લોઈ, રૉબર્ટ એચ. (જ. 12 જૂન 1883, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 21 સપ્ટેમ્બર 1957, યુ.એસ.) : અમેરિકન માનવશાસ્ત્રી. તેમણે આધુનિક માનવશાસ્ત્રના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓ મૂળે જર્મન હંગેરિયન કુટુંબના યહૂદી હતા. તેમની 10 વર્ષની ઉંમરે 1893માં તેમનું કુટુંબ સ્થળાંતર કરીને અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં જર્મન લત્તામાં સ્થાયી થયું હતું. 1901માં ન્યૂયૉર્કની સિટી કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તે પછી કોલંબિયા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્ર વિષયમાં એમ.એ.ના અભ્યાસમાં ફ્રાન્સ બોઆસ અને પાછળથી સહકાર્યકર એવા ક્રોબરના હાથ નીચે અભ્યાસમાં જોડાયા. ત્યાં પ્રાધ્યાપક ક્લાર્ક વિલ્સરના સંપર્કમાં આવ્યા, જેની તેમના પર ભારે અસર થઈ. વિલ્સર ત્યાં અધ્યાપક ઉપરાંત અમેરિકન મ્યુઝિયમ ઑવ્ નેચરલ હિસ્ટરીના ચૅરમૅન હતા. તેમણે લોઈને 1906માં અમેરિકન આદિ જાતિ લેહમી શો શોનેમાં અભ્યાસ કરવા સગવડ કરી આપી અને માર્ગદર્શન આપ્યું, જે તેમના જીવનનું મહત્વનું સંભારણું બની રહ્યું. તેમણે વિલ્સરના માર્ગદર્શન હેઠળ 1908માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે ક્લાર્ક વિલ્સર અમેરિકન મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરીમાં 1907થી 1917 સુધી કામ કર્યું. આ સમય દરમિયાન તેમણે ઉત્તર અમેરિકાની રેડ ઇંડિયન જાતિના અભ્યાસમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમાંથી સૌપ્રથમ ‘ક્રો ઇંડિયન’ નામનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું, જેમાં તેમણે તેમની ભાષા, તેમનું સામાજિક જીવન અને પ્રજાતીય તત્ત્વો વિશેની વિગતો દર્શાવી છે. તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા બ્રિકલીમાં ક્રોબર સાથે સહાધ્યાયી તરીકે 1917થી 1950 સુધી અધ્યાપન-સંશોધનના કામમાં રહ્યા. છેલ્લે તેઓ હાર્વર્ડમાં 1955માં રહ્યા હતા.
તેમણે માનવશાસ્ત્રમાં એથ્નૉગ્રાફર તરીકે સંશોધનનું કામ કર્યું છે. તેમણે 14 જેટલાં પુસ્તકો, 18 અધ્યયનાત્મક મોનોગ્રાફ અને ઘણા સંશોધનલેખો આપ્યા છે. તેમને ઘણાં સન્માનો પ્રાપ્ત થયાં છે અને કેટલીક માનવશાસ્ત્રીય સંસ્થાઓમાં રહી તેમના વિકાસમાં ફાળો પણ આપ્યો છે.
અમેરિકન ફોક્લૉર સોસાયટીમાં પ્રમુખ (1916થી 1917), અમેરિકન એથ્નોલૉજિકલ સોસાયટીમાં પ્રમુખ (1920થી 1921), અમેરિકન ઍન્થ્રોપોલૉજિકલ ઍસોસિયેશનમાં પ્રમુખ (1935થી 1936), નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝમાં તેમની વરણી (1931), શિકાગોમાંથી માનાર્હ પીએચ.ડી.ની પદવી (1941), રૉયલ ઍન્થ્રોપોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટમાં હક્સલે વ્યાખ્યાનમાળા આપવા માટે વરણી (1948), વાઇકિંગ ઍવૉર્ડ (1948), ‘અમેરિકન ઍન્થ્રોપૉલોજિસ્ટ’ સામયિકના સંપાદક (1924થી 1933).
તેમનાં મુખ્ય પ્રકાશનોમાં ‘પ્રિમિટિવ સોસાયટી’ (1920) સૌથી વધુ પ્રસાર પામ્યું છે. તેમાં સામાજિક વ્યવસ્થાના સિદ્ધાંતોને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન તેમણે કર્યો છે. સાંસ્કૃતિક ઉત્ક્રાંતિમાં આદિમ સમુદાયો એક મહત્વની કડી સમા છે તેમ તેમણે દર્શાવ્યું છે. તેમણે લોઈ મૉર્ગનના ઉત્ક્રાંતિવાદના વિચારોનું ખંડન કર્યું છે અને સાંસ્કૃતિક પ્રસારવાદને સમર્થન આપ્યું છે. બીજા સમુદાયો સાંસ્કૃતિક પ્રસાર દ્વારા ઘણી નવી બાબતો શીખ્યા છે. આમ સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ છે તથા તે શૈક્ષણિક ભૂમિકાએ પામી શકાઈ છે.
લોઈનું બીજું મહત્વનું પુસ્તક ‘હિસ્ટરી ઑવ્ એથ્નોલૉજિકલ થિયરી’ (1937) છે. તે સમયના તેમના મૂલ્યવાન વિચારોની રજૂઆત આ પુસ્તક દ્વારા થયેલી જોવા મળે છે. માનવસંસ્કૃતિના ભાગ રૂપે મનોવ્યાપારોનો અભ્યાસ એક અગત્યની ઘટના હોવાનું અને તેથી અભ્યાસમાં તેનું સ્થાન હોવું જોઈએ તેમ તેઓ દર્શાવે છે. વળી માઇથૉલોજી અને ધર્મ વચ્ચે ઘણો સંબંધ છે. તે સંસ્કૃતિનો ભાગ છે. વધુમાં વ્યક્તિ-વ્યક્તિએ જોવા મળતો ભેદ જનીન કારણોને લીધે છે. તેઓ આ રીતે ફ્રાન્સિસ ગૉલ્ટનના વિચારોને સમર્થન આપે છે અને પ્રજાતીય ભેદ તીવ્ર જનીનભેદનું કારણ છે તેમ દર્શાવે છે. તેમણે જર્મન ‘કુલટુરફ્રીઝ’ વિચારધારાનું સમર્થન કર્યું છે. બ્રિટિશ માનવશાસ્ત્રી રેડક્લિફ બ્રાઉનનું સામાજિક સંરચનાના સંદર્ભમાં તેમણે સમર્થન કર્યું છે. તેમણે ફ્રૉઇડનાં અર્થઘટનોને રદિયો આપ્યો છે અને દર્શાવ્યું છે કે સ્પષ્ટ ઉદાહરણો કે હકીકતો વિના માત્ર તાર્કિક દલીલો ઉપયોગી બનતી નથી. તેઓ ફ્રાન્સ બોઆસના વિચારોથી કેટલીક બાબતમાં જુદા પડે છે. તેઓ દર્શાવે છે કે માનવ-ઉત્ક્રાંતિમાં સમાનતાનું તત્વ સાર્વત્રિક દેખાય છે. તેને બદલે બીજી કેટલીક જગ્યાએ જુદા પ્રકારનો સાંસ્કૃતિક વિકાસ થયેલો પણ જોઈ શકાય છે, જેને પાછળથી જૂલિયન સ્ટુઅર્ડે ‘મલ્ટિલિનિયર ઈવોલ્યૂશન’ તરીકે ઓળખાવ્યું છે. જોકે આ પ્રકારની સ્થિતિ વધુ લાંબો સમય ટકી શકી નથી, કારણ કે સાંસ્કૃતિક પ્રસારનો પ્રવાહ એટલો ઝડપથી વહ્યો છે કે તેવાં સાંસ્કૃતિક તત્ત્વો ટકી શક્યાં નથી.
લોઈ માનવશાસ્ત્રીય ક્ષેત્રે પોતાના સૈદ્ધાંતિક સ્થાન વિશે સ્પષ્ટતા કરતાં જણાવે છે કે તેઓ પોતે ‘મિડલ ઑવ્ ધ રોડ’(રસ્તાની અધવચ્ચે)ની સ્થિતિવાળા છે.
અરવિંદ ભટ્ટ