લોહિયા, રામમનોહર (જ. 23 માર્ચ 1910, અકબરપુર, જિ. ફૈઝાબાદ, ઉત્તર પ્રદેશ; અ. 12 ઑક્ટોબર 1967, દિલ્હી) : ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી ચિંતક, પ્રથમ કક્ષાના રાજનીતિજ્ઞ અને સાંસદ તથા પ્રજાકીય આંદોલનોના આગેવાન. તેમના પૂર્વજો લોખંડની ચીજવસ્તુઓનો વ્યાપાર કરતા હોવાથી પરિવારનું નામ લોહિયા પડ્યું. મૂળ વતન મિર્ઝાપુર, ઉત્તરપ્રદેશ. પરંતુ વ્યવસાયને કારણે અયોધ્યા નજીકના અકબરપુર ખાતે કાયમી વસવાટ. પિતાનું નામ હીરાલાલ અને માતાનું નામ ચંદ્રિકા. બાળપણમાં અઢી વર્ષની ઉંમરે તેમની માતાનું અવસાન થતાં દાદીએ ઉછેર્યા. પ્રાથમિક શિક્ષણ સરયૂ નદીપારની ટંડન પાઠશાળામાં અને વિશ્વેશ્વરનાથ હાઇસ્કૂલમાં લીધું. તેમના શિક્ષકોના સતત માર્ગદર્શનને કારણે દરેક પરીક્ષામાં પ્રથમ ક્રમે પાસ થતા. નાનપણથી વાંસળી વગાડવાનો શોખ કેળવ્યો, પરિણામે ગોઠિયાઓમાં પ્રિય બન્યા. 1919માં મુંબઈ ખાતે પિતાએ કાપડની દુકાન કરી અને તેથી રામમનોહરે તેમની સાથે મુંબઈ સ્થળાંતર કર્યું, જ્યાં મારવાડી સ્કૂલમાં દાખલ થયા. લોકમાન્ય ટિળકના અવસાન માટે શોક વ્યક્ત કરવા શાળામાં હડતાળ પાડવાની આગેવાની લીધી. ત્યારબાદ ગાંધીજીના પ્રભાવ હેઠળ આવ્યા અને રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લેવા માટે એક વર્ષ માટે અભ્યાસને તિલાંજલિ આપી. 1925માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને સોળ વર્ષની ઉંમરે 1926માં વધુ અભ્યાસાર્થે બનારસ ખાતેના કાશી વિશ્વવિદ્યાલયમાં દાખલ થયા. વિદ્યાલયના વિદ્યાર્થીઓમાં ખાદીનો પ્રચાર કર્યો.
1926માં ગુવાહાતી ખાતે ભરાયેલ કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજરી આપી. 1927માં બનારસ હિંદુ યુનિવર્સિટીની ઇન્ટરની પરીક્ષા પસાર કરી અને વધુ અભ્યાસાર્થે કોલકાતા પ્રસ્થાન કર્યું, જ્યાં વિદ્યાસાગર કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. 1928માં ભારત ખાતે સાયમન કમિશનની મુલાકાતના વિરોધમાં આંદોલનમાં ભાગ લીધો. 1928માં અંગ્રેજી વિષય સાથે કોલકાતા યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી. 1929માં ટ્રસ્ટો પાસેથી શિષ્યવૃત્તિ મેળવીને ઉચ્ચ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં થોડોક સમય રહ્યા પછી બર્લિનની હૅમ્બોલ્ટ યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંના રોકાણ દરમિયાન લીગ ઑવ્ નેશન્સની એક સભાના સ્થળે યોજવામાં આવેલા એક દેખાવમાં ભાગ લીધો. યુરોપના વસવાટ દરમિયાન ફ્રેન્ચ અને જર્મન ભાષા શીખ્યા. 1932માં અર્થશાસ્ત્ર વિષયમાં બર્લિન યુનિવર્સિટીની ડૉક્ટરેટની પદવી મેળવી, જેના પ્રબંધનો વિષય હતો ‘ધ સૉલ્ટ ટૅક્સ ઍન્ડ સત્યાગ્રહ’. આ પ્રબંધ તેમણે જર્મનભાષામાં લખ્યો હતો. 