લોથલ : ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામની સીમમાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે આવેલું લોથલ અમદાવાદથી 80 કિમી. દૂર છે. ભૌગોલિક સ્થાન 22° 31´ ઉ. અ. અને 72° 15´ પૂ. રે. એક સમયે આ સ્થળેથી દરિયો 5 કિમી. દૂર હતો. હાલ 18 કિમી.થી પણ વધુ દૂર છે. 1954ના નવેમ્બરમાં આ સ્થળ શોધવામાં આવ્યું અને 1955થી 1962 સુધી ત્યાં ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે ખોદકામ કરવામાં આવ્યું. આ વર્ષે લોથલના ઉત્ખનનને પચાસ વર્ષ પૂરા થાય છે. અહીંના અંડાકાર ટીંબાનો ઘેરાવો 2 કિમી.નો અને તેની ઊંચાઈ 3.5 મી. છે. શરૂમાં લોથલ નગરનું તલમાન લંબચોરસ છે. તેનો વિસ્તાર ક્રમે ક્રમે બધી દિશાઓમાં થયો હતો. વારંવાર આવતા પૂરની સામે નગરને રક્ષણ મળી રહે તે હેતુ માટે કાચી ઈંટોની 13 મી. જાડી દીવાલ બાંધવામાં આવી હતી. મકાનોના કુલ સાત સમૂહ જાણવામાં આવ્યા છે. ઉપરકોટનું આયોજન સમાંતર દ્વિભુજ ચતુરસ્ર આકારે છે. કિલ્લાની પૂર્વે ધક્કો (lock gate), દક્ષિણે વખાર અને ઉત્તર તથા પશ્ચિમે બીજાં જાહેર અને ખાનગી મકાનો આવેલાં છે. આયાત થયેલા માલની તપાસણી સરળતાથી થાય તે માટે વખાર ધક્કાની અને શાસકના નિવાસસ્થાનની તદ્દન નજીક આવેલી હતી. લોથલમાંથી મકાનો, દુકાનો કે કારખાનાંના સમૂહો પ્રાપ્ત થયા છે. કાચી ઈંટની પીઠિકાઓ વડે દરેક સમૂહનું પૂરથી રક્ષણ કરવામાં આવ્યું હતું. બજારના રસ્તાની બંને બાજુએ બે કે ત્રણ ખંડની દુકાનો અને કેટલીક વાર શ્રીમંતોના ચારથી પાંચ ઓરડા આવેલા હતા. ઓરડાનું કદ 6 x 3 મી.નું હતું અને તેની દીવાલો 1/2 મી. જાડી હતી.
લોથલવાસીઓની મહત્વની સ્થાપત્યકીય કૃતિ વહાણ લાંગરવાનો અહીંનો ધક્કો છે. દરિયાઈ ઇજનેરી અને હુન્નરવિદ્યાના ક્ષેત્રે જગતની સંસ્કૃતિને લોથલની આ અણમોલ ભેટ છે. આ ધક્કો 215 મી. લાંબો, 38 મી. પહોળો અને આશરે 1 મી. ઊંડો છે. એની અંદરની દીવાલો પાકી ઈંટો વડે બાંધવામાં આવી છે. મોટી ભરતી વખતે પાણીના જુવાળ સામે ટક્કર ઝીલી શકે તેવું મજબૂત તેનું બાંધકામ હતું. ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીનો આ માત્ર એક ધક્કો છે. ફિનિશિયન અને રોમન ધક્કાઓ કરતાં લોથલનો ધક્કો વધુ વિકસિત હતો. ઉત્તર અને દક્ષિણ બાજુએ અનુક્રમે પ્રવેશ અને નિર્ગમના માર્ગ માટેના ગાળાઓ રાખવામાં આવ્યા હતા. ધક્કામાં પાણીનો ભરાવો ઓછામાં ઓછો આશરે 2 મી.નો અને વધુમાં વધુ ભરતી સમયે આશરે 3 થી 3.5 મી.નો હોવાનું માનવામાં આવે છે. ભરતી વખતે વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા દક્ષિણ બાજુએ નિર્ગમદ્વાર વડે કરવામાં આવી હતી. પાણીની સપાટી નીચી હોય ત્યારે નિર્ગમદ્વારની બંને બાજુએ કરવામાં આવેલા ઊભા ખાંચાઓમાં લાકડાનાં પાટિયાં ગોઠવીને તે નિર્ગમદ્વાર બંધ કરી દેવાતાં. આ વ્યવસ્થાથી પાણીનો જરૂરી સંગ્રહ રાખી શકાતો. આને લીધે વહાણોને તરતાં રાખી શકાતાં. સપાટી 2 મીટર જેટલી હોય ત્યારે 75 ટન વજનનાં વહાણ ધક્કામાં પ્રવેશી શકતાં. મુંબઈ અને વિશાખાપટ્ટનમના આધુનિક ધક્કાઓ કરતાં પણ લોથલનો ધક્કો ઘણો મોટો હતો. ઈ. પૂ. 1900માં આવેલા પૂરને લીધે આ ધક્કાનો વિનાશ થયો હતો.
રહેણાકનાં મકાનોનું આયોજન જોતાં જણાય છે કે અહીં જાહેર સ્વચ્છતાનો પૂરેપૂરો ખ્યાલ રખાયો હતો. રહેણાકનાં મકાનોનું સ્નાનખંડોનું ગંદું પાણી ખાનગી નીક દ્વારા જાહેર ગટરોમાં અથવા ખાળકૂવાઓમાં વહી જતું. જ્યાં ખાળકૂવાની વ્યવસ્થા ન હોય ત્યાં તળિયામાં કાણાવાળી ખાળકોઠી જમીનમાં દાટવામાં આવતી. ગંદું પાણી તેમાં જઈને જમીનમાં શોષાઈ જતું. અહીંના માર્ગો સુયોજિત હતા. બે વાહનો પસાર થઈ શકે એટલા પહોળા માર્ગો હતા. ધોરી માર્ગો મુખ્ય દિશાઓમાં જતા. સૌથી લાંબો માર્ગ મુખ્ય બજારનો હતો. તે 4.5 મી. પહોળો છે. માર્ગો સીધી લીટીમાં જ પસાર થાય છે અને એકબીજાને કાટખૂણે છેદે છે.
લોથલવાસીઓએ વિવિધ કળાઓ અને હુન્નરોના ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી હતી. શિલ્પકામ, કુંભારકામ, ધાતુવિદ્યા, સોના-ચાંદીના દાગીનાનું નકશીકામ વગેરેમાં એમની સિદ્ધિનાં દર્શન થાય છે. કાંસાના ઢાળાનું કામ પ્રચલિત હતું. કૂતરાની બે આકૃતિઓ, પક્ષીનું મસ્તક ધરાવતી સળી, એક સસલું અને એક કૂકડાની તાંબામાંથી બનાવેલી આકૃતિઓ પ્રાપ્ત થઈ છે. પૂર્ણમૂર્ત કલા માટે માટીનો વપરાશ હતો. માટીમાંથી ઘડેલાં પુરુષ, સ્ત્રી અને પશુઓનાં શિલ્પો મળી આવ્યાં છે. સ્ત્રીઓનાં શિલ્પો ઘણાં ઘાટીલાં જણાય છે. માથું પશુનું અને શરીર માનવનું હોય એવી મિશ્ર આકૃતિઓ પણ મળી છે. પશુઆકૃતિઓમાં ગેંડો, વૃષભ, ગાય, ઘેટું, ઘોડો, ભૂંડ, કૂતરો અને ગોરીલાની આકૃતિઓ ઉલ્લેખનીય છે. માટીનાં વાસણો લાલ અને બદામી રંગનાં છે. જામ, ચાંચવાળો પ્યાલો (beaker), રકાબી, ઘોડીવાળી રકાબી, ગોળાકાર કલેવરની કે ‘S’ ઘાટની બરણી, થાળી, તગારું, છિદ્રિત કાન ધરાવતું પવાલું, ઊંચી નળાકાર છિદ્રાળુ બરણી વગેરે વાસણો પ્રાપ્ત થયાં છે. અબરખવાળાં લાલ મૃત્પાત્રો પણ હાથ લાગ્યાં છે. કેટલાંક વાસણો પર ચિત્રકામ જોવા મળે છે. લોથલમાંથી મળી આવેલી મુદ્રાઓમાં સૂક્ષ્મ નકશીની કળા જોવા મળે છે. મુદ્રાઓ ઉપર અનેક પ્રકારનાં પ્રાણીઓની આકૃતિઓનું અંકન થયેલું છે. લગભગ બસોથી પણ વધુ મુદ્રાઓ અને મુદ્રાંકો પ્રાપ્ત થયાં છે. તે પૈકી કોઈ ઉપર માનવઆકૃતિ જણાતી નથી.
લોથલવાસીઓ આભૂષણો ધારણ કરવાના ખૂબ જ શોખીન હતા. કંઠહાર, લટકણિયાં, વાળીઓ, વીંટીઓ, વલયો અને બંગડી જેવાં આભૂષણો પ્રાપ્ત થયાં છે. આભૂષણોમાં મોતીનો વપરાશ વધુ હતો. અર્ધકીમતી પથ્થરો, સોનું, તાંબું, ફાયેન્સ, સેલખડી, છીપ અને હાથીદાંતમાંથી મણકા બનાવવામાં આવતા. મણકા બનાવવાના કારખાનાની ઓરડીના અવશેષો પણ ઉપલબ્ધ થયા છે. સોનાના મણકા સૂક્ષ્મ કારીગરીને માટે જાણીતા છે. કેટલાક મણકા લંબાઈમાં 0.12 સેમી.થી પણ નાના છે, છતાં મજબૂત છે.
રેખામાપન માટેની હાથીદાંતમાંથી બનાવેલી 128 મિમી. લાંબી, 15 મિમી. પહોળી અને 6 મિમી. જાડી પટ્ટી પ્રાપ્ત થઈ છે. ઓજારો અને હથિયારો તાંબું અને એના મિશ્રણમાંથી બનાવાતાં. ભાલાનાં ફળાં, ખંજરો, બાણ-ફળાં, પાનાવાળી કુહાડી, આંકડીવાળા ગલ, દાતરડાં, ધારવાળી શારડીઓ, આર, સોય, વીંધવાળી સોય, વળાંકવાળી કરવત જેવાં ઓજારો અને હથિયારો મળી આવ્યાં છે. પ્રાપ્ત થયેલ સોગટાં તે સમયે શેતરંજની રમત રમાતી હોવાનો નિર્દેશ કરે છે.
સ્મશાન નગરને ફરતી દીવાલની બહાર નદીની નજીક હતું. દફનોને આધારે તત્કાલીન શબનિકાલની પદ્ધતિઓનો ખ્યાલ આવે છે. 21 હાડપિંજરો શોધી કાઢવામાં આવ્યાં છે. મોટાભાગનાં આ હાડપિંજરો 20થી 30 વર્ષના વયજૂથનાં છે. ત્રણ જોડીમાં દફન પૈકી એકમાં સ્ત્રીપુરુષને સાથે જ દાટવામાં આવ્યાં હતાં. આમ આ દ્વારા સતીપ્રથાને મળતો દફનરિવાજ જણાય છે. આશરે 9થી 10 વર્ષની વયના એક છોકરાની ખોપરી પર છેદનનો પ્રયોગ થયો હોવાનું સ્પષ્ટ થાય છે. આ રીતે ખોપરીછેદનનું કદાચ જગતનું સહુથી પ્રાચીન એ ઉદાહરણ છે.
લોથલ ખાતે ઈ. પૂ. 1900માં મોટું પૂર આવ્યું તે પછી તુરતમાં જ અહીંના લોકોએ રોઝડીમાં વસવાટ શરૂ કર્યો હશે. લોથલની સંસ્કૃતિનો સમય ઈ. પૂ. 2450થી 1900 સુધીનો ગણાયો છે.
થૉમસ પરમાર