લોઅર સુબનસીરી : અરુણાચલ પ્રદેશનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26° 55´થી 28° 21´ ઉ. અ. અને 92° 40´થી 94° 21´ પૂ. રે. વચ્ચેનો 10,125 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અપર સુબનસીરી, પૂર્વમાં અપર સુબનસીરી અને વેસ્ટ સિયાંગનો થોડોક ભાગ, દક્ષિણમાં પાપુમ પારે, પશ્ચિમમાં ઈસ્ટ કામેંગ અને વેસ્ટ કામેંગ જિલ્લા તથા વાયવ્યમાં ચીન (તિબેટ) સાથેની આંતરરાષ્ટ્રીય સીમા આવેલાં છે. જિલ્લામથક ઝીરો જિલ્લાની લગભગ મધ્યમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લાનું સમગ્ર ભૂપૃષ્ઠ પહાડી છે તથા તેનો 2/3 ભાગ જંગલ-આચ્છાદિત છે.
અહીંની મુખ્ય નદીઓમાં સુબનસીરી, સિપ્લુ, રીન, કેત, ખ્રુ, પંગો, પનીર, પરસેન અને સેલુનો સમાવેશ થાય છે.
ખેતી-પશુપાલન : ખેતી અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ડાંગર, મકાઈ, બાજરી અને કોચુ અહીંના મુખ્ય કૃષિપાકો છે. પહાડી ઢોળાવો પર સીડીદાર ખેતી અને વૃક્ષારોપણ માટે ઊજળી તકો છે. પહાડી ઢોળાવો પર જ્યાં કાયમી ખેતીના સંજોગો ઉપલબ્ધ નથી ત્યાં ફરતી ખેતી કરીને મિશ્રપાકોનું ઉત્પાદન લેવાય છે.
આ જિલ્લાના લોકોના સામાજિક-આર્થિક જીવન અને વિકાસ માટે પશુપાલનની પ્રવૃત્તિ મહત્વની બની રહેલી છે. અહીંના નિવાસીઓનો આર્થિક અને સામાજિક મોભો તેમની પાસેના પશુધન પરથી નક્કી થાય છે; જિલ્લામાં દશ જેટલાં પશુદવાખાનાં તથા કેટલાંક ચિકિત્સાલયો આવેલાં છે. રાજ્યનો વિસ્તાર મોટો હોવાથી ગોચરો પણ છે. જિલ્લા કક્ષાએ અહીં નિર્જુલી ખાતે મધ્યસ્થ મરઘાં-બતકાં-ઉછેર ક્ષેત્ર, ડુક્કર-ઉછેર ક્ષેત્ર, યાક-ઉછેર કેન્દ્ર તથા રશિયાઈ મરીનો ઘેટાંમાંથી સંકર ઘેટાં-ઉછેર કેન્દ્ર અને મત્સ્ય કેન્દ્ર વિકસાવવાની યોજના વિચારાઈ રહી છે.
ઉદ્યોગ-વેપાર : આ રાજ્યમાં પરંપરાગત ચાલ્યા આવતા હુન્નર સારી રીતે વિકસેલા છે. હાથસાળ અને રેશમનો ઉદ્યોગ ઉલ્લેખનીય છે. નાના નાના ઔદ્યોગિક એકમો માટે ઝીરો અને યાઝલીનાં વિકાસ-કેન્દ્રો મહત્વનાં ગણાય છે. અહીં મુખ્યત્વે લાકડાં વહેરવાની મિલો, લાકડાં-નેતર અને વાંસનું રાચરચીલું, વીજ-પુરજા માટે લાકડાનાં ઉપકરણો, રેલપાટા હેઠળના પાટડા (સ્લીપર) વગેરે જેવા એકમો જંગલો પર આધારિત છે. આ ઉપરાંત કૃષિપેદાશો અને વૃક્ષ-છોડવા પર આધારિત બેકરી, પશુઆહાર તથા મરઘાંપાલનના નાના એકમો પણ વિકસ્યા છે.
આશરે 30,000ની વસ્તી ધરાવતું જિલ્લામથક ઝીરો લોકોની મોટાભાગની વાણિજ્ય-જરૂરિયાતો પૂરી પાડે છે. અપાતની તરીકે ઓળખાતા લોકો ધંધાની સારી સૂઝ ધરાવે છે, તેથી જિલ્લાના વેપાર-વિકાસક્ષેત્રે તેમનો ફાળો વિશેષ છે. અહીં વાજબી ભાવની પૂરતી દુકાનો છે. જિલ્લાનું ભૂપૃષ્ઠ જંગલ-આચ્છાદિત હોવાથી મોટાભાગની માલહેરફેર હવાઈ માર્ગે થાય છે. સફરજનનો વેપાર ઠીક ઠીક પ્રમાણમાં ચાલે છે. અહીંથી નેતર, લાકડાં અને દરિયાઈ ઘાસમાંથી તૈયાર કરેલો ‘અગર’ નામનો ખાદ્યપદાર્થ અહીંની નિકાસી ચીજો છે, જ્યારે ઘઉં અને ચોખા તથા મીઠું આયાતી વસ્તુઓ છે.
હજી અહીં જરૂરી આર્થિક અને વાણિજ્ય-વિકાસ પૂરતા પ્રમાણમાં થયેલો નથી; જંગલની પેદાશોને કારણે મહેસૂલી આવક સારા પ્રમાણમાં થાય છે. સરકાર તરફથી અહીં વન્ય પેદાશો પર આધારિત ઉદ્યોગો સ્થાપવા માટે જુદાં જુદાં પગલાં લેવાઈ રહ્યાં છે.
પરિવહન-પ્રવાસન : જિલ્લાનાં મુખ્ય નગરો ખાતે રોજિંદી બસ-સેવા ઉપલબ્ધ છે. જિલ્લામાં અપાતની અને નિશી (નિશાંગ) જાતિના લોકો વસે છે. આ જાતિઓએ તેમનાં પરંપરાગત સામાજિક અને આર્થિક વિશિષ્ટતાઓ તથા રિવાજો જાળવી રાખ્યાં છે. તેમના રોજિંદા જીવનમાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને કુદરતી તત્વો મહત્વનો ભાગ ભજવે છે. તેમનાં સામાજિક ધારાધોરણો, રિવાજો પ્રસંગટાણે જાણે કે જીવંત બની રહે છે.
અપાતનીઓના મુખ્ય તહેવારોમાં ડ્રી (dree), મ્યોકોહ (Myokoh), મુરુંગ (Murung) તથા નિશીઓના મુખ્ય તહેવારોમાં સિરોમોલો – સોચુમ, ન્યોકુમ અને યુલોનો સમાવેશ થાય છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 97,614 જેટલી છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 90 % અને 10 % જેટલું છે. જિલ્લામાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે, જ્યારે મુસ્લિમ, શીખ, બૌદ્ધ અને જૈનોનું પ્રમાણ ઓછું છે. અહીંની મુખ્ય ભાષાઓ અપાતની અને નિશી છે. જિલ્લાની 50 % વસ્તી શિક્ષિત છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 10 મંડળો અને 8 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં માત્ર એક જ નગર અને 642 ગામડાં છે.
ઇતિહાસ : 1914નું વર્ષ આ જિલ્લાના ઇતિહાસમાં સીમાચિહનરૂપ ગણાય છે. તે વર્ષે નૉર્થ ઈસ્ટ ફ્રન્ટિયર ટ્રૅક્ટના પશ્ચિમ વિભાગની રચના કરાયેલી. ત્યારે આસામ ખાતેના મુખ્ય મથકે રહેતા પોલિટિકલ ઑફિસરની સત્તા હેઠળ આ પ્રદેશ મુકાયેલો. પછીથી આ વિભાગનું નામ બાલીપાડા ફ્રન્ટિયર ટ્રૅક્ટ રખાયેલું. 1914 અગાઉ આ વિસ્તાર આસામના લખીમપુર જિલ્લાના ભાગરૂપ હતો. 1946નું વર્ષ પણ આ જિલ્લા માટે મહત્વનું ગણાય છે. તે વર્ષે આ પ્રદેશના બે વહીવટી વિભાગો પાડવામાં આવ્યા : એક સેલા સબએજન્સી અને બીજો સુબનસીરી ક્ષેત્રીય વિભાગ.
1954માં સુબનસીરીને સુબનસીરી ફ્રન્ટિયર ઉપવિભાગ નામ અપાયું. 1964માં તેને જિલ્લાનો દરજ્જો અપાયો. આ જિલ્લાને ફરીથી બે વિભાગમાં વહેંચી નાખ્યો, જેનાં લોઅર સુબનસીરી અને અપર સુબનસીરી નામો અપાયાં. તેમનાં જિલ્લામથકો અનુક્રમે ઝીરો અને દાપોરીઝો નક્કી થયાં. તે પછીથી લોઅર સુબનસીરી જિલ્લાના ચાર ઉપવિભાગો પાડ્યા : ઝીરો, કોલોરિયાંગ, સાગાલી અને કૅપિટલ કૉમ્પ્લેક્સ સબડિવિઝન. 1992ની 21મી સપ્ટેમ્બરે આ જિલ્લાના ફરીથી બે વિભાગો પાડ્યા, જેમાં બીજા વિભાગનું નામ પાપુમપારે જિલ્લો અપાયું છે.
ગિરીશભાઈ પંડ્યા