1933માં કોલકાતા પાછા ફર્યા. નોકરી ન મળવાથી રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો. 17 મે 1934માં પટના ખાતે સમાજવાદી પાર્ટીની સ્થાપનાનો નિર્ણય લેવાયો. તેમાં સક્રિય ભાગ લીધો. નવા પક્ષનું બંધારણ ઘડવા તથા તેનો કાર્યક્રમ નક્કી કરવા માટે નિમાયેલી સમિતિમાં લોહિયાને પણ સામેલ કરવામાં આવ્યા હતા. સમાજવાદી પક્ષની વિધિવત્ સ્થાપના મુંબઈમાં ઑક્ટોબર 1934માં થઈ, જેમાં તેઓ જોડાયા અને નવા પક્ષની કારોબારીમાં ચૂંટાયા. ઉપરાંત નવા પક્ષના સાપ્તાહિક ‘કૉંગ્રેસ સોશિયાલિસ્ટ’ના તંત્રી બન્યા. મે 1939માં કોલકાતામાં કરેલા એક ભાષણ માટે તેમની ધરપકડ કરવામાં આવી, જામીન પર છોડવામાં આવ્યા, તેમની વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યો. જેના અંતે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. મે 1940માં દોસ્તપુર ખાતે મળેલ જિલ્લા સ્તરની રાજકીય પરિષદના પ્રમુખપદે ચૂંટાયા. જૂન 1940માં કરેલ એક જાહેર ભાષણ માટે ડિફેન્સ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી અને જુલાઈ 1940માં તેમને તે માટે બે વર્ષની સજા ફરમાવવામાં આવી.
1942ની ‘ભારત છોડો’ ચળવળ દરમિયાન જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન અને અરુણા અસફઅલીની જેમ લોહિયા પણ ભૂગર્ભમાં જતા રહ્યા હતા, જ્યાંથી તેમણે રાષ્ટ્રીય આંદોલનને નેતૃત્વ પૂરું પાડ્યું. મુંબઈ અને કોલકાતા ખાતે ગુપ્ત રીતે પ્રસારણ કરતા રેડિયોનું સંચાલન કર્યું. છૂપા વેશમાં નેપાળ ગયા જ્યાં ‘આઝાદ દસ્તા’માં સક્રિય રહ્યા. પરંતુ ત્યાંની સરકારે બ્રિટિશ હકૂમતના આદેશથી તેમની ધરપકડ કરી. ત્યાંથી ભારત આવ્યા પછી ફરી ભૂગર્ભ ચળવળમાં સક્રિય બન્યા. 20 મે 1944ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી અને લાહોરના કારાવાસમાં તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો (1944-46). ભારતની આઝાદીનાં વાદળાં ઘેરા બનવા લાગ્યાં ત્યારે 11 એપ્રિલ 1946ના રોજ તેમને કારાવાસમાંથી મુક્ત કરવામાં આવ્યા. સાથોસાથ કૉંગ્રેસ સોશિયાલિસ્ટ પક્ષ પર બ્રિટિશ સરકારે અગાઉ 1942માં પ્રતિબંધ મૂક્યો હતો તે 1946માં ઉઠાવી લેવામાં આવ્યો. તેમને રાષ્ટ્રીય કૉંગ્રેસના મહામંત્રી પદની ઑફર કરવામાં આવી, જે સ્વીકારવા તેમણે ના પાડી. કારણ કે તેમનું એવું સૂચન હતું કે આઝાદ ભારતની સરકારમાં કૉંગ્રેસના પ્રમુખ તથા કૉંગ્રેસ કારોબારીના કોઈ પણ સભ્યને સરકારમાં મંત્રી બનાવવા જોઈએ નહિ. કૉંગ્રેસની તે વખતની નેતાગીરીએ લોહિયાનું આ સૂચન નકારી કાઢ્યું, જેને કારણે તેમણે કૉંગ્રેસ પક્ષના મહામંત્રી બનવાનો ઇન્કાર કર્યો હતો. 1948માં અન્ય સમાજવાદીઓની જેમ લોહિયાએ પણ કૉંગ્રેસ પક્ષનો ત્યાગ કર્યો. તે પૂર્વે ફેબ્રુઆરી 1947માં કૉંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીનું અખિલ ભારતીય અધિવેશન ભરાયું હતું. જેના પ્રમુખપદે રામમનોહર લોહિયાની વરણી કરવામાં આવી હતી. 1951માં જર્મનીના ફ્રૅન્કફર્ટ ખાતે આયોજિત વિશ્વના સમાજવાદીઓની પરિષદમાં લોહિયાએ હાજરી આપી હતી. કૉંગ્રેસ પક્ષમાંથી બહાર નીકળ્યા પછી થોડાક સમય માટે તેમણે કૃષક મઝદૂર પ્રજા પક્ષ સાથે સંબંધ બાંધ્યો હતો. જે લાંબા સમય સુધી ટક્યો નહિ અને છેવટે 1952માં પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીની સ્થાપના થઈ. તે પક્ષની શરૂઆતથી જ તેના ટોચ નેતાઓ જયપ્રકાશ નારાયણ અને અશોક મહેતા સાથે લોહિયાના મતભેદો થવા લાગ્યા. 1953ની બેતુલ પરિષદમાં બંને જૂથો વચ્ચે સમાધાન કરવાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા. તે જ વર્ષે 1953માં અલ્લાહાબાદ ખાતે પ્રજા સમાજવાદી પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન ભરાયું હતું, જેમાં પક્ષના મહામંત્રી પદે લોહિયાની વરણી થઈ હતી. 1954માં તત્કાલીન ત્રાવણકોર-કોચિન રાજ્યમાં પટ્ટમ થાનુ પિલ્લાઈના નેતૃત્વ હેઠળ પ્રજા સમાજવાદી પક્ષની સરકાર સત્તાસ્થાને હતી. તે સરકારના કાર્યકાળમાં રાજ્યમાં ફાટી નીકળેલ પ્રજાકીય આંદોલન પર પોલીસે કરેલ ગોળીબારની નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી પટ્ટમ થાનુ પિલ્લાઈએ રાજીનામું આપવું જોઈએ એવી લોહિયાએ માગણી કરી, જે નકારી કાઢવામાં આવતાં લોહિયાએ પક્ષના મહામંત્રીપદેથી રાજીનામું આપી દીધું. સાથોસાથ ઉપર્યુક્ત રાજ્યના મુખ્યમંત્રીના રાજીનામાની જાહેરમાં માગણી કરવા બદલ પક્ષે લોહિયાને પક્ષમાંથી બરતરફ કર્યા. 1956માં લોહિયાએ અલાયદા સમાજવાદી પક્ષની સ્થાપના કરી, જેના પ્રમુખપદે તેમની વરણી થઈ. જૂન 1964માં આ પક્ષને ફરી પ્રજા સમાજવાદી પક્ષમાં ભેળવી દેવામાં આવ્યો અને તેનું નવું નામ સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી રાખવામાં આવ્યું. આ પક્ષ પણ દેશના સમાજવાદીઓ વચ્ચે કોઈ સર્વસંમત વિચારસરણી કે કાર્યક્રમ રજૂ કરી શક્યો નહિ. લોહિયા અને તેમના અનુયાયીઓ હિંદીને રાષ્ટ્રભાષા બનાવવા માગતા હતા. ઉપરાંત કૉંગ્રેસ અને સામ્યવાદીઓ સાથે કોઈ પણ પ્રકારની સાંઠગાંઠ સંયુક્ત સમાજવાદી પક્ષે કરવી જોઈએ નહિ એવી ઉદ્દામવાદી નીતિની તેમણે ભલામણ કરી, જે પક્ષમાંનાં અન્ય જૂથોને માન્ય ન હતી. પક્ષમાં ફરી ભંગાણ પડશે એવાં ચિહ્નો દેખાવા લાગ્યાં. પરંતુ તેમ થાય તે પહેલાં જ રામમનોહર લોહિયાનું અવસાન થયું હતું. 1963-67 દરમિયાન તેઓ લોકસભાના સભ્ય હતા, જે દરમિયાન એક અગ્રણી સાંસદ તરીકે તેમની છાપ ઊપસી આવી હતી.
