લોહીનું દબાણ (blood pressure)

નસની દીવાલના એકમ વિસ્તાર પર લોહી દ્વારા અપાતું બળ. તેને લોહીનો નસની દીવાલ પર થતો પાર્શ્વપ્રદમ (lateral pressure) પણ કહે છે. જ્યારે લોહીનું દબાણ 120 મિમી. પારો છે એવું કહેવામાં આવે ત્યારે તે સૂચવે છે કે તે ધમનીની દીવાલના એકમ વિસ્તાર પર લોહી એટલું દબાણ કરે છે કે જેનાથી પારાનો નળીમાંનો સ્તંભ 120 મિમી. જેટલો ઊંચો જળવાઈ રહે. ક્યારેક – ખાસ કરીને શિરાઓમાંના લોહી માટે – લોહીનું દબાણ ‘સેમી. પાણી’ના એકમ દ્વારા દર્શાવાય છે. જો 10 સેમી. પાણીનું દબાણ હોય તો તે 10 સેમી. જેટલા પાણીના સ્તંભને ટકાવી રાખવા જેટલું દબાણ એવો અર્થ થાય છે. પાણી કરતાં પારો 13.6 ગણો ભારે છે. માટે 1 મિમી. પારો જેટલું દબાણ 1-36 સેમી. પાણી જેટલું દબાણ હોય છે. સુગમતા ખાતર ધમનીમાંના લોહીનું દબાણ મિમી. પારાના એકમમાં મપાય છે; જ્યારે ધમનીના પોલાણમાં નળી પરોવીને સીધું લોહનું દબાણ મપાય ત્યારે તે ધમનીની દીવાલ પરના દબાણ કરતાં વધુ હોય છે. ધમનીના પોલાણમાંના લોહીના દબાણને અંત:ધમનીદાબ અથવા અંત:ધમનીપ્રદમ (intraarterial pressure) કહે છે. લોહીના દબાણને રુધિરદાબ અથવા રુધિરપ્રદમ (blood pressure) કહે છે. તેને રુધિરચાપ પણ કહે છે. સામાન્ય રીતે ધમનીમાંના લોહીના દબાણના સંદર્ભે વપરાય છે. શિરામાંના લોહીના દબાણને શિરારુધિરદાબ(પ્રદમ) અથવા શિરાદાબ(પ્રદમ) (venous pressure) કહે છે.

હૃદય મહાધમની(aorta)માં લોહી ધકેલે છે. તેથી ત્યાંનો રુધિરદાબ(પ્રદમ) વધુ હોય છે અને તે સરેરાશ 100 મિમી. પારો જેટલું હોય છે. હૃદયમાંથી મહાધમનીમાં પ્રવેશતું લોહી લઘુમાત્રાઓ (pulses)માં હોય છે માટે તે સંકોચનીય 120 મિમી. અને વિકોચનીય 80 મિમી. પારો જેટલું વધઘટ પામતું જોવા મળે છે. જેમ જેમ લોહી નાની અને નાની ધમનીઓમાં જાય છે. તેમ તેમ તેનું દબાણ ઘટે છે. અને તેથી જ્યારે તે મહાશિરા(vena cava)ના હૃદયવાળા છેડા પર પહોંચે છે ત્યારે 0 મિમી. પારો થઈ જાય છે. કેશવાહિનીઓમાં લોહીનું દબાણ 35 મિમી. પારાથી ક્રમશ: ઘટીને 10 મિમી. પારો થાય છે. કેશવાહિનીના ધમનિકા(arteriole)વાળા છેડે તે 35 મિમી. પારો હોય છે અને લઘુ શિરા(venule)વાળા છેડે તે 10 મિમી. પારો હોય છે. આમ ત્યાં સરેરાશ દબાણ 17 મિમી. પારો હોય છે. અને તેથી કેશવાહિનીઓમાંથી રુધિરપ્રરસ (plasma) પેશીમાં પ્રવેશી જતો નથી. ત્યાં પ્રરસ અને એમાંનાં દ્રવ્યોના પેશીમાંના આવાગમન પર લોહીના દબાણ ઉપરાંત સ્થાનિક આસૃતિદાબ(પ્રદમ) – osmotic pressureની પણ અસર રહે છે. લોહી જ્યારે શરીરના અવયવોમાં વહે ત્યારે તેને શારીરિક (બહુતંત્રીય) રુધિરાભિસરણ કહે છે. અને જ્યારે તે ફેફસાંમાં વહે ત્યારે તેને ફુપ્ફુસીય (ફેફસી) રુધિરાભિસરણ કહે છે. શારીરિક રુધિરાભિસરણ(systemic circulation)ની સરખામણીમાં ફુપ્ફુસીય (ફેફસી) રુધિરાભિસરણ(pulmonary circulation)માં લોહીનું દબાણ નીચું હોય છે. ફુપ્ફુસીય (ફેફસી) ધમની(pulmary artery)માં તેનું દબાણ 25 મિમી. અને 8 મિમી. પારો વચ્ચે વધઘટ થાય છે. અને તેથી સરેરાશ દબાણ 16 મિમી. પારો ગણાય છે. ફેફસી કેશવાહિનીઓમાં તે 7 મિમી. પારો હોય છે.

લોહીનું દબાણ એક મહત્ત્વની સ્વાસ્થ્યલક્ષી સમસ્યા છે. વિશ્વભરના ઔદ્યોગિક રીતે વિકસિત સમાજોમાં તેનું પ્રસારપ્રવર્તન (prevalance) ઘણું ઊંચું છે. અમેરિકામાં 25 % પુખ્તવયની વ્યક્તિઓ અને 60 % 60 વર્ષથી વધુ વયની વ્યક્તિઓમાં તે જોવા મળે છે. તેના વહેલા નિદાન અને સારવારને કારણે છેલ્લાં 25 વર્ષોમાં હૃદયરોગના હુમલાનો દર 49 % અને લકવાનો દર 58 % જેટલો ઘટેલો છે. લોકજાગૃતિ અને નવી દવાઓને કારણે તેમાં વિકાસ થયેલો છે. માનવવસ્તીમાં લોહીના દબાણનાં વિવિધ સ્તરો સામાન્ય રીતે વિસ્તરિત થયેલાં છે અને લોહીના ઊંચા દબાણનાં નિદાન માટે એક અપ્રમાણિત (arbitrary) સ્તર નક્કી કરવામાં આવેલું છે. તેના આધારે જો એક વખત હૃદ્-વિકોચનીય દબાણ 90 મિમી. પારોથી વધુ હોય અને/અથવા હૃદ્-સંકોચનીય દબાણ 140 મિમી. પારોથી વધુ હોય અને તે પછી થોડા દિવસના અંતરે બીજી બે વખત પણ તેવું જ માપ આવે તો લોહીના વધેલા દબાણનો વિકાર છે એવું નિદાન કરાય છે.

