લોએબ, જૅક્સ (જ. 7 એપ્રિલ 1859, માયેન, કોબ્લેન્ઝ પાસે, જર્મની; અ. 11 ફેબ્રુઆરી, હેમિલ્ટન, બર્મુડા) : જર્મનીમાં જન્મેલા અમેરિકન જીવવિજ્ઞાની. તે મુખ્યત્વે કૃત્રિમ અસંયોગીજનન (parthenogensis) પરના તેમના સંશોધનકાર્ય માટે અગ્રણી (pioneer) વૈજ્ઞાનિક ગણાય છે.
તેમણે બર્લિન, મ્યૂનિક અને સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને 1884માં સ્ટાર્સબર્ગ યુનિવર્સિટીની એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. લોએબે 1886-1888 દરમિયાન વુર્ઝબર્ગ યુનિવર્સિટી; 1888-90 દરમિયાન સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટી અને 1889-91 દરમિયાન નેપેલ્ઝ બાયોલૉજિકલ સ્ટેશનમાં સેવા આપી. 1891માં તેઓ અમેરિકા ગયા અને બ્રિન મોઅર કૉલેજ, બ્રિન મોઅર (1891-92); શિકાગો યુનિવર્સિટી (1892-1902) અને કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(1902-10)માં પ્રાધ્યાપક તરીકે સેવાઓ બજાવી. 1910થી તેમના મૃત્યુ સુધી તે રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ રિસર્ચ (હવે રૉકફેલર યુનિવર્સિટી), ન્યૂયૉર્કના સભ્ય તરીકે રહ્યા. તેમણે મોટાભાગનું સંશોધનકાર્ય મરીન બાયોલૉજિકલ લેબૉરેટરી, વૂડ્ઝ હૉલ, મૅસેચૂસેટ્સમાં કર્યું હતું. તેમણે અસંયોગીજનન પ્રયોગો 1899થી શરૂ કર્યા હતા. સાગરગોટાના અફલિત ઈંડાંઓમાંથી ઇયળો સુધીનો વિકાસ તેમના પર્યાવરણમાં નિયંત્રિત ફેરફારો કરીને તેઓ સફળતાપૂર્વક કરાવી શક્યા હતા. ત્યારબાદ આ સંશોધનકાર્ય અસંયોગજનનિત (parthonogenetic) દેડકાંઓના ઉત્પાદન સુધી લંબાવવામાં આવ્યું હતું અને જાતીયતાની દૃદૃષ્ટિએ પરિપક્વ દેડકાંઓ તેમણે પ્રાપ્ત કર્યાં હતાં. લોએબનું આ સંશોધનકાર્ય દર્શાવે છે કે ફલન દરમિયાન કોષવિભાજનના આરંભનું નિયમન રાસાયણિક રીતે થાય છે અને આ પ્રક્રિયા આનુવંશિક લક્ષણોના સંચારણથી અલગ અસર હેઠળ હોય છે.
લોએબે મગજની દેહધર્મવિદ્યા, પ્રાણી-અનુવર્તનો (animal tropisms), પેશીઓનું પુનર્નિર્માણ (regeneration) અને જીવન-અવધિ પર સંશોધનો કર્યાં હતાં. તેમના મત પ્રમાણે જીવનની પરિઘટના ભૌતિક અને રાસાયણિક નિયમો અનુસાર સમજાવી શકાય છે. તેમનાં પાછળનાં વર્ષો દરમિયાન તેમણે પ્રોટીનની કલીલીય (colloidal) વર્તણૂક ઉપર મહત્વનાં સંશોધનો કર્યાં હતાં.
બળદેવભાઈ પટેલ