લોંકાશાહ : જૈન ધર્મમાં લોંકાગચ્છ સંપ્રદાયના સ્થાપક. અમદાવાદમાં દશા શ્રીમાળી જૈન જ્ઞાતિના લોંકાશાહ નામના લહિયા રહેતા હતા. તેઓ જૈન શાસ્ત્રો અને ગ્રંથોની નકલ કરવાનું કામ કરતા. એ સમયે છાપખાનાંઓ ન હતાં. એટલે ગ્રંથો, શાસ્ત્રો કે પોથીઓની નકલ લહિયાઓ પાસે કરાવવામાં આવતી. કેટલાક શ્રીમંત જૈન શ્રેષ્ઠીઓ પણ પોતાના ખર્ચે ગ્રંથોની નકલ લહિયાઓ પાસે કરાવી સાધુઓને અર્પણ કરતા. લોંકાશાહે એક વાર શંકાને કારણે એક ગ્રંથનાં આઠ પૃષ્ઠો લખ્યા વિના છોડી દીધાં. તેથી આચાર્યે તેમને લહિયાની નોકરીમાંથી કાઢી મૂક્યા.
નોકરી જવાથી તેઓ ગુસ્સે થયા અને વિ. સં. 1508(ઈ. સ. 1452)માં તેમની જ્ઞાતિના આગેવાન તથા લીંબડી(જિ. સુરેન્દ્રનગર)ના કારભારી લખમશી પાસે ગયા. લોંકાશાહ મૂર્તિપૂજાના વિરોધી હતા અને કહેતા કે જૈન આગમો મૂર્તિપૂજાનો ઉપદેશ આપતા નથી. વિ. સં. 1530(ઈ. સ. 1474)માં એમણે લોંકાગચ્છની સ્થાપના કરી. લખમશી કારભારીએ એમના પ્રચારમાં મદદ કરી. લોંકાશાહે પોતે દીક્ષા ન લીધી, પરંતુ બીજા લોકો એમના ઉપદેશથી દીક્ષા લઈને ‘ઋષિ’ બન્યા. ગુજરાતના સુલતાનનો એક સરદાર પીરોજખાન એ સમયે મંદિરો તોડતો. તેને લીધે પણ કેટલાક લોકોએ આ ગચ્છને સ્વીકાર્યો.
વિ. સં. 1533(ઈ. સ. 1477)માં ભાણા વાણિયાએ ભેખ ધારણ કર્યો અને તે ‘ભાણારિખ’ તરીકે પ્રસિદ્ધ થયા. ઈ. સ. 1512માં એમને રૂપજી નામનો શિષ્ય થયો. ઈ. સ. 1522માં રૂપજીને જીવારિખ નામનો શિષ્ય થયો. ઈ.સ. 1593માં વૃદ્ધ નરસિંહજીને જશવંતજી નામનો શિષ્ય થયો. થોડા સમયમાં આ ગચ્છની નીચે પ્રમાણે કેટલીક શાખાઓ સ્થપાઈ :
(1) લખમશી પારખના નામ પરથી ‘પારખમતી’નો ઉદભવ થયો. (2) ઈ. સ. 1486માં રૂપા ગુજરાતીએ ‘ગુજરાતગચ્છ’ સ્થાપ્યો. (3) ‘ઉત્તરાધી’ અથવા ‘સરોવામતી’ નામની શાખા શરૂ થઈ. (4) ઈ. સ. 1525માં નાગોરના રૂપચંદ, હીરાગર વગેરેએ ‘નાગોરી’ ઉપશાખા સ્થાપી. લોંકાગચ્છમાં માનનારને મૂર્તિપૂજક જૈનો ‘લુમ્પક-વેષધારી-ઉત્થાપક’ કહી ધિક્કારતા. કવિ લાવણ્યસૂરિએ લોકામતનું ખંડન કરતું પુસ્તક ‘સિદ્ધાંત ચોપાઈ’ જૂની ગુજરાતી ભાષામાં ઈ. સ. 1487માં રચ્યું હતું.
આ સંપ્રદાયના સાધુઓ ખંડેર જેવા એકાંત સ્થાન ‘ઢૂંઢા’માં રહેતા. તેથી તેઓ ‘ઢૂંઢિયા’ તરીકે પણ ઓળખાયા. ઈ. સ. 1514માં બીજ નામના અનુયાયીએ અલગ પડી ‘બીજમત’ની સ્થાપના કરી. એને ‘વિજયગચ્છ’ પણ કહેવામાં આવે છે. ઈ. સ. 1644માં લવજી ઋષિએ ‘સ્થાનકવાસી’ શાખા કાઢી જેનો થોડા સમયમાં ઘણો પ્રસાર થયો. તેમાં શરૂઆતમાં 22 ઋષિઓનું જૂથ હોવાથી ‘બાઇસટોલા’ કહેવાતા. વર્તમાનમાં ‘સ્થાનકવાસી’ સંપ્રદાયના સાધુ, સાધ્વી અને શ્રાવકોની સંખ્યા ઘણી મોટી છે. એના ‘છ કોટી’, ‘આઠ કોટી’, ‘લીંબડી સંપ્રદાય’, ‘ગોંડલ સંપ્રદાય’, ‘તેરા પંથ’ વગેરે વિભાગો પડ્યા છે. લોંકામતના સાધુઓ મૂર્તિપૂજામાં માનતા નથી. તેઓ મુખ પર ‘મુહપત્તી’ (કાપડની ચોક્કસ રીતે ઘડી પાડેલી પટ્ટી) દોરીથી કાન સાથે બાંધે છે, જ્યારે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સાધુઓ ‘મુહપત્તી’ હાથમાં રાખે છે અને મુખથી બોલે ત્યારે તેને મુખ આગળ ધરે છે, જેથી વાયુમાં રહેલા સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય.
મુગટલાલ પોપટલાલ બાવીસી