સારણી 1 : લોહીના દબાણની વિકક્ષાઓ (categories)

રુધિરદાબની હૃદ્-સંકોચનીય

વિકક્ષા

અને/અથવા

દબાણ

(મિમી. પારો)

હૃદ્-વિકોચનીય

દબાણ

(મિમી. પારો)

1. પર્યાપ્ત (optimal) < 120 અને < 80
2. સમ (normal) < 130 અને < 85
3. ઉચ્ચસમ (high 130-139 અથવા 85-89
normal)
4. અતિરુધિરદાબ
ફલક 1 140-159 અથવા 90-99
ફલક 2 160-179 અથવા 100-109
ફલક 3 > 180 અથવા > 110
5. મારક 120-140

લોહીનું દબાણ જાળવી રાખવા માટે વિશદ તંત્ર ગોઠવાયેલું છે. તેથી જ્યારે પણ લોહીનું દબાણ 100 મિમી. પારાથી ઘટે ત્યારે હૃદયના ધબકારા તથા સંકોચનબળમાં વધારો થાય છે તથા શિરાકીય રુધિરવિવરો(venous reservoir)નું સંકોચન થાય છે. આ ઉપરાંત શરીરની ધમનિકાઓ સંકોચાય છે. આ રીતે લોહીના ઘટતા દબાણની સામે વિવિધ પ્રક્રિયાઓ કરાય છે. આ પ્રક્રિયા ચેતાતંત્ર દ્વારા થાય છે અને તે લગભગ તરત અમલમાં આવે છે. લાંબા સમય સુધી લોહીનું દબાણ ઘટેલું રહે તો મૂત્રપિંડમાંના અંત:સ્રાવો (hormones) લોહીનું દબાણ જાળવવા માટે કાર્યરત થાય છે.

લોહીના વહેણ (flow) પર જે તે નસના બંને છેડે જોવા મળતા લોહીના દબાણના તફાવતની વિધાયક રીતે અને નસની દીવાલ દ્વારા ઉદભવતા અવરોધ(resistance)ની વ્યસ્ત પ્રમાણે અસર થાય છે. તેથી લોહીનું દબાણ જાળવી રાખવાથી લોહીનું વહેણ જળવાઈ રહે છે. આ ઉપરાંત લોહીનું દબાણ નસને પહોળી પણ કરે છે અને આમ તે નસો દ્વારા થતા અવરોધને પણ ઘટાડે છે. આમ, લોહીનું દબાણ બેવડી રીતે લોહીના વહેણમાં વિધાયક અસર પાડે છે.

લોહીના દબાણના વિવિધ પ્રકારો વર્ણવાયેલા છે : (અ) ધમનીય રુધિરદાબ(પ્રદમ)  arterial blood pressure; (આ) શિરાકીય દાબ(પ્રદમ) – venous pressure અને (ઇ) કેશવાહિનીય (પ્રદમ) – capillary pressure. ધમનીય દાબ(પ્રદમ)ના મુખ્ય 4 ઉપપ્રકારો છે : હૃદ્-સંકોચનીય (systolic) દાબ(પ્રદમ), હૃદ્-વિકોચનીય (diastolic) દાબ(પ્રદમ), નાડીદાબ(પ્રદમ) – pulse pressure તથા સરેરાશ ધમનીય દાબ (પ્રદમ). હૃદયના સંકોચનકાળ દરમિયાન ધમનીઓમાં નોંધાતા વધુમાં વધુ રુધિરદાબ(પ્રદમ)ને હૃદ્-સંકોચનીય દાબ કહે છે. તેવી રીતે હૃદયના વિકોચનકાળમાં ધમનીમાં નોંધાતા સૌથી નીચા દબાણને હૃદ્-વિકોચનીય દાબ(પ્રદમ) કહે છે. આ બંને ઉપપ્રકારો વચ્ચેના તફાવતને નાડીદાબ(પ્રદમ) કહે છે. હૃદ્-સંકોચનીય અને હૃદ્-વિકોચનીય દાબ(પ્રદમ)ના સરવાળાને 2 વડે ભાગીને જે સરેરાશ મેળવાય છે તેને સરેરાશ ધમનીય દાબ(પ્રદમ) કહે છે. સામાન્ય રીતે તે હૃદ્-વિકોચનીય દાબ વત્તા 1/3 હૃદ્-સંકોચનીય દાબ હોય છે.

સામાન્ય રુધિરદાબને નિશ્ચિત કરવો મુશ્કેલ છે. પરંતુ સંદર્ભ અંકો તરીકે સામાન્ય હૃદ્-સંકોચનીય દાબનો ગાળો 110થી 140 મિમી. પારો, (સરેરાશ 120 મિમી. પારો) ગણાય છે. તેવી રીતે સામાન્ય હૃદ્-વિકોચનીય દાબ 60થી 80 મિમી. પારો (સરેરાશ 80 મિમી. પારો), નાડીદાબ 40 મિમી. પારો, તથા સરેરાશ ધમનીય દાબ 93 મિમી. પારો ગણાય છે. સામાન્ય રુધિરદાબ પર ઉંમર, જાતિ (લિંગ), શરીરનો બાંધો, દિન-રાતનો તફાવત, ભોજન લીધા પછીની અવસ્થા, નિદ્રાવસ્થા, લાગણીજન્ય સંજોગો, શારીરિક કસરત વગેરે પરિબળોની અસર થાય છે. નવજાત શિશુનો હૃદ્-સંકોચનીય દાબ 40 મિમી. પારો હોય છે, જે 15 દિવસે વધીને 70 મિમી. પારો થાય છે અને 1 મહિને 90 મિમી. પારો થાય છે. યૌવનારંભે (at puberty) સંકોચનીય/વિકોચનીય રુધિરદાબ અનુક્રમે 120/80 મિમી. પારો થાય છે, જે ઉંમર વધવા સાથે ક્રમશ: થોડો થોડો વધતો રહે છે. પુરુષ કરતાં ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) પહેલાં સ્ત્રીમાં રુધિરદાબ 5 મિમી. પારો ઓછો હોય છે. જે ઋતુસ્રાવનિવૃત્તિ પછી સ્ત્રી અને પુરુષમાં તે સમાન બને છે. જાડી વ્યક્તિ કરતાં પાતળી વ્યક્તિનું લોહીનું દબાણ ઓછું હોય છે. એવી રીતે સવાર અને સાંજે, બપોર કરતાં લોહીનું દબાણ ઓછું રહે છે. જમ્યા પછી તે વધે છે. પરંતુ ગાઢી નિદ્રામાં તે 15થી 20 મિમી. પારો જેટલું ઘટે છે. લાગણીજન્ય સ્થિતિમાં તે વધે છે. મધ્યમ કક્ષાની કસરતમાં તે 20થી 30 મિમી. પારો અને ભારે કસરત પછી 40થી 50 મિમી. પારો જેટલું વધે છે (સંકોચનીય રુધિરદાબ). આ ઉપરાંત વિવિધ રોગ કે વિકારજન્ય સ્થિતિઓમાં પણ લોહીનું દબાણ વધે છે અથવા ઘટે છે. તેવે સમયે તેને અનુક્રમે અતિરુધિરદાબ(પ્રદમ) – hypertension કે અલ્પરુધિરદાબ(પ્રદમ)  hypotension કહે છે.

ધમનીય લોહીનું દબાણ જાળવી રાખતાં પરિબળો : તેમને કેન્દ્રીય અને પરિધીય પરિબળો રૂપે દર્શાવવામાં આવે છે. હૃદયના ક્ષેપક(ventricle)ના એક સંકોચનમાં બહાર ધકેલાતા લોહીના કદને ક્ષેપનકદ (stroke volume) કહે છે અને એકમ સમયમાં થતાં બધાં જ ક્ષેપક-સંકોચનો દરમિયાન બહાર ધકેલાતા લોહીના કુલ કદને હૃદ્-બહિર્ક્ષેપન (cardiac output) કહે છે. હૃદયનું બહિર્ક્ષેપનકદ હૃદય-સંકોચનોનો દર, શરીરમાંના લોહીનું કદ, હૃદયમાં પાછો ફરતો લોહીનો જથ્થો જેને શિરાનિવર્ત (venous return) કહે છે, વગેરે પર આધારિત છે. ક્ષેપનદર, ધબકારાનો દર તથા હૃદબહિર્ક્ષેપન કેન્દ્રીય પરિબળો રૂપે લોહીના દબાણને અસર કરે છે. જેટલો હૃદ્બહિર્ક્ષેપન વધુ તેટલો હૃદ્-સંકોચનીય રુધિરદાબ વધુ. હૃદયના ધબકારાના દરમાં થોડો ફેરફાર થાય તો તે રુધિરદાબમાં ફેરફાર લાવતો નથી; પરંતુ જો તે ખૂબ વધે તો હૃદ્-વિકોચનકાળ તથા ક્ષેપનકદ ઘટાડીને લોહીનું દબાણ બદલે છે.

પરિધીય પરિબળોમાં પરિધીય વાહિનીજન્ય અવરોધ (peripheral vascular resistance), લોહીનું કુલ કદ, શિરાકીય નિવર્ત (venous return), નસોની દીવાલની સ્થિતિ-સ્થાપકતા, લોહીના વહેણનો વેગ, નસના પોલાણનો વ્યાસ, લોહીની શ્યાનતા (viscosity) વગેરેનો સમાવેશ થાય છે. ધમનિકાઓ (arterioles) લોહીના વહેણ સામે અવરોધ સર્જીને વિકોચનકાલીન રુધિરદાબ સર્જે છે; તેથી જો અવરોધ વધે તો લોહીનું નીચલું (વિકોચનકાલી) દબાણ વધે છે. શરીરમાં લોહીનું કદ વધે તો લોહીનું દબાણ વધે છે. શરીરમાંથી લોહી શિરાઓ દ્વારા હૃદય સુધી પહોંચે છે. શિરાઓ દ્વારા પાછા આવતા લોહીના કદને શિરાનિવર્ત (શિરાકીય નિવર્ત) કહે છે. તે પણ લોહીના દબાણ સાથે સમપ્રમાણીય સંબંધ ધરાવે છે. નસોની સ્થિતિસ્થાપકતા તેને પહોળી થવા દે છે; તેથી નસો જેટલી ઓછી સ્થિતિસ્થાપક તેટલું લોહીનું દબાણ વધુ (દા. ત., વૃદ્ધાવસ્થા). લોહીનું દબાણ લોહીના વહેણના વેગને અને લોહીની શ્યાનતાને સમપ્રમાણે અને નસોના પોલાણને વ્યસ્ત પ્રમાણે હોય છે. તેથી વધુ વેગ, વધુ શ્યાનતા અને સાંકડી નસમાં લોહીનું દબાણ વધે છે.

ધમનીય રુધિરદાબ(પ્રદમ)નું નિયંત્રણ : સામાન્ય સ્થિતિમાં પણ ધમનીમાંના લોહીનું દબાણ વધઘટ થાય છે, જેને ઝડપથી સામાન્ય સ્થિતિએ લાવી દેવામાં આવે છે. તે માટે મુખ્યત્વે 4 પ્રકારની પ્રવિધિઓ (mechanisms) અસરકારક ભાગ ભજવે છે : (1) ચેતાતંત્રીય પ્રવિધિ અથવા ટૂંકા ગાળાની નિયમનકારી પ્રવિધિ; (2) મૂત્રપિંડીય પ્રવિધિ અથવા લાંબા ગાળાની નિયમનકારી પ્રવિધિ; (3) અંત:સ્રાવીય (hormonal) નિયમન અને (4) સ્થાનિક નિયમન.

ચેતાતંત્રીય નિયંત્રણ : તે સૌથી ઝડપી પદ્ધતિ છે. તે લોહીના દબાણની ટૂંકા સમયની વધઘટમાં તુરત સક્રિય થઈને સામાન્ય સ્થિતિ સ્થાપે છે; પરંતુ લાંબા ગાળાના ફેરફારવાળાં ખાસ અસરકારક નથી. ચેતાકીય સંદેશાઓ વડે નસો કાં તો સંકોચાઈને લોહીનું દબાણ વધારે છે અથવા પહોળી થઈને લોહીનું દબાણ ઘટાડે છે. આ માટેના ચેતાકીય સંરચનાઓને સંયુક્ત રૂપે વાહિનીપ્રેરક તંત્ર (vasomotor system) કહે છે. તેના મુખ્ય ત્રણ ભાગ છે – વાહિનીપ્રેરક ચેતાકેન્દ્ર (vasomotor centre), વાહિનીનિકોચક ચેતાતંતુઓ (vasoconstrictor fibres) અને વાહિનીવિકોચક (vasodilator) ચેતાતંતુઓ.

વાહિનીપ્રેરક ચેતાકેન્દ્ર લંબમજ્જા (medulla oblongata) અને મજ્જાસેતુ (pons ) નામના મગજના ભાગોમાં આવેલું છે અને તેના 3 ભાગ છે – સંવેદી વિસ્તાર (sensory area), વાહિનીનિકોચક વિસ્તાર અને વાહિનીવિકોચક વિસ્તાર. સંવેદી વિસ્તાર પાછળના ભાગમાં છે અને મગજના લંબમજ્જા અને મજ્જાસેતુ નામના ભાગોમાં આવેલો છે. તે ડોકમાં અને અન્યત્ર આવેલી ધમનીઓમાંના પ્રદમ-સ્વીકારકો અથવા દાબ-સ્વીકારકો (baroreceptors) દ્વારા મેળવાયેલી સંવેદનાઓને જિહવાગ્રસની ચેતા (glossopharyngeal nerve) તથા બહુવિસ્તારી ચેતા (vagus nerve) નામની મહત્ત્વની 2 ચેતાઓ દ્વારા મેળવે છે. તેમાંથી નીકળતા આવેગો વાહિનીનિકોચક અને વાહિનીવિકોચક વિસ્તારોમાં જાય છે. વાહિનીનિકોચક વિસ્તારને પ્રદમક વિસ્તાર (pressor area) પણ કહે છે જ્યારે વાહિનીવિકોચક વિસ્તારને અદમક-વિસ્તાર (depressor area) પણ કહે છે. વાહિનીવિકોચક વિસ્તાર લંબમજ્જાના કેન્દ્રના ઉપરના ભાગમાં આવેલો છે અને તે વાહિનીનિકોચક વિસ્તારનું અવદાબન (અવદમન) કરે છે અને તે રીતે વાહિનીનું વિકોચન (dilatation) કરે છે. એટલે કે તે નસને પહોળી કરે છે. તે ઉપરાંત તે હૃદયના ધબકારાનો દર ઘટાડે (હૃદ્-અવદાબન, cardioinhibition) છે. વાહિનીનિકોચક વિસ્તાર લંબમજ્જામાંના કેન્દ્રના આગળના ભાગે છે. તે અનુકંપી ચેતાતંત્ર (sympathetic nervous system) દ્વારા નસોનું નિકોચન (constriction) કરાવે છે. એટલે કે નસો સંકોચાઈને સાંકડી થાય છે. ધમનીઓના નિકોચનથી લોહીનું દબાણ વધે છે. આ ઉપરાંત તે હૃદયના ધબકારાનો દર પણ વધારે છે.

વાહિનીનિકોચક તંતુઓ અનુકંપી ચેતાતંત્રના હોય છે અને તે નોર-એડ્રિનાલિન નામના ચેતાસંદેશવાહક (neurotransmitter) દ્વારા સંદેશવહન કરે છે. આ સંદેશવાહક નસોના અરૈખિક સ્નાયુઓ પર આવેલા આલ્ફા-સ્વીકારકો દ્વારા કાર્ય કરે છે. તેઓ વાહિનીવિકોચક તંતુઓ કરતાં વધુ અસરકારક હોય છે અને તેમના સંદેશાઓથી લોહીનું દબાણ વધે છે. વાહિનીનિકોચક કેન્દ્રમાંથી સતત આવતા આવેગો ધમનીના સ્નાયુઓનું એક ચોક્કસ સ્તર જાળવે છે, જેને વાહિનીપ્રેરણ-સજ્જતા (vasomotor tone) કહે છે. નસોના સતત પણ આંશિક નિકોચન(constriction)ની સ્થિતિ ઉત્પન્ન થવાથી નસોનું પોલાણ ઘટે છે અને લોહીનું દબાણ જળવાઈ રહે છે.

નસોના પોલાણને વધારતા (નસોને પહોળી કરતા) ચેતાતંતુઓને વાહિનીવિકોચક તંતુઓ કહે છે. તે 3 પ્રકારના હોય છે – પરાનુકંપી (parasympathetic), અનુકંપી (sympathetic) અને વિપરીત માર્ગીય (antidromic). પરાનુકંપી તંતુઓ ઍસિટાઇલકોલિન નામના રાસાયણિક ચેતાસંદેશવાહક વડે નસોને પહોળી કરે છે. ચામડી પરથી આવતી પીડાની સંવેદનાઓ સંવેદનાલક્ષી ચેતાતંતુઓ(sensory nerves)ના અક્ષતંતુઓ(axons)ની શાખાઓ દ્વારા અવળે માર્ગે વહીને (કરોડરજ્જુ તરફ જવાને બદલે નસોના સ્નાયુઓ તરફ જઈને) નસોનું વિકોચન (dilatation) કરે છે એટલે કે તેમને પહોળી કરે છે. આમ અવળે માર્ગે સંવેદનાઓનું વહન કરતા આ તંતુઓને વિપરીતમાર્ગી તંતુઓ કહે છે. આ રીતે સ્થાનિક ધોરણે પીડાકારક સંવેદનાની હાજરીમાં સ્થાનિક નસો પહોળી થાય અને તે રીતે સ્થાનિક રુધિરાભિસરણમાં વધુ લોહી વહે તેવો પ્રતિભાવ સર્જાય છે. તેને અક્ષતન્ત્વી ચેતાપરાવર્તી ક્રિયા (axonal reflex) અથવા વિપરીતમાર્ગી ચેતાપરાવર્તીક્રિયા (antidromic reflex) કહે છે. કેટલીક નસોને ઍસિટાઇલકોલિનનું વિસ્રવણ (secretion) કરતા અનુકંપી ચેતાતંત્રના ચેતાતંતુઓ પહોળી કરે છે. તેમને અનુકંપી વાહિનીવિકોચક કે અનુકંપી કોલિનસ્રાવી (cholinergic) ચેતાતંતુઓ કહે છે. કસરતને સમયે સ્નાયુઓમાં લોહીનું પરિભ્રમણ વધારવામાં આ ચેતાતંતુઓ સક્રિય હોય છે. કોલિનસ્રાવી અનુકંપી ચેતાતંતુઓમાંના આવેગોની શરૂઆત મોટા મગજના બાહ્યકમાં થાય છે. ત્યાંથી તે કરોડરજ્જુમાં આવેલા પૂર્વકંદુકીય અનુકંપી ચેતા-કોષોમાં ક્રમાનુપ્રસરિત (relay) થાય છે. પૂર્વકંદુકીય અનુકંપી ચેતાતંતુઓમાં આવેગો કોલીનસ્રાવી કંદુકોત્તરીય અનુકંપી ચેતાતંતુઓમાં ક્રમાનુસરિત થાય છે. આ જ ચેતાતંતુઓ વાહિનીવિકોચન કરે છે, એટલે કે નસોને પહોળી કરે છે. જ્યારે પણ તીવ્ર પ્રકારનો લાગણીજન્ય અનુભવ થાય ત્યારે આ જ ચેતાતંતુઓ દ્વારા આવતા આવેગો નસોને પહોળી કરીને લોહીનું દબાણ ઘટાડે છે અને તેથી વ્યક્તિને મૂર્ચ્છા (syncope) આવી જાય છે. આ સમયે સાથે સાથે હૃદ્-અવદાબક કેન્દ્ર (cardioinhibitory centre) પણ ઉત્તેજિત થાય છે અને તેથી બહુવિસ્તારી ચેતા (vagus nerve) દ્વારા પ્રસારિત થતા આવેગોને કારણે હૃદયના ધબકારનો દર ઘટે છે. ઘટેલું લોહીનું દબાણ અને ઘટેલા ધબકારાના દરને કારણે મૂર્ચ્છા આવી જાય છે. તેને વાહિની-બહુવિસ્તારી મૂર્ચ્છા (vasovagal syncope) કહે છે.

લોહીનું દબાણ જાળવી રાખવા માટે નસોના નિકોચન-વિકોચન(contriction-dilatation)નું નિયંત્રણ કરતા વાહિનીપ્રેરક કેન્દ્રનું નિયમન કરતાં પરિબળો પણ હોય છે. પ્રદમ-સ્વીકારકો (baroreceptors), ઉચ્ચતર ચેતાકેન્દ્રોથી આવતા સંદેશાઓ, શ્વસન-નિયંત્રક ચેતાકેન્દ્રો(respiratory centres)થી આવતા સંદેશાઓ, રસાયણ સંવેદના-સ્વીકારકો (chemoreceptors) દ્વારા આવતા સંદેશાઓ વગેરે વાહિનીપ્રેરક કેન્દ્રનું નિયમન કરે છે. ગળામાં આવેલી સામાન્ય શીર્ષગત ધમની(common carotid artery)ના દ્વિભાજનના સ્થળે તથા મહા ધમનીની કમાન(arch of aorta)માં પ્રદમ-સ્વીકારકો આવેલા છે, જે લોહીના દબાણ અંગેના સંદેશાઓ વાહિનીપ્રેરક ચેતાકેન્દ્રને પહોંચાડે છે. શીર્ષગત ધમનીય પ્રદમ-સ્વીકારકો 50થી 200 મિમી. પારો જેટલા લોહીના દબાણ અંગે અને મહાધમનીય પ્રદમ-સ્વીકારકો 100થી 200 મિમી. પારો જેટલા દબાણ અંગે સંદેશાઓ પહોંચાડે છે. મોટા મગજના બાહ્યક(cortex)ના 13મા ક્રમાંકનો વિસ્તાર લાગણીઓ સંબંધિત પ્રતિભાવો સાથે સંકળાયેલો છે. તેમાં ઉદભવતા આવેગો લોહીના દબાણમાં વધઘટ કરે છે. તેવી રીતે મગજના અધશ્ચેતક (hypothalamus) નામના ભાગમાં ઉદભવતા આવેગો પણ લોહીના દબાણમાં વધઘટ લાવે છે. શ્વાસોચ્છવાસ દરમિયાન લોહીનું દબાણ વધઘટ પામે છે. તે ઉચ્છવાસની શરૂઆતમાં સહેજ વધે છે અને ઉચ્છવાસના અંતમાં અને અંત:શ્વાસ (inspiration) દરમિયાન ઘટે છે. આનું કારણ શ્વસનકેન્દ્રમાંથી વાહિનીપ્રેરક કેન્દ્ર પર આવતા સંદેશાઓ તથા શ્વસનક્રિયા વખતે છાતીના પોલાણમાં બદલાતા રહેતા દબાણને કારણે હૃદય તરફ પાછું આવતાં લોહીના કદમાં થતો ફેરફાર છે. શીર્ષગત ધમની પાસે આવેલો શીર્ષગત ધમનીય પિંડ (carotid body) અને મહાધમની પાસે આવેલો મહાધમનીય પિંડ (aortic body) ઑક્સિજન, હાઇડ્રોજન આયન તથા કાર્બન ડાયૉક્સાઇડના પ્રમાણ અંગે સંવેદનાઓ ગ્રહણ કરીને લોહીના દબાણનું નિયમન કરતા સંદેશાઓ પાઠવે છે.

