લૉઇડ્ઝ વીમા નિગમ : બ્રિટનનું જાણીતું વીમા નિગમ. ઇંગ્લૅન્ડમાં રાજકીય અને વાણિજ્ય વ્યવહારોમાં અલિખિત નિયમો અને રૂઢિઓનું વર્ચસ્ છે. આ વ્યવહારોમાં ભાગ લેતી વ્યક્તિઓનું ઊંચું ચારિત્ર્ય આ વ્યવહારોને સુપેરે ચલાવે છે. જો ઇંગ્લૅન્ડમાં રાજકીય ક્ષેત્રે તેના અલિખિત બંધારણનું ઉદાહરણ આપી શકાય તો વાણિજ્ય ક્ષેત્રમાં તેના વીમા વ્યવસાયીઓ/ધંધાદારીઓના મંડળ લૉઇડ્ઝનું ઉદાહરણ આપી શકાય. એડ્વર્ડ લૉઇડે ટૅવર્ન સ્ટ્રીટ, લંડનમાં ઈ. સ. 1689માં કરેલા કૉફી હાઉસમાં વેપારીઓ, બૅન્કરો અને વહાણવટીઓ ભેગા થતા હતા. તેઓ વિદેશથી આવતાં અને વિદેશ જતાં વહાણો અને તેમાંના માલ અંગે માહિતીનું આદાન-પ્રદાન કરતા તેમજ સોદા પાડતા. પ્રીમિયમના બદલામાં દરિયાઈ સફરનાં જોખમોને પોતાનાં જોખમો તરીકે સ્વીકારનારા (અન્ડરરાઇટર્સ) પણ ત્યાં આવતા. આ બધાંની ગતિવિધિ પોતે એક મહત્વના વાણિજ્યવિષયક સમાચાર છે તેવો ખ્યાલ કુશાગ્ર બુદ્ધિવાળા એડ્વર્ડ લૉઇડ્ઝને આવ્યો તેથી એણે સૌથી પહેલાં ઈ. સ. 1696માં ‘લૉઇડ્ઝ ન્યૂઝ’ પ્રસિદ્ધ કર્યું. આ ચોપાનિયામાં એણે વહાણવટા સાથે સંલગ્ન વહાણો, માણસો, પ્રવાસો, માલ-સામાન જેવી બાબતોની ઝીણવટભરી વિગતો આપી. આ ચોપાનિયું સમય જતાં ‘લૉઇડ્ઝ રજિસ્ટર ઑવ્ શિપિંગ’ બન્યું. આ રજિસ્ટર આજે પણ 100 ટનથી વધારે વજન વહી જતાં વહાણો તથા સ્ટીમરોની બધી જ તક્નીકી માહિતી અને તેનાં ધોરણો દર્શાવતું વિશ્વસનીય રજિસ્ટર ગણાય છે.

લૉઇડ્ઝની વિકાસગાથાનું પહેલું સોપાન ‘લૉઇડ્ઝ ન્યૂઝ’ બન્યા બાદ 1774માં બીજું સોપાન સિદ્ધ થયું. અવૈધિક રીતે ભેગા થતા અન્ડરરાઇટરોએ તે વર્ષે પોતાનું ઍસોસિયેશન બનાવ્યું. આ એસોસિયેશને અત્યાર સુધી વીમાની અનૌપચારિક રીતે ચાલતી પ્રવૃત્તિઓને ઔપચારિક સ્વરૂપ આપ્યું. જિંદગીના વીમા સિવાયના બધા જ પ્રકારના વીમાનો વ્યવસાય કરતા લોકોનું તે સંગઠન બન્યું. 1689માં લૉઇડ્ઝના કૉફી હાઉસમાં શરૂ થયેલો દરિયાઈ વીમાનો આ વ્યવસાય અવૈધિક સ્વરૂપનો હતો. પરંતુ આશરે બસો વર્ષ બાદ 1871માં બ્રિટનની પાર્લમેન્ટે લૉઇડ્ઝ ઍક્ટ પસાર કરીને તેને ધારાકીય સ્વરૂપ આપ્યું. આ કાયદાએ મુખ્યત્વે લૉઇડ્ઝના ઍસોસિયેશનનું કામકાજ કરતી સમિતિની રચનાને  ધારાકીય સ્વરૂપ આપ્યું. આ સમિતિને ઍસોસિયેશનના પેટા-કાયદા બનાવવા મિલકતો ધરાવવા અને તે ઍસોસિયેશનના નામે કરવા માટે અધિકૃત બનાવવામાં આવી. પરંતુ તેનું કાર્યક્ષેત્ર માત્ર દરિયાઈ વીમા પૂરતું સીમિત રાખવામાં આવ્યું. 1991માં કાયદાના સુધારાથી તે સીમાનો છેદ ઉડાડવામાં આવ્યો, અને બધા પ્રકારના વીમા સુધી એનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું. આમ છતાં, મુખ્યત્વે દરિયાઈ વીમો તેનો પારંપરિક વ્યવસાય રહ્યો છે. 1970 સુધી લૉઇડ્ઝે એના સભ્યોના ઊંચા ચારિત્ર્યની સુવાસ ફેલાવવાનું ચાલુ રાખ્યું. પરંતુ 1970થી 1980ના દાયકા દરમિયાન એને પણ ભ્રષ્ટાચાર આભડી ગયો. પરિણામે 1982માં ઇંગ્લૅન્ડની સંસદે  લૉઇડ્ઝ ઍક્ટ નવેસરથી પસાર કર્યો, તેમાં અન્ડરરાઇટરમાં દલાલોનું હિત કેટલું હોવું જોઈએ તે નક્કી થયું. તેને અંગે રચવામાં આવેલી વૈધાનિક સમિતિને પેટા-કાયદા બનાવવા ઉપરાંત શિસ્ત સમિતિ અને આંતરિક અદાલતો નીમવાના હક્ક આપવામાં આવ્યા. એનું નામ કૉર્પોરેશન ઑવ્ લૉઇડ્ઝ રાખવામાં આવ્યું. 1986માં લાઇમ સ્ટ્રીટ, લંડનમાં પોતાના વ્યવસાય માટે જાણીતા સ્થપતિ રિચાર્ડ રૉજર્સની દેખરેખ હેઠળ બંધાવેલા ભવ્ય મકાનમાં આ સંસ્થા કાર્યરત છે. હાલ તેની સાથે 30,000 વૈયક્તિક અન્ડરરાઇટર સભ્યો, 350 અન્ડરરાઇટર સિન્ડિકેટો અને 260 દલાલો સંકળાયેલા છે. અન્ડરરાઇટરો અમર્યાદિત જવાબદારી નિભાવીને પોતાના હિસાબે અને જોખમે વીમો ઉતારે છે. કૉર્પોરેશન પોતે કોઈ ધંધો કરતું નથી. એ એક બાજુ સભ્યો માટે કડક એવા નાણાકીય અને અન્ય નિયમો બનાવી તેનો કડકાઈથી અમલ કરે છે, તો બીજી બાજુ દરિયાઈ વીમાના વ્યવસાયને સુપેરે ચલાવવા માટે ખૂબ જોખમ માંગી લેતી વિશિષ્ટ પ્રકારની વીમા (insurance) સેવાઓ પૂરી પાડે છે. સભ્યો થોડી સંખ્યાની નાની મંડળીઓથી માંડીને સેંકડો સભ્યોની મંડળીઓ બનાવે છે. આ મંડળીઓનું પ્રતિનિધિત્વ લૉઇડ્ઝમાં અન્ડરરાઇટરો કરે છે. તેઓ પોતપોતાની મંડળી વતી વીમો લેતા હોય છે. મંડળીનો પ્રત્યેક સભ્ય અન્ય સભ્યો વતી વીમો લેતો હોય છે. પરિણામે, વીમાના વધતા વ્યવસાય અને તેમાં વધતા જતા જોખમને સભ્યો વચ્ચે વહેંચી દઈ શકાય છે. જ્યારે વીમો ઉતરાવનારને નુકસાનીનું વળતર આપવાનું થાય છે ત્યારે મંડળીના સભ્યો નક્કી કરેલા પ્રમાણમાં પોતાનો ફાળો આપતા હોય છે. આમ, 1982ના કાયદાથી વૈધિક સ્વરૂપ પામેલ કૉર્પોરેશન ઑવ્ લૉઇડ્ઝ વીમા ક્ષેત્રે આંતરિક રીતે વૈયક્તિક માલિકીના સ્વરૂપના અમર્યાદિત જવાબદારીના લક્ષણને નિભાવી સભ્યો વચ્ચેના અવૈધિક સંબંધોને નિભાવે છે.

સૂર્યકાન્ત શાહ