લોપોલિથ : સંવાદી અંતર્ભેદક(concordant incrusion)નો એક પ્રકાર. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળા સ્તરોમાં અંતર્ભેદન પામેલા હોય છે. તેનો તળભાગ વિશાળ વિસ્તારમાં પથરાયેલો હોય છે. તે નીચે તરફ બહિર્ગોળ અને ઉપર તરફ અંતર્ગોળ આકારમાં દબાયેલું હોઈ થાળા જેવું કે રકાબી જેવું સ્વરૂપ રજૂ કરે છે. નાના પાયા પરનાં લોપોલિથ ક્યારેક ગેડવાળા સ્તરોમાં પણ મળે છે તેથી ત્યાં તેમનો આકાર ગેડવાળા સ્તરોના આકાર મુજબનો હોય છે. (જુઓ આકૃતિ.)

લોપોલિથ
તેમની વિશાળતાને કારણે તેમને મહાલોપોલિથ (megalopolith) પણ કહે છે. તેમાં ગુરુત્વ-સ્વભેદન(gravity-differentiation)ને કારણે પડગોઠવણી તેમજ પટ્ટાદાર રચના પણ જોવા મળતી હોય છે. આ લાક્ષણિકતાને લીધે તે નાના લોપોલિથથી કે સિલથી અલગ પડે છે. મહાલોપોલિથ ક્યારેક તો ઘણા કિમી.નો વ્યાસ ધરાવે છે અને તેમના દળની જાડાઈ પણ ઘણા મીટરની હોય છે. ઉત્પત્તિના સંદર્ભમાં એવું સૂચવાયેલું છે કે મૅગ્માસંચયમાંથી જે માર્ગ દ્વારા મૅગ્મા ઉપર તરફ ધકેલાય તે ફાટમાર્ગની આજુબાજુનો ખડકવિભાગ તૂટી પડવાથી રકાબી આકાર રચાતો હોય છે. આફ્રિકાનું બુશવેલ્ડ સંકુલ, ઑન્ટેરિયો(કૅનેડા)નું સડબરી ગૅબ્રો (નિકલધારક) સંકુલ અને મિનેસોટા(યુ.એસ.)નું ડલથ લોપોલિથ, દુનિયાભરમાં જાણીતાં બનેલાં બેઝિક બંધારણવાળાં (બેથોલિથમાં જેમ ગ્રેનાઇટ બંધારણ હોય છે તેમ) અંતર્ભેદકો આ પ્રકારનાં ઉત્તમ ઉદાહરણો છે.
ગિરીશભાઈ પંડ્યા