મૂત્રપિંડ દ્વારા લોહીના દબાણનું નિયંત્રણ : મૂત્રપિંડ દ્વારા લોહીના દબાણનું નિયંત્રણ લાંબા સમયના ગાળા માટે હોય છે. તે બહિર્કોષીય પ્રવાહીના કદની જાળવણી અને રેનિન ઍન્જિયોટેન્સિન પ્રણાલી વડે લોહીના દબાણના નિયમનમાં ભાગ ભજવે છે; જ્યારે કોષ બહાર પ્રવાહી(પાણી)નું પ્રમાણ વધે છે ત્યારે નસોમાં લોહીનું કદ વધે છે અને તેથી લોહીનું દબાણ વધે છે. તેને કારણે મૂત્રપિંડ વધુ પ્રમાણમાં પાણી અને ક્ષારોનો ઉત્સર્ગ વધારે છે અને આમ લોહીનું દબાણ ઘટે છે. રેનિન-ઍન્જિયોટેન્સિન પ્રણાલી શરીરમાં પાણી અને સોડિયમનો ભરાવો વધારીને તથા વાહિનીનિકોચન દ્વારા લોહીનું દબાણ વધારે છે.

અંત:સ્રાવો દ્વારા લોહીના દબાણનું નિયંત્રણ : લગભગ 13 જેટલાં અંત:સ્રાવો અને રસાયણો લોહીના દબાણને અસર કરે છે. તે છે – ઍડ્રિનાલિન, નૉરઍડ્રિનાલિન, થાયરૉક્સિન, ઍલ્ડોસ્ટિરોન, વૅસોપ્રેલિન, ઍન્જિયોટેન્સિન, સિરોટોનિન, વૅસોએક્ટિવ ઇન્ટેસ્ટિનલ પૉલિપેપ્ટાઇડ (VIP), બ્રૅડિકાઇનિન, પ્રોસ્ટાગ્લૅન્ડિન, હિસ્ટામિન, ઍસિટાઇલકોલિન, ઍટ્રિયલ નેટ્રિયુરેટિક પૅપ્ટાઇડ. તેમાંના કેટલાક વાહિનીનિકોચન કરે છે તો કેટલાક વાહિનીવિકોચન કરે છે. વળી કેટલાક સોડિયમનો ભરાવો વધારે કે ઘટાડે છે. આ રીતે તેઓ લોહીના દબાણમાં વધઘટ કરે છે. કેટલાક સ્થાનિક ધોરણે સક્રિય રસાયણો પણ લોહીના દબાણમાં વધઘટ કરે છે.

લોહીના દબાણનું માપન : લોહીનું દબાણ સૌપ્રથમ 1733માં સ્ટીફન હેલ્સે 2.74 મીટર (9 ફૂટ) લાંબી નળી વડે માપ્યું હતું. પૉસેલિ(Poiseuille)એ પારાની મદદથી 30 સેમી.(1 ફૂટ)ની નળી વડે લોહીનું દબાણ માપ્યું. સન 1847માં લડિવગે પારાના સ્તંભ પર એક તરતા પદાર્થને મૂકીને લોહીના દબાણને સતત માપી શકાય તેવી સંયોજના (device) બનાવી. હાલ લોહીનું દબાણ 2 રીતે મપાય છે – સીધી રીતે અને આડકતરી રીતે. સીધી રીત (direct method) ફક્ત પ્રાણીઓમાં પ્રયોગો માટે વપરાય છે. તેમાં ધમનીમાં નિવેશકનળી નાખીને લોહીનું દબાણ મપાય છે. તે માટે વીજકણીય પ્રદમ પારવેશક (electronic pressure transducer) વપરાય છે. લોહીના દબાણને બહુલેખ (polygraph) જેવા સાધન વડે નોંધવામાં આવે છે.

આડકતરી રીત(indirect method)માં રુધિરદાબમાપક (sphygmomanometer) અને સંશ્રવણિકા (stethoscope) વપરાય છે. સામાન્ય રીતે બાહુ(upper arm)ને ફરતે રબરની કોથળીવાળી થેલી વીંટાળીને તેમાં હવા ભરાય છે જેથી તેમાં દબાણ વધે અને બાહુમાંની ધમની (બાહુધમની, brachial artery) દબાય. તેને તેટલા દબાણ વડે દબાવવામાં આવે છે કે તેથી તેમાં લોહી વહેતું બંધ થઈ જાય. ત્યારબાદ ધીરે ધીરે બાહ્ય દબાણ ઘટાડવામાં આવે છે, જેથી કરીને ફરીથી ધમનીમાં લોહીનું વહેણ શરૂ થાય છે. જે સમયે ધમનીમાં લોહી ફરીથી વહેવા માંડે ત્યારે કાંડા આગળની નાડીના ધબકારા તથા બાહુધમનીમાંના ધબકારા ફરી શરૂ થાય છે. બાહુધમનીમાંના ધબકારાને સાંભળવા અથવા તેમનું સંશ્રવણ (auscultation) કરવા માટે સંશ્રવણિકાનો ઉપયોગ કરાય છે. આ રીતે ઉપરનું અથવા હૃદ્-સંકોચનીય દબાણ (systolic pressure) જાણી શકાય છે. નાડીના ધબકારાને આંગળીઓના ટેરવા વડે સંસ્પર્શન (palpation) દ્વારા જાણવાની રીતને સંસ્પર્શનીય પદ્ધતિ (palpatory method) કહે છે તથા બાહુધમનીના ધબકારાને સાંભળવા(સંશ્રવણ)ની રીતે સંશ્રવણીય (auscultatory) પદ્ધતિ કહે છે. સંસ્પર્શીય પદ્ધતિમાં હૃદ્-વિકોચનીય દબાણ જાણી શકાતું નથી પરંતુ સંશ્રવણીય પદ્ધતિમાં બાહુધમનીના ધબકારાનો ઘટતો જતો ધ્વનિ હૃદવિકોચનીય દબાણ (diastolic pressure) સૂચવે છે. સંશ્રવણિકાની મદદથી જેમ બાહુધમનીના ધબકારા સાંભળી શકાય છે તેમ પારાના સ્તંભમાં પણ ધબકારા સાથે દોલનો (oscillations) થતાં જોવા મળે છે. આ રીતે દોલનોમાં થતા વધારા-ઘટાડા વડે પણ લોહીના દબાણને માપી શકાય છે. આ ત્રીજી પદ્ધતિને દોલનદર્શી પદ્ધતિ (oscillatory method) કહે છે.

લોહીનું દબાણ વધે તો તેને અતિરુધિરદાબ(પ્રદમ) અથવા hypertension કહે છે. જો તે ઘટે તો તેને અલ્પરુધિરદાબ(પ્રદમ) અથવા hypotension કહે છે. લોહીના સામાન્ય દબાણને સમરુધિરદાબ(પ્રદમ) અથવા normotension કહે છે.

લોહીનું વધેલું દબાણ : તેને અતિરુધિરદાબ(પ્રદમ) કહે છે. સામાન્ય રીતે લોહીનું દબાણ 140 મિમી. પારો (હૃદ્-સંકોચનીય દાબ) કે 90 મિમી. પારો(હૃદ્-વિકોચનીય દાબ)થી વધુ હોય તો તેને અતિરુધિરદાબ(પ્રદમ) કહે છે. જો ફક્ત હૃદ્સંકોચનીય દાબ વધેલો હોય તો તેને હૃદ્-સંકોચનીય અતિરુધિરદાબ (systolic hypertension) કહે છે. અતિરુધિરદાબના મુખ્ય 2 પ્રકારો છે – પ્રાથમિક અથવા અજ્ઞાતમૂલ (idiopathic) અને દ્વૈતીયીક (secondary).

પ્રાથમિક અતિરુધિરદાબ (primary hypertension) : તેનું કારણ જાણમાં હોતું નથી માટે તેને અજ્ઞાતમૂલ (essential) અતિરુધિરદાબ(પ્રદમ) કહે છે. ધમનીમાં વધતું લોહીનું દબાણ મુખ્યત્વે શરીરમાં ફેલાયેલી (પરિધીય) નસોમાં ઉદભવતા અવરોધને કારણે થાય છે. તેને પરિધીય અવરોધમાં થયેલો વધારો પણ કહે છે. આમ થવાનું કારણ પણ જાણમાં હોતું નથી; પ્રાથમિક અતિરુધિરદાબના મુખ્ય 2 પ્રકાર છે  (અ) સૌમ્ય (benign) અને (આ) મારક (malignant). શરૂઆતના તબક્કામાં લોહીનું દબાણ 200/100 મિમી. પારાના સ્તર સુધી એટલે કે મધ્યમ કક્ષા સુધી વધે તો તેને સૌમ્ય અતિરુધિરદાબ કહે છે. આરામમાં કે ઊંઘમાં તે ઘણી વખતે સામાન્ય સ્તરે આવે છે. જોકે સમય જતાં લોહીના દબાણમાં થતો આવો ઘટાડો જતો રહે છે. જ્યારે તે સતત ઊંચું રહે ત્યારે તે હૃદય, મૂત્રપિંડ અને મગજની નસોને નુકસાન કરીને તેમના રોગો કરે છે.

મારક અતિરુધિરદાબને પ્રવેગિત અતિરુધિરદાબ (accelerated hypertension) કહે છે. તેમાં લોહીનું હૃદ્-સંકોચનીય અને હૃદ્-વિકોચનીય (systolic and diastolic) દબાણ અનુક્રમે 250 અને 150 મિમી. પારો જેટલું થઈ જાય છે. સામાન્ય રીતે તેવું પ્રાથમિક અને દ્વૈતીયિક અતિરુધિરદાબની સંયુક્ત સ્થિતિમાં બને છે. તે તીવ્ર વિકારો સર્જે છે. જેમાં મૂત્રપિંડનો રોગ અને દૃષ્ટિપટલમાં લોહીનું ઝમવું જેવા વિકારોનો સમાવેશ થાય છે. મારક અતિરુધિરદાબને કારણે થોડાં વર્ષોમાં મૃત્યુ થાય છે.

મારક અતિરુધિરદાબમાં આંખની અંદર આવેલી દૃષ્ટિ-ચકતી (optic disc) પર સોજો આવે છે. તેને દૃષ્ટિ-ચકતી શોફ (papillo oedema) કહે છે. પ્રવેગિત અતિરુધિરદાબના સંલક્ષણ-(syndrome)માં લોહીનું ઊંચું દબાણ હોય છે. અને તેની સાથે દૃષ્ટિપટલ પર રુધિરસ્રાવ (haemorrhage) અને ઉત્સાર (exudate) જોવા મળે છે. દૃષ્ટિપટલના આવા વિકારને ત્રીજી કક્ષાની કિલ્સ્ટેઇન-વિલ્સન દૃષ્ટિપટલરુગ્ણતા (retinopathy) કહે છે. જો પ્રવેગિત અતિરુધિરદાબની સારવાર ન કરવામાં આવે તો તે વધીને મારક અતિરુધિરદાબ કહે છે. આ બંને પ્રકારના અતિરુધિરદાબમાં નસોની દીવાલને વ્યાપક રીતે ખરાબ અસર પહોંચે છે. અને તેમનું અપજનન (degeneration) થાય છે. તેમાં અચાનક રીતે જ તીવ્ર પ્રકારે વધતો વાહિનીવિકાર દૃષ્ટિપટલ-રુગ્ણતા કરે છે, મસ્તિષ્કરુગ્ણતા (encephalopathy), પેશાબમાં લોહી વહેવું તથા મૂત્રપિંડની નિષ્ફળતા (અપર્યાપ્તતા) થઈ આવે છે. દૃષ્ટિપટલ અને મસ્તિષ્ક(મગજ)માં ઉદભવતા વિકારને જે તે અવયવની રુગ્ણતા કહે છે. મારક અતિરુધિરદાબ મૃત્યુ નિપજાવે છે. સામાન્ય રીતે મૂત્રપિંડની નિષ્ફળતાના દર મુજબ માંદગીની તીવ્રતા અને મૃત્યુની સંભાવના બંધાય છે. ઉચ્ચ-સમ રુધિરદાબના દર્દીઓમાં લોહીનું દબાણ વધવાનો તથા મૃત્યુકારક કે માંદગીકારક હૃદયરોગ થવાની સંભાવના વધે છે. તેઓના નાડીના ધબકારાનો દર વધુ હોય છે. ડાબા ક્ષેપકનો બહિર્ક્ષેપાંશ (ejection fraction) વધુ હોય છે. તથા તેમનો હૃદબહિર્ક્ષેપ (cardiac output) પણ વધુ હોય છે. હૃદયના દરેક ધબકારે કેટલા પ્રમાણમાં લોહી બહાર ધકેલાય છે તેના માપને બહિર્ક્ષેપાંશ કહે છે અને એક મિનિટમાં હૃદય કેટલું લોહી ધકેલે છે તેના માપને હૃદબહિર્ક્ષેપ કહે છે. ક્યારેક ફક્ત ડૉક્ટર પાસે લોહીનું દબાણ મપાવતાં તે વધુ જોવા મળે છે. તેને શ્વેતવસની અતિરુધિરદાબ (white coat hypertension) કહે છે.

દ્વૈતીયીક અતિરુધિરદાબ (secondary hypertension) : આ પ્રકારનો વિકાર કોઈ અન્ય રોગને કારણે ઉદભવે છે. તેના મુખ્ય 5 પ્રકારનાં કારણો હોય છે – હૃદય અને નસોના રોગો, અંત:સ્રાવી (endocrine) રોગો, મૂત્રપિંડના રોગો, ચેતાતંત્રીય (neurological) રોગો તથા સગર્ભાવસ્થા. હૃદ્-વાહિનીજન્ય (cardiovascular) અથવા હૃદય અને વાહિનીના રોગોમાં મેદતંતુકાઠિન્ય (atherosclerosis) અને સમાકુંચિત મહાધમની (coarctation of aorta) જેવા વિકારોનો સમાવેશ થાય છે. લોહીમાં કોલેસ્ટિરોલ આદિ મેદદ્રવ્યો ધમનીની દીવાલમાં જામે ત્યારે તેમાં તંતુઓ બને છે અને તેથી કઠણ મેદતંતુચકતી બને છે, જે ધમનીને સાંકડી બનાવે છે. તેને મેદતંતુકાઠિન્ય કહે છે. જ્યારે મહાધમનીની કમાન ચારે બાજુથી સાંકડી થઈને એક ખાંચા જેવી રચના કરે છે ત્યારે તેને સમાકુંચિત મહાધમની કહે છે. આ બંને સ્થિતિમાં લોહીનું દબાણ વધે છે. મૂત્રપિંડની ઉપર આવેલી અધિવૃક્ક ગ્રંથિ(adrenal gland)ના મધ્ય ભાગમાં આવેલા ભાગને અધિવૃક્ક-મધ્યક (adrenal medulla) કહે છે. તેમાં જ્યારે ધૂલિવર્ણકકોષાર્બુદ અથવા ધૂલિકોષાર્બુદ (pheochromocytoma) નામની ગાંઠ થાય છે ત્યારે લોહીનું દબાણ વધે છે. આવી રીતે અધિવૃક્ક-બાહ્યક(adrenal cortex)માંથી આલ્ડોસ્ટિરોન કે ગ્લુકોકોર્ટિકોઇડ નામના અંત:સ્રાવોનું ઉત્પાદન વધે છે ત્યારે પણ લોહીનું દબાણ વધે છે. આ વિકારોને અનુક્રમે અતિઆલ્ડોસ્ટિરોનિતા (hyperal-dosteronism) અને કુશિંગનું સંલક્ષણ (Cusing’s syndrome) કહે છે. આ ત્રણેય અંત:સ્રાવી રોગો લોહીનું દબાણ વધારે છે. મૂત્રપિંડની ધમનીમાં સંકીર્ણતા (stenosis) થવાથી તે સાંકડી થયેલી હોય, મૂત્રપિંડમાં આવેલા ગુચ્છ-સમીપી (juxta-glomerular) કોષોની ગાંઠમાં ઍન્જિયોટેન્સિન-2નું ઉત્પાદન વધેલું હોય કે સગુચ્છમૂત્રપિંડશોથ(glomoerulonephritis) નામનો રોગ થયેલો હોય તો લોહીનું દબાણ વધે છે. કેટલાક ચેતાતંત્રીય રોગો કે વિકારોમાં લોહીનું દબાણ વધે છે; જેમ કે ખોપરીમાં ચેપ, ગાંઠ કે ઈજાને કારણે દબાણ વધ્યું હોય અથવા મગજના કેટલાક ચોક્કસ ભાગમાં ઈજા થયેલી હોય. સગર્ભાવસ્થામાં ક્યારેક વિષાભરુધિરતા (toxaemia of pregnancy) થાય છે. તે સમયે શરીરમાં પાણી અને ક્ષારનો ભરાવો થાય છે અને મૂત્રપિંડમાં ગુચ્છી ગાળણદર (glomerular filtration rate) ઘટે છે. તેથી લોહીનું દબાણ વધે છે. કોર્ટિકોસ્ટીરોઇડ ઔષધો લેવાથી પણ લોહીનું દબાણ વધે છે.

નિદાન : નવસંભાવ્ય અને વસ્તીપ્રમાણ દર : લોહીનું ઊંચું દબાણ થવાનો દર ઉંમર સાથે વધે છે અને તેથી 65થી 74 વર્ષના દાયકામાં તે 65 % જેટલો હોય છે. તેવી જ રીતે શ્વેત કરતાં અશ્વેત માનવજૂથોમાં અને સ્ત્રીઓ કરતાં પુરુષોમાં તે વધુ જોવા મળે છે. લોહીનું વધેલું દબાણ પોતે કોઈ લક્ષણો કે તકલીફ સર્જતું નથી પરંતુ તેની શરીરના વિવિધ અવયવો પર થતી અસરને કારણે વિવિધ વિકારો થાય છે અને તેમનાં લક્ષણો જોવા મળે છે. દ્વૈતીયિક અતિરુધિરદાબના દર્દીમાં મૂળ રોગનાં ચિહનો અને લક્ષણો હોય છે. લોહીનું વધેલું દબાણ મૂત્રપિંડ, હૃદય, આંખ અને મગજની નસો પર અસર કરીને કેટલાક મહત્ત્વના રોગો કે વિકારો કરે છે; જેમ કે, મૂત્રપિંડની નિષ્ફળતા (અપર્યાપ્તતા), હૃદયના ડાબા ક્ષેપકની નિષ્ફળતા (અપર્યાપ્તતા), હૃદયરોગનો હુમલો, મગજમાં લોહી વહેવું, દૃષ્ટિપટલમાં લોહી વહેવું વગેરે.

લોહીનું ઊંચું દબાણ હોય તેવા દર્દીમાં મધુપ્રમેહ, હૃદયરોગ, મૂત્રપિંડનું કાર્ય, દૃષ્ટિપટલનું નિરીક્ષણ, લોહીમાં મેદદ્રવ્યોનું પ્રમાણ વગેરે બાબતો જોવાય છે. લોહીના દબાણનું મૂળ કારણ શોધવાનાં પરીક્ષણો સામાન્ય રીતે યુવાનવયે લોહીનું દબાણ વધ્યું હોય તો જ થાય છે. આ ઉપરાંત દર્દીની જીવનશૈલી, આહાર, વ્યસનો તથા શ્રમના પ્રમાણ વિશે પણ ખાસ ધ્યાન અપાય છે.

લોહીના ઊંચા દબાણની સારવાર : સારવારનો હેતુ હૃદયરોગથી થતાં માંદગી અને મૃત્યુના દરને ઘટાડવાનો છે. તેથી જે તે દર્દીમાં લોહીનું દબાણ કેટલું વધારે છે અને તેણે કયા અવયવમાં કેટલું નુકસાન કર્યું છે તે પર તેની સારવારનો નિર્ણય થાય છે. હૃદયરોગ થવાની સંભાવના વધારતાં પરિબળો સારણી 2માં દર્શાવ્યાં છે :

સારણી 2 : લોહીનું ઊંચું દબાણ હોય તેવા દર્દીમાં હૃદયરોગકારક પરિબળો

1. ધૂમ્રપાન

2. લોહીમાં મેદદ્રવ્યોનું વિષમ પ્રમાણ

3. મધુપ્રમેહ

4. 60 વર્ષથી વધુ વય

5. પુરુષ અથવા ઋતુસ્રાવનિવૃત્તિવાળી સ્ત્રી

6. કુટુંબમાં હૃદયરોગ

7. હૃદયમાં રોગો કે વિકારો         ડાબા ક્ષેપકની અતિવૃદ્ધિ

                        હૃદ્-પીડ (angina)

                        હૃદ્સ્નાયુપ્રણાશ (myocardial

                        infarction)

                        હૃદયનિષ્ફળતા (અપર્યાપ્તતા)

8. લકવો

9. મૂત્રપિંડરુગ્ણતા (nephropathy)

10. પરિધીય ધમનીવિકાર

11. દૃષ્ટિપટલરુગ્ણતા (retinopathy)

લોહીના દબાણના તબક્કા અને જોખમી પરિબળોને આધારે તેને 3 જૂથમાં વહેંચવામાં આવે છે અને તેને આધારે સારવાર નિશ્ચિત કરાય છે (સારણી 3).

સારવારનું પ્રથમ ધ્યેય લોહીનું દબાણ 140/90થી નીચે લાવવાનું હોય છે. તે સાથે જોખમી પરિબળો ઘટાડીને તથા અસરગ્રસ્ત અવયવો માટે જરૂરી સારવાર કરીને જોખમ ઘટાડવાનું હોય છે. જો દર્દીમાં ફક્ત હૃદ્-સંકોચનીય દબાણ (systolic pressure) વધુ હોય તોપણ તેને ઘટાડવું જરૂરી ગણાય છે. જીવનશૈલીનો ફેરફાર સૂચવતી વખતે ધૂમ્રપાન બંધ કરવાની, તૈલી દ્રવ્યોવાળો ખોરાક ઘટાડવાની, વજન વધુ હોય તો તે સામાન્ય કરવાની, શ્રમપૂર્ણ જીવન જીવવાની તથા તણાવોથી દૂર રહેવા અંગેની સલાહ અપાય છે. દર્દીના ખોરાકમાંથી સોડિયમ (ક્ષાર) ઘટાડીને કૅલ્શિયમ વધારવાનું સૂચવાય છે. મદ્યપાન કરતા દર્દીએ તેની મધ્યમ માત્રા જાળવવી જરૂરી ગણાય છે.

