લોમોનોસૉવ, મિખાઇલ વાસિલ્યેવિચ (Lomonosov, Mikhail Vasilyevich)
January, 2005
લોમોનોસૉવ, મિખાઇલ વાસિલ્યેવિચ (Lomonosov, Mikhail Vasilyevich) (જ. 19 નવેમ્બર 1711, ખોલ્મોગોરી પાસે, રશિયા; અ. 15 એપ્રિલ 1765, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : રશિયન કવિ, વ્યાકરણશાસ્ત્રી અને વૈજ્ઞાનિક. તેઓ પહેલા રશિયન ભાષાકીય સુધારાવાદી ગણાય છે. પ્રાકૃતિક વિજ્ઞાનમાં સારો એવો ફાળો આપવા ઉપરાંત તેમણે સેંટ પીટર્સબર્ગ ઇમ્પીરિયલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝનું પુનર્ગઠન કર્યું. મૉસ્કોમાં એક યુનિવર્સિટી સ્થાપી, જે આજે તેમના નામે ઓળખાય છે તથા રશિયામાં સૌપ્રથમ રંગીન કાચનું જડાવકામ (mosaic) શરૂ કર્યું.
લોમોનોસૉવ એક ગરીબ માછીમારના પુત્ર હતા અને 10 વર્ષની ઉંમરે તેમણે તે જ કાર્યમાં ઝંપલાવ્યું. તેઓ તે સમયે જે કાંઈ પુસ્તકો મેળવી શક્યા તેનાથી તેમની જ્ઞાનપિપાસા સંતોષાઈ નહિ અને તેથી ડિસેમ્બર 1730માં પોતાનું વતન છોડી દઈ, ગજવામાં પૈસા વિના પગપાળા મૉસ્કો તરફ પ્રયાણ કર્યું. તેમની મહેચ્છા રશિયાને આધુનિક રાષ્ટ્ર બનાવવા માટે રશિયન ઝાર પીટર-I ધ ગ્રેટ જે વિદ્વાનોને બોલાવતા હતા તેમની પંગતમાં બેસવા જેવું જ્ઞાન સંપાદન કરવાની હતી. મૉસ્કો આવતાની સાથે જ તેમના માટે સખત સંઘર્ષની શરૂઆત થઈ, પણ તેમનાં ખડતલ શરીર અને અસાધારણ તેજસ્વિતાને કારણે પાંચ વર્ષમાં તેઓ આઠ વર્ષના અભ્યાસક્રમને પૂરો કરી શક્યા.
જાન્યુઆરી 1736માં તેઓ સેન્ટ પીટર્સબર્ગ એકૅડેમીના વિદ્યાર્થી બન્યા. સાત મહિના બાદ 1736થી 1741 દરમિયાન શિષ્યવૃત્તિ મળવાથી તેઓ જર્મનીમાં મારબર્ગ યુનિવર્સિટીમાં દાખલ થયા. 1739માં ફ્રાઇબર્ગ ખાતે લોમોનોસૉવે ખનન (mining), ધાતુકર્મ (metallurgy) અને કાચ બનાવવાની ટૅકનૉલૉજીનો અભ્યાસ કર્યો. 1741માં સેન્ટ પીટર્સબર્ગ પાછા ફર્યા. પણ પરદેશીઓ અને નિર્બળ ઉમરાવો દ્વારા માર્ગદર્શન પામતી યુનિવર્સિટીએ તેમને કોઈ ચોક્કસ નિમણૂક આપી નહિ. આ અન્યાયને કારણે તેઓ ઉશ્કેરાયા. વઢકણા અને ધાંધલિયા સ્વભાવને કારણે મે 1743માં તેમની ધરપકડ કરવામાં આવી. અને જાન્યુઆરી 1744માં તેમને મુક્ત કરવામાં આવ્યા. જેલવાસ દરમિયાન તેમણે મારબર્ગ ખાતે તૈયાર કરેલી યોજના ઉપર કામ કર્યું. જેલવાસ દરમિયાન તેમણે ‘276 Notes on Corpuscular Philosophy and Physics’ રજૂ કરેલ. 1745માં એકૅડેમીએ તેમને પ્રાધ્યાપક તરીકે નીમ્યા, જ્યાં તેમણે ક્રિશ્ચિયન વુલ્ફના ‘Studies in Experimental Philosophy’નો રશિયન ભાષામાં અનુવાદ કર્યો તેમજ લૅટિનમાં ‘Cause of Heat and Cold’ (1747), ‘Elastic Force of Air’ (1748) તથા ‘Theory of Electricity’ (1756) નામના ગ્રંથો તૈયાર કર્યા.
1745થી તેઓ જેને માટે વિનંતી કરતા હતા તે પ્રયોગશાળા તેમને 1748માં પ્રાપ્ત થઈ, જ્યાં ત્રણ વર્ષના ગાળામાં લોમોનોસૉવે 4,000 જેટલા પ્રયોગોની નોંધ તેમના લૅબોરેટરી જર્નલમાં કરી. આ પ્રયોગોના પરિણામે તેમણે રંગીન કાચનું કારખાનું શરૂ કર્યું તથા આ કાચ વડે જડાવકામ કરવાનું પણ ચાલુ કર્યું.
1751માં તેમણે ‘Discourse on the Usefulness of Chemistry’ તથા 1752માં વિદ્યાર્થીઓ માટે ભૌતિક રસાયણનું પુસ્તક લખ્યું. 1756માં તેમણે પ્રકાશ તથા રંગોની ઉત્પત્તિ અંગેનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું, જેમાં પદાર્થના બંધારણ અંગેના ખ્યાલો રજૂ કરવામાં આવ્યા છે. 1753 અને 1756માં તેમણે વિદ્યુત અંગે સૈદ્ધાંતિક પ્રબંધ પ્રકાશિત કર્યો.
1755થી તેમણે મૉસ્કો યુનિવર્સિટીના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1757માં એકૅડેમીના કાઉન્સિલર નિમાતાં તેમણે યુનિવર્સિટીમાં સુધારા લાવવાનું કાર્ય હાથ પર લીધું.
તેમનાં ઘણાં પુસ્તકો જાણીતાં બન્યાં હતાં, જેમાં ‘પ્રીસીશન ઑવ્ ધ મેરિટાઇમ રૂટ’ (1759), ‘પ્રીસીશન ઑવ્ ધ ફૉર્મેશન ઑવ્ આઇસબર્ગ્સ ઇન ધ નૉર્ધન સીસ’ (1760), ‘નૉર્ધન મેરિટાઇમ રૂટ્સ’ તેમજ ‘ઑવ્ ધ લેયર્સ ઑવ્ ધી અર્થ’નો સમાવેશ થાય છે.
તેઓ રૉયલ સ્વીડિશ એકૅડેમી ઑવ્ સાયન્સિઝના તથા બૉલોન્યાની આવી જ સંસ્થાના સભ્ય હતા.
સોવિયેત વિદ્વાનો દ્વારા 1950-57 દરમિયાન પ્રસિદ્ધ થયેલ ‘પોલનોયે સોબ્રેનીયે સોચીનેની’ (‘વર્કસ’)ના ખંડોમાં તેમના પ્રદાનનો ખ્યાલ આપવામાં આવ્યો છે. તેમાં લોમોનોસૉવ અંગે વિજ્ઞાનના ઇતિહાસકારોએ જે અવગણના તથા ભ્રામક અભિપ્રાયો ઊભા કરેલા તેની સચોટ રજૂઆત છે.
જ. પો. ત્રિવેદી