લોથલ મ્યુઝિયમ : ગુજરાતના અમદાવાદ જિલ્લામાં લોથલ ખાતે આવેલું ત્યાંથી મળી આવેલા સિંધુ નદીની ખીણની સંસ્કૃતિના અવશેષોનો સંગ્રહ અને જાળવણી કરતું મ્યુઝિયમ. ભારતની કેન્દ્ર સરકાર દ્વારા તેની સ્થાપના 1977માં થઈ. લોથલ ખાતેના પ્રાચીન ધક્કાની બાજુમાં જ આ મ્યુઝિયમ ઊભું કરવામાં આવ્યું છે. લોથલના ધક્કા અને બીજાં પુરાતાત્વિક સ્થળોએથી ખોદકામ કરતાં મળી આવેલા પ્રાચીન અવશેષો અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમાં નાનામોટા વિવિધ કદનાં અને વિવિધ આકારનાં ઘડા, કોઠીઓ, માટીની નાનીમોટી મુદ્રાઓ (seals), માટી અને કાંસામાંથી બનેલાં નાનાં નાનાં રમકડાં જેવાં શિલ્પો, ચીજવસ્તુ માપવાનાં માપિયા, ઓજારો, વાહનો, મણકાં, શતરંજનાં સોગટાં લાખ, સોનું અને પથ્થરમાંથી બનેલાં ઘરેણાં, છીપલાં આદિનો સમાવેશ થાય છે. મ્યુઝિયમમાં લોથલ નગરની નાની પ્રતિકૃતિ બનાવીને મૂકેલી છે. તે જોતાં તત્કાલીન નગરરચનાનો ખ્યાલ દર્શકને આવી શકે છે. એક જ કબરમાં બે વ્યક્તિઓને દફનાવી હોય તેવી કેટલીક કબરો અહીંથી મળી આવી છે. આવાં બેવડાં દફન-(double burrial)ને પ્રતિકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલ છે. આ મ્યુઝિયમમાં મૂકવામાં આવેલા અવશેષો અને અવશેષોની પ્રતિકૃતિઓ જોતાં દર્શકને લોથલની આદ્યઐતિહાસિકકાલીન સમગ્ર સંસ્કૃતિનો ખ્યાલ આપે છે.
કેન્દ્ર સરકારના ‘આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા’ (ASI) હસ્તક ગુજરાતમાં આવેલું આ એક જ મ્યુઝિયમ છે.
અમિતાભ મડિયા