેમાં મળતાં લોહખનિજોનાં સ્તરબદ્ધ પડ દરિયાઈ જળકૃત ખડકો સાથે બનેલાં હોય છે. લદ્દાખના દ્રાસ વિસ્તારમાં આ પ્રકારના નિક્ષેપોનું નજીવું પ્રમાણ મળે છે. (5) મૅગ્માજન્ય નિક્ષેપો (magmatic deposits) : મૅગ્માની ઠરવાની પ્રારંભિક કક્ષાના સ્ફટિકીકરણ દરમિયાન ગુરુત્વસ્વભેદનથી નિર્માણ પામતા બેઝિક અંત:કૃત ખડકો સાથે આ પ્રકારના નિક્ષેપો બનતા હોય છે. ઓરિસાના મયૂરભંજ જિલ્લાનાં ટિટેનોવેનેડિયમધારક લોહધાતુખનિજો આ રીતે બનેલાં છે. (6) મૅગ્માજન્ય અંતર્ભેદિત નિક્ષેપો (intrusive magmatic deposits) : પ્રી-કૅમ્બ્રિયન ભૂકવચ(shield)ના આલ્કલાઇન ખડકો સાથે આ પ્રકાર સંકળાયેલો છે. સિંગભૂમના ઍપેટાઇટ-મૅગ્નેટાઇટ ખડકો આ પ્રકારના છે. (7) સંપર્કજન્ય કણશ: વિસ્થાપન નિક્ષેપો (contact metasomatic deposits) : ચૂનાખડકોમાં થતી ગ્રૅનાઇટ અંતર્ભેદનોની અસર હેઠળ પરિવર્તિત સંપર્કવિભાગો તૈયાર થતા હોય છે. આ પ્રકાર બહોળા પ્રમાણમાં વિતરણ પામેલો જોવા મળે છે. તેમાં મૅગ્નેટાઇટ મુખ્ય ખનિજ હોય છે. વિશાખાપટનમ્ (આંધ્રપ્રદેશ) તેમજ ઝારખંડના પાલામૌ જિલ્લાના મૅગ્નેટાઇટ નિક્ષેપો આ પ્રકારના છે. (8) બહુધાતુજન્ય સ્કાર્ન નિક્ષેપો (polymetallic skarn deposits) : આ પ્રકારના નિક્ષેપો પ્રાદેશિક વિકૃતિની અસર હેઠળ આવેલા જળકૃત નિક્ષેપો સાથે સંકળાયેલા હોય છે. ચૂનાખડક, ડૉલોમાઇટ અને કણજન્ય નિક્ષેપોના આંતરસ્તરોવાળા ઍસિડ જ્વાળામુખી ખડકોના તળભાગમાં આ પ્રકારના નિક્ષેપો મળે છે. યુ.એસ.માં યૂટાહ અને ન્યૂ મેક્સિકોનાં લોહઅયસ્ક આ પ્રકારનાં છે. ભારતમાં આ પ્રકારના નિક્ષેપો હોવાનું જાણવા મળેલ નથી.

ખનિજો : ભૂપૃષ્ઠમાં મળતાં વિવિધ લોહઅયસ્કોને મુખ્યત્વે ઑક્સાઇડ અને કાર્બોનેટ ખનિજોમાં વહેંચેલાં છે. (જુઓ સારણી 2).

આ ઉપરાંત પાયરાઇટ (FeS2 : 50 % Fe અને 50 % ગંધક; રંગ : સોનેરી પીળો; ચમક : ધાત્વિક) અને ટેકોનાઇટ (30 % Fe; ક્યારેક હેમેટાઇટ-મૅગ્નેટાઇટ કે તે બંનેના કણ પણ હોઈ શકે છે.) ખનિજો પણ ઉપયોગમાં લેવાય છે. રાતા રંગમાં મળતું ગેરુ (red ochre) એ હેમેટાઇટનું જ મૃણ્મય સ્વરૂપ છે. તે રંગવાના ઉપયોગમાં લેવાય છે. હેમેટાઇટ દુનિયાના મોટા ભાગના દેશોમાં મળે છે. હેમેટાઇટ શબ્દનો અર્થ ‘લોહી જેવું’ થાય છે.

