લોન : ધંધાદારી અથવા સામાન્ય વ્યક્તિ પાસે પોતાની આગવી મૂડી અપર્યાપ્ત હોય ત્યારે અન્ય પાસેથી ઉછીનાં લીધેલાં નાણાં. સામાન્ય રીતે ધંધા માટે લોન લેવામાં આવે છે, પરંતુ ઊંચી અને ટકાઉ કિંમતની અસ્કામતો જેવી કે જમીન, મકાન અને મોટરકાર ખરીદવા માટે પણ લોન લેવાનું ચલણ છે. આર્થિક વ્યવહારની આ પ્રકારની લેવડદેવડ કોઈની પણ મદદ અથવા દરમિયાનગીરી વિના સીધેસીધી થઈ શકે છે. પરંતુ આર્થિક વ્યવહારો હવે અત્યંત જટિલ થયા હોવાથી નાણાં ઉછીનાં લેનાર ધંધાદારીઓ અને નાણાં ઉછીનાં આપનાર બચતકારો વચ્ચે બૅન્કો, વીમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ અને શરાફોનો મધ્યસ્થી વર્ગ અસ્તિત્વમાં આવ્યો છે. લોન એક પ્રકારનો કાયદેસરનો હક છે, જે હેઠળ લોન લેનારે લોન આપનારને બંને વચ્ચે નક્કી થયેલી શરતો અનુસાર માસિક, ત્રિમાસિક, છ માસિક અથવા વાર્ષિક સમયાંતરે વ્યાજ અને નિશ્ચિત અવધિ પૂરી થાય ત્યારે મુદ્દલની ફરજિયાત ચુકવણી કરવી પડે છે. લોનના અનેક પ્રકારો છે : (1) તારણ લઈને આપવામાં આવેલી લોન સુરક્ષિત (secured) લોન અને તારણ વગર આપેલી લોન અરક્ષિત (unsecured) લોન કહેવાય છે. (2) લોન પરત કરવાના સમયગાળાની અગાઉથી ગણતરી કરીને તે પ્રમાણે લોન લાંબા ગાળાની, મધ્યમ ગાળાની અથવા ટૂંકા ગાળાની હોય છે. (3) કેટલાક પ્રસંગોમાં જ્યાં સુધી ધંધો ચાલે ત્યાં સુધી નાણું રોકી રાખવું પડે. લોન લેનાર પરિસ્થિતિ અનુસાર પરત નહિ કરવાની (irredeemable) લોન લે છે અને તે ધંધાનું અસ્તિત્વ સમાપ્ત થાય ત્યારે પરત કરવામાં આવે છે. પરંતુ નિશ્ચિત સમયે લોન પરત કરવાનું શક્ય હોય તો લોન લેનાર પરત કરવાની (redeemable) લોન લે છે. અલબત્ત, સામાન્ય સંજોગોમાં પરત કરવાની લોનના જ વ્યવહારો થતા હોય છે.
કેટલીક વાર લોન આપનાર લોન લેનાર સાથેના પોતાના સંબંધોના કારણે વ્યાજ લેતો નથી, પરંતુ મોટાભાગના વ્યવહારો વ્યાજવાળી લોનના જ હોય છે. લોન લેનારની સધ્ધરતા વધારે હોય તો લોન આપનાર ઓછા દરના વ્યાજે લોન આપે છે. લોન લેનારની સધ્ધરતા અને વ્યાજના દર વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. મોસમ આધારિત ખેતી કરતા ખેડૂતો પાસેથી ખેત ઉત્પાદનની અનિયમિતતા ધ્યાનમાં રાખીને વ્યાજના ઊંચા દર વસૂલ કરવામાં આવે છે તે ભારતીય અર્થકારણની એક વિશિષ્ટ લાક્ષણિકતા છે.
અશ્વિની કાપડિયા