સારવારનાં પગલાંને ક્રમશ: કેવી રીતે અમલમાં લવાય છે તે અંગેની ઉતરડ (algorithm) સારણી 4માં દર્શાવી છે. આ પ્રકારની સારવાર-ઉતરડ અજ્ઞાતમૂલ અતિરુધિરદાબમાં ઘણી ઉપયોગી સાબિત થાય છે.

દર્દીને લોહીના દબાણ સાથે અન્ય રોગ કે વિકાર હોય તો ક્યારેક કોઈ ચોક્કસ દવા વડે લોહીનું દબાણ ઘટાડાય છે. તેની વિગત સારણી 5માં આપી છે.

કેટલીક દવાઓ કેટલાક વિકારો હોય તો અપાતી નથી; જેમ કે દમ, ખિન્નતા, મધુપ્રમેહ, લોહીમાં મેદદ્રવ્યોની વિષમતા, હૃદયનિષ્ફળતા તથા પરિધીય નસોના વિકારમાં બીટારોધકો અપાતા નથી. તેવી રીતે મધુપ્રમેહ કે મેદદ્રવ્યોની વિષમતામાં મોટી માત્રામાં મૂત્રવર્ધકો અપાતાં નથી. દર્દીને નજલો (gout) થયેલો હોય તોપણ મૂત્રવર્ધકોનો નિષેધ છે. હૃદયરોધ (heart block) કે હૃદયની નિષ્ફળતા હોય તો કૅલ્શિયમ માર્ગરોધકો અપાતાં નથી. તેવી રીતે સગર્ભાવસ્થા અને મૂત્રપિંડની નસોનો રોગ હોય તો ACE અવદાબકો અપાતાં નથી. મૂત્રપિંડની નિષ્ફળતા હોય તો પોટૅશિયમ-સંગ્રહી મૂત્રવર્ધકો અપાતાં નથી. મુખ્ય ઔષધોને સારણી 6માં દર્શાવ્યાં છે :

લોહીના ઊંચા દબાણ સાથે ક્યારેક સંકટમય પરિસ્થિતિ સર્જાય છે; જેમ કે, અતિરુધિરદાબી મસ્તિષ્કરુગ્ણતા (hypertensive encephalopathy), મગજમાં લોહી વહેવું, અરુધિરી (ischaemic) લકવો, મગજનાં આવરણોમાં રુધિરસ્રાવ, હૃદ્-સ્નાયુપ્રણાશ (myocardial infarction), હૃદ્-સ્નાયુની અરુધિરતા (myocardial ischaemia), હૃદયના ડાબા ક્ષેપકની નિષ્ફળતા, મહાધમનીની દીવાલમાં છેદ (aortic dissection), અતિએડ્રિનર્જિક સ્થિતિઓ, ઉગ્ર મૂત્રપિંડી-નિષ્ફળતા, સગર્ભાવસ્થાની વિષરુધિરતા (eclampsia), શસ્ત્રક્રિયોત્તર સંકટ વગેરે. તે સમયે વપરાતાં ઔષધો અને નિષેધિત ઔષધોને સારણી 7માં દર્શાવ્યાં છે.

લોહીનું ઘટેલું દબાણ : તેને અલ્પરુધિરદાબ(પ્રદમ) અથવા hypotension કહે છે. જ્યારે હૃદ્-સંકોચનીય રુધિરદાબ 90 મિમી. પારાથી ઘટે ત્યારે આ સ્થિતિ સર્જાય છે તે પણ પ્રાથમિક અને દ્વૈતીયીક પ્રકારનાં હોય છે. પ્રાથમિક પ્રકાર કોઈ અન્ય રોગની ગેરહાજરીમાં થાય છે. થાક અને અશક્તિ તેનાં મુખ્ય લક્ષણો છે. તે મોટેભાગે કોઈ મોટા રોગની સૂચક નથી. દ્વૈતીયીક અલ્પરુધિરદાબ વિવિધ વિકારો/રોગોમાં થાય છે; જેમ કે હૃદ્-સ્નાયુપ્રણાશ; પીયૂષિકાગ્રંથિ (pituitary gland) કે અધિવૃક્કગ્રંથિ(adrenal gland)ની અલ્પક્રિયાત્મકતા, ક્ષયરોગ, ચેતાતંત્રીય વિકારો વગેરે. આ બધા કિસ્સામાં મૂળ રોગની સારવાર કરાય છે. લોહીનું દબાણ ઘટવાથી મૂર્ચ્છા આવી જાય તો ક્ષારવાળું પાણી મોં કે નસ વાટે અપાય છે.

અંગવિન્યાસી અલ્પરુધિરદાબ (orthostatic hypertension) : ક્યારેક ઊભા થતાં લોહીનું દબાણ ઘટે છે અને વ્યક્તિ થોડા સમય માટે મૂર્ચ્છિત થઈ જાય છે. આવું ક્ષાર-પાણીની ઊણપ, ચેતાતંત્રીય રોગો, મધુપ્રમેહી ચેતારુગ્ણતા (diabetic neuropathy) વગેરે રોગોમાં થાય છે. સારવારમાં જે તે રોગની સારવાર તથા ક્ષાર-પાણી અપાય છે.

શિરાકીય રુધિરદાબ (venous pressure) : શિરાની દીવાલ પર લોહી દ્વારા જે દબાણ અપાય છે તેને શિરાકીય રુધિરદાબ અથવા શિરાદાબ કહે છે. ગળાની ગ્રીવાશિરા(jugular vein)માં તે 6.9 સેમી. પાણી (5.1 મિમી. પારો) જેટલું હોય છે. પગમાં પાદ(foot)ની પૃષ્ઠસપાટી પરની કમાન-આકારની શિરામાં તે વધુમાં વધુ એટલે કે 13.2 મિમી. પારો અથવા 17.9 સેમી. પાણી જેટલો હોય છે. હાથની કોણીમાં આવેલી શિરામાં તે 6.9 સેમી. પાણી (7.1 મિમી. પારો) જેટલું હોય છે ત્યારે હૃદયમાં પ્રવેશતી ઊર્ધ્વ મહાશિરા(superior vena cava)માં તે 6.2 સેમી. પાણી અથવા 4.6 મિમી. પારો જેટલું હોય છે. તે ઉશ્કેરાટમાં કે માથાભેર ઊંધા લટકવામાં વધે છે અને તીવ્ર રુધિરસ્રાવ કે શસ્ત્રક્રિયાલક્ષી આઘાતમાં ઘટે છે. હૃદયની રુધિરભારિત નિષ્ફળતા (congestive cardiac failure), શિરારોધ (venous obstruction), શિરાકપાટ(valve)ની નિષ્ફળતા, સ્નાયુઓનો લકવો, શરીરના ભાગનું બંધ થયેલું હલનચલન, લાંબી મુસાફરી વગેરે વિવિધ સ્થિતિઓમાં શિરાદાબ (venous pressure) વધે છે. તેને સીધી તેમજ આડકતરી રીતે માપી શકાય છે. નસમાં નલિકા પરોવીને લેવાતું દબાણનું માપ સીધી રીત છે. શિરાદાબનું નિયમન વિવિધ રીતે થાય છે. – ડાબા ક્ષેપક દ્વારા ધકેલાતા લોહીનો જથ્થો, છાતીની અંદરનું દબાણ, હૃદયના જમણા ભાગની સ્થિતિ, લોહીનું કદ, અંગવિન્યાસ (posture) તથા ગુરુત્વાકર્ષણની સ્થિતિ. શ્ર્વાસોચ્છવાસ વખતે છાતીનું દબાણ વધઘટ થાય છે તે પ્રમાણે શિરાના લોહીનું દબાણ પણ વધઘટ થાય છે.

શિલીન નં. શુક્લ, શિવાની શિ. શુક્લ