ઉપયોગો : લોખંડનો સર્વપ્રથમ ઔદ્યોગિક ઉપયોગ ઈ. પૂ. 800માં થયો હોવાની નોંધ મળે છે. તે સમયથી ‘લોહયુગ’નો પ્રારંભ થયેલો ગણાય છે. પોલાદનું મહત્વ ઓગણીસમી સદીમાં વધ્યું ત્યારથી લોહયુગમાંથી પોલાદયુગનાં પગરણ મંડાયાં. લોહઅયસ્ક મુખ્યત્વે તો લોહધાતુ-પ્રાપ્તિ માટે જ ખોદી કાઢવામાં આવે છે; ભરતર લોખંડ, ઘડતર લોખંડ, પોલાદ અને મિશ્રધાતુઓ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. ઘરવપરાશનાં સાધનો, ઓજારો વગેરે કરતાં તો તે ઔદ્યોગિક ક્ષેત્રે વધુ ઉપયોગમાં લેવાય છે. તે બાંધકામમાં, ખેતીનાં સાધનોમાં, યંત્રો, યાંત્રિક વાહનો અને વિવિધ યંત્રસામગ્રી અને તેમના પુરજાઓમાં, રેલપાટા, રેલડબ્બા, એન્જિનો, વૅગનો, જહાજો તેમજ અનેક પ્રકારની નાની-મોટી ચીજવસ્તુઓ બનાવવામાં વપરાય છે.

ભારત : ભારતના લોહઅયસ્ક નિક્ષેપોને તેમની ઉત્પત્તિ અને ખનિજીકરણના સંદર્ભમાં નીચેના છ વિભાગોમાં વહેંચેલા છે : (1) પ્રી-કૅમ્બ્રિયન વયની  પટ્ટીદાર લોહયુક્ત રચના : ભારતના મુખ્ય લોહઅયસ્ક નિક્ષેપો આ ભૂસ્તરીય રચના સાથે સંકળાયેલા છે. તેમાં ધાતુખનિજો દળદાર, પડવાળાં તથા રજ (બ્લૂ ડસ્ટ) સ્વરૂપમાં મળે છે. (2) જળકૃત લોહઅયસ્ક : તે સિડેરાઇટ કે લિમોનાઇટ બંધારણવાળાં છે. આ પ્રકાર બિહાર અને પશ્ચિમ બંગાળનાં કોલસાક્ષેત્રોમાં તથા આસામની ટર્શિયરી રચનાના ખડકો સાથે મળે છે. (3) લૅટરાઇટજન્ય લોહઅયસ્ક : આ પ્રકાર ડેક્કન ટ્રૅપ રચના સાથે સંકળાયેલો છે અને બહોળા પ્રમાણમાં વિતરણ પામેલો છે. (4) ઍપેટાઇટ- મૅગ્નેટાઇટ નિક્ષેપો : આ પ્રકાર સિંગભૂમના તાંબા-પટ્ટા સાથે સંકળાયેલો છે. (5) ટિટેનિયમ-વેનેડિયમયુક્ત મૅગ્નેટાઇટ : આ પ્રકાર બિહારમાં સિંગભૂમના અગ્નિભાગમાં, ઓરિસાના મયૂરભંજ જિલ્લામાં તથા કર્ણાટકના તુમ્કુર જિલ્લામાં મળે છે. (6) સ્તરભંગ વિભાગો અને ફાટપૂરણીમાંના હેમેટાઇટ નિક્ષેપો : આંધ્રપ્રદેશના કુર્નૂલ અને કડાપ્પા જિલ્લાઓમાં આ પ્રકારે બનેલા હેમેટાઇટ નિક્ષેપો મળે છે.

ખનન પદ્ધતિઓ : લોહઅયસ્ક જથ્થાઓનું ખનન ખુલ્લી ખાણ-પદ્ધતિ (opencast mining) અને ભૂગર્ભીય ખાણપદ્ધતિ (underground mining) દ્વારા થાય છે. [જુઓ : ખાણ].

ખુલ્લી ખનનપદ્ધતિ : પોપડાના છીછરા ભાગોમાં રહેલા લોહઅયસ્કના જથ્થા આ પદ્ધતિ દ્વારા ખોદી કઢાય છે. નીચે રહેલા નિક્ષેપોને ખુલ્લા કરવા માટે સર્વપ્રથમ ભૂમિસપાટી પરના જમીનઆવરણ અને ખડકઆવરણને તોડતા જઈને બુલડોઝર તેમજ જરૂરી અન્ય સાધનો દ્વારા ત્યાંથી કાઢી લેવાય છે. બિનઉપયોગી આ ખડકઆવરણને અધિભાર (overburden) કહે છે. ત્યારબાદ ખુલ્લા થયેલા લોહઅયસ્કના દળને વિસ્ફોટકો દ્વારા તોડવામાં આવે છે. તોડેલા અયસ્કને ઊંટડાઓ સાથે જોડેલા રાક્ષસી પાવડાઓ મારફતે ટ્રકોમાં કે વૅગનોમાં ભરીને પ્રક્રમણસ્થાને પહોંચાડાય છે. દુનિયાનો મોટાભાગનો લોહઅયસ્ક જથ્થો ખુલ્લી ખાણોમાંથી જ મેળવાય છે. વિશાળ ખુલ્લી ખાણો ઘણા ચોકિમી. વિસ્તારમાં પથરાયેલી હોય છે. આ પૈકીની કેટલીક ખાણો 150 મીટર જેટલી ઊંડી પણ હોય છે.

ખુલ્લી ખનન પદ્ધતિ

ભૂગર્ભીય ખનનપદ્ધતિ : આ પ્રકારની ખાણોને કૂપ-ખાણો (shaft-mining) પણ કહે છે, તેમાં અયસ્ક જથ્થાઓવાળા ઊંડા ભાગોને ખોદીને બોગદાં બનાવાય છે. ખાણિયાઓ કૂપ મારફતે આવાં બોગદાંઓમાંથી અયસ્ક તોડવાનું કામ કરે છે. જુદી જુદી ઊંડાઈના સ્તરે બોગદાંઓ તૈયાર કરાય છે. તેમાંથી તોડેલો માલ અંદર નાખેલા રેલપાટાઓ પર વૅગનોની મદદથી કૂપ હેઠળ લાવી રાક્ષસી કદની ડોલ દ્વારા ઉપર લઈ જવાય છે અને ટ્રકો કે રેલમાર્ગે પ્રક્રમણસ્થાન પર પહોંચાડાય છે.

પ્રક્રમણ (processing) : અયસ્કને ખાણમાંથી બહાર કાઢ્યા પછી પ્રક્રમણની પદ્ધતિમાંથી પસાર કરી ઉપયોગમાં આવી શકે એવું લોખંડ બનાવાય છે. ઊંચી લોહમાત્રાવાળા અયસ્કને તોડી, કચરી, ચાળી, ધોઈને તેની સાથે સંકળાયેલા બિનઉપયોગી ખનિજદ્રવ્ય(tailings)ને અલગ પાડવામાં આવે છે. આ રીતે ભેગા કરેલા ઊંચી લોહમાત્રાવાળા અયસ્નકે સંકેન્દ્રણ (concentrate) કહે છે. મૅગ્નેટાઇટ, હેમેટાઇટ કે ટેકોનાઇટના સંકેન્દ્રણમાં મૃદ (clay) ભેળવી, ભીનું કરી ઘૂમતા નળાઓમાં મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણને ફેરવી ફેરવીને તેમાંથી 1.2થી 2.5 સેમી. વ્યાસના નાના નાના ગોળા બનાવાય છે. તે પછીથી તેમને સૂકવીને, શેકીને કઠણ સ્વરૂપ અપાય છે.

આ અયસ્ક ગોળામાંથી લોખંડ તૈયાર કરવા માટે તેમાં રહેલો ઑક્સિજન દૂર કરવો પડે છે. આ ક્રિયામાં ગરમી અને અપચાયકની જરૂર પડે છે. અપચાયક ઑક્સિજન સાથે સંયોજાય છે અને લોખંડ અલગ પડે છે.

ઉપયોગમાં લેવાતા લોહ અને પોલાદની અનેક જાતો છે. લોખંડની મુખ્ય બે જાત છે : ભરતર લોખંડ અને ઘડતર લોખંડ. કાર્બન પોલાદ, મિશ્રધાતુ પોલાદ, સ્ટેઇનલેસ સ્ટીલ અને ઓજારનું પોલાદ મુખ્ય જાતો છે.

ગિરીશભાઈ પંડ્યા