લોમ : પશ્ચિમ આફ્રિકામાં આવેલા ટોગોનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 08´ ઉ. અ. અને 1° 13´ પૂ. રે.. તે આટલાંટિક મહાસાગરના ભાગરૂપ ગિનીના અખાતને મથાળે નૈર્ઋત્ય ટોગોમાં આવેલું મેરીટાઇમ વિસ્તારનું મુખ્ય મથક છે. પાટનગર હોવા ઉપરાંત તે બંદર, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક તથા આ વિસ્તાર માટેનું લોકપ્રિય પ્રવાસીમથક પણ છે. આ બંદરેથી ટોગોની કૉફી, કોકો, રૂ, પામતેલ તેમજ અન્ય પેદાશોની નિકાસ થાય છે. સદા વ્યસ્ત રહેતું આ શહેર ખુલ્લું બજાર, સુવિધાભરી એશઆરામી હોટેલો તથા રમણીય રેતાળ કંઠારપટ ધરાવે છે. અહીં સોના, ચાંદી અને આરસમાંથી બનાવેલી કારીગરીની સુંદર ચીજવસ્તુઓ મળે છે. અહીં પોલાદનું ઉત્પાદન તેમજ તેલનું શુદ્ધીકરણ થાય છે.
1897 સુધી તો લોમ એક નાનું ગામડું હતું. 1897માં તે જર્મનોને હસ્તક ગયું. તેમણે આ સ્થળને ટોગોનું પાટનગર બનાવ્યું. 1919માં તે ફ્રેન્ચોને હસ્તક ગયું. 1960માં તે સ્વતંત્ર થયું. આઝાદી મળ્યા પછી આ શહેરે પોતાનું બંદર વિકસાવ્યું, નવી હોટેલો સ્થાપી તથા ટોગોની એકમાત્ર યુનિવર્સિટીનું નિર્માણ કર્યું. 1999 મુજબ આ શહેરની વસ્તી 7,90,000 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા