લોંગોવાલ, હરચંદસિંઘ (જ. 2 જાન્યુઆરી 1932, ગદિરા, સંગરૂર જિલ્લો, પંજાબ; અ. 20 ઑગસ્ટ 1985, શેરપુરમાં હત્યા) : શિરોમણિ અકાલી દળના પ્રમુખ.
ચાર ભાઈઓ અને ચાર બહેનોના બહોળા કુટુંબમાં જન્મેલા હરચંદસિંઘને બાળપણથી ધાર્મિક શિક્ષણ લેવા પ્રોત્સાહિત કરવામાં આવેલા. તેથી પરંપરાગત શિક્ષણ મેળવવાથી તેઓ દૂર રહ્યા. તેઓ ભટિંડા જિલ્લાના મૌજો ગામે જોધસિંગના ‘ડેરા’માં ધાર્મિક શિક્ષણ અર્થે જોડાયા. (‘ડેરા’ એ ગામ કે શહેરના છેવાડાના ભાગમાં આવેલું વડું મથક છે, જ્યાં સંતપુરુષો સ્થાયી વસવાટ કરે છે.) આ સમયે તેમણે ધર્મોપદેશક બનવાનું મનોમન નક્કી કર્યું અને ધાર્મિક શિક્ષણ સાથે ધાર્મિક નેતૃત્વનું ઘડતર પામ્યા અને સંત તરીકે જાણીતા બન્યા. ધાર્મિક શિક્ષણ સંપન્ન થયા પછી તેમના વતનના લોંગોવાલ ગામના મણિસિંઘ શહીદ ગુરુદ્વારાનું તંત્ર સંભાળી લેવાની કામગીરી તેમને સોંપવામાં આવી.
16 વર્ષની વયે તેઓ શીખોની રાજકીય સંસ્થા ‘અકાલી દળ’માં જોડાયા. 1940થી 1948 સુધી પેપ્સુ(પતિયાલા ઍન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન)માં નિયુક્ત થતી સરકારો વિરુદ્ધનાં આંદોલનોમાં તેમની સક્રિય ભાગીદારી રહેતી અને તેઓ પ્રથમ હરોળના સત્યાગ્રહી હતા.
1962માં સંયુક્ત પંજાબના લહેરા ગાગા મતવિસ્તારમાંથી તેઓ ચૂંટણી જીતી પંજાબ વિધાનસભાના સભ્ય બન્યા. 197275 દરમિયાન વિવિધ હરીફ અકાલી જૂથો વચ્ચે તેમણે સુલેહ કરાવી શાંતિ સ્થાપી હતી. 1975થી ’77ની કટોકટીના 19 મહિના દરમિયાન શીખોને થતા અન્યાય સામે વિરોધ કરનાર તેઓ અકાલીઓના ‘મોરચાના સરમુખત્યાર’ હતા. ઑગસ્ટ 1980માં તેઓ અકાલી દળના પ્રમુખ ચૂંટાયા હતા. જૂન 1984માં ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને રાજીવ ગાંધી નવા વડાપ્રધાન ચૂંટાયા. રાજીવ ગાંધીના સૂચનથી ધરપકડ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન અર્જુનસિંઘે તેમની સાથે વાટાઘાટો કરી હિંદુ-શીખ અલગતા છોડવા પ્રેર્યા. તેમને મુક્ત કરાતાં તેમણે અકાલીઓ અને સરકાર વચ્ચે સમન્વય સાધવા પ્રયાસ કર્યો અને અકાલી રાજકારણને બિનકોમી દિશામાં લઈ જવાનો તેમનો પ્રયાસ રહ્યો.
આ બધા પ્રયાસોને કારણે 25 જુલાઈ 1985ના રોજ રાજીવ લોંગોવાલ સમજૂતી અમલમાં આવી. તેમની કારકિર્દીની આ સર્વોચ્ચ સિદ્ધિ હતી. આ સમજૂતીથી શીખો માટેના અલગ રાષ્ટ્રની માંગણી છોડી હિંદુ-શીખ એકતા પર ભાર મૂકી આ દિશાના સહિયારા પ્રયાસોનો આરંભ થયો. પરિણામે ખાલિસ્તાનની લડત સાવ મંદ બની અને શીખોની રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહની દૂરી નાબૂદ થઈ. બંને કોમો વચ્ચે સુલેહસંપ, શુભેચ્છા અને અસહકારના જૂના યુગનો જાણે પુન: આરંભ થયો. સમજૂતી પર સહીસિક્કા કર્યા બાદ તેમણે ખુશાલી વ્યક્ત કરતાં જણાવેલું, ‘ગુરુ દી કિરપા નાલ એહ હોયા.’ (ગુરુની કૃપાથી આ થયું છે.)
શેરપુરની એક જાહેર સભાના સંબોધનને અંતે તેમની હત્યા કરવામાં આવી હતી. તેમની આ શહાદત પ્રત્યે શોક વ્યક્ત કરી સંસદે બંને ગૃહોનું કામકાજ મોકૂફ રાખી તેમને અસાધારણ અને ઉચિત અંજલિ આપી હતી.
રક્ષા મ. વ્યાસ