રામમનોહર લોહિયાએ ગોવાના મુક્તિઆંદોલનમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. ઉપરાંત નેપાળના સ્વતંત્રતા-આંદોલનને પણ તેમણે ટેકો આપ્યો હતો. 1947માં ભારતના ભાગલા પડ્યા તે પૂર્વે લોહિયાએ દેશના ભાગલાનો સખત વિરોધ કર્યો હતો. નાગરિક અધિકારોના તેઓ પ્રખર ટેકેદાર હતા. સ્વતંત્રતા પછી ભારત સરકારે જે વિદેશનીતિ અખત્યાર કરી હતી તેનો ઝોક વિશ્વના સામ્યવાદી જૂથતરફી હતો, આ કારણસર લોહિયાએ તેની સખત ઝાટકણી કાઢી હતી. 1962માં ચીને ભારતની ભૂમિના કેટલાક ભાગ પર ગેરકાયદેસર કબજો કર્યો ત્યારે લોહિયાએ ચીન સામે જાગ્રત રહેવાની દેશવાસીઓને હાકલ કરી હતી. એટલું જ નહિ પરંતુ રાષ્ટ્રસંઘમાં ચીનને સભ્યપદ મળે તેનો પણ તેમણે વિરોધ કર્યો હતો. ભારતમાં વિદેશી અસ્કામતોનું રાષ્ટ્રીયકરણ, નાના ઉદ્યોગોમાં યંત્રોનો ઉપયોગ સરકારી નોકરીઓની કુલ જગ્યાઓમાં 60 % જગ્યાઓ પછાત વર્ગના ઉમેદવારો માટે આરક્ષણની જોગવાઈ, સાડા છ એકર કરતાં ઓછા કદના ખેડાણ-ઘટકોને જમીનમહેસૂલમાંથી મુક્તિ આપવી, આર્થિક વિષમતામાં ઘટાડો, શિક્ષણના માધ્યમ તરીકે હિંદી ભાષાની પસંદગી, દહેજ પર પ્રતિબંધ, આંતરજાતીય વિવાહ, પરિવાર-નિયોજન વગેરેના તેઓ હિમાયતી હતા.
તેમણે કુલ દસ ગ્રંથો લખ્યા હતા : ‘મિસ્ટરી ઑવ્ સર સ્ટૅફર્ડ ક્રિપ્સ’ (1942), ‘આસ્પેક્ટસ્ ઑવ્ સોશિયાલિસ્ટ પૉલિસી’ (1952), ‘વ્હીલ ઑવ્ હિસ્ટરી’ (1955, 1963), ‘વિલપાવર ઍન્ડ અધર રાઇટિંગ્ઝ’ (1956), ‘ગિલ્ટી મૅન ઑવ્ ઇન્ડિયાઝ પાર્ટિશન’ (1960), ‘માર્ક્સ, ગાંધી ઍન્ડ સોશિયાલિઝમ’ (1962), ‘ઇન્ડિયા, ચાઇના ઍન્ડ ઇન્ડિયાઝ ફ્રન્ટિયર્સ’ (1963), ‘ધ કાસ્ટ સિસ્ટમ’ (1964), ‘ફ્રેગ્મેન્ટ્સ ઑવ્ અ વર્લ્ડ માઇન્ડ’ (1966) અને ‘લૅન્ગવેજીસ’ (1966).
તેમણે ઘણા દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. જેમાં ઇંગ્લૅન્ડ, જર્મની, યુરોપના કેટલાક દેશો, જાપાન, હાગકાગ, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, મલાયા, શ્રીલંકા, તુર્કસ્તાન અને ગ્રીસનો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે